ઔકાત – 8 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઔકાત – 8

ઔકાત – 8

લેખક – મેર મેહુલ

કેશવ હવેલીએથી સીધો કૉલેજે ગયો હતો. એ કોલેજે પહોંચ્યો ત્યારે શ્વેતાને ધમકી મળ્યાનાં સમાચાર પવનવેગે ફેલાય ગયાં હતાં. ઘણાં સ્ટુડન્ટસ ખુશ થઈ રહ્યાં હતાં પણ તેઓ બળવંતરાયનાં ડરને કારણે કશું બોલતાં નહોતાં. મીરાને પણ આ સમાચાર મળ્યા હતાં અને જ્યારે કેશવ તેની પાસે પહોંચ્યો ત્યારે મીરાએ કેશવ પર પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો.

“શું થયું શ્વેતાને ?, કોણ હતા એ લોકો ?, તું ઠીક છે ને ?”

“પહેલાં તમે ઊંડો શ્વાસ લો મેડમ અને શાંત થાઓ” કેશવે મીરાને શાંત પાડતાં કહ્યું, “આ લો પાણી પી લો”

મીરાએ પાણીની બોટલ હાથમાં લીધી અને અડધી બોટલ પેટમાં ઠાલવી દીધી. ત્યારબાદ કેશવે બધી ઘટનાં મીરાને કહી સંભળાવી.

“મેં શ્વેતાને સમજાવી હતી, એને તારી સાથે આટલું રુડલી બીહેવ કરવાની જરૂર જ નહોતી પણ એ ના સમજી” પુરી વાત સાંભળીને મીરાએ કહ્યું.

“એ જિદ્દી છે મેડમ, તેનાં પપ્પા સાથે મારી વાત થઈ ગઈ હતી એટલે તેને સહન કરવા સિવાય મારી પાસે બીજો ઓપશન નહોતો” કેશવે કહ્યું.

“મને ભૂખ લાગી છે, તું કેન્ટીનમાં આવે છે ?” મીરાએ પૂછ્યું.

“ચાલો, ભૂખ તો મને પણ લાગી છે” કેશવ પેટ પર હાથ ફેરવીને હળવું હસ્યો. બંને કેન્ટીનમાં ગયાં.

“તું મને મેડમ કેમ કહે છે ?, તું મારો બોડીગાર્ડ તો નથી” ખુરશી પર બેસતાં મીરાએ પુછ્યું.

“આદત છે, અજાણ્યાં વ્યક્તિને સન્માન આપવાનું મારાં સંસ્કારમાં ભળેલું છે” કેશવે કહ્યું.

“હવે આપણે અજાણ્યા નથી” મીરાએ ખભા ઉછાળ્યા, “તું કેશવ મહેતા છો, હું મીરા ભટ્ટ છું. આપણે હવે અજાણ્યા નથીને ?” કેશવનાં જવાબની રાહે મીરાએ માથું નીચું કરીને કેશવ સામે જોયું.

“ભલે આપણે અજાણ્યા નથી પણ તમને હું મેડમ જ કહીશ” કેશવે કહ્યું, “તમને એ વાત પર એતરાઝ હોય તો કહો”

“મને શું એતરાઝ હોય, પણ હું તને કેશવ જ કહીશ. તને વાંધો હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે” મીરાએ સ્માઈલ સાથે કહ્યું.

“નાસ્તો કરી લઈએ, નહીંતર મારાં પેટને વાંધો પડી જશે” કેશવે હસીને કહ્યું. મીરા પણ હસી પડી. સમોસા આવ્યાં એટલે બંનેએ તેને ન્યાય આપ્યો.

“તું મુંબઈથી આવ્યો છે ને !” મીરાએ પુછ્યું, “શ્વેતાએ કહ્યું હતું”

“અચ્છા, બીજું શું શું કહ્યું હતું શ્વેતા મેડમે ?” કેશવે સામે સવાલ કર્યો.

“કહ્યું તો ઘણુંબધું હતું, પુરી કોલેજમાં તું એક જ તેનાથી નથી ડરતો. તું ઘમંડી છે, તારામાં એટ્ટીટ્યુડ છે વગેરે વગેરે…”

“એવું શ્વેતા મેડમ વિચારે છે, તમે શું વિચારો છો ?”

“મને તો તું પહેલેથી જ સીધો છોકરો લાગ્યો. મતલબ કોઈ સામે ચાલીને લડવા આવે તો ડરપોકની જેમ ડરી થોડું જવાય. તે જે કર્યું હતું એ બરોબર જ કર્યું હતું પણ આ વાત શ્વેતાને કોણ સમજાવે ?, તેનાં પપ્પા શિવગંજનાં રાજા છે. શ્વેતા તેઓની દીકરી છે, એ ધારે તે કરી શકે”

મીરાની વાત સાંભળીને કેશવ ચૂપ થઈ ગયો. તેણે સમોસા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

“હું કંઈ ખોટું બોલી ?” મીરાએ કેશવ સામે જોઇને પુછ્યું.

“ના”

“તો કેમ ચૂપ થઈ ગયો !” મીરાએ કહ્યું, “ચૂપ રહેતાં લોકો મને નથી ગમતાં”

“હા હું મુંબઈથી અહીં કોલેજ કરવા આવ્યો છું” કેશવે મૌન તોડતાં કહ્યું.

“કોલેજ કરવા, છેક મુંબઈથી અહીં ?” મીરાને આશ્ચર્ય થયું, “મુંબઈમાં સારી કોલેજ ના મળી ?”

“મળે જ ને, મુંબઈ તો આનાથી દસ ગણું મોટું શહેર છે, પણ એક જિજ્ઞાસા મને અહીં ખેંચી લાવી છે. મેં શિવગંજ વિશે ઘણુંબધું સાંભળ્યું હતું. એ બધું સાચું છે કે નહી એ જાણવા માટે જ અહીં આવ્યો છું”

“તમારાં વિશે જણાવો , તમારો શું સીન છે ?” કેશવે પુછ્યું.

“એ બધી વાત પછી જણાવીશ, અત્યારે છેલ્લો લેક્ચર શરૂ થઈ ગયો હશે અને હું બંક નથી મારતી” કહેતાં મીરા ઉભી થઇ, “તારે આવવું હોય તો ચાલ, નહીંતર કાલે મળ્યા”

“ના, તમે જ જાઓ” કેશવે કહ્યું.

‘બાય’ કહીને મીરા ચાલવા લાગી. કેશવ બહાર જતી મીરાને જોતો જ રહ્યો.

*

“કેસરગંજથી બે ટ્રક રવાના થયા છે” પઠાણે ફોનમાં કહ્યું, “પશ્ચિમ ભાગનાં ગોડાઉનમાં ખાલી કરાવી દઉંને !”

“ત્યાં શિવગંજની સરહદ પડે છે, એ માલને દક્ષિણ ભાગનાં ગોડાઉનમાં ખાલી કરાવ” બદરુદ્દીને હુકમ કર્યો.

“જી માલિક” કહેતાં પઠાણે ફોન કાપી નાંખ્યો અને ડ્રાઇવરને બલીરામપુરનાં દક્ષિણ ભાગમાં ટ્રક લઈ આવવા કહ્યું. ત્યારબાદ થોડાં મજૂરોને લઈને એ પણ દક્ષિણ ભાગનાં ગોડાઉન તરફ રવાના થયો.

આ ત્રણ શહેરનો એક સામાન્ય નિયમ હતો. એક શહેરમાંથી બીજાં શહેરમાં જતાં ટ્રકને શિવગંજ શહેરનાં પોલિસ સ્ટેશનમાં ટ્રકની નોંધણી કરાવવી પડતી અને વેરાની રકમ ભરવી પડતી. આ નોંધણી કરાવવાની જવાબદારી જે વ્યાપારી પાસે ટ્રક આવતો હોય તેની રહેતી અને જો આ નોંધણી ન થાય તો બીજા શહેરમાં ટ્રક જઈ શકતો નહિ.

પઠાણે આ પેપરવર્ક અગાઉથી જ કરી દીધું હતું. તેની એક કૉપી શશીકાંતને મોકલી આપવામાં આવી હતી જેથી રસ્તામાં ટ્રકને રોકવામાં આવે તો બતાવી શકાય.

ટ્રક સાંજે પાંચ વાગ્યે પહોંચવાના હતા. પઠાણ સાડા ચાર વાગ્યે ગોડાઉને પહોંચી ગયો હતો અને બધી વ્યવસ્થા કરી લીધી હતી. પાંચ ઉપર થોડી મિનિટ થઈ એટલે બે લીલા ટ્રક ગોડાઉન બહાર આવીને ઊભા રહ્યાં. ચોકીદારે દરવાજો ખોલ્યો એટલે ટ્રક અંદર લાવવામાં આવ્યાં. ટ્રકનાં પાછળનાં ભાગને ભૂરા પ્લાસ્ટિકનાં જાડા કાગળ વડે આવરી લેવામાં આવેલાં હતાં, જેથી અંદર શું છે એ કોઈને ખબર ના પડે.

બંને ટ્રકને જ્યાં માલ ઉતારવાનો હતો ત્યાં સ્ટેન્ડ કરવામાં આવ્યાં ત્યારબાદ હાથમાં કાગળ લઈને બંને ટ્રકનાં ડ્રાઇવર નીચે ઉતર્યા. પઠાણે બંનેનાં હાથમાં રહેલા કાગળ તપસ્યા ત્યારબાદ કાગળનાં આવરણને હટાવવા ઈશારો કર્યો. ચાર મજૂરો ટ્રકનાં પાછળનાં ભાગમાં ગયા, તેઓએ પાછળથી કાગળ ઊંચો કર્યો.

તેમાંથી હથિયાર બંધ માણસો નીચે ઉતર્યા અને પેલાં ચાર મજૂરોને વીંધી નાંખ્યા. ગોળીઓનો અવાજ પૂરાં ગોડાઉનમાં ગુંજવા લાગ્યો. પઠાણ આ અણધાર્યા હુમલા માટે તૈયાર નહોતો. અચાનક થયેલાં હુમલાને કારણે એ ડરી ગયો અને દિવાલનો સહારો લઈને છુપાઈ ગયો. પાંચ મિનિટ થયેલાં ગોળીબારમાં ગોડાઉનનાં બધાં મજૂરો સહિત બે ડ્રાઇવરોની પણ લાશ પથરાઈ ગઈ હતી.

પઠાણ હજી દીવાલ પાછળ છુપાઈને બેઠો હતો. એ પૂરો ધ્રૂજતો હતો, તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. અચાનક ગોળીઓનો અવાજ બંધ થઈ ગયો. પઠાણે ડોકિયું કરીને જોયું તો પંદરેક જેટલાં માણસો ચહેરા પર નકાબ પહેરી, હાથમાં રાઈફલો રાખીને આમતેમ નજર કરતાં હતાં. પઠાણ ફરી લપાઈ ગયો. તેણે પોતાનાં મોં પર હાથ રાખી દીધો જેથી તેનાં શ્વાસ લેવાની ક્રિયાનો અવાજ ના આવે.

સહસા કોઈનાં આવવાની આહટ તેને સંભળાય. પઠાણ વધુ નીચે સરક્યો પણ એ નજરમાં આવી ગયો હતો. બે માણસ તેની પાસે આવ્યાં અને તેની તરફ રાઇફલ તાંકીને બહાર આવવા ઈશારો કર્યો. પઠાણે બંને હાથ ઊંચા કર્યા અને ઉભો થઈને બહાર આવ્યો. તેની સામે જે વ્યક્તિ ઉભો હતો તેની આંખોમાં આગ વરસતી હતી જેને જોઈને પઠાણ ધ્રુજવા લાગ્યો હતો. પઠાણે સાક્ષાત યમરાજને પોતાની નજર સામે જોઈ લીધો હોય એવો તેને ભાસ થતો હતો.

સામેવાળા વ્યક્તિએ પોતાની કમરેથી પિસ્તોલ કાઢી અને ઉપરા ઉપરી બે રાઉન્ડ પઠાણ તરફ ફાયર કર્યા. ગોળી તેનાં કાન પાસેથી પસાર થઈ ગઈ, પઠાણ ફરી ધ્રુજી ઉઠ્યો.

“શશીકાંત સાહેબનું નામ આપીને બળવંતરાય સાથે બદલો લેવાનું બદરુદ્દીનનું કાવતરું નાકામ ગયું છે, સાહેબને તમારાં વિશે બધી જ ખબર પડી ગઈ છે” એ વ્યક્તિની બાજુમાં ઊભેલાં એક વ્યક્તિએ કહ્યું, “આ એક ચેતવણી હતી, જો હવે આવું થયું તો બલીરામપુર તો રહેશે પણ તેમાં કોઈ માણસ નહિ રહે”

પિસ્તોલધારી માણસે પઠાણ તરફ ફરી બે રાઉન્ડ ફાયર કર્યા. આ વખતે બંને ગોળી પઠાણનાં બંને પગમાં લાગી ગઈ. પઠાણ ઘૂંટણભર આવી ગયો.

બે વ્યક્તિએ ટ્રક શરૂ કર્યા, બધા માણસો ટ્રકમાં ચડી ગયાં અને ટ્રક દરવાજો તોડીને બહાર નીકળી ગયો. ફરી વાતાવરણમાં સન્નાટો છવાય ગયો. પઠાણ ઢસડાતો ઢસડાતો ટેબલ પાસે આવ્યો. તેનાં પગમાંથી લોહી વહેતું હતું. તેણે પોતાની કફની ફાડીને બંને પગે પાટો બાંધી દીધો, ત્યારબાદ પોતાનો ફોન શોધીને તેણે બદરુદ્દીનને ફોન જોડ્યો,

“આપણી સાથે દગો થયો છે માલિક, શશીકાંતનાં ટ્રકમાં ગાંજો નહિ તેનાં માણસો હતાં. આપણાં ગોડાઉનનાં બધાં મજૂરોને મારી નાંખવામાં આવ્યાં છે અને મારાં બંને પગે પણ ગોળી મારવામાં આવી છે” પઠાણે કણસતા આવજે કહ્યું.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sanjay Bodar

Sanjay Bodar 8 માસ પહેલા

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા

Vrushti Butani

Vrushti Butani 2 વર્ષ પહેલા

Chahat Patel

Chahat Patel 2 વર્ષ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 વર્ષ પહેલા