ઓવર ટેક……. વાર્તા….. દિનેશ પરમાર નજર
_________________________________
એક રણ હતું ને રણ વચ્ચે રસ્તો થયો હતો
હું પણ ચમનની શોધમાં ક્યાં ક્યાં ગયો હતો
નફરત નથી એ નર્કનાં દ્વારો ઉપર મને
કહેવાય છે કે ત્યાં સુધી ઈશ્વર ગયો હતો
દિગંત પરીખ
**********************************
શહેરના ખુબ જાણીતા બિલ્ડર મધુસૂદન જાગીરદાર ભારે હૈયે પોતાની બી એમ ડબલ્યુ કારમાંથી ઉતર્યા......
રીંગ રોડ પર સ્કાય બ્લ્યુ કોમ્પ્લેક્ષ માં આવેલ “માનષી હોસ્પિટલ” જે મગજ ના રોગ ના નિરાકરણ માટે હતી.
તેમાં પ્રવેશી શૂઝ ઉતારી કાઉન્ટર પર ગયા.
પોતાની એપોઇન્ટમેન્ટ ની વાત કરી નામ આપતા, તેણી એ ઇન્ટરકોમ પર ડોક્ટર સાથે વાત કરી ચેમ્બર તરફ જવા ઈશારો કર્યો.
મધુસૂદન જાગીરદારે ચેમ્બર માં દાખલ થતા અગાઉ બહાર સાહેબ ના બોર્ડ પર નજર નાખી, ડો. કસ્તુર માળી (એમ બી બી એસ, એમ એસ એમ સી એચ) (ગોલ્ડ મેડલિસ્ટ) ન્યુરો સર્જન.
દરવાજો ખોલી “આવું? “ કહેતા જ ડોક્ટરે સામેની ખુરશી પર બેસવા માટે ઈશારો કર્યો.
મધુસૂદન જાગીરદારે ફાઈલ ડોક્ટર સાહેબ તરફ મૂકી.
ડૉ. કસ્તુર એ ફાઈલ હાથમાં લીધી. શહેરના ઘણા બધા સારા ડોક્ટર્સ ના ઓપીનીયન વાળી તે ફાઈલ પર નું નામ વાંચતા ડોક્ટર સહેજ ચમક્યા.
દર્દી નું નામ હતું, સુહાસ મધુસૂદન જાગીરદાર
ડોક્ટરે ફાઈલ જોઈ.
સુહાસ ને છેલ્લા કેટલાક સમયથી માથામાં દુઃખાવો રહેતો હતો અને ક્યારેક ઉલ્ટી અને ઊબકા થતા, તેમના ફેમિલી ડોક્ટર ને બતાવતા તેમણે મગજ ના તજજ્ઞ ને બતાવવા સલાહ આપી.
શહેર ના જાણીતા ન્યુરોલોજીસ્ટ ને બતાવતા પ્રાથમિક સ્તરે બ્રેઈન ટયૂમર ડિટેક્ટ થતા, સર્જીકલ બાયોપ્સી કરતા પ્રાઇમરી મેલીગ્નેટ પ્રકારની ગાંઠ (સામાન્ય) જણાઈ. પરંતુ ડોક્ટરો નો અભિપ્રાય ગાંઠની સાઈઝ અને સંવેદનશીલ લોકેશન ને ધ્યાનમાં રાખી બચી જવાની કે કાયમી ધોરણે કોઈ ખોડ ન રહેવાની ગેરંટી આપવા તૈયાર નહોતા. ત્યારે ડોક્ટર કસ્તુર નો સંપર્ક કરવાની સલાહ મધુસૂદન જાગીરદાર ના ધનાઢ્ય પરિવારના સભ્યો અને મિત્રો એ આપતા.
એક આશા સાથે તે એકલા ફાઈલ લઈ મળવા આવ્યા હતા.
આખી ફાઈલ નો અભ્યાસ કર્યા પછી, ડૉ. કસ્તુર બોલ્યા, “ એકવાર સુહાસ ને લઈ ને આવો હું મારી રીતે ચકાસી લઉં, પણ રિપોર્ટ જોતા ઓપરેશન જટિલ હોવા છતાં મને લાગે છે કોઈ તકલીફ થાય તેવું જણાતું નથી.”
મોટી મોટી ટાઉનશીપ બાંધવાના કરોડો અબજો ના કારોબાર સાથે સંકળાયેલા અને હવે પછી તે મિલકત નો વારસદાર એવા સુહાસ વિશે સારા થવાની વાત સાંભળતાં, જિન્દગી માં કાયમ લોકોને ઓવર ટેક કરી આગળ નીકળેલા મધુસૂદન ની આંખોમાં ઝળઝળિયાં તગતગી ઉઠયા.
મધુસૂદન ના ગયા પછી, ડો. કસ્તુર એકલા પડતા પોતાનો ભૂતકાળ વાગોળવા લાગ્યા.
તેને બરાબર યાદ છે.. તે સરકારી શાળામાં ભણતો હતો અને તેની હોંશિયારી અને ભણવાની ધગસ જોઈ, તેના ક્લાસ ટીચર પાઠક જી, શંકર ભગવાન ના મંદિરે દર્શન કરવા ગયા, ત્યારે મંદિર ની બાજુમાં ફળફળાદિ ની લારી લઈ ઉભા રહેતા તેના બાપુજી વસુદેવ માળી ને મળી જણાવેલ કે તમારો છોકરો કસ્તુર ભણવામાં હોશિયાર છે તેને હવે આવતા વર્ષે પાંચમા ધોરણમાં, આપણા વિસ્તારમાં આવેલ “સૂર્ય ઉદય માધ્યમિક શાળા” માં દાખલ કરાવો .
ગરીબ પણ પોતાના દીકરા ના સારા ભવિષ્ય ની વાત તેમના મગજ માં બરાબર બેસી ગઈ.
ત્યારપછી તો પાંચમા થી લઈ બારમાં ધોરણ સુધી ત્યાંજ ભણવાનું થયું.
ખૂબ મહેનત કરતો અને બધુ બરાબર લખતો પણ મારો હમેશાં, સુહાસ કરતા પાછળ નંબર આવતો. મને સમજાતું નહોતું કે, આંખો દિવસ તેના જેવા બેફિકર વિદ્યાર્થીઓ સાથે ગપ્પા મારતો કે ગુલ્લી ઓ મારતો સીડી અને ટીચર ના પ્રશ્ન નો સાચો જવાબ ન આપી સકતો તે મારી આગળ કેવી રીતે નીકળી જાય છે?
પણ જેમ મોટો થતો ગયો તેમ સમજાતું ગયું કે પોતે ગરીબ હતો અને સુહાસ એક ધનાઢય બાપ નો એકનો એક જે સ્કૂલ ના ટ્રસ્ટીઓ અને આચાર્ય ને પૈસાના જોરે હાથ પર રાખતો હતો. આમ દરવખત તે મને ઓવર ટેક કરી જતો હતો.
ધોરણ બારમા માં સારા ટકા આવતા મેં મેડિકલ લાઇન પકડી અને વાયા મિડિયા દ્વારા જાણવા મળેલ કે સુહાસ ને તેના પપ્પા એ પોતાનો ધંધો સાચવવા એન્જિનિયરિંગ લાઇન માં મોકલ્યો હતો.. પછી અમારો કોઈ સંપર્ક રહ્યો નહોતો.
કામમાં વ્યસ્ત હોવાના કારણે, કસ્તુર ના મદદનીશ ડોક્ટરો એ તેની ચકાસણી કરી, બધા રિપોર્ટ ની જાણ ડોક્ટર ને કરેલી.
ઓપરેશન ના દિવસે કસ્તુર ની ચેમ્બર માં પોતાના દીકરા માટે હાથ જોડી બેઠેલા મધુસૂદન તરફ ફરી, “ચિંતા ન કરશો સાહેબ સૌ સારું થશે” કહેતા ચહેરા પર માસ્ક પહેરી ઓપરેશન થિયેટર તરફ જવા ચેમ્બર બહાર નિકળ્યા.
ઓપરેશન થિયેટર માં દાખલ થતા અન્ય ડોક્ટર, નર્સ અને સ્ટાફ સતર્ક થઈ ગયા .
કસ્તુર સુતેલા સુહાસ તરફ ગયા. માથે હાથ મૂક્યો. પછી મનમાં બોલ્યા, “સુહાસ આખી જિંદગી મને તું ખોટી રીતે, દામ અને ભેદ થી ઓવરટેક કરતો રહ્યો. પણ આજે તું મારી પાસે વિવશ છે. તારા પિતાજી ની જીવનભર ની મિલ્કત, તારી ડિગ્રી, તારી પ્રતિષ્ઠા વિગેરે... આજની સ્થિતિ જોતા કોઈ ઓવરટેક કરી શક્યા નથી.”
પછી પોતાનો માસ્ક સહેજ હટાવી ડો. કસ્તુર ધીરે રહીને તે સંભાળે તેમ પ્રગટ બોલ્યા,” કેમ છે સુહાસ.... મઝામાં?
દોસ્ત મને ઓળખ્યો..? હું.. તારો દોસ્ત કસ્તુર, આપણે ‘સૂર્ય ઉદય માધ્યમિક શાળા’ માં સાથે ભણ્યા છે.”
સુહાસ ઝીણી આંખે કસ્તુર ને જોઈ રહ્યો.. પછી બધું યાદ આવતા હાથ જોડી મંદ મંદ હસ્યો.
કસ્તુર માસ્ક સરખું કરતા એટલું બોલ્યા, “ સુહાસ જરાય ચિંતા નું કારણ નથી, હું બેઠો છું.. ઓ.. કે..? “
હસતા હસતા ડો. કસ્તુર બહાર નીકળી પોતાની ચેમ્બરમાં દાખલ થયા. પાછળ દાખલ થયેલા મધુસૂદન જાગીરદાર ના ઉચાટ ભર્યા ચહેરા તરફ જોઈ બોલ્યા,અંકલ અભિનંદન.. ઓપરેશન સરસ રીતે પતી ગયું છે “
મધુસૂદન જાગીરદાર ત્યાંજ ટેબલ પર માથું ટેકવી રોઈ પડ્યા.
“સાહેબ તમારો આ એહસાન ગમે તેટલા રૂપિયા થી પણ હું ચૂકવી શકું તેમ નથી. “
કસ્તુર ના હોઠ પર ઘણું બધું કહેવાનું આવી ગયું. પરંતુ એક લાચાર વ્યક્તિ ને કશું કહેવું તેને યોગ્ય ન લાગ્યું.
બીજે દિવસે જ્યારે ડો કસ્તુર પોતાની હોસ્પિટલમાં મુખ્ય પ્રવેશ દ્વાર થી દાખલ થયા ત્યારે ત્યાં, બાયો મેડિકલ – વેસ્ટ લેવા આવેલી વાન તરફ જોઈ રહ્યા.. તેમાં સીલબંધ ગોઠવાતા બાયો વેસ્ટ મા કદાચ સુહાસ ની ગાંઠ પણ હશે?
કાયમ પોતાને ઓવરટેક કરનાર ની પરિસ્થિતિ ને કારણે, પોતાના મગજ માં તેના પ્રત્યે ની ધૃણા ની ગાંઠ તો ગઈકાલ ઓગળી ગઈ હતી..
તે “ ટેક-ઓવર બાયો મેડિકલ વેસ્ટ એંડ ડિસ્પોઝલ કંપની” ની વાન ને હોસ્પિટલ ની બહાર નીકળતી જોઈ રહ્યા.....
******************************************************
દિનેશ પરમાર નજર