premnu vartud - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વર્તુળ - ૨૦



પ્રકરણ-૨૦ પ્રેમનું વર્તુળ
સમય વીતી રહ્યો હતો. વૈદેહીની પુત્રી અરિત્રી હવે ત્રણ મહિનાની થઇ ગઈ હતી. ધીમે ધીમે હવે એ પુત્રીને રમાડવામાં વ્યસ્ત થઇ ગઈ હતી અને હવે એ રેવાંશને થોડો થોડો ભૂલવા લાગી હતી પરંતુ હજુ પણ ક્યારેક એને એ યાદ આવી જતો ત્યારે એની આંખો ભીની થઇ જતી. અને ક્યારેક એને બધી જૂની ઘટનાઓ યાદ આવવા લાગતી તો એને ગુસ્સો પણ આવતો અને એ ગુસ્સો ક્યારેક અરિત્રી પર પણ નીકળી જતો. ગુસ્સામાં એ ક્યારેક અરિત્રીને મારી પણ બેસતી. એને થતું કે, બધાની જિંદગીમાં બાળક બંને પતિ પત્નીને જોડવાનું કામ કરે અને મારા નસીબમાં તો એથી ઉલટું થયું. મારી દીકરીના જન્મ પછી અમારા બંનેના નસીબમાં તો જુદા પડવાનું આવ્યું. આવા નિરર્થક વિચારો એને આવ્યા કરતા અને એ ગુસ્સે થઇ જતી અને પછી ગુસ્સામાં એને ભાન ન રહેતું કે એ શું કરી રહી છે? પરંતુ માનસીબહેન એને સમજાવતા કે, “બેટા, જે થાય છે એ સારા માટે જ. ભગવાને તારા માટે પણ કઈક તો વિચાર્યું જ હશે. તું ચિંતા ન કર. ધીમે ધીમે બધું સરખું થઇ જશે.” ત્યારે માંડ એ શાંત થતી.
આ બાજુ રેવાંશના ઘરમાં એના બધાં સંબંધીઓ પૂછપરછ કરી રહ્યા હતા કે, હવે તો ત્રણ મહિના થઇ ગયા છે તો તમે વૈદેહીને લેવા ક્યારે જવાના છો? અત્યાર સુધી તો બધાં જ આ જે કઈ ઘટનાઓ બંને પરિવારો વચ્ચે બની રહી હતી એ બધાથી સહુ અજાણ જ હતા પણ હવે ધીમેધીમે બધાને એટલો તો ખ્યાલ આવવા જ લાગ્યો હતો કે, આ બંને વચ્ચે જરૂર કંઈક તો બન્યું જ છે.
રેવાંશ ના ઘરમાં ચર્ચાઓ ચાલતી. રેવાંશની મમ્મી એને સમજાવતી કે, “જા, તું વૈદેહીને લઇ આવ. હવે અમને બધાં પૂછે છે. અમારે સમાજને પછી શું મોઢું બતાવવું?”
એટલે રેવાંશ કહેતો, “ના, હું નહિ જાવ. તમે લાવ્યા છો ને તો તમે એને લઇ આવો. હું હવે એને લેવા જવાનો નથી.” એટલું કહી રેવાંશ નીકળી જતો. મનથી એ જાણતો હતો કે, “જો મારી દીકરી આ ઘરમાં રહેશે તો એ સુખી નહી થાય. જેમ મારી અંદર અસંતોષ ભર્યો છે એવો જ અસંતોષ એની અંદર પણ જીવનભર ભર્યો રહેશે. રેવાંશ ઈચ્છતો જ નહોતો કે, વૈદેહી અને એની પુત્રી આ ઘરમાં આવે. એ તો માત્ર એટલું જ ઈચ્છતો હતો કે, રજતકુમાર જ એને રાખે. કારણ કે એ જાણતો હતો કે, આ ઘરમાં એનો જેવો ઉછેર થશે એના કરતા વધુ સારો ઉછેર વૈદેહીના માતા પિતા એને આપી શકશે. અને એ એ પણ જાણતો હતો કે, વૈદેહીના માતા પિતા એને ક્યારેય એમ પણ નહિ કહે કે, “દીકરી તો સાસરે જ સારી.” અને એટલે જ એ વૈદેહીને અને પોતાની પુત્રીને મળવાનું ટાળી રહ્યો હતો.
પરંતુ એક દિવસની વાત છે. રેવાંશના ફુવા એના ઘરે આવ્યા કે, જે રેવાંશના મામા પણ થતા હતા. એમણે પોતાની બહેન અને રેવાંશની મમ્મીને વૈદેહી વિષે પૂછ્યું એટલે હવે રેવાંશની મમ્મી વધુ ચુપ ના રહી શકી અને જે કઈ ઘટનાઓ બની હતી એ બધી જ એમણે અતથી ઇતિ સુધી જણાવી. અને રેવાંશ તો વૈદેહીને બોલાવવા જ તૈયાર નહોતો એમ પણ એમણે કહ્યું.
બધી વાત સાંભળીને ફુવાએ કહ્યું, “તમે બધાં અત્યારે જ તૈયાર થઇ જાઓ. આપણે અત્યારે જ વૈદેહીના ઘરે જવાનું છે. હું આમ પણ કાર લઈને જ આવ્યો છું.”
“પણ રેવાંશ માનશે?” એની મમ્મીએ પૂછ્યું.
“એ જવાબદારી મારી પછી કઈ? હું એને સમજાવીશ એટલે એ સમજશે.” ફુવાએ કહ્યું.
“સારું તો હવે અમે બંને તૈયાર થઇ જઈએ છીએ અને તમે રેવાંશને તૈયાર કરો કે, એ પણ વૈદેહીને મળવા તૈયાર થઇ જાય. તમે એને સમજાવજો કે, વૈદેહી એની પત્ની છે. જિંદગી એમને એમ ના ચાલે. અને હવે આમ પણ અમારેય હવે સમાજ ને જવાબ આપવું અઘરું થઇ ગયું છે. અમને બધાં ખુબ પૂછી રહ્યા છે.” રેવાંશની મમ્મી એ કહ્યું.
શું રેવાંશ એના ફુવાની વાત માનશે અને વૈદેહીને મળવા માટે તૈયાર થશે? શું રેવાંશ અને વૈદેહીના પ્રેમના આ વર્તુળનો અંત આવશે? કે એ વર્તુળાકાર બનીને ગોળ ગોળ ઘૂમ્યા જ કરશે? એની વાત આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED