Dear Paankhar - 15 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ -૧૫

અઠવાડિયામાં એક દિવસ શિવાલી મહિલા સંસ્થા ગૃહની મહિલાઓ સાથે વાતચીત કરવા અચૂક જતી. એમની રોજિંદી સમસ્યાઓ વિશે જાણીને એનો ઉકેલ આપવામાં સહાયતા કરતી હતી . આમ તો ગૃહઉદ્યોગમાં આવતી નાની - મોટી અડચણો અને પરિવારને લગતી સમસ્યાઓ વિશે ખાસ પ્રશ્નો રહેતા.

સંસ્થાની બહેનોએ શિવાલીને આવતાં જોઈ એને આવકાર આપી અભિવાદન કર્યું. શિવાલી મહિલાઓની સાથે જ નીચે પાથરેલી શેતરંજી ઉપર તેમની સાથે બેસી ગઈ. શિવાલીનો‌ હંમેશા સ્ટેજની જગ્યાએ મહિલાઓ સાથે ગોળાકારમાં નીચે બેસવાનો આગ્રહ રહેતો જેથી આત્મીયતા વધે અને કોઈને પ્રશ્ન પૂછવા માટે ખચકાટ ઓછો થાય. એક પછી એક દરેક બહેન પોતાના તરફ થી પ્રશ્નો પૂછી રહી હતી.

" મધુ ! તું કેમ આજે ચૂપચાપ બેઠી છું ? બધું બરાબર તો છે ને ?" શિવાલીની નજર ચૂપચાપ બેઠેલી મધુ પર ગઈ. મધુ કોઈ જ જવાબ ના આપી શકી. શિવાલીએ ફરી પ્રશ્ન કર્યો ,
" કાંઈ પ્રોબ્લેમ છે ? "
‌ મધુની બાજુમાં બેઠેલી રંજુએ કહ્યું , " બેન ! કાલે એના વરે એને બહુ મારી. "
" કેમ ? શું થયું ? કઈ બાબતે ? " શિવાલી એ આત્મિયતાથી પૂછ્યું.
" એણે પોતે બીજી રાખી છે અને આના પર વહેમ નાખે છે. આ પાપડ ને વેફરો વેચીને જીવે છે. એ નહીં દેખાતુ એને ? " રંજુ એ મોઢુ મચકોડતા કહ્યું . મધુ બેઠી બેઠી આંસુ સારવા લાગી.
" મેં તો‌ કહ્યું ' જા પોલીહ પાહે . બે ડન્ડા પડે એને ત્યોં હમજણ આવે.. !" મધુનાં પડોશી લલીતાબહેને કહ્યું.
" વાત તો સાચી છે. જો મારઝૂડ કરે તો પોલીસ પાસે જવું જ જોઈએ. " શિવાલીએ કહ્યું.
" પણ બેન ! એનો શું મતલબ ? પછીએય જીવવાનું તો એની જોડે‌જ છે ને ? " મધુ એ રડતાં રડતાં કહ્યું.
" તારી વાત હું સમજુ છું, પરંતુ એનાથી એના મનમાં થોડો ડર રહેશે. અને તું માર ખાઈશ તો એ મારશે જ . તારે જ કડક થઈ ને કહેવું પડશે કે હવેથી આવું નહીં ચાલે. મારી મદદની જરૂર હોય તો પણ‌ કહેજે, હું ચોક્કસ મદદ કરીશ. " શિવાલીએ સમજાવતાં કહ્યું. એટલામાં આકાંક્ષા આવી અને એ પણ સાથે જોડાઈ ગયી.

" બેન ! મારો છોકરો આજકાલ ચોરી બહુ કરે છે . કેટલુ સમજાવુ છું. હા - હા કરે છે , પણ પાછો એમનો એમ . શું કરું? હું તો કંટાળી ગઈ છું . પરમ દિવસે પાનસો રુપિયા ચોરી ગયો. મારી નાનકી એ જોયું'તુ . કાલે મેં એના બાપાને કીધું તો એમણે એટલો‌ માર્યો કે‌ મારો જીવ બળી ગયો. એને કેમ નું સમજાવુ તો‌ એ ડાહ્યો થાય ? " મંજુએ પૂછ્યું.

" પહેલા તો એને જોડે બેસાડીને પ્રેમથી વાત કરો. એને કેમ પૈસા જોઈએ છે? કંઈ ઈચ્છા પૂરી કરવી છે જેના માટે આટલા પૈસા જોઈએ છે. એને વિશ્વાસ અપાવો કે એ સાચુ કહેશે તો તમે એને મદદ કરશો. જો એને કોઈ વ્યસન હોય તો મને કહેજો , હું વાત કરીશ એની સાથે . " શિવાલીએ સમજાવતાં કહ્યું.

એક પછી એક પ્રશ્ન પૂછાતા જતા હતા. છેલ્લે સવિતાબહેને કહ્યું , " બેન આપણે એક દિવસ યોગિનીદેવીને બોલાવીએ ને ? બધાં ની ઈચ્છા છે. એમણેય કહ્યું હતું ને કે એ ફરી આવશે. "

શિવાલીએ બધાની ઈચ્છા ને માન આપીને યોગિનીદેવીને જલ્દી થી સંસ્થામાં બોલાવવાનું વચન આપ્યું અને સૌ છુટા પડ્યા. શિવાલી અને આકાંક્ષા ઑફિસમાં જઈ ને બેઠા.
" હા ! તો બોલ ! આકાંક્ષા ! તારી ડિવોર્સની મેટર નું શું થયું ? " શિવાલી એ પૂછ્યું.
" મેં ડિવોર્સની હા પાડી અને અમુક રકમની માંગણી પણ કરી છે. એમને પણ‌ નવાઈ લાગી, પણ શું કરું ? " આકાંક્ષાએ કહ્યું.
" વાત તો તારી સાચી જ છે. પૈસાનું જિંદગીમાં મહત્વ નથી પણ પૈસા જિંદગીમાં ખૂબ જરુરીયાત છે. અમોલ તૈયાર થઈ ગયો એ સારુ છે. એમપણ આવી રીતે સંબંધ ખેંચી રાખવાનો કોઈ મતલબ નથી. એને એની જિંદગી જીવવા દે અને તું તારી ! " શિવાલીએ આકાંક્ષાને કહ્યું.

" હા ! એમ પણ મારી જિંદગી તો બાળકો અને પછી આ સંસ્થામાં વહી જાય છે. " આકાંક્ષાએ કહ્યું.

" શરુઆતમાં થોડુ અઘરું લાગશે . પરંતુ તું તારી નવી જિંદગી ચાલુ કરજે. કુદરતે તને મોકો આપ્યો છે તો ચોક્કસ કોઈ કારણ હશે. " શિવાલીએ કહ્યું.

" હા ! પણ‌ મમ્મી - પપ્પા બહુ દુઃખી છે. એ લોકો હજુ તન્વીને સ્વીકારવા તૈયાર નથી. હું તો હવે આવા જીવન માટે ટેવાઈ ગઈ છું. " આકાંક્ષાએ કહ્યું.

" એમની જગ્યાએ એ લોકો સાચા છે. એમ પણ મને જેટલું તન્વી વિશે ખબર છે એ ભરોસાને પાત્ર નથી અને આ વાકય ફકત હું ‌મારી સખી આકાંક્ષાને કહી રહી છું. કોઈ વ્યક્તિ વિશે ખરાબ બોલવાની કોઈ ચેષ્ટા નથી કરવી.પણ અમુક સત્ય જાણ્યા પછી પણ ચુપ રહેવું મુશ્કેલ છે. " શિવાલીએ કહ્યું.

" તમને એવુ કેવીરીતે લાગ્યું ?" આકાંક્ષાએ જિજ્ઞાસાથી પૂછ્યું.

" ચોખ્ખી વાત છે. એની અને તમારી ફેમિલી સાથે ચિટિંગ કર્યું. પહેલા લીવ ઈનમાં રહી, હવે એને લીવ ઈન‌માં નથી રહેવુ. લગ્ન કરવા છે. કાલે સવારે એ મિલ્કત માગે , કે પોતાના નામે કરાવે તો અચરજ નહી થાય . " શિવાલી એ પોતાનું મંતવ્ય આપ્યું.

" તો‌ હું ડિવોર્સ ના આપુ?" આકાંક્ષાએ કશ્મકશ વચ્ચે પૂછ્યું.

" અમોલ તારી પાસે પાછો આવે તો તું એને ફરી સ્વીકારીશ ?" શિવાલીએ પૂછ્યું.
" ના ! પતિનાં રુપ‌માં ક્યારેય નહીં . ફક્ત બાળકોનાં પિતા તરીકે સ્વીકારીશ. " આકાંક્ષાએ સહેજ મક્કમ અવાજે કહ્યું.

" તો પછી વિચારવાની જરૂર નથી કે ડિવોર્સ આપવા કે‌ નહી. પરંતુ થોડીપણ શરમ સંકોચ ના રાખીશ પૈસા માંગતા કેમકે બાળકોનાં ભવિષ્યનો પ્રશ્ન છે. મને યાદ છે ચંદ્રશેખરની શોધખોળ અને ઘર ચલાવવાનું આ બધું જો મારી ક્લિનિકના હોત તો કેટલુ મુશ્કેલ હતું. " શિવાલીએ સલાહ આપતાં કહ્યું.

" તમારી વાત તદ્દન સાચી છે. હું એવું જ કરીશ. " આકાંક્ષા એ કહ્યું અને ઉમેર્યું ,
" ડૉક્ટર ! તમારો ખૂબ ખૂબ આભાર. "
" અરે! આ શું વાત થઈ ? " શિવાલીએ આકાંક્ષાનાં હાથ પર હાથ મૂકતાં કહ્યું.
" ના! સાચે જ ! તમે હંમેશા મારી એક બહેનની માફક મદદ કરી છે. સલાહ આપી છે. બાકી આજનાં જમાનામાં .. ! " કહી આકાંક્ષા અટકી ગઈ.
" આજનાં જમાના માં પણ‌ સારા લોકો હોય છે. અને આકાંક્ષા ! હું એક વાત માનું છું કે આપણે કોઈ માટે કશું જ નથી કરતા. જે ઉપરથી મદદ માટે ઈશારો થાય ને એજ કરીએ છીએ. " શિવાલીએ આત્મીયતાથી કહ્યું.

(ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો