Dear Paankhar - 3 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ -૩

શિવાલીએ અલાર્મ બંધ કર્યું અને બકકલ નાખીને વાળ બાંધ્યા. સવારે પાંચ વાગ્યે ઉઠીને મેડિટેશન કરીને ચાલવા જવું એ એનો વર્ષો જુનો નિયમ હતો. એનાં ફલેટ ની નજીક જ જોગિંગ પાર્ક હતો. સવારે ઘણા વયોવૃદ્ધ , તો ઘણા જુવાન દંપતિ સાથે ચાલવા આવતા , કોઈ યોગા કરતા , તો‌ કોઈ લાફિંગ કલબનાં મેમ્બર હતાં , જેમાં ખડખડાટ હસવા અને હસાવવા બધાં હંમેશા તત્પર રહેતાં.

શિવાલી જોગિંગ ટ્રેક પર જોગિંગ કરતાં કરતાં એમને જોતી અને મનો‌મન‌ આનંદ અનુભવતી. વયોવૃદ્ધ ઉંમર એ જિંદગીનો એક એવો પડાવ છે જેને કેવીરીતે માણવો એ દરેક વ્યક્તિનાં પોતાના અભિગમ‌ પર આધારિત છે. સાઈકોલોજિસ્ટ હોવાના કારણે એની પાસે ઘણાં એવા કેસ આવતા જે લોકો ઘડપણમાં અલગ - અલગ‌ કારણોસર જિંદગીનો‌ ઉત્સાહ ખોઈ બેસતા કે માનસિક તણાવનો ભોગ‌ બનતાં.

મોટાભાગના લોકો નિવૃત્તિ પછીની જિંદગી માણવામાં અસક્ષમ રહેતાં. જિંદગીભર‌ કમાણી કરવામાં પત્ની અને બાળકો સાથે જિંદગી જીવી શકતા નહી અને જ્યારે એમની પાસે સમય હોય ત્યારે કોઈની પત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો હોય કે કોઈનાં સંતાનો એમની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા હોય અને એ વસવસો એટલો વધી જાય કે પછી એ ડીપ્રેશનનું કારણ બની જતુ હોય છે.

ખુલ્લાં આકાશ નીચે કુદરતી ચોખ્ખી હવા માણતાં - માણતાં ચાલવાથી શારિરીક માનસિક સક્ષમતા વધે છે અને તાણ ઓછી અનુભવાય છે. કદાચ એટલે જ પહેલાંનાં સમય માં ગામ ને પાદરે મંદિર અને વટવૃક્ષ હોતા . જેથી વૃદ્ધો ને ત્યાં સવાર - સાંજ જવાનું ચલણ રહે અને હકારાત્મક અભિગમ થી જિંદગી જીવી શકે.

ઘરે પહોંચીને શિવાલી પોતાની રોજિંદી જિંદગીમાં વળી ગયી. સ્નાન કરી, પૂજા-અર્ચના અને પછી સૌમ્યા ને કૉલેજ માટે ઉઠાડી ને રસોડામાં નાસ્તો બનાવવો વગેરે વગેરે. સૌમ્યા અલાર્મ બંધ કરી સૂતી જ હતી.
" સૌમ્યા ! ઉઠ બેટા ! મોડું થઈ જશે. "
" પાંચ મિનિટ ! મમ્મા ! પ્લીઝ !" આ સૌમ્યા નો રોજનો જવાબ રહેતો.
" ચાલ ઉઠ! દૂધ નાસ્તો તૈયાર છે. " કહી શિવાલીએ સૌમ્યાને સહેજ વાર રહીને ફરી ઉઠાડી અને બહાર લિવિંગ રૂમમાં આવી ત્યાં તો ફોન ની રિંગ વાગી. 'અત્યારે આટલી સવારે કોનો ફોન હશે ? ' મન માં વિચારતાં ફોન હાથ માં લીધો.
' નીના નો અત્યારે ફોન ?'
" હલો ! નીના ! બોલ . " શિવાલી એ કહ્યું.
" ફ્રી છે ? મળવા આવવું છે. " નીના એ કહ્યું.
" અરે ! કાંઈ ગુડ મોર્નિંગ નહીં અને એકદમ આમ વાત કેમ કરે‌ છે? શું થયું ?" શિવાલી ને આશ્ર્ચર્ય થયું.
"ત્યાં આવીને‌ વાત કરું છું. " નીનાએ ફિક્કા અવાજમાં કહ્યું.
" સારુ ! આવ ! હું કૉફી બનાવી રાખુ છું. " શિવાલી એ કહ્યું.
" ઓકે .બાય ! " કહી નીના એ ફોન‌ મૂકી દીધો.
નીના અને શિવાલી બન્ને કૉલેજ સમયની મૈત્રિણી હતી. એકબીજાને પોતાની જિંદગીની નાનામાં નાની વાતો પણ કહેવાનું ચૂકતા નહીં. એકબીજાની ગમતી - નાગમતી નાનામાં નાની વસ્તુઓથી પણ બન્ને જાણીતી હતી. શિવાલીને ખ્યાલ હતો કે નીનાને કૉફી બહું ભાવે છે ને એટલેજ એ કૉફી બનાવવા લાગી. બૅલ વાગ્યો. શિવાલી એ દરવાજો ખોલ્યો અને નીના સીધી સોફા પર જઈને બેસી ગયી. શિવાલી એ પણ કોઈપણ પ્રશ્ન પૂછવાનું ટાળ્યું અને રસોડામાંથી કૉફી લાવીને નીનાને આપી અને પોતે સામે સોફા પર બેસી ગયી અને એક એક ઘૂંટડે કૉફી પીવા લાગી.

થોડીવાર રહીને નીના બોલી , " સોરી યાર !! સવાર સવારમાં તને ડિસ્ટર્બ કરી ."
" અરે ! ના ! મને તો તું બહુ ડિસ્ટર્બ લાગે છે. વાત શું છે ?" શિવાલી એ પૂછ્યું.
" પ્રથમેશ , આજકલ મારી સાથે વ્યવસ્થિત વાત જ નથી કરતો. એનો મોબાઈલ , એનું લૅપટોપ , એજ એની જિંદગી બની ગયી છે. ઑફિસ થી પણ રોજ રોજ મોડો આવે છે. " નીના એ ફરિયાદ કરતાં કહ્યું.

" તો તેં એની સાથે આ બાબતે વાત કરી ?" શિવાલી એ પૂછ્યું.

" એજ તો‌ વાત છે. એને તો‌ હવે મારી સાથે વાત કરવા માં પણ‌ પ્રોબલેમ લાગે છે. સરખાં મોં એ વાત પણ‌ નથી કરતો. લગ્ન કર્યા ત્યારે તો‌ મોટી મોટી વાતો કરતો હતો ? હવે બધું હવામાં જતું રહ્યું. સાચુ કહું ને તો મને કયારેક ખૂબ પસ્તાવો થાય છે કે મેં એની સાથે લગ્ન કેમ‌ કર્યા.
? મમ્મી - પપ્પા નો કેટલો વિરોધ હતો , પરંતુ મને જ પ્રથમેશ નું ભૂત ચડ્યું હતું. કશું જ વિચાર્યું નહીં. સાચે જ બહુ પસ્તાવો થાય છે. મેં આ દિવસ જોવા માટે મારી કરિયર દાવ પર લગાવી એની સાથે લગ્ન કર્યા હતા ? " કહી નીના રડવા લાગી.

" અરે ! નીના ! તું પણ શું ? " કહી શિવાલીએ એને હૂંફ આપવાની કોશિશ કરી. નીના થોડી શાંત પડી એટલે શિવાલી એ પૂછ્યું , " આટલા વર્ષે પણ તને આવો વિચાર આવે છે ? એવુ તો શું તારા મન માં ચાલી રહ્યું છે ? ‌"
" આ સવાલ તું પ્રથમેશ ને પૂછ ? તારો પણ‌ મિત્ર જ છે ને એ? " નીના એ ગુસ્સામાં કહ્યું.
" હા! એ મારો મિત્ર ચોક્કસ છે! પણ‌ આ પ્રશ્ન તું પૂછીશ તો વધારે સારું રહેશે. " શિવાલી એ નીનાને સમજાવતા કહ્યું.
" હવે હું કંટાળી ગઈ છું અને મને ડિવોર્સ લેવા છે , બસ! " નીના એ મક્કમતાથી કહ્યું.
" ડિવોર્સ ? નીના ! ડિવોર્સ લેવા માટે કોઈ ઠોસ કારણ જોઈએ. અને એ પણ વીસ વર્ષે ? તને થઈ શું ગયું છે ? " શિવાલી એ ઠપકો આપતાં કહ્યું.
" શિવાલી ! તુ બધુ જ જાણું છું. તારાથી કશુંજ છુપાયેલુ નથી. છેલ્લા કેટલાય સમયથી પ્રોબ્લેમ ચાલે છે. શું તને એ ખબર નથી?" નીના એ કહ્યું.
" ખબર છે પણ એ કારણો ડિવોર્સ લેવા માટે પર્યાપ્ત નથી. " શિવાલી એ સ્પષ્ટતા કરતાં કહ્યું.
" મને એવું લાગે છે કે એને કોઈ સ્ત્રી સાથે સંબંધ છે ? " નીના એ આશંકા વ્યક્ત કરતાં કહ્યું.
" લગ્નેતર સંબંધ ? તને કોઈ પ્રમાણ મળ્યું છે ? " શિવાલી એ પૂછ્યું.
" ના ! હજીસુધી નહી પણ મારી શંકા ખોટી નથી. " નીના એ કહ્યું.
" જો એવુ હોય તો હું ચોક્કસ વાત કરીશ. અત્યારે ક્યાં છે પ્રથમેશ ? " શિવાલી એ આશ્વાસન આપતાં કહ્યું.
" ટુર પર હંમેશા ની માફક . " નીના એ મોઢું મચકોડતા કહ્યું.
" સારું ! તું શાંત થઈ જા ! હું એની સાથે ચોક્કસ વાત કરીશ , આજે જ ! પરંતુ મારી એક જ સલાહ છે કે બાળકો સુધી આ વાત ના જવા દઈશ. આપણે આ વાતનો ચોક્કસ નિકાલ લાવીશું. ખૂબ જ જલ્દી થી. " શિવાલી એ નીના હાથ પર હાથ મૂકતાં કહ્યું.
નીના નાં ચહેરા પર સહેજ રાહત‌ નું સ્મિત પ્રસર્યું. અને એ જોઈ ને શિવાલી ને પણ સાંત્વના મહેસૂસ થઈ. સૌમ્યા કૉલેજ જવા માટે તૈયાર થઈને નાસ્તો કરવા આવી ગઈ હતી.
" અરે ! નીના માસી ! કેમ છો ? મમ્મા આજે શું બનાવ્યું છે નાસ્તા માં ? સૌમ્યા એ પૂછ્યું.
" ઉપમા અને થેપલા બન્ને છે. શાંતિથી નાસ્તો કરજે ઉતાવળ ના કરીશ. ચાલ ! નીના આપણે‌ પણ નાસ્તો કરી લઈએ. પછી મારે પણ ક્લિનિક જવા નો સમય થઈ જશે. " શિવાલી એ નાસ્તા ની ડિશ કાઢતાં કહ્યું.

" કેવી ચાલે છે કૉલેજ ? " નીના એ સૌમ્યાને પૂછ્યું અને ઉપમા ચાખતા ચાખતા બોલી , " શિવાલી ! હંમેશા ની માફક ઉપમા ‌ મસ્ત બની છે. "

" કૉલેજ સારી ચાલે છે. થોડા દિવસ પહેલાં જ કલ્ચરલ પ્રોગ્રામ પત્યા. મેં પણ પાર્ટ લીધો હતો. હવે એક્ઝામ ની તૈયારી ! " અને પછી શિવાલી તરફ જોઈ ને કહ્યું , " મમ્મા ! ડિનર માં રેડ પાસ્તા બનાવીશ ? પ્લીઝ! પ્લીઝ !!! થેન્ક યુ …..!!!! "

" થેન્ક યુ ? હજી મેં હા નથી પાડી. " શિવાલી એ મજાક કરતાં કહ્યું.

" તું ના પણ‌ નહીં પાડું મને ખબર છે ." કહી સૌમ્યા એ જ્યુસ ગ્લાસ માં કાઢ્યું અને જલ્દી થી પી ને બૅગ ઉપાડી બાય કરી દોડી ને ચપ્પલ પહેર્યા.
શિવાલી અને નીના એકબીજા ને જોઈ ને ફક્ત આંખો ના ભાવ ઓળખી હસવા લાગ્યા. જાણે કે થોડી મિનિટો માટે એમનો કૉલેજ કાળ નજર સમક્ષ આવ્યો હોય !!!

(ક્રમશ:)




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED