આહવાન - 28 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 28

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ - ૨૮

વિકાસ તો નવાઈ જ પામી ગયો જ્યારે એણે આધેડ વ્યક્તિના મોંઢામાંથી ઉધરસ આવતાં એક સિક્કો નીકળ્યો. એને કંઈ ખબર જ ના પડી કે આ બધું શું થઈ રહ્યું છે‌. આટલો મોટો વ્યક્તિ સિક્કો તો ગળી ન શકે.‌..સાથે અત્યારે બાર દિવસથી અહીં આઈસીયુમાં છે એની એવી કોઈ સ્થિતિ જ નથી એ કે એ પોતે આવું કંઈ કરે...અને કરે તો પણ અહીં કેવી રીતે કરી શકે ??

વિકાસે હવે કોઈ પણ રીતે આ વ્યક્તિને જગાડવાનું નક્કી કર્યું. પણ પછી થોડીવારમાં જે બીજાં બે પેશન્ટ ઈમરજન્સી સાથે આઈસીયુમાં એડમિટ થયાં...આથી ફટાફટ બધાં એનામાં પરોવાઈ ગયાં. એ લોકોને નક્કી કરેલાં મુજબ એમાંથી એક પેશન્ટ વિકાસની અન્ડરમાં આવ્યું. એ દરમિયાન બધું સારવારનું સેટ અપ કરવામાં લગભગ કલાકેક ગયો. પછી ફરી એ જુનાં પેશન્ટ પાસે ગયો ને જોયું તો ધીમેધીમે એનાં ધબકારા ધીમાં પડી રહ્યાં છે... એમનાં મોઢામાંથી લોહી સાથે ફીણ નીકળી રહ્યું છે. ઈમરજન્સીમાં બધું અપાયું પણ આખરે પોણો કલાકની મહેનત કર્યા બાદ પણ આખરે એ પેશન્ટે જીવ ગુમાવી દીધો.

વિકાસ હતાશ થઈ ગયો. પણ સાથે જ એ યુવાન વ્યક્તિ એને ઘણું સારું પણ થઈ રહ્યું એને હવે જરૂર પડ્યે ફક્ત ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. જો આવું રહેશે તો કદાચ આવતી કાલે વોર્ડમાં શિફ્ટ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.

આલોકને જોતાં જ ખબર પડી કે એ કદાચ મનોમન ખુશ થઈ રહ્યો છે. એ પોતાની મીઠી વાત કરીને બીજાં ડૉક્ટર્સને એની તરફ વધારે ખેંચાઈ આવે અને એ લોકો એને જ સાચું સમજે એ માટે હંમેશા વર્તન કરે છે. સાથે જ એક અમીર પરિવારનો દીકરો...ને એક રાજકારણીનો એટલે લોકો એની સાથે કોઈ પણ ખરાબ વ્યવહાર કરી એની સાથે સંબંધ નથી બગાડી રહ્યાં.

એ પેશન્ટનું બધું પત્યા બાદ તરત જ વિકાસને એક ઈમરજન્સીમાં ગોઠવાયેલી એક મિટીંગમાં બોલાવવામાં આવ્યો.

વિકાસ પહોંચ્યો તો સિવિલના સુપ્રિટેન્ડેન્ટ, સહિત ડૉ. અંતાણી, ડૉ જોશી ત્રણેય હાજર છે. એ જેવો ગયો ત્યાં કદાચ ઘણીબધી ચર્ચા એ પહેલાં થઈ ચૂકી છે એવું એને સ્પષ્ટ લાગ્યું.

વિકાસ : " કેમ છો ?? સર આમ ઈમરજન્સીમાં બોલાવવાનું કારણ જાણી શકું ?? "

ડૉ. જોશી અને ડૉ. અંતાણી તો ચૂપ જ છે જાણે એમને કંઈ પણ ખબર ન હોય એમ...પણ ત્યાંનાં સુપ્રિટેન્ડેન્ટ બોલ્યાં, " ડૉ. વિકાસ તમે ડૉક્ટર તરીકે બહું સારાં છો.. તમારું કામ પણ વ્યવસ્થિત છે. અમે એવું પણ સાંભળ્યું છે કે ઘણાં લોકો સામેથી તમારી પાસે સારવાર કરાવવા ઈચ્છે છે...પણ બીજી બાજું તમારે પણ સમજવું જોઈએ. તમારાં દબાણને વશ થઈને અમે વીસ હજારનું એક એવાં બે ઇન્જેક્શન મંગાવ્યાં પણ ખરાં ?? પણ રિઝલ્ટ ?? "

વિકાસ મક્કમતાથી બોલ્યો, " સર તમે હમણાં જે વ્યક્તિ મૃત્યુ પામ્યાં એ માટે વાત કરી રહ્યાં છો ને ?? "

સુપ્રિટેન્ડેન્ટ : " હા. અગાઉ પણ આવાં ચાર ઇન્જેક્શન મંગાવ્યાં હતા તમે કહ્યું હતું એ મુજબ છતાં પણ રિઝલ્ટ ઝીરો હતું... છતાં કદાચ તમને બીજાં કોઈની હોશિયારી અને નોલેજ પર વિશ્વાસ નહોતો એટલે તમે વધું બે ઇન્જેક્શન મંગાવ્યાં...એ કરીને તમે શું સાબિત કરવા ઈચ્છતા હતાં એ સમજાયું નહીં...પણ હવે તો સમજાઈ ગયું ને ?? "

વિકાસ : " પણ બીજો યુવાન વ્યક્તિ એકદમ સ્વસ્થ થઈ રહ્યો છે એને કારણે જનરલ વૉર્ડમાં શિફ્ટ પણ કરી શકાશે. એનાં માટે તો બધાં જ આશા ગુમાવી ચૂક્યા હતાં પણ એ પોતે પણ અત્યારે બહું ખૂશ છે..."

સુપ્રિટેન્ડેન્ટ : " પણ ડૉ. વિકાસ કોઈ પણ વસ્તુમાં લગભગ એંશી ટકા પરિણામ મળે તો જ કોઈ પણ વસ્તુની આપણને સરકાર તરફથી ખરીદવાની પરવાનગી મળે...બાકી પચાસ ટકામાં કોઈ પરમિશન ન મળે..."

વિકાસને મનમાં સહેજ હસવું આવી ગયું. એ બોલ્યો, " સર બે ઇન્જેક્શન બે પેશન્ટને અપાય તો એમાં કાંતો ઝીરો ટકા, પચાસ ટકા કે સો ટકા પરિણામ આવે એંશી ટકા તો શક્ય જ નથી..કેવી વાત કરી રહ્યાં છો તમે પણ..."

સુપ્રિટેન્ડેન્ટ : " તો આગળનાં ચાર ઇન્જેક્શનનું શું ?? તમે કદાચ તમારી વટાવી રહ્યાં છો ડૉ. વિકાસ... કદાચ એવું પણ બની શકે કે એ યુવાન વ્યક્તિને સારું થવાનું હોય ને થયું હોય..."

વિકાસ : " આ સવાલ હું પણ કરું તો ?? કદાચ એ આધેડ વ્યક્તિ પણ મરવાના જ હોય ને મરી ગયાં હોય તો ?? સર મેડિકલ પ્રોફેશનમાં બનવાજોગ કશું હોતું નથી એ તમે પણ જાણો છો..."

સુપ્રિટેન્ડેન્ટ : " તમારે ખરેખર ડૉક્ટરની જગ્યાએ વકીલ બનવાની જરુર હતી.. તમારાં મમ્મી-પપ્પાએ ખોટી જગ્યાએ મૂકી દીધાં લાગે છે તમને... બહું સરસ ઉલટા સવાલો કરી શકો છો ?? ખબર છે ને આવાં વર્તનથી તમારી આ તગડા પગારની સરકારી નોકરી પણ ખતરામાં મૂકાઈ શકે છે..."

વિકાસ : " એ બધી સર તમે ચિંતા ન કરો..મને ખબર છે હું જ્યાં છું બરાબર છું...અને રહી વાત નોકરીની તો હું કામ કરીને લઉં છું...એનો હું હકદાર છું... તમને કદાચ ખ્યાલ નહીં હોય કે મારો બે મહિનાનો દીકરો એને જન્મ બાદ બે દિવસ પહેલાં મેં એને પહેલીવાર જોયો. એ પણ એની બહું જ ખરાબ સ્થિતિને કારણે મારે જવું પડ્યું...મારી પત્ની અને પુત્ર બંને પોઝિટિવ હતાં... છતાં હું એમને અહીં ન લાવ્યો કારણ એ નહોતું કે સિવિલમાં એટલે સારી સગવડ ન હોય...પણ સવાલ એ જ કે હું એમને અહીં લાવું અને કોઈ પણ રીતે મારું ધ્યાન એ લોકોમાં રહે તો હું બીજાં દર્દીઓ માટે એટલો ન્યાય ન આપી શકું....બાકી સત્ય કહ્યાં વિના રહી શકતો નથી...અસત્યને સહી શકતો નથી...હવે જો તમે સાચાં હોવ તો કદાચ કુદરતને માથે રાખીને મને એકવાર જવાબ આપ્યો કે મારી ગેરહાજરીમાં મારાં મંગાવેલા એક પણ ઇન્જેક્શન આવ્યાં હતાં ખરાં ?? "

સુપ્રિટેન્ડેન્ટ કંઈ પણ બોલે એ પહેલાં ડૉ. અંતાણી બોલ્યાં, " ડૉ. વિકાસ તમે પોતે તો ઓર્ડરમાં લખાયેલાં ઇન્જેક્શન જોઈને મારી પાસે આવ્યાં હતાં...તો એ થોડું ખોટું હોય ?? "

વિકાસ : " બની શકે કે એ પાછળથી લખવામાં આવ્યાં હોય . સર આઈસીયુમાં કામ કરતો વર્ષો જુનો નર્સિંગ સ્ટાફ જેને દરેક દર્દીની સારવાર મોંઢે હોય એ નવાં આવેલાં મોંઘા ઇન્જેક્શન જે ઈન્ફ્યુઝન પંપ દ્વારા જ આપી શકાય એવાં એક નહીં ચાર દર્દીઓને અપાયાં હોય છતાં એક નહીં પણ બે બે સ્ટાફ જવાબ આપતાં અટવાઈ જાય... પહેલાં કંઈ ખબર જ ન હોય ફોટો બતાવ્યાં પછી પણ અને પછી તરત અચાનક યાદ આવી જાય શું બધું એક નાટકનો હિસ્સો હોય એમ નથી લાગતું ?? "

સુપ્રિટેન્ડેન્ટ કંઈ બોલ્યાં નહીં એમણે જાણે શું જવાબ આપવો સૂઝ્યું નહીં એટલે વાતને સંભાળી લેતાં ડૉ. જોશી બોલ્યાં, " એ તમારે ક્યાં જોવાનું આવે છે ?? તમે ડિમાન્ડ કરી અને તમને તમાંરા મંગાવેલા ઇન્જેક્શન મળી ગયાં ને ?? હવે એની સામે તમારે રિઝલ્ટ પણ આપવું પડે ને ?? "

વિકાસ : " પણ રિઝલ્ટ ક્યાંથી મળે ?? તમને કદાચ જાણ નહીં હોય કે તમે પણ આ કામનાં ભાગીદાર હશો એ મને નથી ખબર પણ એ વ્યક્તિનાં મોઢામાંથી એક સિક્કો નીકળ્યો છે....એ કેવી રીતે શક્ય છે ?? જે વ્યક્તિ બાર દિવસથી આઈસીયુમાં છે એ પોતાની હાથે જમી પણ શકતો નથી એને રાયલ્સ ટ્યુબ દ્વારા ફીડિંગ આપવામાં આવે છે એ શું પોતાનાં મોઢામાં જાતે સિક્કો નાખવાનો છે ?? "

સુપ્રિટેન્ડેન્ટ જે ચૂપ થઈ ગયાં છે એ ડૉ. અંતાણી અને ડૉ.જોશીની સામે જોઈ રહ્યાં એ પરથી લાગી રહ્યું છે કે આ વસ્તુની એમને પણ જાણ નથી.

વિકાસ : " સર મારી પાસે એનો વિડીયો પણ છે... હું બતાવું તમને..."

બધાં થોડાં ગભરાયા હોય એવું લાગ્યું.

ડૉ. જોશી : " પણ આ બધું નિરાંતે કરીએ તો ?? આ કોરોનાની આટલી ખરાબ સ્થિતિમાં આપણે આ બધી ચર્ચાઓ કરવાં કરતાં દર્દીઓની વધું સારી સારવાર થાય એ વિચારીએ તો ?? "

વિકાસ : "દર્દીની સારી સારવાર માટે યોગ્ય મેડિસિન, ઈમરજન્સી ડ્રગ્સ પણ જોઈએ ને ?? દવા વિના આ પેશન્ટમાં સારું થવાનું નથી એ પણ બધાંને ખબર છે... હું પણ એવું જ કહું છું સર જો આપણે આંતરિક રાજકારણ ભૂલીને ફક્ત દર્દીઓનું વિચારીને આગળ વધીએ તો ?? અને આ વિડીયો પહેલાં જોઈ લો... "

ડૉ. અંતાણી : " બેટા તું યુવાન છે એટલે જોશીલો છે બધાં કામમાં પણ અમૂક જગ્યાએ સંબંધો સારાં પણ રાખવાં પડે છે. આ બધું નોકરી ટકાવી રાખવામાં બહું ભારે પડી શકે છે..."

વિકાસ : " કદાચ સર તમે લોકોએ તો ડૉ. બત્રાના સમયમાં કામ કર્યું જ હશે...કેવી હતી એમનાં સમયની સિવિલની વ્યવસ્થા ?? "

સુપ્રિટેન્ડેન્ટ : " અરે એવું પણ મેનેજમેન્ટ કેવી રીતે થાય ?? એ તો લોકોને ખડે પગે રાખીને કામ કરાવતાં. પણ એમનું જજમેન્ટ એટલે એક નંબરનું...ઠીક છે પણ એવું કરવું હવેનાં સમયમાં શક્ય નથી..એ જુનાં જમાનામાં ચાલતું...આ બધું તમને કોઈએ કહ્યું લાગે છે...."

વિકાસ : " હા પહેલાં આ વિડીયો જોઈ લો પછી એ પણ કહું છું..." કહીને વિડીયો શરું કર્યો ત્યાં જ સુપ્રિટેન્ડેન્ટની આંખો પહોળી થઈ ગઈ.

શું હશે એવું વિડિયોમાં કે બધાંની આંખો પહોળી થઈ ગઈ ?? વિકાસને ડૉ. બત્રા સાથે કોઈ સંબંધ હશે ?? મિકિનને કેવી રીતે શોધી શકશે બધાં ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......