મધદરિયે - 22 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 22

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ પરીક્ષા આપી પોતાના વતન જવા તૈયાર થાય છે ત્યાં એના મામા ફોન કરીને પીઆઈ મકવાણાને શકીલ મારતો મારતો સુલતાન પાસે લઈ ગયો છે એવી જાણ કરે છે.. મકવાણાની હાલત ખરાબ છે છતા પહેલવાન એની સાથે લડવા જાય છે,ત્યાં કોઈ રોકે છે..

હા એ સૂરજ હતો..પોતાના જીવની પરવા કર્યા વિના મકવાણા સાહેબનું ૠણ ઉતારવા એમને બચાવવા જાય છે.. એના મામા એને ના પાડે છે,પણ સૂરજનું દિલ એને આગળ જતા અટકાવે છે.. મકવાણા સાહેબનું જીવન સુખી જ હતું,પોતાની કારકિર્દી બચાવવા એમણે સુલતાન વિરુદ્ધ કામ કર્યું એની જ સજા એ ભોગવે છે.. પોતે નહીં જાય તો માનવતા શર્મસાર થશે.. ન જાણે કેટલાય પોલીસ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી કરવા માંગતા હશે,એને આવા સુલતાન નડતા હશે.. મારૂ ધ્યેય ગમે તે ભોગે મકવાણા સાહેબને બચાવવાનું હોવું જોઈએ..કદાચ મારી નાખે તો ભલે મારી નાખે, પણ કોઈકે તો સુલતાનની સામે માથું ઊંચું કરવું જ પડશે..બસ આ વિચારોએ એના સૂતેલા આત્માને જગાડ્યો, એણે ફૂલ સ્પીડમાં મોટરસાયકલ સુલતાનની હવેલી તરફ લીધું..

સૂરજ રીતસર સુલતાનના પગે પડીને વિનંતી કરવા લાગ્યો "તમારે મને જે સજા કરવી હોય એ કરો,પણ મકવાણા સાહેબને છોડી દો..મારી જ ભૂલ થઇ કે મેં એ બાપાને દવાખાને ખસેડયા..હું પણ અહીં નવો છું મને ખબર નહોતી,નહીતર હું તમારી વિરુદ્ધ ન જાત.."

"સાલા હરામીની ઓલાદ સુલતાનના કોપનો તને જરાય ડર ન લાગ્યો કેમ??અહીં આવનાર દરેકને સુલતાનની ખબર હોવી જોઈએ.શું મામુલી મવાલી સમજ્યો છે મને?? રાજા છું રાજા.. અહીં કોણ ગુનેગાર અને કોણ નિર્દોષ એ હું નક્કી કરૂ છું..આ મારા રોટલા પર નભતા કૂતરાને હું પછી જોઈશ,અત્યારે તો તારો વારો છે હવે.. બહુ મોટી ભુલ કરી તે પાછા આવીને.. એય શકીલ બોલાવ બધા માણસોને,એ પણ આજે સુલતાનનો પાવર જોશે.. દરેકની આંખમાં સુલતાનનો ખૌફ હોવો જોઈએ."

"તમે જે કહેશો એ હું કરીશ, મને માફ કરી દો..તમે તો રાજા છો, તમને મારા જેવા મામુલી માણસને મારવામાં કંઈ વાર ન લાગે,પણ ઇન્સપેક્ટર સાહેબને જવા દો."

"અલ્યા આ તો મકવાણાને બચાવવા આવ્યો છે,આને મરવાનો જરાય ડર નથી..આજે આને મારવાની મજા આવશે.. પહેલા એ મકવાણાને જ પૂરો કરી નાખો એટલે આને મારવાની મજા લેવી છે.."

સૂરજ સમજી ગયો. સુલતાનને ગમે તેમ પગે પડીશ તોય આ રાક્ષસ માનશે નહીં..હવે તો લડવું જ પડશે..
એ તરત સુલતાનની ખાલી ગાદી પર ચડી બેઠો..

"તને ખબર તો છે ને આ ગાદી પર બેસવાનો મતલબ? આ ગાદી પર બેસવું મતલબ..."

એની વાત અરધેથી જ કાપીને સૂરજ બોલ્યો"તારા જેવા પાપી સામે લડાઈ કરીને તારો વિનાશ કરવો.. બહુ થયા તારા પાપના દિવસો.. ક્યારેય સિંહનો સામનો નથી થયો એટલે શિયાળ પણ પોતાને સિંહ સમજી બેઠા છે.. આજ તારી આ લંકાને જો ઉખાડી ન ફેંકુ તો કહેજે.. અહીંના લોકો આજથી જ એક નવી જીંદગી જીવશે..તારો અંત નજીક છે..

સૂરજની વાત સાંભળી બધા હસવા લાગ્યા.."છોકરા જેવા કેટલાય આવ્યા ને ગયા.. છેલ્લા 5 વરસથી કોઈપણ આ સુલતાનને ચેલેન્જ ફેંકવા વાળું પેદા નથી થયું.. જે આવ્યા એ હાથ પગ તોડાવીને ગયા છે,પણ તારૂ તો મોત જ થશે.. તને મરવાની ઘણી ઉતાવળ છે એ બહુ જલ્દી પૂર્ણ થશે.. તારી સામે જેકીને લડાઈ કરવા મોકલું છું..જેકી એ હજુ સુધી કોઈને મારી નાખ્યા નથી,એ કેટલાય સમયથી પોતાની મજબુત ભુજાઓથી કોઈને મસળી નાખવા માંગતો હતો, એ એનું સપનું આજ પુરૂ થશે..તારા જેવા મગતરાને મારવા સુલતાન ન આવે.."

"કેમ સુલતાન?? તારી સલ્તનતના પાયા ડગી ગયા કે શું??એક મગતરાંનો એટલો બધો ડર પેસી ગયો કે લડાઈ પહેલા તે હાર માની લીધી??લાગે છે તને મોતનો ડર છે,પણ મારે તારા ચમચા સાથે નથી લડવું,તારી સાથે જ લડવું છે અને તારો અંત કરવો છે.."

આવા આકરા વેણ હજુ સુલતાનને કોઈ એ કહ્યા ન હતા..સુલતાનના માણસો તરત સૂરજને મારવા ધસી ગયા..

"લાગે છે આ તારા કૂતરાઓને પણ ખબર પડી ગઈ છે,કે હવે સુલતાન ગયો એટલે જ નિયમ વિરુદ્ધ એ મને મારવા દોડવા લાગ્યા છે.."

"ઊભા રહી જાવ..સુલતાનને એની તાકાત પર ભરોસો છે.. પાંચ મિનિટમાં આને જો પૂરો ન કરી નાખું તો મને ફટ્ટ કહેજો..એણે પોતાના મોતને બોલાવ્યું છે,હવે મરવું જ પડશે એને.."

"તો કહી દે તારા માણસોને કે આ લડાઈમાં ગમે તે એક જ જીવશે,વચ્ચે કોઈ ન પડે."સૂરજ રેતીથી છવાયેલ મોટા મેદાનમાં આવીને ઊભો રહ્યો.

આ લડાઈ શસ્ત્ર વિનાની હતી.. એક પ્રકારની કુશ્તી કે મલ્લ યુદ્ધ હતું.. સુલતાનને આ બધું રોજનું થયું હતું..એક અનુભવી માણસનો અનુભવ નવા શીખાઉં ખેલાડી પર ભારે પડે છે,પણ સૂરજની લડાઈ અન્યાય વિરુદ્ધ હતી.. મરવાનો ડર અમથો પણ હતો જ..જો સૂરજ લડાઈ ન કરે તો સુલતાનના માણસો માફી માંગવાથી માનવાના ક્યાં હતા.. લડાઈ કરીને મરવું જ બહેતર છે એમ માની સૂરજે સીધો પડકાર સુલતાનને ફેંક્યો હતો..

આજુબાજુના લોકો આ લડાઈ જોવા માટે આવી ગયા હતા..

કદ કાઠીમાં સુલતાન જબરો હતો, એની આંખો અંગારા જેવી લાગતી હતી..સૂરજની આંખોમાં કોઈની મદદ કરવાની તૃપ્તિ હતી..સુલતાનના માણસો એને ચીયર કરીને એને વધું મજબૂત બનાવી રહ્યા હતા..

સુલતાન અને સૂરજ એકબીજા આંખોમાં આંખો ને હાથમાં હાથ નાખી પોતાનું જોર અજમાવી રહ્યા છે.. સુલતાન શરુઆતથી જ સૂરજ પર ભારે પડી રહ્યો હતો.. સૂરજ દરેક વખતે સુલતાનને બીરદાવતો હતો.. એની આંખોની ચમક વધી રહી હતી..સુલતાન તો એમ જ સમજતો હતો કે પોતે સૂરજ પર ભારે પડી રહ્યો છે,પણ સૂરજ તો હજુ બળ વાપરતો જ ન હતો.. એને તો સુલતાનને થકવી નાખવાનો હતો.. સુલતાન વારંવાર સૂરજને ઉપાડીને નીચે પટકતો હતો..

પણ લોહીલુહાણ થયા પછી પણ સૂરજે હાર નહોતી માની..સુલતાનને વળેલો પરસેવો અને ચડેલો હાંફ સ્પષ્ટ થાક દર્શાવી રહ્યા હતા..

"બસ સુલતાન થાકી ગયો?? લે હવે મારો વાર પણ ખમજે.."

સૂરજ પણ પોતાની કોલેજમાં એક બોક્સર રહી ચૂક્યો હતો.. અચ્છા અચ્છા ખેલાડીને એણે પરાસ્ત કર્યા હતા.. કુશ્તીમાં હજુ એણે હાથ અજમાવ્યો હતો પણ એનો તરવરાટ એને સુલતાનથી મજબુત બનાવી રહ્યો હતો..

સુલતાનને સપને પણ ખ્યાલ નહીં હોય કે આવો નવયુવાન એને હરાવી જશે..

સુલતાન પોતાની કુશ્તીની કળાથી સૂરજને માત આપતો હતો જ્યારે પોતાના એક એક પંચથી સુલતાનનો ચહેરો લોહીલુહાણ થતો જતો જોઈને સૂરજ પોતાની જાતને શાબાશી આપી રહ્યો હતો..

લડાઈનું પરિણામ હજુ પણ સુલતાન તરફી હતું..

સૂરજનો એક જોરદાર મુક્કો એના પેટ પર જબ્બરદસ્ત રીતે પડતાં સુલતાન ભોંયભેગો થઈ ગયો.. એણે બમણા વેગથી સૂરજ પર પોતાના પ્રહારો ચાલુ કરી દીધા.. સૂરજ પણ હવે તો થાક્યો હતો.. આ લડાઈ પોતે હારશે તો લોકોની ઉમ્મીદ પણ બર નહીં આવે.. સુલતાનનો આતંક વધી જશે!!

સૂરજ મરણીયો બનીને મુક્કા અને લાતોનો વરસાદ વરસાવવા લાગ્યો.. એણે સુલતાનને ઊભા થવાની એકપણ તક આપી જ નહીંં.. થાકેલો સુલતાન સૂરજ પર ઉપકાર કરતો હોય એમ બોલ્યો"જા તારી મા તારી વાટ જોતી હશે.. તને જીવતો છોડી દઉં છું..જીંદગીમાં પ્રથમ વખત મને દયા આવી છે, જા જતો રહે.."

હવેતો સુલતાનના માણસો પણ પામી ગયા હતા કે સુલતાન હારે એમ છે એટલે બહાનું કાઢીને લડવા માંગતો નથી..એમણે સુલતાનને પકડીને સૂરજ તરફ ફેંક્યો.. "હજુ લડાઈ પુરી નથી થઈ..તમારા બે માંથી એક હારે કે મરે ત્યારે જ લડાઈનો ફેંસલો આવ્યો ગણાય.. વફાદાર એવો શકીલ બોલ્યો..

આંખોમાંથી જાણે અંગારા વરસાવતો હોય એમ સુલતાને શકીલ તરફ જોયું,પણ આજે એના જ વફાદાર એના વિરોધી બની રહ્યા હતા..

સુલતાને ચાલાકીથી પોતાની છરી કાઢી અને સૂરજ પર પ્રહાર કરવા ગયો,પણ એની ચાલાકી શકીલ જોઈ ગયો હતો,એણે તરત સૂરજને રાડ પાડીને ચેતવ્યો..

સુલતાને સૂરજના ગળા પર વાર કર્યો પણ સૂરજે નીચે નમી એ વારને ચૂકવ્યો..સૂરજનો ચહેરો હવે વિકરાળ બનતો જતો હતો..એણે સુલતાનના બંને હાથોને એવા મરોડ્યા કે સુલતાનના હાથ કોણીમાંથી છૂટા પડી ગયા.. સુલતાન દર્દથી કરાહી રહ્યો હતો..હવે એનું લડી શકવું શક્ય ન હતું..સુલતાનનુંં નામ બોલતા લોકો હવે સૂરજનું નામ પોકારી રહ્યા હતા..સૂરજે દોડીને પોતાનો મુક્કો સુલતાન તરફ પૂરા જોશથી ઉગામ્યો.સુલતાન ડરથી પોતાની આંખો બંદ કરી દે છે.. પણ સૂરજ એને છોડી દે છે.. હજુ બધાનો ક્રોધ સમાયો ન હતો.. સૂરજને બધા સુલતાનને મારી નાખવા કહેતા હતા, પણ સૂરજે સુલતાનને પોલીસને હવાલે કરી દીધો..

બધાએ સૂરજને પોતાનો નવો સુલતાન નીમી દીધો.. સૂરજ સુલતાન બનવા નહોતો ઈચ્છતો, એને તો આ પાપની દૂનિયાનો અંત કરવો હતો..

"ના હું ટોની જેવો ક્રુર કે ઘાતકી નથી..તમારો સુલતાન બનવા હું નથી આવ્યો.. તમારામાંથી તમે નક્કી કરો એ જ તમારો સુલતાન બનશે.."

બધાએ એક સૂરમાં સૂરજ સુલતાનનો નાદ કર્યો..સૂરજને પરાણે સુલતાન બનવું પડ્યું..મકવાણા સાહેબ એનો આભાર માનવા લાગ્યા,..સૂરજ એક સારો સુલતાન બનશે એવી આશા એમણે વ્યક્ત કરી..પણ સૂરજના મનમાં હજુ ડંખ હતો.. પોતે શું બનવા આવ્યો હતો ને શું બની ગયો??

નવા સુલતાનના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ..વિશાળ જનમેદની વચ્ચે સુલતાનનો હાથ ઉંચો થયો..આખી સભા શાંત થઈ ગઈ..

સુલતાન શું કરશે?

સુલતાનમાંથી સૂરજ કઈ રીતે બનશે??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે