સગરદાદાનો વસ્તાર બહુ મોટો. ને બધાય શહેરમાં જઈને વસ્યા હતા.એટલે વારે-તહેવારે શાંતાબા આગ્રહ કરીને બધાને ગામડે બોલાવે. છોકરા-વહુઓ- ને પૌત્રો ને પ્રૌત્રીઓની કિલકારીઓ થી ઘર ગૂંજી ઉઠતું એ જોઈને બાનો આત્મા ઠરતો. પણ સગરદાદાનો આત્મા ને મન અશાંત થઈ જાય.
સગરદાદા રહ્યા અંતર્મુખી. એ મોટાભાગે એકલાં જ એમના ઓરડામાં રહેતા. ભીડ તો ગમતી જ નહીં. ને અવાજને કારણે એ અકળાઈ જતાં. એમને વાર-તહેવાર આવેને એટલે અકળામણનો પાર ના રહેતો. એમને એમની શાંતિ માં ખલેલ પડશે હવે એ વિચારે ગુસ્સે થઈ જતાં.
એમની અને શાંતાબાની વચ્ચે દર વખતે આ બાબતે ચડભડ થતી ને શાંતાબા જીતી જતાં ને બધાં સંતાનો ખુશખુશાલ થઈ ને તહેવાર ઉજવીને શહેર પાછાં ફરી જતાં.
પણ એક વર્ષે દિવાળીનાં તહેવાર પર બધા દિકરાઓએ એમના બાપા સગરભાઈનાં કકળાટથી શાંતાબાને બચાવવા માટે લેહ-લદાખ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો ને એ મુજબ બધા બુકિંગ પણ કરાવી લીધાં. ને શાંતાબાને ફોન પર દિકરાઓએ જણાવ્યું કે બા,અમે આ વર્ષે દિવાળી કરવા ગામડે નહીં આવીએ પણ ફરવા જવાનાં છીએ.
આ સાંભળીને બાને બહુજ દુઃખ થયું ને સાવ નિરાશ થઈ ગયા. બાએ સગરદાદા ને વાત જણાવી તો સગરદાદા તો ખુશ થઈ ગયા કે હાશ, હવે નિરાંત. કલબલાટ થી છુટકારો મળ્યો.આ શાંતિ જળવાઈ રહેશે.
પણ શાંતાબા સતત ઉચાટે ફરતાં હતાં.એમને એમનાં વસ્તાર સાથે જ દિવાળી કરવી હતી. એ મનમાં સમજી ગયા હતાં કે દિકરાઓ બાપાથી દૂર ભાગવા લાગ્યા છે.એમણે છોકરાઓને ફરવા જતાં રોકીને ગામડે બોલાવે એવું કહેવા માટે પતિને બહુ સમજાવ્યા પણ સગરદાદા માન્યાં નહીં.
એટલે શાંતાબાએ કોપભવનનો આશરો લીધો ને પતિ સાથે ત્રણ-ચાર દિવસ સુધી અબોલા રાખ્યાં. એટલે સગરદાદા પીગળ્યાં.
"બહુ જીદ્દી છો તમે. જાવ , આ ફેરી પણ તમે જ જીત્યા. હું હાર્યો. મારૂં શું છે? હું તો ઓરડે એકલવાયો પડ્યો રહીશ."કચવાતે જીવે દાદાએ બાને બધાંને ગામડે બોલાવવા માટે હા પાડી.
આખોય વસ્તાર ધનતેરસે ખુશખુશાલ થઈ નેગામડે ગોઠવાઈ ગયો.
નાનાં નાનાં બાળકોને તો દાદા વગર ગમે જ નહીં ને સગરદાદા બધાથી કોસો દૂર ભાગવાની વેતરણમાં રહેતા. જેને જેટલા રૂપિયા જોયતા હોય જલસા કરવા માટે ઈ લઈ જાય પણ એમનાથી દૂર રહે બસ એજ ઈચ્છતા કાયમ.
શાંતાબા ને બધાજ છોકરાં છૈયા હેયયયને મોજથી તહેવાર કરવામાં પડ્યા હતા.
ત્યાં જ રાત્રે મોટા દિકરાનાં દોસ્તારનો ફોન આવ્યો કે હમણાં જ જે ટ્રેન દ્વારા એ બધા લેહ લદ્દાખ જવાના હતા એનો ભયંકર મોટો એક્સીડન્ટ બીજી ટ્રેન સાથે થયો છે ને ૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
આ કાળમુખા સમાચાર સાંભળી ને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. શાંતાબા પણ આઘાત પામ્યાં. પણ પછી એકદમ જ એમને કંઈક એહસાસ થયો ને પતિનાં ઓરડામાં જઈ ને હાથ જોડીને રડતાં રડતાં બોલ્યાં કે," તમારો માનું એટલો પાડ (આભાર)ઓછો પડશે આ આખોય અવતાર.. તમે મારા વસ્તારને જીવતદાન આપ્યું છે.
તમે હા નો ભણી હોત તો ઈ બંધાય ફરવા જતાં રહ્યાં હોત ને આજે ના બનવાનું બની ગયું હોત. ને આપણે.....??આજે તમે જીતી ગયાં..!!" ખૂબ જ આક્રંદથી બા રડતા હતાં
ખબર નહીં પણ કેમ આજે સગરદાદાને આ ઘટનાથી પોતાના છોકરાંઓ માટે ખૂબ જ વ્હાલ ને લાગણી ઉભરાતાં હતાં. એમને પણ પત્ની ની વાત સાચી લાગતી હતી આજે.
"ના ના, ચૂપ થઈ જાવ તમે હવે.અરે , આ જીત તો તમારી છે.જો તમે ઈ દા'ડે હઠ નો કરી હોત તો આજે હું જાતી જિંદગીએ આ બધી જિંદગીઓની ખોટ સહન નો કરી શકત." ગળગળા થઈ ને સગરદાદા અફસોસ કરી રહ્યા હતા.ને પત્નીની હઠ પર ગર્વ થતો હતો.
ત્યાં જ ઓરડો "દાદા , દાદા" એવી છોકરાઓની કિલકારીઓ થી ગુંજી ઉઠ્યો ને સગરદાદાને વીંટળાઈ વળ્યાં.ને એમનું મન અલૌકિક શાંતિથી તરબતર થઈ ગયું.
-ફાલ્ગુની શાહ ©