' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી જ પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ એને પ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક સજીવ ; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે.
બદલાવ સતત થતો રહે છે , એનો સ્વીકાર થોડો મુશ્કેલ હોય છે ! ખાસ કરીને ત્યારે , જ્યારે એ જીવનનાં કોઈ મુશ્કેલ તબક્કાનો હોય કે પછી સમાજનાં રીત - રિવાજનો !!! પાનખર વગર વસંત નથી આવતી ! વસંત ને આવકારવા, પાનખર ને પ્રેમથી સ્વીકારી જ પડે છે. અને ત્યારે કહેવા નું મન થાય છે ~ ~~
' Dear પાનખર , spring follows .…… વ્હાલી પાનખર , તારી પાછળ પાછળ વસંત આવે છે અને માટે હું તારો પણ સહર્ષ સ્વીકાર કરુ છુ. '
શિવાલીએ ડાયરી બંધ કરી. પેનનું ઢાંકણ બંધ કરી ને પેન હોલ્ડરમાં મૂકી . બારીની બહાર નજર કરી. સૂસવાટા સાથે પવન , સૂકા થઈને ખરી પડેલા વૃક્ષો નાં પાંદડા, પવનની ગતિની દિશા તરફ ઉડતા અને વળી સહેજમાં ફરી ધરતી પર પડતાં, ખર- ખર અવાજ માંય જાણે કોઈ લય પકડાઈ રહ્યો હતો.
ઓફિસનાં દરવાજા સામે એક નાનો એવો બગીચો હતો. નાના - મોટા છોડવા જેનું સંસ્થાની મહિલાઓ ધ્યાન રાખતી હતી. ક્યારેક શિવાલી પણ બાગકામ કરી લેતી. જયારે બહેનો એને રોકતી તો કહેતી , " આ પણ મારો પરિવાર છે. ભરપૂર પ્રેમની અનુભૂતિ થાય છે જ્યારે નાના છોડને પાણી પીવડાવતી હોઉં કે બાગકામ કરતી હોઉં"
પીળા કલરની ઝીણી પ્રિન્ટવાળી સાડી પહેરી ને આકાંક્ષા મહિલા સંસ્થામાં પ્રવેશી રહી હતી. પવનનાં વેગનાં કારણે હવામાં પાલવ લહેરાઈ રહ્યો હતો. સાડીમાં આકાંક્ષાનું સૌન્દર્ય ખીલી રહ્યુ હતુ. શિવાલી અને આકાંક્ષાની નજર મળી અને બન્નેના મુખ પર સ્મિત પ્રસરી ગયુ. શિવાલી અને આકાંક્ષામાં ઘણી બધી સામ્યતાઓ હતી પરંતુ દુનિયાની દ્રષ્ટિએ સૌથી મોટી સામ્યતા એ હતી કે એ બન્ને પતિ ની હયાતી છતાં યે એકલા રહેતા હતા. સમાજમાં પ્રચલિત વાત અનુસાર શિવાલીનાં પતિ એ સંન્યાસ લઈ લીધો હતો. સુશિક્ષિત - સુખ સંપન્ન પરિવાર હતો છતાં પણ સંન્યાસ !!! માનવુ થોડુ અઘરું હતું.
" તમે બાગકામ કરો છો ? ચાલો ! હું પણ મદદ કરુ! " કહી આકાંક્ષા ઑફિસમાં હેન્ડબૅગ મૂકવા જતી જ હતી કે શિવાલી એ એને રોકી , " અરે ! ના ! તું ઑફિસ માં બેસ હું આવુ જ છું. આ તો જરા બગીચા માં કામ કરવાનું મન થઈ આવ્યું . " શિવાલી એ હાથ સાફ કર્યા અને ઑફિસ માં ગઈ.
" આંતરરાષ્ટ્રીય મહિલા દિને પ્રોગ્રામ કરવા માટેની રુપરેખા બનાવી લઈએ. " શિવાલીએ ખુરશી આકાંક્ષાની નજીક લઈ જતા કહ્યુ.
" આ વખતે કોઈને મહેમાન પદે બોલાવવાનો વિચાર છે ?" આકાંક્ષા એ પૂછ્યું .
" તારા ધ્યાન માં છે કોઈ ? " શિવાલી એ પૂછ્યું.
" યોગિનીદેવી ! એ પણ સ્ત્રી ઓની નિઃસ્વાર્થ ભાવે મદદ કરે છે. યોગ અને આધ્યાત્મિક વિકાસ માટે , આપણી સંસ્થાની નારીઓ માટે ચોક્કસ મદદરૂપ થશે. મને એવું લાગે છે. " આકાંક્ષાએ કહ્યુ.
" ચોક્કસ ! તો પછી એમને આમંત્રણ આપી દઈશું. મારી મદદ ની જ્યાં પણ જરૂર હોય કહેજે. આ નવી ભરતી થયેલી સ્ત્રી ઓની યાદી છે! જરા એક વખત જોઈ લેજે. ડૉ. સિદ્ધાર્થ તો યુ.એસ.એ ગયા છે તો એતો નહીં આવી શકે. એમનો મેઈલ અને મેસેજ બન્ને આવી ગયા. ગૌતમ નો હજી કાંઈ મેસેજ નથી આવ્યો. " શિવાલી એ ફાઈલ આકાંક્ષાનાં હાથમાં આપતા કહ્યું.
" ગૌતમભાઈ ચોક્કસ આવશે. છતાંય હું એમની સાથે ચોખવટ કરી લઉં છું. મારો તમને આગ્રહ છે કે યોગિનીદેવી ને આમંત્રણ આપવા જઈએ તો તમે પણ સાથે આવો. મને ખબર છે કે તમારી માટે સમય કાઢવો મુશ્કેલ છે છતાં પણ ! તમારા અનુકૂળ સમયે જઈશું. " આકાંક્ષાએ ભારપૂર્વક કહ્યું.
" ચોક્કસ ! પરમદિવસે સવારે અગિયાર વાગ્યે મારે કોઈ અપોઇન્ટમેન્ટ નથી . જો શક્ય હોય તો ત્યારે જઈ આવીએ. નહીં તો પછી આપણી સંસ્થાનાં સરિતાબહેનને સાથે લઈ જજો. " શિવાલીએ પોતાની અપોઈન્ટમેન્ટની ડાયરી ચેક કરતા કહ્યુ.
" હું આજે જ ફોન કરીને નક્કી કરી લઉં છું. આ મહિને સ્ત્રી ઓની સંખ્યામાં ઘણોખરો વધારો થયો છે . આપણી સંસ્થામાં આવે છે પણ મને એ ખબર નથી પડતી કે ખુશ થવું જોઈએ કે નહીં . " આકાંક્ષા એ ધીરે થી નિઃસાસો નાખતા કહ્યું.
" કેમ એવુ કહે છે ? એમને આપણા પર વિશ્વાસ છે.તેથી આવે છે. અહીં આપણે ખાલી વાતો નથી કરતાં એમને રોજગારી મળી રહે એ માટે એમને તૈયાર પણ કરીએ છીએ. કોઈ બે ચાર દિવસની વાત નથી. આખી જિંદગીનો પ્રશ્ન છે. જ્યાં પણ માર્ગદર્શનની જરૂર હોય પૂરુ પાડીએ છીએ. " શિવાલી એ ચહેરા પર ગર્વ ની લાગણી વ્યક્ત કરતાં કહ્યું.
" હા ! આપણે આ સંસ્થામાં આપણો ફાયદો નથી જોયો . પરંતુ .. " કહી આકાંક્ષા બોલતાં સહેજ અચકાઈ.
" પરંતુ શું ? મનમાં ના રાખ. ખુલ્લા મનથી કહી દે , જે કહેવુ હોય એ. " શિવાલી એ આકાંક્ષા ને બળ આપતા કહ્યું.
" સમાજ માં જેમ જેમ શહેરીકરણ થઈ રહ્યું છે એમ એમ પ્રોબ્લેમ વધતા જાય છે. સ્ત્રી ઓની તકલીફો વધતી જાય છે અને છેલ્લે એનો ભોગ બને છે લગ્ન જીવન. આપણે એમને સહાય તો કરીએ છીએ પણ એમાં થી બધાં નું લગ્નજીવન બચાવી શકતા નથી. એ વાત નો હંમેશા રંજ રહી જાય છે. તમને યાદ છે ને રીના. એને આપણે સીવણ શિખવાડી પગભર કરી. જેથી એનો પતિ ઓછું કમાય તો પણ એ ઘરનું અને બાળકો માટે આર્થિક તકલીફ ના થાય. એના પતિએ ચોરી કરી એની બચત ઉડાવી મારી. એ હતી ત્યાંની ત્યાં થઈ ગઈ. બાળકોની ફી ભરવા માટે પૈસા ના રહ્યા. બહુ દુઃખ થાય છે જ્યારે આપણે આટલી સહાયતા કરીએ અને પછી પણ એ લોકો તકલીફ માં રહે. " આકાંક્ષા મન માં ખૂબ જ દુઃખી હતી અને શિવાલી એની ના કહેલી વાત પણ સમજી ગઈ.
" આકાંક્ષા ! એક વાત પૂછું ? તે જ્યારે તારુ લગ્નજીવન બચાવવાનો પ્રયત્ન કર્યો અને છતાં પણ ન બચ્યું ત્યારે તારા મનમાં શું લાગણી ઉદ્દભવી હતી? " શિવાલી એ પૂછ્યું.
" તમે !! … તમે !! આ પ્રશ્ન પૂછો છો ? જ્યારે તમે તો મારી જિંદગી વિશે બધું જ જાણો છો ! " આકાંક્ષા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.
" હા ! એટલે જ પૂછુ છુ. " શિવાલી એ કહ્યુ.
" પહેલા થોડું દુઃખ થયુ હતુ પરંતુ પછી મારા હૃદયેએ સ્વીકારી લીધુ કે દરેક વ્યક્તિની પોતાની એક નિયતી હોય છે અને એ સ્વીકારી ને ચાલવા થી જિંદગી જીવવા માટે તકલીફ ઓછી થાય છે. પાણીના વહેણ તરફ તરવાથી મજા બમણી થઈ જાય છે. " કહેતા આકાંક્ષાના મુખ પર એક પ્રેમાળ સ્મિત પ્રસરી ગયુ.
" આ વાત જો તારા પર લાગુ થાય તો એમના પર ના થાય ? આપણુ કામ મદદ કરવા નું છે. લગ્નજીવન ટકાવવા પ્રયત્ન બન્ને તરફ હોવા જોઈએ. મારી પાસે કેટલાય કેસ આવે છે જેમાં લગ્ન એક તરફી હોય. હું એમનુ લગ્નજીવન બચાવવાનો પૂરો પ્રયત્ન કરુ છુ પરંતુ છેલ્લે તો એમના પુરુષાર્થ પર બધુ નિર્ધારિત હોય છે. એના માટે હું એ વાત નું દુઃખ દિલ પર નથી લઈ શક્તી. " શિવાલી એ સ્પષ્ટ અને તટસ્થ શબ્દો થી વાત વ્યક્ત કરી.
" તમારી વાત તદ્દન સાચી છે. એટલે જ મને યોગિનીદેવી ને આમંત્રિત કરવા ની ઈચ્છા થઈ. કદાચ આપણાથી કોઈ કસર રહી હોય તો એમના દ્વારા પૂર્ણ થાય. " આકાંક્ષા એ કહ્યું.
" તું કયારે મળી એમને?" શિવાલી એ પૂછ્યું.
" મારા બિલ્ડીંગ માંથી એક આન્ટીને એમને મળવા જવુ હતું. મે એમને કારમાં ડ્રોપ કર્યા પછી એમની ઇચ્છા હતી કે હું દસ મિનિટ માટે યોગિનીદેવીને મળીને જવું અને એમને મળવા ગઈ. તમે નહીં માનો! દસ મિનિટ મળવાથી જ મને એમની આધ્યાત્મિક પ્રતિભા નો અનુભવ થયો અને ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે એક દિવસ એમને આપણી સંસ્થામાં આમંત્રિત કરીશ જેથી બીજી સ્ત્રીઓને પણ આધ્યાત્મિક અનુભવ મળી રહે. અને નજીકમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે જ છે તો એ દિવસ કેમ નહીં ? " આકાંક્ષા એ કહ્યુ.
" હા! મને પણ એમને મળવાનો લ્હાવો મળશે. " કહી શિવાલીએ હેન્ડ બૅગ હાથમાં લીધી. મોબાઈલની રીંગ વાગી. પર્સમાંથી મોબાઈલ બહાર કાઢી એ ચાલતાં ચાલતાં વાત કરવા લાગી.
" હા ! સૌમ્યા ! ઘરે જ આવું છું . અત્યારે ક્લિનિક પર નથી જવાનું. બાય ! " અને આકાંક્ષા ને ઈશારા માં બાય કહ્યુ અને ત્યાંથી નીકળી ગઈ.
આકાંક્ષા ત્યાં પડેલા નામનાં લિસ્ટ જોવા લાગી અને મનમાં વિચારવા લાગી , ' બધાં ને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા હંમેશાં તત્પર રહેનાર આ ડૉ. શિવાલી ને કોણ પ્રોત્સાહન આપતું હશે? '
(ક્રમશઃ)