ઔકાત – 6 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઔકાત – 6

ઔકાત – 6

લેખક – મેર મેહુલ

કેશવ અને બળવંતરાય વચ્ચે જે વાત થઈ હતી એ શ્વેતાએ સાંભળી લીધી હતી. કેશવનાં ગયાં પછી શ્વેતા નીચે આવી.

“પાપા તમે આ શું કર્યું ?, જે માણસને જોઈને મને ગુસ્સો આવે છે એને જ મારો અંગરક્ષક બનવવાનું સુજ્યું તમને ?” શ્વેતાએ ફરિયાદ કરતાં કહ્યું.

“તું હજી માણસને ઓળખવામાં થાપ ખાય છે દીકરી, તારી રક્ષા માટે આનાથી શ્રેષ્ઠ માણસ નહોતો મળવાનો અને આડકતરી રીતે મેં તારી બેઇજતીનો બદલો પણ લઈ લીધો છે. જેણે તને બેઇજત કરી છે એ જ હવે તારી રક્ષા કરશે. આનાથી મોટી સજા શું હોય શકે ?” બળવંતરાયે વહાલથી પોતાની દીકરીને સમજાવી.

“તમે મારા માટે કોઈ નિર્ણય લીધો છે તો વિચાર્યું જ હશે ને !” શ્વેતાએ સસ્મિત કહ્યું.

“હવે મારી દીકરી સમજદાર થઈ ગઈ છે” બળવંતરાયે શ્વેતાનાં માથે હાથ પસવાર્યો, “જમી લે હવે, ભૂખ લાગી હશે તને”

બીજા દિવસની સવારે શ્વેતા કોલેજ જવા બહાર નીકળી ત્યારે કેશવ કારની બાજુમાં ઉભો હતો. શ્વેતાએ ઊડતી નજરે કેશવ પર ફેરવી. ઊંચાઈ પાંચ ફૂટ દસ ઈંચ, ઑવલ શેપનો ચહેરો અને ગોરો વાન, મજબૂત અને સ્નાયુબદ્ધ કસાયેલું શરીર. કેશવ ક્લીનશેવમાં હતો, લાંબા વાળને સ્ટાઇલ કરેલાં હતાં, તેણે બ્લ્યુ જીન્સ પર પ્લેન બ્લૅક શર્ટ પહેર્યો હતો, શર્ટની બાજુઓ કોણી સુધી સ્લીવ કરેલી હતી. શર્ટનું ઉપરનું બટન ખુલ્લું હતું. ગળામાં રહેલું સિલ્વર લોકેટ પહેલાં બટન સુધી દેખાતું હતું.

કેશવનું ધ્યાન શ્વેતા તરફ ગયું એટલે તેણીએ નજર ફેરવી લીધી.

“ગુડ મોર્નિંગ, મેડમ !!!” કેશવે કહ્યું.

શ્વેતા જવાબ આપ્યા વિના કારમાં જઈને બેસી ગઈ. કેશવે ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલ્યો અને અંદર બેસીને જોરથી બંધ કર્યો. કારનાં વચ્ચેનાં કાચમાં બંનેની આંખો ચાર થઈ. હાલ બંને ગુસ્સામાં હતાં. કેશવે કાર શરૂ અને કોલેજ તરફ દોરી. રસ્તામાં પણ બંને ચૂપ રહ્યાં. બંનેમાંથી કોઈને બોલવાની ઈચ્છા નહોતી.

બંને કોલેજ પહોંચ્યા એટલે શ્વેતા કારમાંથી ઉતરીને ચાલવા લાગી. કેશવે પણ ઝડપથી કાર પાર્ક કરી અને શ્વેતા પાછળ પાછળ ગયો.કેશવને પાછળ આવતાં જોઈને શ્વેતા અટકી ગઈ અને બરછીની ધાર જેવાં તીક્ષ્ણ સ્વરે બોલી, “કોમન રૂમમાં જઉં છું, આવવું છે જોડે ?”

“તમે અત્યારે કોમન રૂમમાં નહિ જઈ શકો મેડમ” કેશવે શાંત સ્વરે કહ્યું, “હજી ક્લાસ શરૂ નથી થયાં એટલે ઘણીબધી ગર્લ્સ હશે”

કેશવની વાત સાંભળીને શ્વેતા ધુંઆપુંઆ થઈ ગઇ.

“મારે ક્યારે શું કરવું એ તારે ડીસાઈડ નથી કરવાનું, ચુપચાપ અહીં ઉભો રહે” મોટી આંગળી દેખાડીને શ્વેતા કોમન રૂમમાં ચાલી ગઈ. કેશવ બહાર પાળી પર ટેકો આપીને ઉભો રહ્યો.

શ્વેતા જ્યારે બહાર આવી ત્યારે તેની સાથે મીરા પણ હતી. મીરાને જોઈને કેશવનાં ચહેરા પર આપોઆપ સ્માઈલ આવી ગઈ. મીરાં સંપૂર્ણ સફેદ ડ્રેસમાં રૂપસુંદરી લાગી રહી હતી. કેશવને કોમન રૂમની બહાર જોઈને તેને આશ્ચર્ય થયું, સાથે ડરનું એક લખલખું તેનાં શરીરમાંથી પસાર થઈ ગયું. એ કેશવ પાસે આવી અને ડર મિશ્રિત અવાજે કહ્યું, “કાલની વાત માટે અમે માફી માંગી લીધી છે મિસ્ટર….”

“કેશવ” કેશવે કહ્યું, “કેશવ મહેતા. હું અહીં કોઈ ઝઘડો કરવા નથી આવ્ય, હું તો…..” કેશવની વાત અધૂરી રહી ગઈ, શ્વેતાએ કેશવની વાત કાપીને પોતાની વાત જોડતાં કહ્યું, “નોકરી કરે છે મારાં પાપાને ત્યાં, મારો બોડીગાર્ડ છે. એક નોકરની ઔકાત છે એની મીરાં, તેનાથી ડરવાની જરૂર નથી”

“જુઓ મેડમ…”

“તારી વાતો સાંભળવા માટે અમારી પાસે ટાઈમ નથી અને આપણી વચ્ચે શું સંબંધ છે એ યાદ રાખજે. તું મારો બોડીગાર્ડ છે, દોસ્ત નથી. માટે બધી વાત મને સમજાવવાની જરૂર નથી. હું જેમ કહું, જ્યાં કહું ત્યાં તારે પાછળ પાછળ આવવાનું છે. સમજ્યો ?”

“છોડને શ્વેતા, ચાલ ક્લાસમાં જઈએ” મીરાએ શ્વેતાને વારતા કહ્યું. શ્વેતા નાક ફુલાવી, કેશવને આંખો બતાવીને રૂમ તરફ ચાલી. કેશવ પણ નતમસ્તક થઈને તેની પાછળ ગયો.

“આપણાં જ ક્લાસમાં છે આ ?” મીરાએ પૂછ્યું. કેશવ તેઓની બેન્ચથી ત્રણ બેન્ચ પાછળ બેઠો હતો.

“પપ્પાની કોલેજ છે, તેઓએ જ એક બંનેને એક ક્લાસમાં રાખવા કહ્યું હશે” શ્વેતાએ ચિડાઈને કહ્યું.

“હું શું કહું છું શ્વેતા, છોકરો ખરાબ નથી. કાલે આપણી પણ ભૂલ હતી. માફ કરી દે એને” મીરાએ શ્વેતાને સમજાવવાનો નાહક પ્રયાસ કર્યો. પ્રોફેસર ક્લાસમાં આવ્યાં એટલે શ્વેતા સિવાય બધાં ઉભા થઇ ગયાં. પ્રોફેસરે નીચે બેસવા ઈશારો કર્યો.

“તને બોઉ ચિંતા થાય છે એની” મીરા નીચે બેસી એટલે શ્વેતાએ તેનાં કાન પાસે જઈને કહ્યું, “પસંદ આવી ગયો છે તને ?”

“એવું કશું નથી !” મીરાએ વાત હવામાં ઉછાળી દીધી, “ મને તો તારી ચિંતા થાય છે, તને પસંદ આવી જશે તો એને મનાવવામાં મારાં ફીણ નીકળી જશે”

શ્વેતાએ સ્માઇલ કરી, આંખો મોટી કરીને ચૂપ રહેવા ઈશારો કર્યો. મીરાએ પાછળ ધ્યાન કર્યું. કેશવનું ધ્યાન મીરા તરફ જ હતું. કેશવે સ્માઈલ આપી એટલે મીરાએ પણ જવાબમાં સ્માઈલ આપી અને આગળ ફરી ગઈ.

“કોનો લેક્ચર છે ?” શ્વેતાએ કંટાળાજનક અવાજે પુછ્યું.

“લેક્ચર કોઈનો પણ હોય, આજે ઇન્ટ્રો જ ચાલશે” મીરાએ કહ્યું.

“ધત !!, અહીં મને બધા જ ઓળખે છે. મારે કોઈને ઇન્ટ્રો આપવાની જરૂર નથી અને કોઈના નામ જાણવામાં મને જરાય રસ નથી, ચાલ બહાર જઈએ”

“ના બેસ, પહેલાં લેક્ચરમાં બંક ના મરાય” મીરાએ શ્વેતાને અટકાવતાં કહ્યું.

“તું ભણેશ્વરી જ રહેજે, પેલી હરામીઓ પણ આજે નથી આવી. હું જઉં છું” કહેતાં શ્વેતા ઉભી થઈ અને બેગ ખભે રાખ્યું. પ્રોફેસરે શ્વેતા સામે જોયું, શ્વેતાએ કટાક્ષમાં સ્મિત કર્યું અને બહાર નીકળી ગઈ. અનિચ્છાએ કેશવ પણ ઉભો થયો, ‘સૉરી સર’ કહીને એ પણ બહાર નીકળી ગયો.

કેશવ બહાર નીકળીને શ્વેતા પાછળ ગયો. શ્વેતા પાર્કિંગ તરફ જતી હતી. કેશવને પાછળ આવતાં જોઈ એ ઉભી રહી ગઈ.

“તું કેમ બહાર આવ્યો ?” શ્વેતાએ ચીડ સાથે કહ્યું, “કોલેજમાં હું સેફ જ છું અને તારે ચોવીશ કલાક મારી પાછળ રહેવાની જરૂર નથી”

“સૉરી મેડમ, જ્યાં તમે સુધી ઘરે ના પહોંચો ત્યાં સુધી તમે મારી જવાબદારી છો” કેશવે કહ્યું.

શ્વેતાએ માથું કૂટ્યુ.

“મને તરસ લાગી છે, મારાં માટે પાણી લઈ આવીશ. પ્લીઝ !” શ્વેતાએ શાંત સ્વરે કહ્યું. કેશવે હકારમાં માથું ધુણાવ્યું.

“કારની ચાવી આપજે, ગરમી થાય છે. હું એ.સી.માં બેઠી છું”શ્વેતાએ કહ્યું. કેશવે શ્વેતાનાં હાથમાં ચાવી રાખી અને પાણી લેવા ચાલ્યો ગયો.

કેશવનાં ગયાં પછી શ્વેતા ઝડપથી કાર તરફ ગઈ. એ કાર સુધી પહોંચે એ પહેલાં ચાર નકાબધારી છોકરાં શ્વેતા પાસે પહોંચી ગયા અને શ્વેતાનું મોઢું દબાવીને બીજી કારમાં બેસારી દીધી. શ્વેતા છૂટવા માટે હાથ-પગ ચલાવતી હતી પણ એ મજુબત પકડમાં હતી.

શ્વેતાને કારમાં ધકેલીને બધાં કારમાં બેસી ગયાં અને પાર્કિંગમાંથી કાર બહાર કાઢી. કાર દરવાજા સુધી પહોંચી અને કરરર… બ્રેક લાગી. સામે કોલેજનો દરવાજો બંધ હતો. દરવાજાની આગળ કેશવ હાથમાં પાણીની બોટલ લઈને ઉભો હતો.

કારમાંથી એક માણસ બહાર આવ્યો, તેણે કમરે રાખેલી પિસ્તોલ બહાર કાઢી અને કેશવ તરફ તાંકી. કેશવે બંને હાથ ઊંચા કરી લીધાં.

“દરવાજો ખોલ” ગનધારી માણસે કેશવને ઉદ્દેશીને કહ્યું.

કેશવ પાછળ ઘૂમ્યો અને દરવાજો ખોલી દીધો. ગનધારી માણસ કારમાં બેઠો, બીજા દરવાજામાંથી શ્વેતાને બહાર ધક્કો મારવામાં આવ્યો અને કાર પુરવેગે દરવાજા બહાર નીકળી ગઈ.

કેશવ દોડીને શ્વેતા પાસે આવ્યો.

“તમે ઠીક છો ને મેડમ ?” કેશવે શ્વેતાને સહારો આપીને ઉભી કરી.

“ડોન્ટ ટચ મી” શ્વેતાએ કેશવને ધિક્કારીને કહ્યું, “એ લોકો મને લઈ જતાં હતાં અને તું બાયલાની દરવાજો ખોલીને ઉભો રહ્યો”

“એનાં હાથમાં હથિયાર હતા મેડમ, તમને કશું થઈ ગયું હોય તો !” કેશવે કહ્યું, “ અને તમે જ મને તમારાથી દૂર કરતાં હતાં, જો હું તમારી સાથે હોત તો આ ઘટનાં બનેત જ નહીં”

કેશવની વાત સાંભળીને શ્વેતા ઠંડી પડી.

“કોણ હતા એ લોકો ?” કેશવે પુછ્યું, “તમને કંઈ કહ્યું એણે ?”

“હા” શ્વેતાએ કહ્યું, “મારાં અંકલનાં માણસો હતાં, અત્યારે ચેતવણી આપવા આવ્યાં હતાં. જો શિવગંજ તેને ન આપ્યું તો બીજીવાર મને ઉઠાવી જશે એમ કહ્યું”

“તમે ઘરે ચાલો, અત્યારે તમે અહીં સુરક્ષિત નથી”

શ્વેતા ડરેલી હતી. થોડીવાર પહેલાં જે ઘટનાં બની હતી તેનાથી એને પરસેવો છૂટી ગયો હતો. શ્વેતા ચુપચાપ કારમાં બેસી ગઈ, કેશવે કાર બળવંતરાયની હવેલી તરફ ચલાવી.

(ક્રમશઃ)