શિવાલી એનાં નિત્યક્રમ મુજબ ક્લિનિક જવા માટે તૈયાર થઈ
રહી હતી. અરીસામાં જોઈને સાડી વ્યવસ્થિત કરી , બિન્દી લગાવી , ઘડિયાળ હાથમાં લઈને પહેરવા જ જતી હતી કે યોગિનીદેવીની યાદ આવી ગઈ. લગ્ન સમયે એમણે એક કાંડા ઘડિયાળ ગીફ્ટમાં આપ્યું હતું , એ કહીને કે , ' હંમેશા સમય સાથે ચાલજે. ' બહુ નાની લાગતી વાત , પરંતુ એનો મર્મ બહુ ઊંડો હતો !!!
સમય સૂચકતા અને સમયની કિંમત એ બન્ને ગુણનો નિર્દેશ એક નાના વાક્યમાં છુપાયેલો હતો. શિવાલીએ ક્લિનિકમાં કૉલ કર્યો અને એની આસિસ્ટન્ટ આયેશા ને પૂછ્યું , " ગુડ મોર્નિંગ, આયેશા ! આજની પહેલી અપોઈન્ટમેન્ટ કેટલા વાગ્યાની છે ?
" ગુડ મોર્નિંગ, મેડમ ! બાર વાગ્યાની છે . " આયેશા એ ડાયરી માં ચેક કરતાં કહ્યું.
" ઓકે ! થોડું કામ છે , તો હું બહાર જાઉં છું . બાર વાગ્યે બરાબર આવી જઈશ અને કોઈ ચેન્જીસ હોય તો મને કોલ કરીને જણાવજે. " શિવાલી એ ઘડિયાળ તરફ નજર કરતા કહ્યું. કારની ચાવી લીધી અને યોગિનીદેવીને મળવા નીકળી ગઈ.
બહુ જૂજ વ્યક્તિઓ શિવાલીની જિંદગીમાં મહત્વ રાખતા હતા અને એમાંથી એક હતા રત્નાબેન, જે અત્યારે યોગિનીદેવીનાં નામે જાણીતા હતા . કાર પાર્ક કરી એ એમનાં ફલેટ પર પહોંચી. હ્રદય માં અનહદ ઉત્સાહ ને ઉમળકો અનુભવી રહી હતી. જ્યારે નાની હતી ત્યારે રવિવારે બેનને મળવા જતી અને ત્યારે જે ખુશી મળતી એવી જ લાગણી એના મનમાં વર્ષો પછી ઉદ્વભવી રહી હતી .
દરવાજા સામે ઉભી રહી, બૅલ વગાડવા હાથ ઉઠાવ્યો. નિદોર્ષ બાળક જેવુ સ્મિત હોઠ પર ફરક્યું . વિદ્યાર્થિની હતી ત્યાર ની એ પળ , ફરી નજર સામે તાજી થઈ રહી હતી. યોગિનીદેવી એ દરવાજો ખોલ્યો. શિવાલીને જોઈને એમના મુખ પર ચમક આવી ગઈ.
શિવાલી સીધી પગે લાગી અને ભેટી પડી . " બેન ! આજે તમને જ મળવા આવી છું . મારા એ રત્ના બહેનને ! મને ખબર છે હવે તમે યોગીનીદેવીના નામે જાણીતા છો , પરંતુ મારા એ બેન હજી પણ ક્યાંક દેખાય છે મને ! અને તેથી આજે ફરી પહેલાની માફક તમને મળવા ખુદને રોકી ના શકી. હું તમને બેન કહીને બોલાવુ તો વાંધો નથી ને ? કહી શકુ ને ? "
" આવ! બેસ ! બહુ આનંદ થયો ! તું મળવા આવી તો ! અને તું શું કહીને બોલાવે છે એના પર આપણો સંબંધ થોડો નિર્ભર છે? સંબોધનથી સંબંધને નામ કે માન મળે છે , એનાથી વધારે ભાવ મહત્વનો છે. અમુક સંબંધમાં શબ્દોનું મહત્વ જ નથી હોતું . તું કશું જ નહીં કહે તોપણ હું સમજી જઈશ . " યોગિની દેવી એ પ્રેમાળ શબ્દો થી કહ્યું.
" બસ ! આજ વાત મને તમારી તરફ ખેંચી લાવે છે. તમને કશું
કહેવાની જરૂર જ નથી પડતી. તમને મળવુ મને મારી મા ને મળ્યા બરાબર લાગે છે. આટલા વર્ષોથી આપણા વચ્ચે કોઈ સંપર્ક નહોતો. તેથી તમને મારી જિંદગી વિશે અને મને તમારી જિંદગી વિશે કશી જ ખબર નહોતી. જાણવાની ઈચ્છા જરૂર છે ; રત્નાબહેન અને યોગિની દેવી વચ્ચેનો સફર !" શિવાલી એ આતુરતાપૂર્વક પૂછ્યું.
" એક ઘટના એવી ઘટી કે મારી જિંદગી બદલાઈ ગઈ. એક દિવસ અમે બધાં સાથે ફરવા ગયા અને એજ મારી જિંદગીનો કાળો દિવસ . દિકરો , વહુ , પૌત્ર , હું અને મારા પતિ બધાં જ કારમાં જતાં હતા અને અચાનક કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ. હું ખાડા માં ફેંકાઈ ગઈ હતી , બેહોશીની હાલતમાં પડેલી હતી. મને હોશ આવ્યા ત્યારે જણાવવામાં આવ્યું કે કારનાં બધાં જ મૃત્યુ પામ્યા, ફક્ત હું બચી ગઈ હતી .
માથુ કૂટી કૂટીને રડી કે ભગવાને મને કેમ જીવતી રાખી ? મારુ પણ મૃત્યુ થઈ જવું જોઈતું હતું. ઘર તો જાણે આખુ ખાવા આવતું. બહાર ઓટલે અને મંદિરે બેસી રહેતી. અડોશી- પડોશી ઓ એ બહુ સહકાર આપ્યો. મારું ધ્યાન પણ રાખતા પણ દિલનો એ ઘા રુઝાતો નહોતો. જીવન જીવવા નો ધ્યેય જ જતો રહ્યો હતો . એકવાર એક સાધુ મહારાજ સીધુ માગવા આવ્યા. મેં ઘરમાંથી સીધુ લાવીને આપ્યું . ત્યારે એક વાક્ય બોલીને ગયાં , " જિંદગી ની દરેક ઘટનાનો , આપણને સાર કાઢતાં આવડવો જોઈએ ." અને એ વાકય એ મારી જિંદગી બદલી નાખી. મને ખ્યાલ આવ્યો કે મને ભગવાને કેમ જીવતી રાખી. મારી જિંદગીનો ઉદ્દેશ્ય શું છે અને ત્યારથી હું આધ્યાત્મિક વિકાસ તરફ વળી ગયી. "
" જિંદગીમાં પોતાની વ્યક્તિને ખોવાનું દુઃખ બહુ સારી રીતે જાણું છું. પરંતુ તમે તો એક નહીં આખા પરિવારની વ્યકિતઓ ખોઈ છે. અપાર વેદનામાંથી પસાર થયા હશો. સમજુ છું, એ શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. " શિવાલીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું.
" એ તબક્કો બહુ ખરાબ હતો , ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ એક વાકય એ , એક વિચાર અને એક વિચારે , જિંદગી પ્રત્યેનો અભિગમ બદલી કાઢ્યો . આજે નવા નામ સાથે નવી જ જિંદગી જીવી રહી છું ! " યોગિનીદેવીએ સ્મિત આપતા કહ્યું.
" જિંદગી પ્રત્યેનો હકારાત્મક અભિગમ ! આ વાક્ય તમે પહેલા પણ કહેતા હતા અને એ વાકય હું હંમેશા સંસ્થાની મહિલાઓને કહુ છુ. તમારી જ આપેલી શીખ છે. ચંદ્રશેખરનાં ગયા પછી એજ વાક્ય એ મને જીવતી રાખી છે. બાકી તો હું ભાંગી પડતી પરંતુ વિખરાયેલી ખુશીને સમેટતા શીખી ગઈ અને જુઓ આજે ક્લિનિકની સાથે સાથે સંસ્થામાં પણ બધાંને હકારાત્મક અભિગમથી જીવતા શીખવું છું. " શિવાલીએ સ્વમાનથી કહ્યું.
" સાચી વાત છે દીકરી જો જિંદગીમાં આપણે બીજાને સુખી કરવાનું કામ નથી કરી શકતા તો કશું જ નથી કરતા એમ સમજવું. અરે ! તને ખીર બહુ ભાવે છે ને ! સંજોગે મેં આજે જ બનાવી છે! ચાખ જરા ! પહેલા જેવી બની છે કે નહીં ?" કહી યોગિનીદેવી ખીર લેવા ઉઠ્યાં. શિવાલી પણ પાછળ પાછળ રસોડા માં ગઈ અને ખીરની પ્રસાદી લીધી. નાનકડી વાડકીમાં મમત્વથી ભરેલી ખીરમાં શેની મીઠાશ હતી ? સાકરની કે પ્રેમની ? મનમાં વિચારતાં શિવાલીએ આનંદભેર ખીર ખાધી અને પછી એમની રજા લઈ , ક્લિનિક જવા નીકળી.
ટ્રાફિક તો ઘણો હતો છતાં સમયસર ક્લિનિક પહોંચી ગઈ . આયેશાએ ઉભા થઈને અભિવાદન કર્યું . શિવાલીએ સ્મિત આપી . ક્લાઈન્ટને અંદર મોકલવા કહી પોતાનાં કૅબિનમાં જઈને બેઠી. સિત્તેરેક વર્ષનાં વૃદ્ધ અંદર આવ્યા, શિવાલીને નમસ્તે કરીને સામે ખુરશી પર આવીને બેઠા. શિવાલી એ પણ નમસ્કાર કર્યા અને એમને ફોર્મ ભરવા આપ્યું. એ વયોવૃદ્ધ ફોર્મની કૉલમ ભરી રહ્યા હતા ;
નામ : શ્રીકાંત પંડ્યા .
( ક્રમશઃ)