અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 18 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 18

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૮



સુજાતા રાત્રે સાડાબાર વાગ્યે રીસોર્ટની બહાર સ્વિમિંગ પૂલ પાસે બેઠી બેઠી આદિત્યના આવવાની રાહ જોઈ રહી હતી. થોડીવારમાં જ આદિત્ય આવ્યો, ને સુજાતાની પાસે બેસી ગયો.

"બોલ, આટલી રાતે શું એવું જરૂરી કામ હતું?"

સુજાતા આદિત્ય સામે એક અલગ જ નજરે જોઈ રહી. આદિત્ય તરત જ સમજી ગયો કે, સુજાતા આજે તેનાં દિલમાં રહેલો બધો દર્દ અને ખુશી તેની સામે ઠાલવવાની છે. આદિત્ય થોડીવાર ચૂપ જ રહ્યો.

"આપણી જીંદગી પણ કેવી કમાલની છે. ક્યારે શું થાય? કાંઈ કહી નાં શકાય. એક સમય એ હતો, જ્યારે મને ખબર પડી કે, હું જેને પપ્પા માનું છું, એ મારાં પપ્પા જ નથી.

"ત્યારે મને મારાં પપ્પા કોણ છે? એ જ ખબર નહોતી. માત્ર મારાં પપ્પાની ધૂંધળી યાદો જ મને યાદ હતી. જ્યારે આજે મારાં પપ્પા મારી પાસે છે. હવે હું તેમની અને મમ્મી સાથે નવી યાદો બનાવી શકીશ.

"બસ એક જ વાતનો અફસોસ છે કે, આજે મારાં પપ્પા મળી ગયાં, તો મારાં પપ્પા સુધી પહોંચવા મારી મદદ કરવાવાળો મારો મિત્ર રાજુ મારી સાથે નથી. આજે બધું બદલાઈ ગયું છે. મને મારાં પપ્પાની સાથે તારો પ્રેમ પણ મળી ગયો. પરંતુ, મારાં લીધે તારાં પપ્પા મૃત્યુ પામ્યાં."

"અરે ગાંડી, હવે બસ કર. એવું નાં બોલ. તારાં લીધે કાંઈ નથી થયું. મારાં પપ્પા પણ ગુનેગાર તો હતાં જ, બસ તેમને કોઈની માફી માંગવાનો મોકો નાં મળ્યો. ત્યાં જ ભગવાને તેમને મોતની સજા આપી દીધી."

"પણ થયું તો બધું મારાં પપ્પાને શોધવાથી જ ને!"

"એવું કાંઈ નથી. તારાં પપ્પા એક સાચા માણસ છે. તેને તો મારે તારી સાથે મળાવવાના જ હતાં. મારાં પપ્પાએ પણ કોઈને મારવાનો અને એક બાપથી તેની દીકરી અને એક પત્નીથી તેનાં પતિને દૂર કરવાનો ગુનો કર્યો હતો.

"જેની સજા આજ નહીં તો કાલ તેમને મળવાની જ હતી. તો એમાં તારો કોઈ વાંક નથી."

"પણ-"

"પણ બણ કાંઈ નહીં. આમાં તારો કોઈ વાંક નથી તો નથી. હવે મારે તારું કાંઈ નથી સાંભળવુ. બધું સરખું થઈ ગયું છે, તો હવે આવી વાતો શાં માટે કરવી?"

"ઓકે, માન્યું તારું બસ?"

સુજાતાએ આદિત્યની વાત માની તો લીધી. પણ હજું તે જે થયું, તેનાં માટે પોતાને જ દોષી સમજતી હતી.

દુનિયામાં જે કાંઈ થાય, એ ભગવાનની ઈચ્છાથી થતું હોય છે. પણ માણસનો સ્વભાવ છે કે, કોઈનું સારું થાય, તો પણ માણસ એમ સમજે છે કે, એ તેનાં લીધે થયું છે, ને કાંઈ ખરાબ થાય, તો પણ માણસ એમ સમજે કે, એ તેનાં લીધે થયું છે.

આવું જ કંઈક સુજાતા અનુભવી રહી હતી. તે આદિત્યની વાતથી સહમત તો હતી. તેમ છતાંય પોતાનાં લીધે જ બધું થયું. એમ પણ સમજી રહી હતી.

વહેલી સવારે આદિત્ય, સુજાતા અને માધવભાઈ સુરત જવા નીકળી ગયાં. સુજાતાને હજું એક જ ડર સતાવી રહ્યો હતો. જે થયું છે, એનાં પછી સુજાતા કમલાબેન અને આશાબેન સાથે પોતાની નજર કેવી રીતે મેળવી શકશે?

વિચારોમાં ને વિચારોમાં ક્યારે સુરત આવી ગયું, એ વાતની સુજાતાને ખબર જ નાં રહી. સુરત પહોંચીને માધવભાઈ દરવાજો ખોલી બહાર નીકળ્યાં. સુજાતા તો હજું પણ ગાડીમાં જ બેઠી હતી.

આદિત્ય ડ્રાઈવર સીટ પરથી જ પાછળ ફર્યો. સુજાતા એમનમ ચૂપચાપ કોઈ હાવભાવ વગર બેઠી હતી. એક મિનિટ પણ ચૂપ નાં રહેવાવાળી સુજાતા અમદાવાદથી સુરત સુધીનાં આખાં રસ્તે ચૂપ જ હતી.

આદિત્યએ સુજાતાના હાથ પર હાથ મૂક્યો. આદિત્યના અચાનક થયેલાં સ્પર્શથી સુજાતાને ભાન થયું કે, પોતે સુરત તેનાં ઘરે પહોંચી ગઈ છે. સુજાતા દરવાજો ખોલવા જતી હતી. ત્યાં જ આદિત્યએ તેનો હાથ કસીને પકડી લીધો.

"યાર, શું આમ ઉદાસ રહે છે? તું આમ ચૂપચાપ બેસી રહે, એ મને પસંદ નથી."

"એવું કાંઈ નથી. બસ થોડું વિચારતી હતી."

"હવે વિચારવાનું છોડી દે. બધું સારું જ થશે. હવે એક સ્માઈલ આપી દે ચાલ."

આદિત્યનાં કહેવાથી સુજાતાએ આદિત્ય સામે એક જોરદાર સ્માઈલ આપી.

"આ થઈને સુજીવાળી સ્માઈલ. હવે આમ જ હસતી રહેજે."

"ઓકે, આદિ. જેવી તમારી ઈચ્છા. તમારું તો મારે માનવું જ પડે ને!"

"ઓહો, તમે!! તે આ તમે કહેવાનું ક્યારથી ચાલું કર્યું?"

"તો લગ્ન પછી મારે તને 'તમે' કહીને જ બોલાવવો પડશે ને? તો અગાઉ પ્રેક્ટિસ કરું છું."

"ઓહ, એવું હોય તો, પ્રેક્ટિસ ચાલું રાખો. હું રાહ જોઈશ આપણાં લગ્નની."

"હાં, હવે અત્યારે ઘરે જાવ. આશાઆન્ટી રાહ જોતાં હશે."

"ઓકે, 'લવ યુ' બાય."

"લવ યુ ટૂ, બાય."

માધવભાઈ ઘરનાં દરવાજા પાસે જ સુજાતાની રાહ જોઈ રહ્યાં હતાં. સુજાતા આવી એટલે બંને ઘરની અંદર પ્રવેશ્યાં.

માધવભાઈને જોઈને કમલાબેનના ચહેરા પર ગુસ્સાની રેખાઓ દેખાઈ આવી. બધાંને બધી હકીકત ખબર હતી. બસ કમલાબેન જ અજાણ હતાં કે, આટલાં વર્ષો સુધી જે બન્યું, એ કેવી રીતે બન્યું? તેઓ તો હજું પણ માધવભાઈને અનુરાધાબેનની છેડતી કરવાના ગુનેગાર સમજતાં હતાં.

કમલાબેન ગુસ્સે થઈને માધવભાઈ તરફ આગળ વધ્યાં. તેઓએ ગુસ્સામાં જ માધવભાઈને તમાચો મારવા હાથ ઉપાડ્યો. સુજાતાએ તરત જ તેમનો હાથથ પકડી તેમને રોકી લીધાં. સુજાતાની આવી હતકતથી કમલાબેન વધુ ગુસ્સે થયાં.

"તને આ આદમીને અહીં લાવવાનું કોણે કહ્યું હતું?"

"મમ્મી, આ તમારાં પતિ અને મારાં પપ્પા છે."

"આ આદમીએ શું કર્યું હતું, એની તને ખબર નથી, એટલે તું આમ બોલી રહી છે."

"મને બધી ખબર છે, મમ્મી. મારાં પપ્પાએ કાંઈ કર્યું નથી. મને જસવંતઅંકલે બધી જ જાણકારી આપી. અરવિંદઅંકલ પણ બધું જાણે છે. મારાં પપ્પાએ કોઈ ગુનો નથી કર્યો."

"તો તારાં પપ્પા શાં માટે ભાગી ગયાં હતાં?"

"એ ભાંગ્યા નહોતાં. તેમને કિશનઅંકલે અમદાવાદ કેદ કરીને રાખ્યાં હતાં. આઠ વર્ષ પહેલાં જે થયું, એ તેમણે જ કર્યું હતું. જેની સજા આજે તેમને મળી ગઈ છે.

"આ બધામાં કલ્પેશઅંકલ પણ શામેલ હતાં. તેમને પણ કિશનઅંકલની જેમ અરવિંદઅંકલની પ્રોપર્ટી જોઈતી હતી. કિશનઅંકલ આસ્થાનાં કહેવાથી સુધરવા માંગતાં હતાં. ત્યાં જ કલ્પેશઅંકલે તેમનું એક્સિડન્ટ કરાવી તેમને મારી નાખ્યાં."

"તો તારાં પપ્પાએ આઠ વર્ષ પહેલાં કાંઈ કર્યું નહોતું?"

"હાં, આ વાત બધાં જાણે છે. માત્ર તને એકને જ કાંઈ જાણ નહોતી. મારાં પપ્પા નિર્દોષ છે."

માધવભાઈએ કાંઈ કર્યું નહોતું. એ વાત જાણી કમલાબેન ખૂબ જ ખુશ થયાં. બધું જાણ્યાં પછી તેમનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. બંને પતિ-પત્ની એકબીજાને પ્રેમથી ભેટી પડ્યાં. આજ આટલાં વર્ષો પછી ફરી અલગ થયેલો પરિવાર એકસાથે રહેવા લાગ્યો.

બધી હકીકત જાણ્યા પછી, કમલાબેનનાં મનમાંથી માધવભાઈ પ્રત્યેનો બધો ગુસ્સો હવામાં ઉડી ગયો. બધાં એકસાથે ખુશી ખુશી રહેવા લાગ્યાં. કમલાબેન હવે ગુસ્સે નથી. એ વાતથી સુજાતા અને માધભાઈ બંન્નેના મનને શાંતિ થઈ.

*****

આદિત્યને જોઈને આશાબેનના મનને પણ થોડી ટાઢક વળી. કિશનભાઈ જેવાં હતાં એવાં, પણ આખરે તો તેમનાં પતિ જ હતાં.

પતિ અને પિતાને ગુમાવ્યાનું દુઃખ આશાબેન અને આદિત્ય બંનેને હતું. તેમ છતાંય તેમનાં લીધે અલગ થયેલો પરિવાર ફરી જોડાઈ ગયો. એ વાતે બંને ખુશ પણ હતાં.

સુજાતા તેનાં મમ્મી-પપ્પા સાથે ખુશ હતી. તો બીજી તરફ અરવિંદભાઈ અને રાજુ પણ રાજકોટથી સુરત આવવાં નીકળી ગયાં હતાં.

બધાં એકબીજા સાથે ખુશ હતાં. કિશનભાઈના મૃત્યુ પછીની વિધિ પણ આદિત્યએ પૂરી કરી લીધી હતી. આશાબેને તેમનાં આત્માની શાંતિ માટે પૂજા પણ કરી નાંખી હતી. જેમાં સુજાતાએ તેનાં મમ્મી-પપ્પા સાથે હાજરી આપી હતી.




(ક્રમશઃ)