Dear Paankhar - 2 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ - ૨

આકાંક્ષા ફાઈલ જોઈ રહી હતી , ત્યાં અચાનક એને યાદ આવ્યુું કે એણે ગૌતમ સાથે વાત કરવાની હતી . એણે ગૌતમને‌ ફોન લગાવ્યો. ઘણી લાંબી રીંગ વાગી. એ ફોન મૂકવા જ જતી હતી કે ગૌતમે ફોન ઉપાડ્યો.

" હલો ! ગૌતમભાઈ ! કેમ છો ?" આકાંક્ષા એ પૂછ્યું.

" મજામાં ! . તુ કેમ છે ? મોક્ષ અને મોક્ષા , ફોઈ - ફૂઆ બધાં કેમ છે ? " ગૌતમે એક સાથે જ બધાંનાં સમાચાર પૂછી લીધાં .
" બધાં મજા માં છે. તમે કયારે આવો છો મુંબઈ ? કોઈ મેસેજ નહોતો તમારા તરફથી તો મન માં આવ્યું કે ફોન કરી જોવું . ડૉ. શિવાલી પણ પૂછતાં હતાં કે તમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અહીં આવશો કે નહીં ? નહીં આવો તો તમારી ખોટ લાગશે. " આકાંક્ષા એ જરા આગ્રહ કરતાં કહ્યું .
" હા ! આવીશ ને ! ચોક્કસ આવીશ . એમ પણ મારે ત્યાંથી પૂના પણ જવાનું છે. એક નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. તો એકાદ મહિનો ત્યાં રોકાવું પડશે " ગૌતમે જણાવ્યું.
" અરે ! વાહ ! સરસ ! જાણી ને આનંદ થયો. તો‌ અહીં પણ રોકાવાય એમ‌ જ આવજો. હું ડૉ. શિવાલીને‌ જણાવી દઈશ . તમારી સહાયતા થી કોઈ પણ પ્રોગ્રામ સહજતાથી પાર પડી જાય છે. " આકાંક્ષા એ કહ્યું.

" એ સંસ્થા મારુ પણ સ્વપ્ન છે . મારાથી જે પણ યોગદાન થશે હું ચોક્કસ કરીશ જ . હા ! તને એ પણ જણાવવાનું હતું કે ઝરણાં નામ ની એક જર્નાલિસ્ટ મારી સાથે આવશે. હમણાં જ એણે સ્ટડી પૂરુ કર્યું છે. અનુભવ માટે મારી સાથે કામ કરી રહી છે. " ગૌતમે જણાવ્યું.

" બરાબર ! તો એને આપણા ઘરે જ લઈ આવજો. તમારુ ધ્યાન રાખજો. આવજો ! " કહી આકાંક્ષા એ ફોન મૂકયો અને જોયું તો સામે આકાશ ઉભો‌ હતો. " અરે ! આકાશ ! કયારે આવ્યો ? કૉલેજ કેવી ચાલે છે તારી ?" આકાંક્ષા એ પૂછ્યું.
" સારી ! આવતા મહિને પરિક્ષા ચાલુ થશે. હિસાબની ફાઈલ શોધતો હતો . અહી જ મૂકી હતી મેં કાલે . " આકાશે ફાઈલો ફંફોસતા કહ્યું.

" આ રહી ફાઈલ . હું ચેક કરતી હતી. કૉલેજથી સીધો આવ્યો ? જમ્યો કે નહીં ? " આકાંક્ષા એ પૂછ્યું.

" હા ! સીધો આવ્યો. ઘરે જઈને જમીશ. કામ પતાવીને પછી. " આકાશે કહ્યું.
આકાશ એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતો , જવાબદાર વ્યક્તિ હતો. શિસ્તબદ્ધ અને પ્રામાણિક હોવાનાં લીધે એ બધાંનો પ્રિય પણ‌ હતો.
" આવતા અઠવાડિયે રજા જોઈતી હતી. અભ્યાસ કરવા . પરીક્ષા છે તો . કાપતા પગારે પણ ચાલશે. " આકાશ સહેજ ખચકાતા બોલ્યો.

" લીવ એપ્લિકેશન સરિતાબહેનને આપી દે જે. પગારની ચિંતા ના કરીશ. એ ઍડજેસ્ટ કરી લઈશું. " આકાંક્ષા એ કહ્યું.

" હા! મેડમ ! ચોક્કસ ! થેન્ક્ યુ ! " કહી ખુશ થઈ ફાઈલ નું કામ કરવા લાગ્યો.

આકાંક્ષા સંસ્થાના બહેનોને ઉજવણીનાં દિવસે કોણે શું જવાબદારી નિભાવવી એનું માર્ગદર્શન આપવા લાગી. દરેક મહિલા ખૂબ જ ઉત્સાહિત હતી. ચર્ચા વિચારણા માં એ લોકો પણ પોતાના મંતવ્યો અને રજૂઆતો મૂકતી હતી. એમની ચર્ચામાં સમાવિષ્ઠ થવા નાં ઉત્સાહથી તથા કાર્યશૈલીથી આકાંક્ષા ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. ઘણી ખરી સ્ત્રીઓ વધારે ભણેલી નહોતી છતાં પણ કાર્યવ્યવસ્થા , અંગ્રેજી માં કહીએ તો management of work , ખૂબ સરસ રીતે કરી લેતા. એની માટે એમને કોઈ ટ્રેનિંગની જરૂર નહોતી . કહે છે ને કે ભણતરનાં હોય તો ચાલે પણ‌ ગણતર તો હોવું જોઈએ. આમ તો બન્ને એકબીજાનાં પર્યાય શબ્દ જ કહી શકાય . એટલે જ તો વિદેશ માં વિક્રમ - વેતાળ ની વાર્તા અને પંચાયતની ન્યાય પદ્ધતિ મેનેજમેન્ટ કોર્સ માં સમાવેલી છે.

સંતોષની લાગણી સાથે આકાંક્ષા ઘર તરફ જવા નીકળી. નિયમિતક્રમે ફળો ની દુકાન આગળ કાર ઉભી રાખી. વીણી - વીણી ને મીઠી સુગંધી વાળા ફળ લીધાં. કાર માં ફળ મુકીને દરવાજો બંધ કરતી જ હતી કે સામે કૉફી શૉપમાં અમોલ અને તન્વીને જતાં જોયા. કોઈ અજાણી વ્યક્તિ હોય એમ નજરઅંદાજ કરી ત્યાંથી નીકળી. ઘર પર પહોંચી તો દમયંતીબહેન અને ભરતભાઈ ચા પીતાં હતાં.

" આવ! હમણાં જ ચા બનાવી. તને આપી દઉં? " દમયંતીબહેને પૂછ્યું. " ના ! મમ્મી ! સહેજ વાર રહીને. " આકાંક્ષા એ સોફા પર બેસતા કહ્યું. " ઠીક છે ! ફ્રેશ થઈ જા પછી શાંતિથી વાતો કરીએ " દમયંતીબહેને ચા નું ઘૂંટ લેતા કહ્યું. આકાંક્ષાએ ટેબલ પર પડેલુ લાઇટબીલ જોયું. " એની તું ચિંતા ના કરીશ. કાલે ભરી દઈશ. " ભરતભાઈ એ કહ્યું. આકાંક્ષા એ મીઠુ સ્મિત આપ્યું. દમયંતીબહેન અને ભરતભાઈ હંમેશા આકાંક્ષા નાં સાસુ - સસરા ને બદલે મા - બાપ બની ને જ રહેતા. સાસુ - સસરા જેવુ વર્તન ક્યારેય નહોતું કર્યું . આકાંક્ષા એ વાત માટે પોતાને એમની ઋણી માનતી હતી. આકાંક્ષા રુમ માં ગઈ. કપડાં બદલીને રસોડામાં સાંજની રસોઈની તૈયારી કરવા લાગી.

મોક્ષ અને મોક્ષાની સ્કૂલબસ આવવાનો સમય થઈ ગયો હતો. આકાંક્ષા ગેટ પર જઈને એમને ઘરે લઈ આવી. વાવાઝોડાની માફક ઘરમાં આવતાંની સાથે જ મોક્ષે તોફાન મસ્તી ચાલુ કરી દીધાં. જેલ માંથી છૂટ્યો હોય એમ સ્વતંત્રતા માણવા લાગ્યો. સમજાવી પટાવી ને એને શાંત કર્યો. દૂધ નાસ્તો કરાવી આકાંક્ષા હોમવર્ક કરાવા બેઠી. સાંજ નું જમણ કર્યું અને એમ દિવસ ઢળી ગયો.

" સવારે જલ્દી ઉઠવા નું છે ! ચાલો સૂઈ જાવ. આજે કઈ વાર્તા કહું ? " કહી આકાંક્ષા મોક્ષ અને મોક્ષા ને સુવાડવા નો પ્રયત્ન કરવા લાગી. " મમ્મા આજે સ્કૂલ માં…. , મને જાદુગર ની સ્ટોરી …. મમ્મા મારી વાત સાંભળો…… મમ્મા મોક્ષ મને પગ મારે છે… વાતો અને મસ્તીને સાંભળતા અને સંભાળતા બન્ને બાળકો ને સુવડાવી દીધાં. આકાંક્ષાની આ હવે દિનચર્યા થઈ ગઈ હતી. બાળકો ને ચાદર ઓઢાડી અને પોતાની ચાદર લીધી, સુવાનો પ્રયત્ન કર્યો , પરંતુ નજર સામે ફરી અમોલ અને તન્વીનું દ્રશ્ય આવી ગયું . દિલને મનાવવાનો પ્રયત્ન કર્યો . ' એક સ્ત્રી તરીકે હું મારી જવાબદારી હંમેશા નિભાવીશ. ઈશ્વરે સમજીને તો મને આ ફરજ આપી હશે. આ ઘર ને ઘર બનાવીને રાખવામાં મારા પૂરતાં પ્રયત્ન કરીશ. ક્યાંય કમી નહીં આવવા દઉં. '

રસોડામાં ગઈ પાણી પીધું. નીરવ શાંતિ છવાયેલી હતી. જિંદગી માં શાંતિની ખૂબ જરૂર હોય છે. પરંતુ ઘણી વાર એવી શાંતિ જ અશાંતિ જેવી લાગે છે. બાળકો નો કલબલાટ સારો લાગે છે. પરંતુ ખાલીપણાનો અહેસાસ થાય એવી શાંતિ શૂળ જેવી લાગે છે. બુક સેલ્ફમાંથી એક પુસ્તક કાઢ્યું. નાઈટ લેમ્પનાં સહારે વાંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ થોડુ વાંચ્યા પછી પણ એનું વ્યાકુળ મન શાંત નહોતું થઈ રહ્યું.

પવનની લહેર આવી ; પડદો ઉડવા લાગ્યો ; ચંદ્રનાં શીતળ કિરણોનો આછો પ્રકાશ જાણે ધીરે રહીને કહી રહ્યો હતો કે ' જ્યાં પૂર્ણ અંધકાર લાગે ; ત્યાં ક્યાંક પ્રકાશ ની કિરણ‌ જરૂર હોય છે... '

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED