સર જગદીશચંદ્ર બોઝ
વનસ્પતિમાં સવેદના છે તેની પ્રતીતિ કરાવનારા મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનો જન્મ 30મી નવેમ્બર,1858માં બંગાળના મેમનસિંગ જિલ્લામાં થયો હતો. તેમના પિતા શ્રી ભગવાનચંદ્ર બોઝ ફરીદપુર જિલ્લાના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. બાળપણ માજ તેમના ઉપર ભારતીય સંસ્કૃતીના મહાન ગ્રંથ રામાયણ અને મહાભારતની અસર પડી હતી. શાળા અભ્યાસ માટે તેમણે કલકતાની સેંટ ઝેવિયર સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. તે વખતે આ સ્કૂલમાં અંગ્રેજ અને એગ્લોઈન્ડિયન બાળકો તથા અમલદારોના બાળકો વધુ હતા. પ્રારંભિક કોલેજ શિક્ષણ તેમણે કલકતામાં લીધું પછી દાકતરી વિધ્યાનો અભ્યાસ કરવા તેઓ ઈંગ્લેન્ડ ગયા,ત્યાં પ્રખર ભૌતિક વિજ્ઞાની લોર્ડ રેલેની મોહીનીમાં આવીને તેઓ મેડીસીનનું ક્ષેત્ર છોડી ભૌતિક વિજ્ઞાન તરફ દોરાયા,તેઓ કેમ્બ્રિજની ક્રાઈસ્ટ ચર્ચ કોલેજમાં દાખલ થયા. 1885માં લંડન યુનિવર્સિટીમાથી ડી.એસસી. ડિગ્રી મેળવી પ્રાકૃતિક વિજ્ઞાનમાં ટ્રાઈપીસ સાથે તેઓ ભારત પાછા ફર્યા.
સ્વદેશ આવી તેઓ કલકતાની પ્રેસિડેન્સી કોલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા. આવા ઊચા હોદા ઉપર નિમણૂક પામનાર તેઓ પ્રથમ ભારતીય હતા. નોકરીમાં જોડાયા પછી તેમને જાણ થઈ કે તે વેળા ફરજ બજાવતા અંગ્રેજ પ્રોફેસરો કરતાં તેમને સરકારે ઓછો પગાર આપ્યો હતો. આ બાબતની જાણ થતાં તેમણે પગાર લેવાનો ઈન્કાર કર્યો અને આ અન્યાય સામે વાંધો ઉઠાવ્યો, આમ છતાં તેમણે તેમની ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું, આ પણ એક પ્રકારનો સત્યાગ્રહ જ હતો. ભૌતિકશાસ્ત્રી,જીવવિજ્ઞાની,વનસ્પતિ-વિજ્ઞાન,પુરાતત્વ વિદ અને વિજ્ઞાનિક કથાઓ લખનારા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ પોતાની પ્રતિભા પુરવાર કરવા અનેક કઠિન પરિસ્થિતિઓ સાથે બાથ ભીડી હતી.
જયારે કોઈ સ્ફટિકમાથી પ્રકાશ પસાર થાય છે ત્યારે તેમાથી પસાર થતું કિરણ તેનો માર્ગ બદલે છે એટલેકે તેનું વક્રીભવન થાય છે. કેટલાક સ્ફ્ટિકોમાં બે વક્રીભૂત કિરણો હૉય છે. આવી રીતે બનતી ધટનાને દ્વી-વક્રીભવન કહે છે. જગદીશચંદ્ર બોઝનું દ્વી -વક્રીભવન ઉપેરનું પ્રથમ સંશોધન “પેપર “જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ””માં પ્રકાશિત થયું, પાછળથી તેમણે વિદ્યુતચુંબકીય તરંગો ઉપર કાર્ય શરૂ કર્યું હતું. તેમણે સૌપ્રથમ માઈક્રોવેવનો ઉપયોગ પદાર્થની સરચના સમજવા માટે કર્યો અને તેમાં સફળ થયા,તેમણે બનાવેલા ઉપકરણને આપણે ‘વેવગાઈડ’ તરીકે ઓળખીએ છીએ.અત્યંત ટુકા રેડિયો તરંગોના પ્રકાશીય ગુણધર્મોના અભ્યાસ અંગે જગદીશચંદ્ર બોઝે પ્રયોગો કર્યા .
રેડીયો તરંગોનું નક્કર દીવાલમાથી પ્રસરણ થઈ શકે છે તેનું જાહેર નિદર્શન જગદીશચંદ્ર બોઝે ઈ.સ.1895માં કરી બતાવ્યુ. લોર્ડ કેલ્વિન સહિત બીજા કેટલાક વૈજ્ઞાનિકોની હાજરીમાં જગદીશચંદ્ર બોઝે ‘રોયલ ઈન્સ્ટિટયુટ’ માં આ પ્રયોગનું પુન: નિદર્શન કરી બતાવ્યુ. આજે ઘણા વિદેશી પુસ્તકોમાં માર્કોનીને વાયરલેસના જનક તરીકે બિરદાવવામાં આવે છે, પણ તેના સાચા પિતા તો જગદીશચંદ્ર બોઝ જ હતાં. શતાબ્દીના અંત સુધીમાં તો જગદીશચંદ્ર બોઝ સંપુર્ણ રીતે વનસ્પતિના દેહધર્મવિધ્યા તરફ વળી ગયા હતા, તેમણે એક તદન નવી અને આગવી રીત શોધી હતી જેની મદદથી વનસ્પતિના છોડને ઉતેજિત કરતાં તેમાં થતી અતિસુક્ષ્મ હલચલનો અભ્યાસ કરી શકાય તેમણે સિધ્ધ કર્યુ કે વનસ્પતિમાં પણ જીવનનાં લક્ષણો છે. 10મી મે, 1901માં લંડનમાં રોયલ સોસાયટીનો વ્યાખ્યાનખંડ વિજ્ઞાનીઓથી ભરેલો હતો, તેમાં જગદીશચંદ્ર બોઝ તેમના એક અગત્યના પ્રયોગ્નું નિદર્શન કરનાર હતા, તેમણે એક અત્યંત સંવેદનશીલ સાધન ક્રેસ્કોગ્રાફ બનાવ્યુ હતું. તે છોડનાં સ્પંદનો માપવા માટે સક્ષમ હતું. આ સાધન અને શોધ જગદીશચંદ્ર બોઝની આગવી સિધ્ધિ હતી, આ ઉપકરણને છોડ સાથે જોડી દેવામાં આવ્યું, હવે આ છોડને તેનાં મુળિયાં અને ડાળીઓ સહિત એક પાત્રમાં ડુબાડવામાં આવ્યો. આ પાત્રમાં બ્રોમાઈડ ઝેર ભરેલું હતું. પડદા ઉપર છોડણાં સ્પંદનોના સંકેત દેખાતા હતા. છોડના નસની ધડકન ધીમે ધીમે અનિયમિત થતી પડદા ઉપર દેખાતી હતી. થોડી જ વારમાં તે ક્રિયાઓ અટકી ગઈ, જાણે છોડ ઝેરનાં કારણે મરી ગયો હતો.
ઈ.સ. 1920માં જગદીશચંદ્ર બોઝને રોયલ સોસાયટીના ફેલો તરીકે ચુંટવામાં આવ્યા, આ પદે ચુંટાયલા તે પ્રથમ ભારતીય હતા. અંગ્રેજ સરકારે તેમને ‘સર’ના ખિતાબથી નવાજ્યા. જગદીશચંદ્ર બોઝ પહેલા ભારતીય વૈજ્ઞાનિક બન્યા જેમણે અમેરિકન પેટન્ટ મેળવી. ચંદ્ર પર મળી આવેલ એક જવાળામુખીને આ મહાન વિભુતિનું નામ આપવામાં આવ્યુ છે. જગદીશચંદ્ર બોઝે રવીન્દ્રનાથની કેટલીક વાર્તાઓનો અંગ્રેજીમાં અનુવાદ કરી પ્રકાશિત કરાવી હતી. 30મી નવેમ્બર, 1917ના રોજ તેમણે તેમની તમામ સંપતિ તથા તેમણે સ્થાપેલું ‘બોઝ ઈન્સિટયુટ’ પ્રજાને અર્પણ કરી દીધું. 23મી નવેમ્બર, 1937ના રોજ આ મહાન વૈજ્ઞાનિકનું બિહારમાં ગીરદીહ ખાતે અવસાન થયું, તેમણે સ્થાપેલું ‘બોઝ ઈન્સ્ટિટ્યુટ’ આજે પણ સંશોધન ક્ષેત્રે પ્રગતિ કરતું રહ્યુ છે.