Medo books and stories free download online pdf in Gujarati

મેળો

શું કોઈ ની સાથે પહેલી મુલાકાત એ જ છેલ્લી મુલાકાત હોઈ શકે...??

સરવરિયો શ્રાવણ એની મસ્તીમાં મસ્ત બની સરવર....સરવર...‌વરસી રહ્યો હતો.
આખાય કાઠીયાવાડ ને જે વરસ આખુંય તલપાપડ બની ને કાગડોળે રાહ જોવડાવતો ઈ જન્માષ્ટમી નો મેળા ને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા હતાં...
હા, હું રાજકોટ નાં એ જ સાતમ આઠમ નાં અજાયબી જેવા અદ્ભૂત મેળા નો અહીં ઉલ્લેખ કરી રહી છું.

મેળો કોઈ પણ હોય , જુવાન હૈયાઓ ને હેલે ના ચડે એવું બને નહીં હો....!!

જોતજોતામાં મેળા નો દિવસ પણ આવી ગયો.

આસપાસ નાં ગામો અને શહેરોમાં થી માનવ મહેરામણ ઉમટવા લાગ્યું....બધીય વરણ નાં લોકો મેળાને માણવા માટે જ‌ઈ ચડ્યા છે....
મેળો એટલે માણસનું માણસ સાથે મન મૂકીને મળવુ એવું લોક ભાષા માં કહેવાય...

જીવનનાં બધાંય દુઃખ ભૂલી ને લોકો મેળામાં આવતા રહે છે...ઈ‌ મેળામાં ખાણીપીણી , રમતગમત,જાદુ નાં ખેલ, ચકડોળ, મોતનો કૂવો , કઠપૂતળી નાં ખેલ , વસ્ત્રો ની હાટડીઓ, રમકડાં ની દુકાનો , નિશાનબાજી, અખાડા કરતબ, જેવાં અનેક પ્રકારના આકર્ષણો સૌને આકર્ષિત કરી રહ્યા છે....

ઈ મેળામાં રતનપર ની સંતુએ પણ બાંધણી વેચવાની હાટડી નાખી હતી. રંગબેરંગી બાંધણીઓ એની હાટડી એ લહેરાઈ રહી ..જેની પર નજર મા‌ત્ર પડવાથી ખરીદવાની ઈચ્છા થાય.
હૈયે હૈયું દળાય તેટલી મેદની આનંદ થી વિહરી રહી છે.એમાં માધોપુરથી પોતાના દોસ્તારો સાથે મેળો માણવા અરજણ કાઠી પણ આવ્યો હતો.. જુવાનજોધ કાઠી નો દિકરો...આમ તો રાજકોટ શે'રમાં બહુ ઓછો આવતો.પણ મેળો તો ચૂકતો જ નહીં..!!

મોજમસ્તી કરીને હટાણું કરવા ફરતાં ફરતાં ઈ સંતુ ની હાટડી એ આવી ને થંભી ગયો... આંખને ઠારે એવી બાંધણી અને સંતુ બેય ને જોઈ ને અરજણ તો પોતાને ખોઈ બેઠો.... પહેલો પ્રગાઢ પ્રેમ...થ‌ઈ ગયો...
........અરજણે એનાં દોસ્તારો ને આગળ વધવા ફરમાન કર્યું.....ને બધાં સમજી ગયા હોય એમ ઘડીકમાં અંતર્ધ્યાન થઈ ગયાં..!!

"હું દામ રાખ્યાં છે આ બાંધણી નાં"?? અરજણે મૂછે તાવ દેતાં દેતાં આંખો ઉલાળી સંતુ સામે જોઈ ને પૂછ્યું ‌.

"હજાર માથે ત‌ઈણસો દોકડા આખા "..સંતુ અરજણને આંખો થી માપતા બોલી.

"આઘું પાસું થાહે દોકડા ની માથે.?? અરજણે વાત કરવાનો મોકો લીધો...
"બાયડીની હારૂં લ‌ઈ જાવી ને વળી દોકડા ની માથાકૂટોય કરવી" ?? સંતુએ મોં મચકોડીને ઉત્તર વાળ્યો.

"માડી માટે આ બાંધણી હૈયે વસી ગઈ સે ,ત‌ઈ તને કીધું ને બાયડી હજી લમણે લખાણી જ નથ..હમજી ને??

સંતુ મનમાં રાજી રાજી થઈ ને મલકાય ઉઠી..ને પછી તો અરજણે ઈ હાટડી એ જ અઠઠે દ્વારકા કર્યા.
એકાબીજાનાં પરિચય અપાયાં..એક જ ક્ષણમાં બેય પ્રેમમાં પડી ગયા. ઉભરતી જવાની નો પહેલી નજરે થયેલો ઈ સાચો પ્રેમ હતો...સંતુ-અરજણે બે દિવસ ઈ મેળામાં ભરપૂર સ્વૈરવિહાર કર્યો.
ને છૂટાં પડતી વેળાએ અરજણે સંતુને વચન આપ્યું કે દર શનિવારે ઈ રતનપર નાં પાદરે એને મળવા જશે...ને સંતુ ભારે હૈયે મેળા ને અરજણથી અળગી થઈ.
પાછાં ફરતાં રસ્તામાં દોસ્તારોએ અરજણ નાં પ્રેમને અને પસંદગીને ગમાડી ને ખૂબ મશ્કરી કરી ને મોજ કરી...
ઈ દાડા પછી સંતુ પહેલાં શનિવારે બહુ જ ખુશ હતી. અરજણ આજે આવવાનો હતો ને...મનોમન વાતો કરે ને શરમાતી જાય...કામમાં ક્યાંય જીવ લાગ્યો જ નહીં....ભૂખ પણ ના લાગી...આજે બાંધણી નું બંધેજ પણ નાં કર્યું...મન આજે હાથમાં નહોતું રહેતું...અરજણને જોવા અધૂરી બની હતી આંખો.
માંડ માંડ સાંજ પડી.એટલે નવાં શણગાર સજીને નવી બાંધણી પહેરીને પાદરે પોકી ગ‌ઈ.સૂમસામ પાદરે એકલી બેઠી.. દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જોઈ રહી છે‌.હમણાં અરજણ આવ્યો કે આવશે..ને પછી ઢગલો પ્રેમ ની વાતો કરશું.
વખત વિતતો ગયો.સાંજ ધટતી રહી ધીમે ધીમે. રાત ઉતરવા લાગી ધરતી ઉપર.....હવે સંતુ નાં મનમાં ફાળ પડવા લાગી ને આંસું આવી ગયા.
અરજણ કેમ ના આવ્યો?? મનમાં અનેક સવાલો ને શંકા સાથે ઈ મનને મારીને ઘરે પાછી ગઈ.
કોઈ ને પૂછી પણ ના શકાય એનાં વિષે. બદનામ થ‌ઈ જવાય.
ને માધોપર તો ખાસ્સું દૂર હતું.બાઈ માણહ એકલું ના જ‌ઈ શકે ત્યાં.

એ પછી દર શનિવારે ઈ પાદરે એકલી એની રાહ જોઈ બેસી રહેતી. કેમ કે એણે અરજણની આંખોમાં સાચ્ચો પ્રેમ નિતરતો એણે જોયો હતો‌..!! એને ભરોસો હતો કે એ આવ્યાં વગર રહે જ નહીં.

એમ કરતાં કરતાં પાંચ મહિના વીતી ગયા...
એક દિવસ સંતુ બાંધણી નાં રંગ લેઈને બસમાં પાછી ફરી રહી હતી ત્યારે અરજણ નો દોસ્તાર પરબત મળી ગયો.
સંતુ એને જોતાં વેંત જ ઓળખી ગ‌ઈ... એણે તરતજ પરબત ને અધીરા બની ને પૂછ્યું કે, " ભાઈ, અરજણ નાં શું ખબર છે? ઈ ક્યાં છે? બધું બરાબર તો છે ને?એનો વાયદો ઈ કેમ ભૂલી ગયો?" પૂછતાં પૂછતાં રડી પડી.

પરબત એકદમ ગંભીર બની ગયો.એનાં મોં પરથી નૂર ઉડી ગયું.
ગળગળા થતાં એણે સંતુને કીધું,"એ દિ મેળામાં થી ગામ પાછાં ફર્યાં પછી બીજા જ દીએ અરજણ રાતે ખેતરે પાણી વાળવા ગયો ને ઝેરી એરૂ આભડી ગયો ને અરજણ ત્યાં જ ઢળી પડ્યો. અમારો જીગરજાન દોસ્તાર અમને મૂકી ને મોટે ગામતરે ઉપડી ગયો મારા બાપલીયા"....પરબત રોઈ પડ્યો...

સંતુ જાણે મનોમન વિધવા થઈ ગઈ એ ક્ષણે....!!
પરબત સામે અવઢવમાં તાકી જ રહી..સંતુની ઉદાસ આંખોનો એ સામનો ના કરી શક્યો. ગામ આવતા સંતુ એને જય શ્રી કૃષ્ણ કહીને બસમાં થી ઉતરી ગઈ.....
ચાલતા ચાલતા પાદરે આવીને જોરથી અરજણને યાદ કરીને ઠૂઠવો મૂક્યો.... આખુંય પાદર શોકમગ્ન બની ને સંતુ ને નિ:સહાય બની જોઈ રહ્યું.
સાથે આણેલા રંગો એની દુનિયા બેરંગ કરી ગયા હતાં...

પેલી તરફ સલૂણી સંધ્યા એનાં કેસરી રંગથી આકાશને આલિંગન કરી રહી હતી તો આ તરફ સંતુ એનાં રંગો હવામાં ઉડાડીને અરજણને પ્રેમાંજલિ આપી રહી હતી...!!

સંતુ હવે માત્ર અરજણની યાદોનાં મેળામાં જ જીવી રહી છે....!!!

💥તણખો💥

એક મેળો જિંદગી આપી ગયો હતો ને
એક જિંદગી યાદો નો મેળો આપી ગ‌ઈ...!!
-ફાલ્ગુની શાહ ©


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED