ઔકાત – 1 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

ઔકાત – 1

ઔકાત – 1

લેખક – મેર મેહુલ

બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ ચેર પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો.

“જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે”

બળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે પણ તેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની વ્યક્તિનાં મનમાં ડર પેદા થવાની સંભાવના હંમેશા રહેતી હતી.

બળવંતરાય ઊભા થયાં, ટેબલનાં ખાનામાંથી રિવોલ્વર લઈને ગજવામાં રાખી અને મંગુને આગળ ચાલવા ઈશારો કર્યો.

ગુજરાતની ઉત્તર-પૂર્વ સરહદે આવેલા શિવગંજ શહેરમાં બળવંતરાય મલ્હોત્રાનું મોટું નામ હતું. તેનાં નામથી અત્યાધુનિક શાળાઓ, કૉલેજો, રસ્તા-ચોક , યતિમખાનાઓ, ગૌશાળા, સહકારી મંડળીઓ હતી. બળવંતરાય અહીંના નામદાર અને સૌથી મોટા વેપારી હતાં. પૂરાં શિવગંજ પાસે જેટલી સંપત્તિ નહોતી એટલી સંપત્તિ માત્ર બળવંતરાય પાસે હતી.

શહેરીનાં નામચીન વિસ્તારમાં તેની ત્રણ મજલાની ઝાંઝરમાન મોટી હવેલી હતી. હવેલીનાં પ્રાંગણમાં ચાર વિલાયતી મોટરકાર રહેતી.

બળવંતરાયને બે દીકરા અને એક નાની દીકરી હતી. મોટો દીકરો ત્રણ વર્ષ પહેલાં જ વિલાયત ચાલ્યો ગયો હતો, બીજા નંબરનો દીકરો જયવંતરાય મલ્હોત્રા પિતાનાં કામમાં સાથ આપતો અને નાની દીકરી શ્વેતા મલ્હોત્રા હતી.

મંગુએ મોટરકાર ચલાવી, બળવંતરાય હજી ગહન વિચારમાં ખોવાયેલાં હતાં. સહસા મંગુએ તેનાં વિચારોની શ્રેણીને ભંગ કરતાં કહ્યું, “આટલું બધું ના વિચારો દાદા, બધું બરાબર થઈ જશે”

“મને એની ચિંતા નથી મંગુ” તીખા પણ શાંત અવાજે બળવંતરાય બોલ્યા, “મને જયુની ચિંતા થાય છે, કેટલાં દિવસો સુધી હું તેનાં આવા કામો પર પડદો નાંખતો રહીશ”

“એ વાત તો છે દાદા, થોડાં દિવસોમાં જયુભાઈની રાવ વધી ગઈ છે. મનફાવે એવું વર્તન કરે છે, તમે કંઈક સમજાવો એને” કાર હંકારતા હંકારતા બળવંતરાય સામે જોઇને મંગુએ કહ્યું. જવાબમાં બળવંતરાયે માત્ર આંખ બતાવી. પોતે વધુ બોલી ગયો છે એનું ભાન થતાં મંગુએ ‘માફ કરશો દાદા’ એમ કહીને કાર ચલાવવા પર ધ્યાન આપ્યું. કાર શિવગંજનાં પોલીસ ઇન્સ્પેક્ટર રણજિત નાગરનાં ઘર તરફ આગળ વધી રહી હતી.

સવારનો સમય હતો, ઇન. રણજીત ચોકી તરફ જવા તૈયાર થઈને બહાર આવ્યો એ જ સમયે બળવંતરાયની કાર ખડકી પાસે આવીને ઉભી રહી. મંગુએ ઉતરીને કારનો દરવાજો ખોલ્યો, બળવંતરાય બહાર આવ્યાં.

“અરે દાદા !, તમે કેમ અહીં આવવાની તકલિફ લીધી, મને જ બોલાવી લીધો હોત” બળવંતરાયનાં ચરણ સ્પર્શતાં ઇન. રણજીતે કહ્યું.

“વાત ગંભીર છે” બળવંતરાયે શાંત સ્વરે કહ્યું.

“આવો અંદર બેસીને વાત કરીએ” ઇન. રણજિતે આગ્રહ કર્યો. બધાં બેઠકરૂમમાં ગયાં. રણજિત સ્ટ્રેમાં બે પાણીનાં ગ્લાસ લઈ આવ્યો.

“નાસ્તામાં શું લેશો દાદા ?” રણજિતે કાઉચમાં બેસતાં પુછ્યું.

“નાસ્તો પછી ક્યારેક કરીશું, અત્યારે મારી વાત સાંભળો” બળવંતરાયે કહ્યું, “કાલે જે ઘટનાં બની એનાં વિશે તો તમે માહિતગાર જ હશે”

“પૂરેપૂરો દાદા, એટલે જ કોન્સ્ટેબલ મારફત તમારા સુધી સંદેશો મોકલાવ્યો હતો”

“તો આગળ શું કરવાનું છે એ પણ તમને ખબર જ હશે ને !!!” બળવંતરાયે આંખો ઝીણી કરીને ઇન્સપેક્ટર તરફ જોયું.

“આ વખતે એક પ્રોબ્લેમ છે દાદા” સહસા રણજિતનાં કપાળે પરસેવો વળી ગયો, તેની જુબાન કંટાય ગયેલાં ઓજાર જેવી થઈ ગઈ, “પૂરાં શિવગંજમાં જો બીજાં કોઈ સાથે તેણે આવું કર્યું હોત તો હું મામલો સંભાળી લેત પણ સામે જે વ્યક્તિ છે એ નિષ્ઠાવાન છે, તમારા નામનો એને જરા સુધ્ધાં ડર નથી”

“એ બધી વાત મને ખબર છે ઇન. રણજિત” બળવંતરાયે મંગુને ઈશારો કર્યો એટલે મંગુ બહાર ચાલ્યો ગયો. બળવંતરાયે પોતાની વાત આગળ ધપાવી, “આ કેસમાં જયુનું નામ ના આવવું જોઈએ, બાકી હું સંભાળી લઈશ”

“જો એ માસ્તર જુબાની ન આપે તો જયુભાઈનું નામ નહિ આવે એની જવાબદારી હું લઉં છું” રણજિતે રૂમાલ વડે કપાળ પરથી પરસેવો લૂછતાં કહ્યું.

મંગુ હાથમાં એક બ્રિફકેસ લઈને બેઠકરૂમમાં પ્રવેશ્યો.

“તમારી પાસે આ જ આશા હતી ઇન. રણજિત” બળવંતરાયે મંગુને ઈશારો કરીને કહ્યું. મંગુએ બ્રિફકેસ રણજિતનાં હાથમાં આપી.

“આની શું જરૂર હતી દાદા” થોડી ભોંઠપ અને લાલચુ નજર મિશ્રિત અવાજે રણજિતે હળવું હસ્યો.

“લઈ લો, મહાકાલે આનાં પર તમારું નામ જ લખ્યું હશે” બળવંતરાયે કહ્યું. રણજિતે હકારમાં માથું ધુણાવ્યું અને બ્રિફકેસ સાઈડમાં રાખી દીધી. બળવંતરાય ઊભાં થયાં, તેની સાથે રણજીત પણ ઉભો થયો.

“રાવત સાહેબ સુધી મીઠાઈ પહોંચાડી દેજો” બળવંતરાયે બે હાથ જોડીને કહ્યું, “જય મહાકાલ”

“જય મહાકાલ દાદા” રણજિતે પણ બે હાથ જોડ્યા. બળવંતરાય અને મંગુ દરવાજો ચીરીને નીકળી ગયાં. બહાર આવીને બળવંતરાયે મંગુને એક કામ સોંપ્યું જે મંગુ માટે ચપટી વગાડવા જેવું હતું.

બીજી તરફ ખુશ થઈને રણજિતે બ્રિફકેસ હાથમાં લીધું અને ટેબલ પર રાખીને ખોલ્યું. અંદર પાંચસોની નોટનાં દસ બંડલ હતાં. સવાર સવારમાં પાંચ લાખ જોઈને એ થનગની ઉઠ્યો. રૂપિયા લોકરમાં રાખી એ ચોકી તરફ રવાના થયો.

*

“છોટુને ચા માટે કહી દે દિપક” રણજિતે લાકડાની ખુરશી પર બેસતાં કહ્યું. હવલદાર દિપક હકારમાં માથું ધુણાવીને બહાર ચાલ્યો ગયો. દિપક ગયો એટલે રણજિતે ટેબલ પર રહેલું FIR નું રજીસ્ટર હાથમાં લીધું. ગઈ કાલે જે FIR નોંધવામાં આવી હતી એ પેજ ખોલીને તેમાં નજર ફેરવી. સમય : 11:34 am,

જયવંતરાય બળવંતરાય મલ્હોત્રા ઉર્ફે જયુ નામનાં વ્યક્તિ દ્વારા 19 વર્ષીય નિશા સોલંકી નામની છોકરીને કોલેજ બહારથી અગવાહ કરવાનો આરોપ, ત્રણ કલાક સુધી પોતાની હવસ શમાવ્યા બાદ બેરહેમીથી ગળા પર, ચહેરા પર અને ગુપ્ત અંગો પર વાર કરીને હત્યા કરવાનો આરોપ, હત્યા કર્યા બાદ છોકરીનાં ઘર સામે મૃતદેહને ફેંકી દેવનો આરોપ. આ ઘટનાં વિજયકાંત પંડિત નામનાં માસ્તરે પોતાની નજર સમક્ષ જોઈ હતી. તેણે જ જયવંતરાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને અદાલતમાં જુબાની આપવાની તૈયારી બતાવી હતી.

દિપક હાથમાં ચાનો કપ લઈને પ્રવેશ્યો એટલે રણજિતે રજીસ્ટર બંધ કરીને ટેબલ પર રાખ્યું.

“સાહેબ, પછી ફોન આવ્યો હતો કે નહીં ?” દીપકે લાલચભરી નજર રણજિત તરફ ફેંકીને પુછ્યું.

“કોનો ?” રણજિત જાણીજોઈને અજાણ બન્યો.

“બળવંતરાયની વાત કરું સાહેબ, મને લાગ્યું કાલે તમે સંદેશો મોકલ્યો હતો એ પછી બળવંતરાયે ફોન કર્યો હશે” દીપકે પૂર્વવત અવાજે કહ્યું.

“હું એની જ રાહ જોઇને બેઠો છું, ફોન આવે તો તારાં હિસ્સાની રકમ પહેલાં માંગી લઈશ” રણજિતે ખંધુ હસીને કહ્યું.

“શું મજાક કરો છો સાહેબ” દિપક ભોંઠો પડ્યો, “મૌતને આમંત્રણ આપવા જેવી વાત ના કરો”

“તો પછી ઠંડક રાખ, મલ્હોત્રા પરિવારની દુઃખતી રગ અત્યારે આપણાં હાથમાં છે. પચાસ હજાર જેટલા તો લેવાનાં જ છે” રણજિતે ચાની સુસ્કી લઈને કહ્યું.

“એ તો મળી જશે પણ પેલાં પંડિતનું શું કરશો ?, એ પોતાને નિષ્ઠાવાન અને જવાબદાર નાગરિક સમજે છે. એ આજે સવારે આવ્યો હતો અને જો તેને ન્યાય ન મળ્યો તો PIL ફાઇલ કરવાની વાત કરતો હતો”

ચા પુરી કરીને રણજિતે ખાલી કપ ટેબલ પર રાખ્યો. ગજવામાંથી સિગરેટ કાઢીને બે હોઠ વચ્ચે દબાવી, લાઈટર વડે સિગરેટ સળગાવી તેણે ઊંડો કશ ખેંચ્યો અને એક સાથે ધુમાડો બહાર કાઢ્યો.

“એ બધું હું જોઈ લઈશ, છોકરીનાં પી.એમ. રિપોર્ટની તાપસ કરાવ ” રણજિતે કંટાળાજનક અને અણગમા મિશ્રિત અવાજે કહ્યું. દિપકે ચાનો ખાલી કપ હાથમાં લીધો અને ‘જી સાહેબ’ કહેતાં બહાર નીકળી ગયો.

દિપક બહાર ગયો એટલે સુપ્રીડન્ટ અધિકારી કિશોર રાવત ચોકીમાં પ્રવેશ્યાં. ઉપરી અધિકારીને અંદર આવતાં જોઈ રણજિતે સિગરેટને એશટ્રેમાં દબાવીને બુઝાવી દીધી અને ઉભા થઈને સલામી ઠોકી. કિશોર રાવતે હાથ વડે ઈશારો કરી બેસવા કહ્યું.

“નિશા સોલંકીનાં કેસમાં કોઈ પ્રોગ્રેસ ?” રાવતે સીધો સવાલ કર્યો અને પાછળથી શૈતાની સ્મિત સાથે ઉમેર્યું, “આપણાં લેવલથી !”

“આજે રાતે ડિનર માટે આવો” રણજિતે હસીને કહ્યું, “તમારાં માટે ખાસ મીઠાઈ મંગાવી છે”

“સારું ચલો, આવા કેસ આવતાં રહે તો આપણું રસોડું ચાલતું રહેશે” રાવતે કહ્યું.

“એ તો ચાલતું રહેશે પણ થોડાં દિવસથી જયવંતરાયની રાવ વધી ગઈ છે, મનફાવે એને ઉઠાવી લે છે અને મનફાવે એને ગાજર-મૂળાની જેમ કાપી નાંખે છે. તમે ગોવાની ટ્રીપ પર ગયાં ત્યારે તેણે દસ વર્ષનાં છોકરાની જીભ કાપી નાંખી હતી”

“એ બધું તો ચાલતું જ રહેશે અને આમાં આપણો જ લાભ છે. જો જયવંત ક્રાઈમ નહિ કરે તો આપણને મીઠાઈ નહિ મળે અને મીઠાઈ નહિ મળે તો…સમજે છે ને તું…!!!” રાવતે અધૂરું વાક્ય છોડીને જવાબ મેળવવા રણજિત સામે જોયું.

“હું તો સમજુ જ છું પણ બળવંતરાય ક્યારે સમજશે ?, આ વખતે તેનો પનારો જેની સાથે પડ્યો છે એ નાની-સુની હસ્તી નથી. ખબર મળી છે કે નિશા સોલંકીનો કેસ અજિતનાથે હાથમાં લીધો છે અને તમે એનાં વિશે તો માહિતગાર છો જ”

“સાપ અને નોળીયા વચ્ચે જંગ થાય તો ત્યાં આપણે માથું મારવા ન જવાય, સાપ મરે કે નોળિયો આપણે બસ દર્શક બનીને જોવાનું જ હોય” રાવતે કંટાળાજનક અવાજે કહ્યું. રણજિત સમજી ગયો. તેણે વાત બદલી,

“સિગરેટ લેશો ?”

રાવતે હકારમાં માથું ધુણાવ્યું. રણજિતે સિગરેટ કાઢીને રાવતનાં હાથમાં આપી અને લાઈટર સળગાવ્યું.

“આજે રાત્રે નવ વાગ્યે હું ડિનર માટે આવીશ” રાવતે સિગરેટનો કશ ખેંચીને કહ્યું. રણજિતે સહમતી સાથે આંખો પલકાવી. રાવત ઉભો થયો. ટેબલ પર રહેલી કેપ લીધી અને બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)