Ability - 21 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 21

ઔકાત – 21

લેખક – મેર મેહુલ

હવેલીની મહેફિલ વિખેરાઈ ગઈ હતી. લાઈટો બધી બંધ થઈ ગઈ હતી, બધા પોતાનો સામાન સમેટીને નીકળી ગયાં હતાં.

હવેલીથી થોડે દુર અંધારામાં એક દીવાલ પાસે બે ઓળા નજરે ચડતાં હતા. અંધારાને કારણે એ કોણ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું નહોતું. બંને માનવકૃતિ વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ રહી હતી.

“મેં તને રૂમની તપાસ કરવા કહ્યું હતું, શ્વેતાને મારવા નહોતું કહ્યું” એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખીજાય રહ્યો હતો.

“હું રૂમની તપાસ માટે જ ગઇ હતી પણ જ્યારે મેં શ્વેતાનો મૃતદેહ જોયો ત્યારે હું ડરી ગઇ, તો પણ મેં તમે કહી હતી એ વસ્તુ શોધવાની કોશિશ કરી જ હતી પણ મને ના મળી”

“મેં તને કહ્યું તો હતું કે એ વસ્તુ અલમારીનાં ડ્રોવરમાં છે” પેલો વ્યક્તિ વધુ ગુસ્સામાં બોલ્યો.

“ડ્રોવર લૉક હતું, મેં સ્કેલ વડે ડ્રોવરને ખોલવાની કોશિશ કરી હતી પણ સ્કેલનો એક ખૂણો મારા હાથ પર વાગી ગયો”

“છોડ એ બધું, પોલીસ તપાસમાં સાવચેતી રાખવી પડશે. ભૂલથી પણ આ વાત બહાર ના આવવી જોઈએ”

*

પોસ્ટમોર્ટમની પ્રોસેસ પછી રાત્રે બે વાગ્યે હવેલીએ લાશ સોંપવામાં આવી હતી. વહેલી સવારે શ્વેતાને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા જેમાં શિવગંજનાં હજારો લોકો શામેલ થયાં હતાં. આશ્ચર્ય વચ્ચે શ્વેતાનો સગો ભાઈ, જસવંતરાય હજી સુધીમાં આવ્યો નહોતો. તેને આ ઘટનાની જાણ કરવામાં નહોતી આવી અથવા જાણીજોઈને તેને દૂર રાખવામાં આવતો હતો. અગ્નિસંસ્કારની વિધિ પતાવીને રાવત અને રણજિત ચોકીએ આવ્યાં. રાવતે ખુરશી પર બેસીને સિગરેટ સળગાવી.

“શું લાગે રાવત સાહેબ ?” રણજિતે પૂછ્યું, “મર્ડર છે કે સ્યુસાઇડ ?”

“અત્યારે તો કંઈ કહી શકાય એવું નથી” રાવતે સિગરેટનો ઊંડો કશ ખેંચીને કહ્યું, “મર્ડર પણ હોય શકે અને સ્યુસાઇડ પણ”

“તમારું અનુમાન શું કહે છે ?”

“જો હું ગલત નથી તો આ સ્યુસાઇડ કેસ છે” રાવતે કહ્યું, “શ્વેતાનાં રૂમની અલમારીમાંથી મને એવી વસ્તુ હાથ લાગી છે જે સ્યુસાઇડ હોવાની શંકાને સમર્થન આપે છે પણ, શ્વેતાનાં ગાલ પરનાં નિશાન અને ટેબલ નીચે મળેલી સ્કેલ પરથી મર્ડર હોવાની પણ શંકા છે. હવે તો પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનાં રિપોર્ટ આવે પછી જ આ કેસમાં પ્રોગ્રેસ થઈ શકે છે. ત્યાં સુધીમાં શ્વેતાનાં નજીકનાં લોકો અને કૉલ ડિટેઈલ્સ પરથી જે લોકોનાં નામ મળે તેની પૂછપરછ કરવાની છે”

“મેં કૉલ ડિટેઈલ્સ મંગાવી લીધી છે અને શ્વેતાની ત્રણ સહેલીઓ તથા પેલાં છોકરાને પણ બોલાવી લીધો છે. શું નામ છે…પેલો બોડીગાર્ડ.!”

“કેશવ” રાવતે કહ્યું, “તું હોશિયાર થઈ ગયો છે, બધા કામ આપમેળે કરવા લાગ્યો છે, મારી જગ્યા પર બેસવાનો વિચાર નથીને ?” કહેતાં રાવત હળવું હસ્યો.

“અરે ના સાહેબ” રણજિત પણ હળવું હસ્યો, “જ્યારે આ વરદી પહેરી હતી ત્યારથી જ નિષ્ઠાપૂર્વક કામ કરવાનું નક્કી કરી લીધું હતું પણ બળવંતરાયને કારણે આપણે માત્ર દર્શક જ બની રહ્યા હતા. હવે જ્યારે બળવંતરાય પર જ આફત આવી છે ત્યારે હું પણ મૂડમાં આવી ગયો છું”

“વાત તો તારી સાચી છે રણજિત, આવા અપરાધમાં બળવંતરાય મીઠાઈ આપીને આપણને ચૂપ કરાવી દેતો પણ હવે જ્યારે એની સાથે જ આવી ઘટનાં બની છે તો એ શું કરશે એ જોવું મહત્વનું છે” રાવતે સિગરેટને એશટ્રેમાં દબાવી દીધી.

“કાલે સાંજે એનાં વર્તન પરથી મને એવું લાગ્યું કે દીકરીનાં મૃત્યુથી એને ખાસ ફર્ક નથી પડ્યો, મગરમચ્છનાં બનાવટી આંસુ સારતો હતો સાલો” રણજિતે કહ્યું.

“એ બધી વાત સામે આવી જશે, થોડા દિવસ રાહ જો” રાવતે ઊભા થઈને કહ્યું, “પેલાં લોકો આવે એટલે મને બોલાવી લેજે”

*

બલીરામપુરથી સાતેક કિલોમીટર દૂર રોડની સાઈડમાં એક કાર ઉભી હતી. કારની બાજુમાં શશીકાંત અને બદરુદ્દીન ઉભા હતાં.

“મારું અનુમાન સાચું ઠર્યું..!” બદરુદ્દીને કહ્યું, “બળવંતરાય પર પણ મુસીબત આવી પડી”

“આ મુસીબત પાછળ તારો તો હાથ નથી ને ?” શશીકાંતે પૂછ્યું.

“ઢંગ-ધડા વિનાની શું વાત કરે છો” બદરુદ્દીન ઊકળ્યો, “મારે જો કોઈની હત્યા કરવાની હોત તો હું બળવંતરાય અથવા તેનાં દીકરા જસવંતરાયની હત્યા કરું, શ્વેતાની હત્યા કરીને મને શું મળવાનું છે ?”

“એ વાત પણ છે” શશીકાંતે કહ્યું, “તો પછી આ હત્યા પાછળ કોનો હાથ હશે ?”

“બનવાજોગ છે કે આ હત્યા હોય જ નહીં” બદરુદ્દીને કહ્યું, “સ્યુસાઇડ પણ હોઈ શકે”

“શ્વેતાને સ્યુસાઇડ કરવાની શું જરૂર હતી ?, શિવગંજમાં એનાં જેટલી નસીબદાર છોકરી કોઈ નથી” શશીકાંતે કહ્યું.

“રૂપિયા જ મહત્વનાં નથી શશી, સ્યુસાઈડ પાછળ બીજા પણ કારણ હોય શકે. શ્વેતા કોઈનાં પ્રેમમાં પાગલ થઈ ગઈ હોય, કોઈ તેને બ્લેકમેલ કરતું હોય અને બેઇજત થવાનાં ડરથી પોતાને જ ગોળી મારી દે એવું બની શકે” બદરુદ્દીને કહ્યું.

“આ મિસ્ટ્રી જ રહેવાની છે, આપણું પોલીસતંત્ર તો અપાહીજ છે. રૂપિયા સિવાય તેઓને કશું દેખાતું નથી”

“છોડ, આપણે શું. આપણા અંગતમાંથી કોઈની હત્યા નથી થઈ માટે અત્યારે તો આપણે નસીબદાર છીએ” બદરુદ્દીને કારનો દરવાજો ખોલ્યો. બંને કારમાં બેસી ગયા અને કાર બલીરામપુર તરફ આગળ વધી.

*

“પેલાં લોકો આવી ગયા છે” રણજિતે આવીને કહ્યું. રાવત ટેબલ પર પગ ચડાવીને બેઠો હતો.

“અંદર લઈ આવો બધાને” રાવતે ટેબલ પરથી પગ નીચે સરકાવતાં કહ્યું.

રણજિત હકારમાં માથું ધુણાવીને બહાર નીકળી ગયો. થોડી ક્ષણો પછી કેશવ અને શ્વેતાની ત્રણ સહેલીઓ મીરા, સાધના અને રીટા રણજિત સાથે રાવતનાં રૂમમાં પ્રવેશ્યાં.

“હું અંગતમાં આ લોકો સાથે વાત કરવા ઈચ્છું છું” રાવતે રણજિત તરફ જોઈને કહ્યું.

“કામ હોય તો અવાજ આપજો, હું બહાર છું” રણજિતે કહ્યું અને બહાર નીકળી ગયો.

રણજિતનાં ગયા પછી રાવતે બધાને સામે ખુરશી પર બેસવા ઈશારો કર્યો. બધા ખુરશી પર બેસી ગયાં.

“શ્વેતાનાં મૃત્યુનો મને અફસોસ છે” રાવતે ટટ્ટાર થઈને વાત શરૂ કરી, “સારી છોકરી હતી પણ જે બનવાનું હતું એ બની ચૂક્યું છે. છેલ્લાં થોડા દિવસોમાં તમે ચાર લોકો શ્વેતાની વધુ નજીક રહ્યાં હતાં એટલે તમે પ્રામાણિકતાથી જવાબ આપશો એવી આશા રાખું છું”

બધાએ રાવતની વાતમાં સહમતી દર્શાવી.

“છેલ્લા થોડા દિવસમાં શ્વેતાનું વર્તન બદલાયું હતું ?” રાવતે ઇન્કવાઇરી શરૂ કરી, “કોઈ ચિંતા, મૂંઝવણ કે પછી કોઈનો ત્રાંસ ?”

“ના સર, એવું કશું જ નથી થયું” મીરાએ કહ્યું, “ઉલ્ટાનું તેનું વર્તન સુધર્યું હતું, એ બધા સાથે સારી રીતે રહેવા લાગી હતી”

“ઓહહ, આઈ સી..!” રાવતે કેશવ તરફ નજર કરી, “તમે શ્વેતાનાં અંગરક્ષક હતાં ને ?, શ્વેતા છેલ્લા થોડા દિવસોમાં એવા કોઈ વ્યક્તિને મળી હતી જે તમને શંકાસ્પદ લાગ્યો હોય ?”

“ના સર, હું સવારે કોલેજ લઈ જવાથી લઈને બપોરે ડ્રોપ કરવા સુધી મેડમ સાથે જ રહેતો, મેડમ અમારાં સિવાય કોઈને મળતા જ નહીં” કેશવે કહ્યું.

“એ દિવસે શ્વેતાને કોઈએ ધમકી આપી હતી” રાવતે મગજ પર જોર આપ્યું, “ તમે કદાચ ત્યારે ત્યાં હાજર હતાં”

“હા સર, હું ત્યાં જ હતો. ઈનફેક્ટ મેં એ લોકોને રોકવાની કોશિશ પણ કરી હતી. એ લોકોનાં હાથમાં પિસ્તોલ જોઈને મેડમનો જીવ જોખમમાં મુકાશે એમ વિચારી મેં જ કોલેજનો દરવાજો ખોલ્યો હતો પણ આશ્ચર્યની વચ્ચે એ લોકોએ મેડમને ધક્કો માર્યો અને ત્યાંથી નીકળી ગયાં”

“એ લોકો કોણ હતાં એ જાણવાની તમે કોશિશ કરી હતી ?” રાવતે પૂછ્યું.

“જી બિલકુલ, મેં મેડમને પૂછ્યું હતું. તેઓએ જવાબમાં તેનાં અંકલનાં માણસો હતાં એવું જણાવ્યું હતું” કેશવે કહ્યું.

“મિસ. મીરા” રાવતે મીરા તરફ રૂખ કર્યો, “તમે તો શ્વેતાની ખાસ સહેલી હતાં. તેને તમને કશું જણાવ્યું હતું કે નહીં ?”

“એનો જીવ જોખમમાં છે એ બાબતે અમારાં વચ્ચે કોઈ વાતચીત જ નથી થઈ સર” મીરાએ અચકાતા અચકાતા જવાબ આપ્યો.

“શ્વેતાની હત્યા થઈ છે એવું હજી સાબિત નથી થયું, તેણે સ્યુસાઇડ કર્યું હોય એવું પણ બની શકે” રાવતે મીરા તરફ વેધક નજરે જોઈને કહ્યું, “અને એનું કારણ તમને ખબર હોવું જોઈએ”

“સૉરી સર, હું કંઈ સમજી નહિ” મીરાએ ગુંચવણભર્યા અવાજે કહ્યું.

“હું સમજાવું” કહેતા રાવતે ટેબલનું ડ્રોવર ખોલ્યું અને તેમાંથી એક વસ્તુ કાઢીને ટેબલ રાખી.

ટેબલ પર રાખેલી વસ્તુ જોઈને બધાં ચોંકી ગયાં.

શું હતું ટેબલ પર ?

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED