Dear પાનખર - પ્રકરણ - ૭ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dear પાનખર - પ્રકરણ - ૭

" સૉરી ! તને રાહ‌ જોવી પડી. પરંતુ એ લોકોનાં ઉત્સાહને જોઈને હું ખુદને રોકી જ ના શકી . " શિવાલીએ ઝરણાંને કહ્યું.

" કાંઈ વાંધો નથી. એમની તમારા પ્રત્યેની લાગણી હું સમજુ છું . તો.. આપણે સુખની વાત કરતાં હતાં. . તમારા મતે એને સુખનું સરનામું કહી શકાય ? " ઝરણાંએ ઈન્ટરવ્યુને આગળ વધારતાં પૂછ્યું.
" સૌથી પહેલાં તો સુખનું સરનામું હોતુ જ નથી કારણકે સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. કોઈ વ્યક્તિ માટે આજ નું ભોજન મળવું સુખ છે, તો કોઈ વ્યક્તિ માટે ભોજન સમયે પોતાની વ્યક્તિ પાસે હોય , એ સુખ છે. માટે જ સુખ એ વ્યક્તિગત પસંદગી છે. એને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતુ નથી. પરંતુ શારિરીક તંદુરસ્તી એ સુખનું પહેલું પગથિયું અને અનિવાર્ય અંગ કહી શકાય. " શિવાલી એ કહ્યું.

"સમાજમાં જે ડિવોર્સનું પ્રમાણ વધ્યું છે, એ વિશે તમારો શું મંતવ્ય છે ?" ઝરણાં એ પૂછ્યું .

" પતિ - પત્ની છૂટા પડી જાય , તો‌પણ મા-બાપ તો એક જ રહે છે. જેથી એવા સંજોગોમાં બાળકોનાં માનસ પર ખૂબ ઊંડી અસર થાય છે. અને ત્યારે એ વાત ચિંતાજનક જરૂરથી કહી શકાય. " શિવાલી એ કહ્યું.

" તમારા મતે આજની સ્ત્રીઓ ડિવોર્સ માટે જવાબદાર છે ? "

" ના ! સમાજમાં બદલાવ થયા છે ; એમ સ્ત્રીઓની જીવનશૈલી પણ બદલાઈ છે. તેથી એવુ લાગવું સ્વભાવિક છે પણ ડિવોર્સ માટે ફક્ત એકજ વ્યક્તિને જવાબદાર ગણવી એ વ્યાજબી નથી . એના માટે બીજા ઘણાં પરિબળો કામ‌ કરે છે. " શિવાલી એ જવાબ આપ્યો.

" આજ ની સ્ત્રીઓને આપના તરફથી શું સલાહ આપશો ? " ઝરણાં એ પૂછ્યું.

" આપણી જિંદગીની ખુશીઓની ચાવી બીજાનાં હાથમાં નહીં આપવાની. બધાંની કાળજી કરવાની સાથે પોતાની કાળજી કરવા માટે પણ સમય કાઢી લેવો , શરીરની સાથે મનની પણ કાળજી કરી લેવી ખૂબ જરૂરી છે !! " શિવાલીએ પોતાનું મંતવ્ય આપતા કહ્યું.
" અને છેલ્લો સવાલ આ સંસ્થાની સ્ત્રીઓનાં સશક્તિકરણ માટે તમે શું સ્વપ્ન જોયું છે ? "

" આ સંસ્થા મારા દિલની ખૂબ નજીક છે. એક નાનું સ્વપ્ન છે કે આ સંસ્થાની સ્ત્રીઓ બીજી જરુરીયાતમંદ સ્ત્રીઓને રોજગાર આપે એટલી સક્ષમ થઈ શકે. સ્ત્રી આદ્યશક્તિનો જ અંશ છે ; તો સશક્તિકરણ નો પ્રશ્ન જ નથી ઉઠતો અહીં !!! નવી શક્તિ ક્યાંયથીયે લાવવાની નથી ! પરંતુ પોતાની શક્તિઓને ઓળખવાની છે. પોતાના ગુણોને ઓળખવાના છે. " એમ કહેતાં શિવાલીની આંખોમાં એક ચમક દેખાઈ રહી હતી , સંસ્થાની સ્ત્રીઓનાં ઉજ્જવળ ભવિષ્યનાં સ્વપ્નાની ચમક !!!

" મારો આ પહેલો ઈન્ટરવ્યુ છે , સૌથી યાદગાર રહેશે. Thank you so much! " ઝરણાં ખૂબ જ ખુશ હતી.એણે હાથ જોડીને શિવાલીનો આભાર માન્યો. શિવાલી એ પણ‌ એનો આભાર માન્યો .

પ્રોગ્રામ પતી ગયો‌ હતો પરંતુ એનો હર્ષોલ્લાસ દરેક નાં હ્દય માં ક્યાંય સુધી ગુંજતો હતો. પોતપોતાના ઘરે પહોંચ્યા પછી પણ કોઈની વાતો ખૂટતી નહોતી.

શિવાલીના ફોનમાં રિંગ વાગી. નીનાનો ફોન હતો. "હલો શિવાલી ! અમે ઊંટી જવાનો પ્લાન બનાવ્યો છે. "
" સરસ ! બાળકોને અહીં જ છોડીને જજે. ક્યારે જાવ છો ? " શિવાલીનાં અવાજમાં ખુશી છલકાઈ રહી હતી.
" આવતા અઠવાડિયે ! "
" ગ્રેટ ! એકદમ સરસ એન્જોય કરજો. મનનાં બધાં જ ભ્રમ કાઢી નાખજે. જિંદગીનાં વળાંકોમાં પણ જિંદગી હોય છે, એ ભૂલવા નું નહીં . " શિવાલી એ હકારાત્મક અભિગમ બતાવતા કહ્યું.

" તારી વાત તો સાચી છે પરંતુ ક્યારેક દિલ કોઈ વાત નથી માનતું. થાકી જવું છું ખુદને‌ સમજાવી સમજાવીને ! " નીના હજી પૂરેપૂરી મન ને મનાવી નહોતી શકતી.

" બધું જ ઠીક થઈ જશે. તું ચિંતા ના કર !" શિવાલી એ કહ્યું.
" હા ! એવું જ ઈચ્છું છું. ઓકે બાય. બધી તૈયારીઓ પણ કરવાની છે. " નીના એ ફોન મૂકતાં કહ્યું.
" બાય! તારું ધ્યાન રાખજે. " કહી શિવાલીએ ફોન મૂક્યો અને વિચારી રહી ,' હું અને પ્રથમેશ સારા મિત્રો છીએ, છતાંયે અમારા સંબંધ પર એણે ક્યારેય અવિશ્વાસ નથી મૂક્યો. એવુ તો નથી ને કે એનો વહેમ કદાચ સાચો પૂરવાર થાય ?'

* * *

" આજનો પ્રોગ્રામ બહુ જ સરસ રહ્યો. " ગૌતમે આકાંક્ષાને કહ્યું અને ઉમેર્યું , " હું તમારા માટે ખૂબ જ ખુશ છું. તમે જિંદગી માં હારવાને બદલે કે કોઈપણ પ્રકારનો મનમાં દ્વેષભાવ રાખ્યા વગર જિંદગી આગળ વધારી. એ ખરેખર બિરદાવવા લાયક છે. "

" હા ! જ્યારે એ સ્ત્રી ઓને જોવું છું ને ત્યારે મનમાં વિચાર આવે છે કે મારી જિંદગી તો ઘણી સારી છે. એ લોકો ફક્ત પોતાના પરિવાર જ નહીં , એમના સંકુચિત સમાજથી પણ ત્રસ્ત હોય છે. તો પણ હિંમત નથી હારતા. અવિરત પ્રયાસો કરે રાખે છે, જિંદગી જીવવાના ..! તો મને તો તમારા બધાંનો સપોર્ટ છે. હું હિંમત હારી જવું એ કેવીરીતે ચાલે ?" આકાંક્ષા એ હસીને કહ્યું.

" અમોલ મળવા આવે છે ? " ગૌતમે પૂછ્યું.
" ગયા મહિને ઘરે બધાંને મળવા આવ્યા હતાં. થોડા દિવસ પહેલાં મેં એમને અને તન્વીને કૉફી શૉપમાં જતા જોયા હતાં. એમણે કદાચ મને નહોતી જોઈ. " આકાંક્ષાનાં મુખ પર શુષ્કતા છવાઈ ગઈ.

" એણે બહુ મોટી મૂર્ખતા કરી છે કેટલુ સમજાવ્યો ,તોય એ ના સમજ્યો ! પરંતુ હવે તો તારે તારી જિંદગી વિશે વિચારવું જોઈએ. આવી રીતે ક્યાં સુધી જિંદગી જીવીશ ? ક્યારેક એકલાપણું લાગશે ત્યારે ?" ગૌતમે સલાહ આપતા કહ્યું.
" હા ! અને આ સલાહ પણ‌ કોણ‌ આપે છે ?? તમને નથી લાગતું એકલાપણું ? તમે કેમ‌ નથી વિચારતા તમારી જિંદગી વિશે ? " આકાંક્ષા એ સહેજ કટાક્ષમાં કહ્યું.
" સાચું કહું ! તન્વી માટે મને થોડી લાગણી ઉદભવી હતી. પરંતુ એણે એવો આંચકો આપ્યો કે હવે કોઈ પર પણ વિશ્વાસ કરતાં વિચાર કરીશ. " ગૌતમે હતાશ મને કહ્યું.
" મારે પહેલાં બાળકોનું વિચારવાનું છે. મને બીજા લગ્ન નથી કરવા અને કરું તો પણ‌ બાળકોનાં માનસપટલ પર શું અસર થશે ? એ વિચાર મને વિચલિત કરી દે છે. " આકાંક્ષા એ પોતાની વ્યથા જણાવતાં કહ્યું.
" થોડો સમય લાગશે , એમને અનુકૂળ થતાં , પણ‌ પછી બધું બરાબર થઈ જશે. અને ફોઈ ફૂઆ છે એમને સંભાળવા માટે ! " ગૌતમે સમજાવતાં કહ્યું.
" એ લોકોને નહીં ગમે હું બીજા લગ્ન કરીશ તો. " આકાંક્ષા એ કહ્યું.
" તે એ વિષય પર ક્યારેય વાત કરી? તે જ મનમાં એમનો જવાબ વિચારી લીધો ? હું વાત કરીશ! તું એક વખત હા તો પાડ!!! " ગૌતમે ધીર ગંભીર અવાજે કહ્યું.
આકાંક્ષા ચૂપચાપ બેસી રહી. જાણે એની પાસે કોઈ જ જવાબ ના હોય. " એક વાત ની ખુશી થઈ. તે આ વિષય બાબતે વાત તો કરી મારી સાથે! નહીં તો તું હંમેશા એ વાતથી ભાગતી જ હતી. " ગૌતમે નરમાશથી કહ્યું.
" પરંતુ વાત તો એજ છે. અમોલે તો બાળકો વિશે ના વિચાર્યું પરંતુ મારે તો વિચારવું જ પડશે. મારુ ભવિષ્ય સારું કરવા માટે હું એમનું ભવિષ્ય તો દાવ પર નથી લગાવી શકતી ને ! " આકાંક્ષા એ કહ્યું.

" ઓકે. હું વધારે ફોર્સ નથી કરી શકતો. પરંતુ જ્યારે પણ‌ મદદની જરૂર હોય બેજીજક કહેજે. " ગૌતમે આશ્વાસન આપતાં કહ્યું.
આકાંક્ષા ફકત એક ફિક્કું સ્મિત આપી શકી.
"કાકા શું કરો છો ? " કહી મોક્ષ અને મોક્ષા ગૌતમ ને વળગી પડ્યા. ગૌતમ પણ બન્ને સાથે મસ્તી કરવા લાગ્યો. રાતનું જમણ કર્યું પછી ગૌતમ અને ઝરણાં ટ્રેનથી પૂના રવાના થયા.

પાટા પર ધડક ધડક અવાજ સાથે ટ્રેન પૂરપાટ ગતિએ જઈ રહી હતી. બારી પાસે બેસીને ગૌતમ ઠંડી હવાનો આનંદ લઇ રહ્યો હતો. ઝરણાં સામેની સીટ બેઠી હતી. બારીની બહાર આકાશ પર નજર ગઈ અને એને આકાશની યાદ આવી ગઈ.

આમ તો ઘણા જુવાનો એ ફ્રેન્ડશીપ માટે હાથ લંબાવ્યો હતો પણ ઝરણાંનું દિલ તો આકાશ પર આવીને અટકી ગયું હતું. બધા સ્લીપિંગ બર્થ પર સુવાની તૈયારી કરવા લાગ્યા. ઝરણા પણ સુતા સુતા આકાશ વિશે વિચારતી રહી. ' શ્યામ વર્ણ ઉંચો , પાતળો , ભરાવદાર બાહ , નશીલી આંખો અને વાત કરવા ની અનોખી છટા ; શું નથી આકાશ માં ! પરંતુ શું આકાશ પણ‌ મારા વિશે વિચારતો હશે ? કે એની જિંદગી માં કોઈ બીજી છોકરી હશે ? ' વિચારતા વિચારતા ઝરણાંની આંખ લાગી ગઈ.

(ક્રમશઃ)