prarthna books and stories free download online pdf in Gujarati

પ્રાર્થના: ઈશ્વર સાથે સંવાદ   

પ્રાર્થના: ઈશ્વર સાથે સંવાદ
આત્માની પરમાત્મા સાથેની દિલની વાત એટલે પ્રાર્થના. પ્રાર્થનાથી અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્મા શુધ્ધિ અને પરમાત્માની હાજરીનો અનુભવ થાય છે. પ્રાર્થના એ કોઈ યાચના નથી એ તો આભારની લાગણી વ્યકત કરવાની રીત છે. ભગવાને આપણને શરીર સાથે આંખો, બુધ્ધિ, હાથ, નાક જેવા અમુલ્ય અંગો આપ્યા એ માટે આભાર પ્રાર્થના રૂપે કરવાનો હોય છે. મનુષ્ય જન્મ જ સૌથી મોટું વરદાન છે એનો આભારતો માનવોજ જોઈએ. પ્રાર્થના કરવાની ન હોય પરંતુ પ્રાર્થનાની અવસ્થામાં જીવવાનું હોય. દરેક માનવ અને પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ હોય તો તમે પ્રાર્થનાની અવસ્થામાં જ છો. તમે સફળ થાવ કે નિષ્ફળ બંને હાલતમાં પ્રાર્થના જરૂરી છે. માર્ટિન લ્યુથરનાં મતે “શ્બ્દો જેટલાં ઓછા એટલી પ્રાર્થના ઉતમ”.
વિશ્વાસ પ્રાર્થનાનું મુખ્ય તત્વ છે, આ વિશ્વાસ વધુ સધન બનેતો તે શ્રધ્ધા કહેવાય છે. પ્રાર્થના માટે ભાવની જરૂર છે અને ભાવ એ બુધ્ધિની વસ્તુ નથી. પ્રાર્થનામા જરુર છે મન અને અંતરની. હ્રદય ભાવનું ઉત્પતિ સ્થાન છે પણ ભાવ જન્મે એ જ પર્યાપ્ત નથી તેનો ઉછેર થવો જોઈએ. પ્રાર્થના એટલે હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હિત ઈચ્છવું. કોઈ મિત્ર જે મુશ્કેલીમાં છે તેની પડખે ઉભા રહો તે પણ પ્રાર્થનાજ છે. તમે કોઈને મદદરૂપ થવા જે સમય અને શકિત આપો છો તે પ્રાર્થના છે. પ્રાર્થના એટલે એક અનુભુતિ લાગણી અને એક પ્રેમભર્યો અવાજ જે હમેંશા શાંતિનું વહન કરે છે. જ્યારે આપણે પરેશાન થઈએ છીએ, જીવનમાં કોઈ નિર્ણય લેવામાં ગડમથલ થાય છે ત્યારે એકજ વિચાર આવે છે પ્રાર્થના. આઈંસ્ટાઈનનાં મતે “ વૈજ્ઞાનિક પણ પ્રાર્થના કરે છે. વૈજ્ઞાનિક માટેતો પ્રાર્થના એટલે પોતાની અત્યંત વિનમ્ર ભુમિકા દ્રઢ કરવી.”


પ્રાર્થના કરવાનો અર્થ થાય છે કોઈ પણ વિનંતી વગર પરમાત્માને માનવા. પ્રાર્થના એટલે પવિત્રતા સાથે કરવામાં આવેલ અર્ચન. પ્રાર્થના એવી કરવાની કે આપણું આત્મબળ જાગુત થાય અને એ ક્યારે આપણને ધોખો ન આપે , જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે મારી હિંમત ટકી રહે, મનોબળ જળવાઈ રહે, કઠણાઈઓ સામે લડવાનો ઉત્સાહ જળવાઈ રહે. જેમ સારો સમય સદાય નથી રહેતો તેમ ખરાબ સમય પણ કાયમ નથી રહેતો. સુખની કિંમત ત્યારેજ સમજાય છે જ્યારે કયારેક થોડા સમય માટે દુ:ખ પણ આવે. દુ:ખ આપણા મનોબળાને હિંમતને વધારે છે અને ત્યારેજ આપણો સાચો સહારો બને છે પ્રાર્થના. પ્રભુની પ્રાર્થના જે આપણી હિંમત અને વિશ્વાસ વધારે છે અને દુ:ખ્માં ટકી રહેવાનો જુસ્સો આપે છે. સ્વામી રામતીર્થનાં મતે “પ્રાર્થના કરવી એટલે ફરી ફરીને શબ્દો ઉચ્ચારવા એમ નહી, પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ.”
પ્રાર્થના એટલે ઈશ્વર સાથેની અંગત વાતચીત, ભગવાન પાસેથી કંઈ માંગોતો દિમાગથી નહિ નસીબથી માંગજો. દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાથી સ્વભાવમાં પરિવર્તન આવે છે. હતાશા અને નકારાત્મકતા નીકળી જાય છે. મન શાંત અને નિર્મળ બને છે. જીવન જીવવાની પ્રેરણા અને હિંમત મળે છે. પ્રાર્થના એટલે રણમાં દેખાયેલી ઠંડા પાણીની પરબ. પ્રાર્થના એટલે અહમ અને અભિમાનને ઓગાળી ઈશ્વને શરણે જવું. ટોલ્સરોયનાં મતે “પ્રાર્થનાએ દરેક વ્યકિતની અંગત મૂડી છે.” પ્રાર્થનાએ મનનાં એવા ભાવ છે જેમાં કોઈ તર્ક કે પુરાવા હોયજ નહિં. પ્રાર્થનાથી મનનાં હીન અને ખરાબ ભાવ બળી જાય છે. મનને એકાગ્ર કરવા માટે જપ અને પ્રાર્થના જ આપણા જેવા પામર જીવ માટે એક સરળ ઈલાજ છે. પ્રાર્થના એટલે ઈશ્વ્રરને મૌખિક અરજી છે. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ. સચ્ચાઈથી બોલાયેલા શબ્દકે સાચ્ચા દિલથી કરેલું કામ એ ઈશ્વરની પ્રાર્થનાજ છે.ગાંધીજીનાં શબ્દોમાં “પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજને રોજ કચરો ભરાતો હોય છે એને સાફ કરવા માટે નિત્ય પ્રાર્થના કરવી જોઈએ”
પ્રાર્થનાનો પ્રભાવ શરીર અને આત્મા બંને ઉપર પડે છે. પ્રાર્થનામાં કોઈ ગુપ્ત અને અકળ શકિત રહેલી છે. આપણે દિવસમાં એકવાર પણ પ્રાર્થના દ્વારા પ્રભુની સાથે વાત કરીએતો આપણું મન પવિત્ર થાય. પ્રાર્થનાએ વ્યાપક અર્થમાં ઈશ્વર સાથે અનુસંધાન છે. પ્રાર્થનામાં શબ્દો ન હોય પણ દિલ હોય તે વાત શબ્દો હોય પણ દિલ ન હોય તે વાત કરતાં સારી છે. આખા દિવસનું કામ પ્રાર્થનાથી પુરું થાય તો રાત પણ મીઠા કે માઠા સ્વપ્નો વગરની શાંતિથી ભરપુર હોયછે. કુન્દનિકા કાપડિયાનાં મતે “મને માત્ર શ્રધ્ધાજ નહિં પ્રતીતિ છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે અને જવાબ પણ આપે છે.”
પ્રાર્થનામાં એક અતૂત શ્રધ્ધા છે જે આપણને એક ખુમારી અને આત્મવિશ્વાસ આપે છે જે આપણને સુખના પ્રદેશ્માં લઈ જાય છે. પ્રાર્થના આપણને એકાંતમાં જાત સાથે સંવાદ કરવાનુ અદભુત અનુભવ છે. ગાંધીજીનાં મતે “ ખોરાક અને પાણી વિના હું કેટલાક દિવસ ચલાવી શકું પણ પ્રાર્થના વિના એક દિવસ કાઢવો અશક્ય છે. મારી પ્રાર્થનાનો ઈશ્વર જવાબ ન આપે તેવું કદી બન્યુંજ નથી.”
જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના કરનારનાં દિલમાં શ્રધ્ધા અને ધીરજ જરૂરી છે પછી ભલે જવાબ નકારમાં પણ આવે. “ફૂલમાં વસેલી ફોરમએ પ્રાર્થના છે. પ્રાર્થના થતી નથી, એ હોય છે.” -સુરેશ દલાલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED