પ્રેમનું વર્તુળ - ૧૯ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમનું વર્તુળ - ૧૯

પ્રકરણ-૧૯ સત્યનો સ્વીકાર

આજે વૈદેહીને એના વીણાકાકી ઘણાબધાં વર્ષો પછી પહેલીવાર જ મળવા આવ્યા હતા. નજાણે કેટલાય વર્ષોથી એમના મનમાં ધરબાયેલી પીડા આજે હવે કદાચ બહાર આવશે એવું વૈદેહીને લાગ્યું. આજે તો વૈદેહી નક્કી જ કરીને બેઠી હતી કે, આજે તો કોઈ પણ હિસાબે એ વીણાકાકીનું સત્ય જાણીને જ રહેશે. અને જ્યાં સુધી એ સત્ય જાણી નહી લે ત્યાં સુધી એ ચુપ નહિ રહે. સાથે સાથે વૈદેહી એક પ્રકારની ખુશી પણ અનુભવી રહી હતી કે, એના જે કાકી કે જેણે વૈદેહીને છેલ્લે એ માત્ર ત્રણ વર્ષની જ હતી ત્યારે જોઈ હતી એ વૈદેહીને આજે એ આટલા બધાં વર્ષો પછી મળવાના હતા. સામે પક્ષે કાકીને પણ પોતાની વહાલસોયી ભત્રીજીને મળવાની ખુબ જ તાલાવેલી હતી.
અને આ બધી ઘટના બનવા પાછળ વૈદેહીને અરિત્રીનો જન્મ લાગ્યો. એને હવે મનોમન લાગવા માંડ્યું હતું કે, મારી આ પુત્રી ખુબ સારા ભાગ્ય લઈને આવી છે. એના આવ્યા પછી મારા જીવનમાં બધું સારું જ બની રહ્યું છે. કદાચ રેવાંશ પણ અહી.... એટલું વિચારતા વિચારતા જ એ અટકી ગઈ.
એની નજર સામે ઉભેલા વીણાકાકી પર પડી. કાકીને જોઇને એ ખુબ ખુશ થઇ ગઈ. એ ઉભી થઇ ગઈ. એને ઉભી થતા જોઇને કાકીએ એને ત્યાં જ અટકાવી અને કહ્યું, “બેટા, તું બેસ. તું આરામ કર. હું જ ત્યાં આવીને બેસું છું તારી પાસે. આજે મારે તારી જોડે ઘણી બધી વાતો કરવી છે. તું ત્રણ વર્ષની હતી ત્યારે મેં તને છેલ્લે જોઈ હતી. માત્ર મારી મુર્ખામીના કારણે જ મેં તમારા બધાં જોડે સંબંધ કાપી નાખ્યા. મને માફ કરી દે બેટા. અને તને અરિત્રીના જન્મની ખુબ ખુબ શુભ શુભેચ્છાઓ. હું ખુબ જ ખુશ છું તારા માટે.” એટલું બોલતા જ એમની આંખમાંથી આંસુ ઝરવા લાગ્યા.
વૈદેહી એ અનુભવ્યું કે, એ પોતે કરેલી ભૂલના પશ્ચાતાપથી બળી રહ્યા છે. પણ એમણે એવી કઈ ભૂલ કરી હતી એ વૈદેહી જાણતી નહોતી એટલે વૈદેહી હું કાકીને આ વાત પૂછું કે ના પૂછું એની અસમંજસમાં હતી. પણ એની દુવિધા એના કાકીએ જ દુર કરી આપી. એ જ સામેથી બોલ્યા, “વૈદેહી, આજે હું તમારા બધાં જોડે ખુલ્લા દિલે વાત કરવા આવી છું. હું જાણું છું કે, તારા અને સુરુચિના મનમાં મને લઈને અનેક પ્રશ્નો ઉદભવ્યા હશે. અને હું એ પણ જાણું છું કે. તમને તમારા પ્રશ્નોના કોઈ ઉતર નહિ મળ્યા હોય અને એ વાતને હમેશા ટાળી જ દેવામાં આવી છે. પણ આજે હવે હું તમારા બંને પાસે મારું દિલ ખુલ્લું મુકવા માંગું છું. આજે હું સત્ય જણાવવા માંગું છું.
“પણ કાકી એવું તે શું બની ગયું હતી કે, જેના કારણે તમે અમારી જોડે સાવ અબોલા જ લઇ લીધા હતા?” વૈદેહીએ પૂછ્યું.
“તમારો ભાઈ અને મારા દીકરાનું મૃત્યુ.” વીણાકાકી એ કહ્યું.
“એટલે શું અમારે ભાઈ પણ હતો. તમારે દીકરો હતો? આ વાતની તો અમને ખબર જ નથી. અમને તો એમ જ હતું કે, તમારે કોઈ સંતાન નથી. અને તમને ભવિષ્યમાં પણ સંતાન થઇ શકે એમ નથી.” સુરુચિએ પૂછ્યું.
“હા, મારો દીકરો અક્ષત. અને એનો જયારે જન્મ થયો ત્યારે જ મને ડોક્ટર એ કહી દીધેલું કે, તમે ફરી ક્યારેય મા નહિ બની શકો. તમે નસીબદાર છો કે, તમે અને તમારો દીકરો બંને બચી ગયા છો નહિ તો તમારી પરિસ્થિતિ એવી હતી કે, અમે મા અથવા બાળક કોઈ એક ને જ બચાવી શકીએ એમ હતા. પણ આ ઘટનાને તમે ઈશ્વરની લીલા જ માનો કે, તમે બંને બચી ગયા અને એ બદલ ઈશ્વરનો આભાર માનો. આવું મને એમણે કહેલું. એ પછી અમે બધાં જ ઘરમાં પુત્રના જન્મથી ખુબ જ ખુશ હતા.”
“પણ તો પછી એનું મૃત્યુ કેવી રીતે થયું?” વૈદેહીએ પૂછ્યું.
“બાલ્કનીમાંથી ઉપરથી પડી જવાથી. એ ખુબ નાનો હતો. હું અને તારા કાકા અમે બંને બહાર ગયા હતા અને અક્ષતની જવાબદારી તારા માતા પિતાને સોંપીને ગયા હતા. તારી મમ્મી રસોડામાં રસોઈ બનાવી રહી હતી. અને અક્ષત ઘરની બાલ્કનીમાં રમી રહ્યો હતો એ ત્યારે લગભગ બે વર્ષનો હતો. ગેલેરી ઉપર પાળી છે એના પર એ ચડવાની કોશિશ કરી રહ્યો હતો. તારી મમ્મીનું તરત જ ત્યાં ધ્યાન પડ્યું એટલે એ દોડ્યા પરંતુ એ ગેલેરી સુધી પહોંચે એ પહેલા જ એનો પગ લપસી ગયો અને એ ઉપરથી નીચે પડ્યો અને એનું માથું ફાટી ગયું. એ આખો લોહીલુહાણ થઈ ગયો અને એના માથામાં વાગવાથી ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઇ ગયું.
અમે બહારથી પાછા આવ્યા ત્યારે અમે અમારા દીકરાની લાશ જોઈ. બધાં ખુબ આક્રંદ કરી રહ્યા હતા. તારી મમ્મી એ મારી ખુબ માફી માંગી. અને એમણે એવો સ્વીકાર પણ કર્યો કે, જો એ સમયસર પહોંચી શક્યા હોત તો કદાચ આજે મારો દીકરો જીવતો હોત.” એટલું બોલતા તો એમની આંખમાં ડૂમો ભરાઈ આવ્યો.” વીણા કાકી એટલું બોલી અટક્યા.
સુરુચીએ એમને શાંત પડ્યા. એણે કાકીને પાણીનો ગ્લાસ આપ્યો અને એમને શાંત પડ્યા. વીણાકાકી એ પાણી પીધું અને પોતાની વાત આગળ વધારતા બોલ્યા, “અને હું મૂર્ખ હતી કે, સદા તારા મમ્મીને જ મારા દીકરાના મોતની જવાબદાર માનતી રહી. મને માફ કરી દો. આજે હું તમારા બંને અને તમારા માતાપિતા પાસે પણ માફી માંગું છું”
ત્યાં માનસીબહેન પણ આવ્યા. એમને જોઇને વીણાકાકી બોલ્યા, “ભાભી, મને માફ કરી દો. હું નાહકનો તમને દોષ દઈને બેઠી. બાકી મારા દીકરાનું મૃત્યુ તો નિશ્ચત જ હતું. જે ઘટના બનવાની હોય છે એ તો બનીને જ રહે છે. મારો દીકરો તો આમ પણ ચાલ્યો જ ગયો છે. એ હવે ફરી કદી પાછો નહી આવે પણ હવે હું મારી આ બંને દીકરીઓ સુરુચિ અને વૈદેહીને ગુમાવવા ઇચ્છતી નથી. અને હવે તો ત્રીજી દીકરી અરિત્રી પણ છે.” એટલું બોલી વીણાકાકીએ અરિત્રીને પોતાના ખોળામાં લીધી અને એના માથે વહાલથી હાથ ફેરવ્યો. કાકીનો હાથ ફરતા જ અરિત્રીના મોઢા પર ચમક આવી. એના હોઠ હસ્યા.
ઘણા વરસો પછી આજે રજતકુમારનો પરિવાર ખુશ થયો હતો. બધાં ખુબ ખુશ હતા કે, આટલા વર્ષો પછી બંને ભાઈઓના પરિવારો વચ્ચે સમાધાન થયું હતું.
શું બની રહ્યું હતું એ સમય દરમિયાન રેવાંશના પરિવારમાં? એની વાત આવતા અંકે....

રેટ કરો અને રિવ્યુ આપો

Vipul

Vipul 2 વર્ષ પહેલા

Sheetal

Sheetal 2 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા