ઔકાત – 22 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઔકાત – 22

ઔકાત – 22

લેખક – મેર મેહુલ

“શ્વેતાની હત્યા થઈ છે એવું હજી સાબિત નથી થયું, તેણે સ્યુસાઇડ કર્યું હોય એવું પણ બની શકે” રાવતે મીરા તરફ વેધક નજરે જોઈને કહ્યું, “અને એનું કારણ તમને ખબર હોવું જોઈએ”

“સૉરી સર, હું કંઈ સમજી નહિ” મીરાએ ગુંચવણભર્યા અવાજે કહ્યું.

“હું સમજાવું” કહેતા રાવતે ટેબલનું ડ્રોવર ખોલ્યું અને તેમાંથી એક વસ્તુ કાઢીને ટેબલ રાખી.

ટેબલ પર રાખેલી વસ્તુ જોઈને બધાં ચોંકી ગયાં.

“આ શું મજાક છે ?” મીરા બરાડી, “કોનું છે આ ?”

“આ શ્વેતાની અલમારીનાં ડ્રોવરમાંથી મળી” રાવતે પ્રેગા ન્યૂઝ કીટ તરફ ઈશારો કરીને કહ્યું.

“બની જ ના શકે” મીરાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, “શ્વેતા પ્રેગ્નન્ટ નહોતી”

“આવું જ બન્યું છે મિસ. મીરા, શ્વેતા પ્રેગ્નન્ટ હતી કે પછી માત્ર તેણે ટેસ્ટ કર્યા હતા એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડી જશે પણ એક વાત નક્કી છે, શ્વેતાએ ડિપ્રેશનમાં આવીને સ્યુસાઇડ કર્યું હોય તેની સંભાવના વધુ છે”

“સરની વાતને હું પણ સમર્થન આપું છું” કેશવે કહ્યું, “મેડમને ખ્યાલ આવી ગયો હશે કે પોતે પ્રેગ્નન્ટ થવાનાં છે એટલે જ તેઓએ મને તાત્કાલિક પ્રપોઝ કર્યો હશે ?”

“શું કહ્યું ?” રાવતે કેશવ તરફ જોઈને પુછ્યું, “શ્વેતાએ તમને પ્રપોઝ કર્યો હતો !, ક્યારે ?”

“કાલે સાંજે જ” કહેતાં કેશવે પુરી ઘટનાં રાવતને કહી સંભળાવી.

“જ્યારે તેઓએ મને પામવા કંઈ પણ કરી ગુજરવાની મનશા બતાવી અને મારી સાથે હાથચલાકી કરી ત્યારે મેં તેઓને લાફો માર્યો હતો અને આ મુદ્દા પર પછી વાત કરવાનું કહીને હું નીકળી ગયો હતો” કેશવે વાત પૂરી કરી.

“એ પહેલાં ક્યારેય શ્વેતાએ તમને હિન્ટ આપી હોય અથવા ઈશારો કર્યો હોય એવું બન્યું છે ?” રાવતે પૂછ્યું.

“ના, પહેલીવાર જ આવું બન્યું હતું” કેશવે કહ્યું.

“તમે શિવગંજમાં નવા છો, પહેલાં તમને ક્યારેય નથી જોયા” રાવતે કેશવને ઉદ્દેશીને કહ્યું.

“હા સર, હું મુંબઈથી કૉલેજ કરવા અહીં આવ્યો છું” કેશવે કહ્યું.

“શ્વેતા પણ મુંબઈથી જ આવી છે કદાચ” રાવતે આંખો પર શિકન લાવીને કહ્યું, “તમે બંને પહેલા એકબીજાને ઓળખતાં એવું નથી ને ?”

“ના સર, મેં કોલેજનાં પહેલા દિવસે જ મેડમને જોયા હતા. મુંબઈથી બંનેનું અહીં આવવું એ સંજોગમાત્ર બન્યું છે”

“જુઓ મી. કેશવ, પોલીસ સંજોગો પર વિશ્વાસ નથી કરતી. શ્વેતા સાથે છેલ્લી વાતચીત તમારી જ થઈ હતી અને તમે શ્વેતા સાથે વધુ સમય પસાર કર્યો છે માટે શંકાની સોય તમારાં તરફ વળી છે. તમે સહકાર આપશો તો જ તમે બચી શકશો” રાવતે કડક શબ્દોમાં કહ્યું.

“હું સાચું જ બોલું છું” કેશવે આત્મવિશ્વાસ સાથે કહ્યું, “તમે ગમે ત્યારે મને પૂછપરછ માટે બોલાવી શકો છો, હું સહકાર આપવા તૈયાર છું”

“ગુડ, તમે લોકો હવે જઈ શકો છો. જરૂર પડશે તો બીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવશે” રાવતે કહ્યું.

“થેંક્યું સર” કહેતાં બધાં ઉભા થયાં.

“એક મિનિટ મી.કેશવ” રાવત પણ ઉભો થયો, “તમે શ્વેતાને ક્યાં ગાલ પર તમાચો માર્યો હતો ?”

કેશવે પોતાનાં હાથ સામે જોયું, પછી જમણો હાથ ઊંચો કરીને કહ્યું, “મેં જમણા હાથથી તમાચો માર્યો હતો એટલે મેડમનાં ડાબા ગાલ પર લાગ્યો હશે”

“સારું, તમે લોકો જઈ શકો છો” રાવતે કહ્યું.

કેશવ અને બધી છોકરીઓ ચોકીની બહાર નીકળ્યા. એ લોકોનાં ગયાં પછી રણજિત હાથમાં એક ખાખી રંગનું કવર લઈને અંદર પ્રવેશ્યો.

“શું છે એ કવરમાં ?” રાવતે પુછ્યું.

“ઓર્ડર છે” રણજિતે કહ્યું, “શિવગંજમાં કોઈ નવા IPS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે”

“બળવંતરાયનું જ કામ હશે આ, કમજાત સાલો” રાવતે કવર હાથમાં લઈને ખોલતાં ગાળો આપી, “જોઈએ કોણ છે નવા અધિકારી”

“મનોજકુમાર, ઉત્તરપ્રદેશ. ઉંમર સત્યાવિશ વર્ષ” રાવત હસ્યો, “હવે નાના બાળકો પોલીસ ચોકી સંભાળશે”

“તેઓનાં સ્વાગતની વ્યવસ્થા માટે ઉપરથી ઓર્ડર આવ્યાં છે” રણજિતે કહ્યું.

“છોકરાનું શું સ્વાગત કરવાનું હોય, આપણી નીચે જ ટ્રેનિંગ લેવાની છે એને” કહેતાં રાવતે કાગળને ટેબલ પર રાખ્યાં, “ચા માટે કહી દે રણજિત, માથું ભમે છે મારું”

હકારમાં માથું ધુણાવી રણજિત બહાર ગયો અને થોડીવાર પછી હાથમાં ચાનો કપ અને થોડાં પેપર લઈને રાવતનાં રૂમમાં પ્રવેશ્યો.

“શ્વેતાનાં મોબાઇલની કૉલ ડિટેઈલ્સ આવી ગઈ છે” રણજિતે પેપર ટેબલ પર રાખીને ચાનો કપ રાવતનાં હાથમાં આપ્યો.

“લાવો જોઈએ, છેલ્લા ત્રણ-ચાર દિવસમાં તેણે કોની સાથે વાત કરી છે” કહેતાં રાવતે કાગળ હાથમાં લીધો. વારાફરતી એ નંબર જોતો ગયો. છેલ્લો કૉલ કેશવનાં નામે સેવ હતો, તેની પહેલાં તેણે મીરાંને કૉલ કરેલો હતો અને તેની પહેલાં કોઈ અજાણ્યો નંબર હતો. રાવત નીચે નજર ફેરવતો ગયો. પેલો અજાણ્યો નંબર હતો તેનાં કૉલ વારંવાર લિસ્ટમાં આવતાં હતાં. રાવતે એ નંબરનાં કૉલ ડ્યુરેશન જોયા. શ્વેતાએ તેની સાથે લાંબી વાતો કરેલી હતી.

“રણજિત, આ નંબર નોટ કરો અને કોનો છે એની તપાસ કરો” રાવતે કાગળ રણજિતનાં હાથમાં આપીને કહ્યું, “પોસ્ટમોર્ટમ રિપોર્ટનું શું થયું ?”

“કાલે સવારે આવી જશે” રણજિતે કહ્યું, “સાંજ સુધીમાં ફોટા અને ફિંગરપ્રિન્ટનાં રિપોર્ટ આવી જશે”

“ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનો નંબર મળશે ?” રાવતે પૂછ્યું.

“લખી લો” કહેતાં રણજિતે પોતાનો મોબાઈલ કાઢીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનો નંબર આપ્યો.

“શું નામ છે ભાઇનું ?”

“સાગર”

રાવતે સાગરને ફોન જોડ્યો.

“જી રાવત સાહેબ” સાગરે ફોન રિસીવ કરીને કહ્યું.

“રિપોર્ટ તૈયાર થઈ ગયો ?” રાવતે પૂછ્યું.

“ફિંગરપ્રિન્ટસ તો મળી ગઈ છે, આપણે જે બ્લડનાં સેમ્પલ લીધાં હતાં એ ટેસ્ટ કરવવા મોકલ્યા છે. એ આવી જાય એટલે રિપોર્ટ ચોકીએ પહોંચાડી દઈશ” સાગરે કહ્યું.

“ફિંગરપ્રિન્ટ રિપોર્ટમાં શું આવ્યું ?, બધી એક જ વ્યક્તિની છે કે જુદાં જુદાં ?”

“તમે જે કાચનો ટુકડો આપ્યો હતો તેનાં પર જુદાં વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે, જ્યારે અલમારીમાં રહેલા ડ્રોવરનાં હેન્ડલ પર અને પેલી સ્કેલ પર બીજા કોઈની ફિંગરપ્રિન્ટ છે” રાવતે કહ્યું.

“તો પછી સ્કેલ પર જે બ્લડ છે એ પણ શ્વેતાનું નહિ હોય, એનાં રિપોર્ટ પણ આવશ્યક છે”

“એ રિપોર્ટ કાલ સવાર સુધીમાં મળી જશે” સાગરે કહ્યું.

“તમે ફ્રી હોવ તો કાલે સવારે આવજો, મારે થોડાં લોકોનાં ફિંગરપ્રિન્ટ લેવાનાં છે” રાવતે વિનંતી કરીને કહ્યું.

“કેમ નહિ, હું પણ સાથે આવી જઈશ” સાગરે કહ્યું, “જેનાં ફિંગરપ્રિન્ટ લેવાનાં છે તેઓને બોલાવી લેજો”

“આભાર” કહેતાં રાવતે ફોન કાપી નાંખ્યો.

“તમારાં મગજમાં શું ચાલે છે ?” રણજિતે પૂછ્યું, “કોઈ સબુત હાથ લાગ્યું છે ?”

“સબુત તો હાથમાં લાગ્યું જ છે પણ મને ઘણાં લોકો પર શંકા જાય છે” રાવતે નમણે હાથ રાખીને કહ્યું, “કેશવે જેવી રીતે વાત કરી એ પરથી એ પણ શંકાનાં દાયરામાં છે, બળવંતરાયે ગઈ કાલે જેવી રીતે વર્તન કર્યું એ પણ અને તેનો નોકર ગોપાલ. કેશવનાં જણાવ્યા મુજબ એ જ્યારે શ્વેતાનાં રૂમની બહાર નીકળ્યો ત્યારે એ ગોપાલ સાથે અથડાયો હતો”

“એક કામ કર, કાલે બધાને ચોકીએ બોલાવી લે” રાવતે કહ્યું, “બધાની ફિંગરપ્રિન્ટ લઈને સ્કેલ પરની ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરીશું. જેની મેચ થાય એ જ હત્યારો હશે”

(ક્રમશઃ)