ઔકાત – 9 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઔકાત – 9

ઔકાત – 9

લેખક – મેર મેહુલ

બલીરામપુરમાં ગજબનો ટેબલો જામ્યો હતો. ગાંજો ભરેલા ટ્રકમાંથી હથિયારબંધ માણસો નીકળ્યાં હતાં અને દસ મિનિટમાં લાશોનો ઢગલો કરીને નીકળી ગયાં હતાં. પઠાણે પુરી વરદાતની માહિતી બદરુદ્દીનને આપી હતી. બદરુદ્દીનને જુદી જુદી જગ્યાએ ફોન જોડવાનું શરૂ કરી દીધું હતું. પહેલો ફોન તેણે રાવતને જોડ્યો હતો. વ્યવહારની નોંધણી કરાવ્યા પછીની બધી જવાબદારી પોલીસતંત્રની રહેતી. આજદિન સુધી આવો કોઈ કિસ્સો નહોતો બન્યો એટલે રાવત ગાફેલ રહ્યો હતો. એ કાફેલા સાથે મારતી જીપે ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો.

બદરુદ્દીને બીજો ફોન શશીકાંતને જોડ્યો હતો. શશીકાંતનાં કહ્યા મુજબ, તેણે માલની જ ડિલિવરી મોકલી હતી. જે માણસોએ આ ભૌકાલ મચાવ્યો હતો તે શશીકાંતનાં માણસો નહોતાં.

ત્યારબાદ બદરુદ્દીને બળવંતરાયને ફોન જોડ્યો હતો. બળવંતરાય આ ઘટનાથી સાવ અજાણ હતો. આખરે બદરુદ્દીન ખુદ ઘટનાં સ્થળ પર પહોંચી ગયો હતો.

બલીરામપુરનાં દક્ષિણ ભાગનાં ગોડાઉનને સિલ કરી દેવામાં આવ્યું હતું, રાવત અને રણજિત તેનાં કાફેલા સાથે સ્થળનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં. ફોટોગ્રાફર બધી ડેડબોડીનાં ફોટા લઈ રહ્યાં હતાં. બદરુદ્દીન ઘટનાં સ્થળ પર પહોંચ્યો ત્યાં સુધીમાં પાઠણને હોસ્પિટલ તરફ રવાના કરી દેવામાં આવ્યો હતો. એ સીધો રાવત તરફ આગળ વધ્યો.

“રાવત સાહેબ, અમે કાયદા મુજબ ચાલીએ છીએ તો પણ આવા અંજામ ભોગવવા પડે છે” બદરુદ્દીન ભૂરાયો થયો હતો, “આ ઘટના માટે માત્રને માત્ર તમે જ જવાબદાર છો”

“જુઓ મિયા, તમે નોંધણી કરાવતાં સમયે કાપડની ડિલિવરીનું જણાવ્યું હતું અને અહીં શેની ડિલિવરી થવાની હતી એ વાત સૌને ખબર જ છે” રાવતે ચાબુકની માફક વાર કર્યો, “તો કાયદાની વાતો તમે તો ના જ કરો”

બદરુદ્દીન હિમાલયનાં બરફની જેમ ઠંડો પડી ગયો.

“તો પણ રાવત સાહેબ, મારા અઢાર મજૂરોને ધોળા દિવસે ગોળીઓ મારવામાં આવી છે. એનો જવાબ તો આપવો પડશે” બદરુદ્દીને વ્યંગ અને નિંદા મિશ્રિત ભાવે કહ્યું.

“એનો જવાબ પણ મળી જશે શેખ સાહેબ” રાવતે બદરુદ્દીનની વાત હવામાં ઉછાળી દીધી, “પોલીસને પોતાનું કામ કરવા દો”

રાવત પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયો. બદરુદ્દીન બીજા લોકોને ફોન જોડવા બાજુમાં ખસી ગયો.

“ત્રેસઠ રાઉન્ડ ફાયર થયાં છે સર” રણજિતે રાવત પાસે આવીને કહ્યું, “બે બુલેટને બાદ કરતાં બધી બુલેટ સરખી જ છે”

“ત્રેસઠ નહિ રણજિત પાંસઠ” રાવતે કહ્યું, “બે ગોળી પઠાણનાં પગમાં છે”

“એ પણ આ જ બુલેટ હશે” રણજિતે કહ્યું.

“જો એ પણ આ જ બુલેટ હોય તો પઠાણ અત્યારે હોસ્પિટલમાં નહિ અહીં પડ્યો હોય. મારો અનુભવ કહે છે પઠાણને ધમકી આપીને છોડવામાં આવ્યો છે. બનવાજોગ છે, ટોળીનાં મુખ્ય વ્યક્તિએ તેની સાથે વાતચીત કરી હશે અને પછી ગોળી ચલાવી હશે. પઠાણનાં પગમાંથી જે બુલેટ મળે તેને આની સાથે મેચ કરો અને વહેલી તકે પઠાણનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો. ડેડબોડીને પીએમ માટે રવાના કરો અને આ જગ્યા સાફ કરો” રાવતે હુકમ કર્યો.

રણજિતે રાવતનાં હુકમનું પાલન કરતાં દીપકને હોસ્પિટલમાં બુલેટ અને સ્ટેટમેન્ટ લેવા મોકલી દીધો, સાથે એમ્બ્યુલન્સને ફોન કરીને ડેડબોડીની પણ વ્યવસ્થા કરી દીધી.

કાનૂની કાર્યવાહી પુરી કરીને રણજિત અને રાવત ચોકીએ પહોંચ્યા. ચોકીની બહાર ચાની લારી પાસે જીપ રોકી બંને ચા પીવા માટે નીચે ઉતર્યા.

“શું લાગે રાવત સાહેબ !, શશીકાંત આવું કરી શકે ?” રણજિતે પૂછ્યું.

“શશીકાંત !!” રાવતે વ્યંગમાં કહ્યું, “એની ઔકાત બહારની વાત છે, એ ફટ્ટુ મોટાભાઈની મહેરબાનીએ કેસરગંજ પર રાજ કરે છે. આમ પણ જો સૈનિકને ગાદી સોંપી દેવામાં આવે તો એ રાજા નથી બની જતો, લક્ષણો તો સૈનિકનાં જ રહે છે માટે શશીકાંત તો સપનામાં પણ આવું ન વિચારી શકે”

રણજિતે ચાવાળાને બે કપ માટે ઈશારો કરીને પૂછ્યું,

“તો બદરુદ્દીન જેવાં ખૂંખાર માણસને તેનાં જ ઘરમાં ઘૂસીને લાલકારવાની મૂર્ખામી કોણે કરી હશે ?”

“મને તારી પેલી વાર્તા થોડી થોડી સાચી લાગે છે, કોઈ ચોથો જ વ્યક્તિ છે જે આ બધી રમત રમે છે” રાવતે તર્ક લગાવ્યો.

“મતલબ તમારું કહેવું છે કે પહેલાં તેણે બદરુદ્દીનનો પ્લાન જાણીને શશીકાંતનું નામ આપીને બળવંતરાયની દીકરીને ધમકી આપી અને હવે શશીકાંતનાં ટ્રકમાં બેસીને બદરુદ્દીનનાં માણસોને માર્યા” રણજિતે કહ્યું, “જો આવું બન્યું હોય તો એ કોનાં તરફ છે એ વિચારવા જેવો સવાલ છે”

રણજિતની વાત સાંભળીને રાવત ચમકી ઉઠ્યો. જાણે કેસની કોઈ મોટી કડી મળી ગઈ હોય એમ તે ખુશ થઈ થયો.

“એ કોઈનાં તરફ નથી રણજિત” રાવતે કહ્યું, “આ વ્યક્તિ જે કોઈપણ છે એ ખૂબ જ શાતિર છે. બધા સાથે એ માઈન્ડ ગેમ રમે છે પણ રાવતનાં દિમાગ સામે ગમેતેવા મોટા રમતવીરો ધૂળ ચાંટતા થઈ જાય છે એ તેને નથી ખબર”

ચાનાં બે કપ આવ્યાં એટલે બંનેએ ચાને ન્યાય આપ્યો અને સાથે ચર્ચા પણ આગળ વધારી.

“તમે કંઈક સમજાય એવું બોલો સાહેબ” રણજિતે ગુંચવાઈને કહ્યું.

“તે જ અગાઉ કહ્યું હતું કે આ ચોથો માણસ પહેલેથી જ બધી તૈયારી કરીને આવ્યો હશે. તેણે પહેલાં બદરુદ્દીનનાં પ્લાન મુજબ શશીકાંતનું નામ આપીને શ્વેતાને ધમકી આપી એટલે એક તીરથી ત્રણ નિશાના લાગ્યા, જેની ચર્ચા આપણે અગાઉ કરી ચુક્યા છીએ. હવે થોડું વિચાર, બદરુદ્દીન શશીકાંતનું નામ આપીને શ્વેતાને ધમકી આપવાનો હતો એ વાત શશીકાંતને ખબર પડે તો શશીકાંત બદરુદ્દીનથી નારાજ થાય એ સ્વભાવિક વાત છે. આ જ વાતનો એ વ્યક્તિએ લાભ ઉઠાવ્યો છે. તેણે શશીકાંતનું નામ આપીને બદરુદ્દીનનાં માણસોને મારી નાંખ્યા. હવે બદરુદ્દીન અને શશીકાંત એકબીજાનાં જાની દુશ્મન બની ગયાં છે”

“ચાલો તમે કહો તો માની લઈએ. પણ મને એક વાત જણાવો, બદરુદ્દીનને વિશ્વાસ આવી ગયો છે કે આ કામ શશીકાંતનાં માણસોનું જ છે પણ શશીકાંત તો આ વાતથી અજાણ છે. બદરુદ્દીન હજી તેનાં માટે દુશ્મન નથીને !” રણજિતે નવો તર્ક કાઢ્યો.

“બની જશે” રાવતે કહ્યું, “જો આપણે જેમ વિચારીએ છીએ એમ જ બન્યું હશે તો હવે બદરુદ્દીનનું નામ આપીને એ વ્યક્તિ શશીકાંત પર વાર કરશે”

બંનેએ ચાનાં કપ ખાલી કર્યા. રોજની આદત મુજબ રણજિત ઉભો થઈને શીંગ લઈ આવ્યો. રાવતે સિગરેટ સળગાવી. રૂપિયા ચૂકવવા રણજિતે ગજવામાં હાથ નાંખ્યો એટલે તેનું ગજવું ખાલી નિકળ્યું, સામે રાવતે પણ એ જ જવાબ આપ્યો અને કેસેટની જેમ ફિટ થઈ ગયેલા ચાવાળાનાં શબ્દો ‘ રહેવા દો સાહેબ, પછી આપી દેજો’ બોલાયા, બંને ઑફિસર ચોકી તરફ રવાના થયાં. બંનેના ગયાં પછી ચાવાળાએ એ જ ગાળો આપી અને કોઈ ઈમાનદાર ઑફિસર આવે તેવી પ્રાર્થના કરી.

(ક્રમશઃ)