Aahvan - 27 books and stories free download online pdf in Gujarati

આહવાન - 27

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

આહવાન – ૨૭

વિકાસે ફટાફટ હવે એ આધેડ વ્યક્તિ પાસે પહોંચીને અમૂક ઇન્જેક્શન મંગાવીને ફટાફટ એ શરું કર્યાં. ધીમેધીમે એની બધી જ ડિટેઈલ્સ પરિવારજનોને ફોન દ્વારા લેવામાં આવી તો ખબર પડી કે એ વ્યક્તિ એ એકવાર કોઈ પોઈઝન લેવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે એ બચી ગયાં હતાં પણ એની જે ઈન્ટર્નલ ઈફેક્ટ એટલી થઈ હતી કે હજું સુધી એ અમૂક ઓર્ગન પ્રત્યે સેન્સિટિવ છે. આથી એમનામાં આ ઇન્જેક્શનની ઈફેક્ટ નથી થઈ રહી. આથી એને સેન્સિટિવ કરવાં હજું બીજાં ઇન્જેક્શન જરુરી છે એ વિકાસે આપ્યાં. એ સાથે જ ફટાફટ જાણે એ કાકાની તબિયતમાં સુધારે આવવાં લાગ્યો. જો કે ઉંમરને કારણે એ કામ પેલાં યુવાનની સરખામણીએ ધીમું છે છતાં ફેર ચોક્કસ પડી રહ્યો છે.

વિકાસે ભગવાનને પ્રાર્થના કરી કે આજે બંને પેશન્ટ જો બચી જાય તો એ કેટલાંય લોકોની એ જિંદગી બચાવી શકશે હવે બધું જ કુદરતનાં હાથમાં છે. એણે વિચાર્યું કે બત્રા સર એનાં માટે એના ગુરુ કરતાં પણ બીજાં ભગવાન છે. એ પોતે પણ આ સિવિલમાં ચાલીસ વર્ષ રહીને ગયાં છે એમણે એક એવો ખૌફ બનાવ્યો હતો કે કોઈ સારવારની બાબતમાં ભ્રષ્ટાચાર કરવાનું વિચારી પણ નહોતું શક્યું. શરૂઆતમાં એમને પણ તફલીક પડી હતી પણ પછી એમનાં એ કામથી જ એ પોતાનાં એ સ્ટેજ સુધી પહોંચ્યાં હતાં કે લોકો કંઈ પણ અનીતિનું કામ સિવિલના કેમ્પસમાં કરવાનું વિચારી પણ નહોતાં શકતાં.‌

સિવિલમાં હોવા છતાં એમણે હંમેશાં જાણ એ પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ જ હોય એમ દર્દીઓની સારવાર અને સ્ટાફ કે સગવડોનું મેનેજમેન્ટ કર્યું છે....વિકાસને પણ બસ એમનું પ્રતિબિંબ બનવું છે. સરકારી હોસ્પિટલમાથી ભ્રષ્ટાચારને હટાવી એક માનવીયતાથી ભરપૂર વ્યવસ્થા બનાવવી છે. એ વિચારવા લાગ્યો કે કાશ હું એમની નીચે જ સીધી તાલીમ મેળવી શક્યો હોત. તો કદાચ આજે મારે આ વસ્તુઓ સફર ન કરવી પડત..!! પણ કંઈ પણ થાય હવે મારે મારાં કામમાંથી પાછાં પડવાનું નથી.

ને પછી વિકાસનાં ફોનમાં અંજલિનો ફોન આવતાં એ થોડીવાર ત્યાંથી બહાર નીકળી ગયો....!!

***********

કાજલને સવાર સવારમાં જ ફોન એક આવ્યો‌. અજાણ્યો નંબર હોવાથી કાજલે ફોન ઉપાડ્યો. એ અવાજ સાંભળતાં જ કાજલ એકદમ ખુશ થઈને બોલી, " પપ્પા તમે અહીં ક્યારે આવ્યાં ?? "

ભાગ્યેશભાઈ : " બેટા ડૉમેસ્ટિકને બધી ઈમરજન્સી ફ્લાઈટ શરું થતાં હું અહીં આવી ગયો હતો પણ મને કવૉરેન્ટાઈન કરાયો છે હતો બોમ્બેમાં. આજે મારો ટેસ્ટ થયો છે હજું રિપોર્ટ નથી આવ્યો. પણ મને હજું સુધી કંઈ પ્રોબ્લેમ નથી. પણ મને આજે બહાર એક ન્યુઝપેપરમાં ખબર મળી કે મિકિનની બદલી થઈ ગઈ છે. આ સાચું છે ?? હું તો અમદાવાદ આવીને ત્રણેય દીકરાઓ અને એમનાં પરિવારને મળવાં આતુર હતો કે મારે બધાંને આ વખતે સરપ્રાઈઝ આપવી હતી પણ સાંભળીને મને ના રહેવાયું એટલે ફોન કરી દીધો. "

કાજલ : " પપ્પા... સાચું કહું તો મિકિન કાલનાં ઘરે જ નથી આવ્યાં. શું કરું મને કંઈ સમજાતું નથી..." કહેતાં કાજલ રડી પડી.

કાજલે હજું સુધીની બધી વાત કરી‌.

ભાગ્યેશભાઈ : " આ શું કહે છે તું ?? તારી જોડે કોણ છે અત્યારે ?? "

કાજલ : " હું , સત્વ અને શૈલી જ છીએ..."

ભાગ્યેશભાઈ : " તો તે બીજાં કોઈ બોલાવ્યાં નહીં...આમ એકલી એકલી..."

કાજલ : " પણ પપ્પા સમય જ એવો છે કોને કહું ?? વિકાસભાઈ હોસ્પિટલ, સ્મિત ભાઈ એમનાં વેક્સિન પ્રોજેક્ટમાં અટવાયા છે. મમ્મી પપ્પા કાલે અહીં નીકળ્યાં હતાં આવવાં પણ પોલીસે ન આવવાં દીધાં... શું કરું હવે ?? તમે જલ્દી આવી જાવ ને ?? "

ભાગ્યેશભાઈ : " હા એ તો મેં શશાંકભાઈ સાથે વાત કરી એટલે જ મિકિનની ખબર પડી. મેં અંજલિને ફોન કર્યો તો એણે કહ્યું કે અર્થને હવે સારું છે તો ઘરે લાવવાનું કહે છે. "

કાજલ : " હા પપ્પા. એને સારું છે એટલે એક ચિંતા ઓછી થઈ. અને અંજલિભાભીને પણ હવે સારું છે. સમય પણ એવો છે કે કોઈ કોઈનાં ઘરે પણ જઇ શકે એમ નથી કે મદદ પણ..."

ભાગ્યેશભાઈ : " હું તો કહું છું તમને કોઈને વાંધો ન હોય તો હમણાં ત્રણેય સાથે જ રહો...આમ પણ તમને ત્રણેયને સારું જ ફાવે છે અને છોકરાંઓને પણ મજા... એકબીજાંની સાથે હશું તો બધું ધીમેધીમે સોલ્વ થઈ જશે..."

કાજલ : " એ પણ સાચી વાત છે. છોકરાઓને શું સમજાવું એ પણ સમજાતું નથી.‌‌.."

ભાગ્યેશભાઈ : " બસ આજે મારો રિપોર્ટ નોર્મલ આવી જાય પછી બધું થઈ જશે. હું પહેલાં ફટાફટ ઘરે આવીશ... બાકીનું બધું હું કરીશ તું ચિંતા ન કર...!! "

કાજલ : " પપ્પા મયુરનો રાત્રે ફોન મોડાં આવ્યો હતો તો એણે તો કંઈ કર્યું નહીં હોય ને ?? મને તો બીક લાગે છે...સાથે જ પેલાં અરોરા સાહેબ પર પણ શંકા જાય છે. કે પછી બીજું કોઈ હશે ?? સમજાતું નથી. મને એમ થાય છે કે આ ન્યુઝ કેમ હજું સુધી કોઈ ન્યુઝ ચેનલ કે ન્યુઝ પેપરમાં નથી આવતાં ?? આથી મને વધારે ચિંતા થાય છે..."

ભાગ્યેશભાઈ : " મને સમજાયું હવે. હવે મને લાગે છે આપણે ન્યુઝમાં આપવું પડશે તો દુનિયાને જાણ થાય ને કંઈક મિડિયા તો કંઈક પોલીસ કામે લાગે. ને મિકિન સાથે જેણે પણ કંઈ કર્યું હશે એ થોડું એક્શનમાં તો આવશે જ..."

કાજલ : " હા એ તો છે..."

ભાગ્યેશભાઈ : " તું ચિંતા ન કર હું શશાંકભાઈ સાથે વાત કરીને કંઈક નક્કી કરું છું...પણ ખાસ કે ઘરે કોઈ બહારનું કોઈ પણ વ્યક્તિ ન આવે એ ધ્યાન રાખજે. અને બહાર રહેલાં સિક્યુરિટીની વાતચીત હરકત પર પણ નજર રાખજે. છોકરાઓને ક્યાંય થોડીવાર પણ એકલાં મુકીશ નહીં..." ને પછી ફોન મૂકાઈ ગયો.

***************

વિકાસે એ વૃદ્ધ વ્યક્તિ પર ડૉ. બત્રાની સલાહ મુજબ સારવાર આપી કે બપોરે એ આધેડ વ્યક્તિમાં ખરેખર ફેરફાર આવવાં લાગ્યો. વિકાસે જોયું કે એનાં સહેજ આઘાપાછા થયા જ આલોક એ સારવારમાં કંઈ ને કંઈ આઘુંપાછું કરવાની કોશિશ કરી રહ્યો છે.

વિકાસને આશા તો બંધાઈ કે હવે કંઈ સારું થશે. કંઈ બોલવું પડશે તો જ અહીં કંઈ સારું થશે...એ એક સ્ટાફને મૂકીને થોડું માથામાં દુખાવો હોવાથી કોફી પીવા ગયો. એ જ સમયે અંજલિનો ફરીલફોન આવ્યો કે અર્થને બધાં રિપોર્ટ સારાં હોવાથી એને ડિસ્ચાર્જ કરવાનું કહ્યું છે. પણ મેં એમને પેમેન્ટ માટે વાત કરી તો એમણે ના કહી દીધી.

વિકાસ : " સારું એ તો હું વાત કરી લઈશ... તું અર્થને ઘરે લઈ જા. "

અંજલિ : " પણ મિકિનભાઈ ગઈકાલ સાંજથી ઘરે નથી આવ્યાં તને કંઈ ખબર છે ?? "

વિકાસ : " શું વાત કરે છે ?? મને તો કોઈનો ફોન નથી આવ્યો. "

અંજલિ : " મને કાજલભાભીનો ફોન આવ્યો હતો. પણ કદાચ તું ડ્યુટી પર હોવાથી તને નહીં કર્યો હોય."

વિકાસ : " કંઈ નહીં ચાલે હું વાત કરું છું...ભાભી એકલાં ઘરે હશે... શું મેટર છે હું વાત કરી લઉં છું...."

થોડીવાર વાત કરવામાં લાગી ને પછી ફોન મુકાઈ ગયાં બાદ એણે જોયું તો એક સ્ટાફનાં લગભગ છ મિસકોલ દેખાયાં. એનું વાતમાં ધ્યાન ન રહ્યું. એ ફટાફટ આઈસીયુ તરફ ભાગ્યો. ને અંદર પહોંચતાં જ જોયું કે એ આધેડ વ્યક્તિની આજુબાજુ બે સ્ટાફ અને ડૉ. આલોક ત્યાં ઉભાં છે.

વિકાસ બોલ્યો, " શું થયું એમને ?? હમણાં સુધી તો સેટલ હતાં અંકલ ?? "

આલોક : " એમને ફરી પહેલાં જેવો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. મેં એમને એક રિલીફ માટે ઇન્જેક્શન આપ્યું છે. કદાચ રાહત થઈ જશે...હાલ તો એ સૂઈ ગયાં છે..."

વિકાસે કહ્યું ઇન્જેક્શન પૂછ્યું તો એ પહેલાં એ એક પેશન્ટ ને જોવાનું છે એમ કહીને નીકળી ગયાં...

એમનાં જતાં જ એણે એ વેસ્ટવાળી ડસ્ટબીન ચેક કરાવી તો એમાંથી સિડેશનનું એક હાઈડોઝનું ઇન્જેક્શન મલ્યું. એને લગભગ ઈફેક્ટ ખાસ કેસ કરતાં એની સાઈડ ઈફેક્ટ રૂપે વ્યક્તિ સીધું જ કાર્ડિયાક અરેસ્ટમાં જતું રહે. એ કેસની બધી જ ડિટેઈલ વિકાસને ખબર છે એ મુજબ એ ઈન્જેકશન જરાં પણ ન આપી શકાય. જ્યારે ડૉ. આલોકને ખબર ન હતી તો એમણે આપવું ન જોઈએ પણ આપ્યું તો એ નક્કી વિકાસને કંઈ ફસાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

વિકાસે આ સમયે બધી જ વસ્તુઓને એ પણ જે પોઝિટિવ પેશન્ટમાં વપરાઈ એને એણે પોતે એમાંથી આ ઇન્જેક્શન નીકાળીને એક જગ્યાએ રાખી દીધું...એણે ફરી એ વ્યક્તિ માટે મહેનત શરું કરી પણ લગભગ ચાર કલાક બાદ પણ એ વ્યક્તિ ન જાગ્યો‌ આખરે એણે જોયું કે પેશન્ટે ઉધરસ ખાતાં જ એનાં મોઢામાંથી જે નીકળ્યું એ જોઈને વિકાસને ચક્કર આવી ગયાં....!!

શું થયું હશે એ આધેડ વ્યક્તિમાં ?? આખરે વિકાસ માટે શું ષડયંત્ર રચાઈ રહ્યું છે ?? ભાગ્યેશભાઈ મિકિનની ખબર શોધી શકશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો આહવાન - ૨૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED