આહવાન - 25 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 25

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨૫

ભાગ્યેશભાઈનાં પ્રેમભર્યા આમંત્રણને સ્વીકારીને શશાંકભાઈ એમનાં પરિવાર સાથે ત્યાં પહોંચ્યાં. એમનાં પરિવારમાં એમનાં પત્ની, દીકરી કાજલ અને દીકરો કર્તવ્ય. એ ચારેય જણાં સાંજે સાત વાગ્યે ત્યાં પહોંચ્યાં.

શશાંકભાઈએ પરિવારજનોને બધી વાત કહી દીધી જેથી કોઈને ત્યાં જઈને સવાલો ન થાય સાથે જ કોઈ એમની લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈ પણ બોલી ન દે.

બધાં ત્યાં પહોંચ્યાં ત્યાં જ રવિવાર હોવાથી ભાગ્યેશભાઈની સાથે ત્રણેય દીકરા ઘરે જ છે. બધાંએ પ્રેમથી એમનું સ્વાગત કર્યું. ત્રણેય વ્યવસ્થિત, દેખાડવા, એક અલગ જ પર્સનાલિટી ધરાવે છે‌. પણ જાણે શશાંકભાઈની નજર એમાંથી એક પર ઠરી ગઈ. હજું એમને ત્રણેયનો પરિચય પણ નથી થયો.

ભાગ્યેશભાઈએ ત્રણેયનો પરિચય કરાવ્યો. બધાંએ સસ્મિત સરસ રીતે વાતચીત કરી. શશાંકભાઈને ખબર પડી કે એમનું ધ્યાન જ્યાં વારંવાર ફરી રહ્યું છે એ બીજું કોઈ નહીં પણ મિકિન છે.

શશાંકભાઈ અને એમનો પરિવાર તો ત્યાં ડીનર માટે બનાવેલી વસ્તુઓથી આશ્ચર્ય પામી ગયાં કે આટલું બધું બનાવેલું છે અને એ પણ ચારેય જેન્ટસ એ સાથે મળીને...!! એમને જોઈને અત્યારે તો એવું લાગે છે આવાં આધુનિક ભણેલા ગણેલા આજકાલનાં છોકરાઓને શું આવડે ??

પછી તો બધાં સાથે મળીને જમ્યાં. કાજલ બોલી, " ખરેખર જમવાનું તમે લોકોએ જ બનાવ્યું છે આ બધું ?? ખરેખર બહું જ ટેસ્ટી હતું...."

ભાગ્યેશભાઈ : " હા..આમ તો અમારાં ઘરે રસોઈઓ અને ઘરનું બાકીનું કામ કરવાં પણ આવે છે. પણ અમે રવિવારે જેમ આપણને રજા જોઈએ એમ રવિવારે અમે એમને પણ રજા આપીએ છીએ. અમને લગભગ બધાંને લગભગ બેઝિક બધી રસોઈ બનાવતાં આવડે છે પણ હવે બધાંને ભણવાનું હોય એટલે સમયનાં અભાવે આ બધું કામ બીજાં પાસે કરાવવું પડે છે...."

કર્તવ્ય : " અંકલ સાચે પુરૂષોએ પણ શીખવું તો જોઈએ આ બધું. બાકી મને ચમચો હલાવતા પણ ન આવડે રસોડામાં. પણ તમારા ઘરમાં જે છોકરીઓ વહું બનીને આવશે એને જલસા પડી જશે‌..."

આ સાંભળીને મિકિન , સ્મિત અને વિકાસ ત્રણેય એકબીજાં સામે જોવાં લાગ્યાં.

ભાગ્યેશભાઈ : " સાચું કહું તો ત્રણેયને આવી અલમસ્ત જિંદગી જીવવી છે પણ મારે આ ત્રણેયને એક એક કરીને એક માળામાં પરોવવા તો પડશે જ....તો મારી જવાબદારી પણ પૂરી...પછી મારે તો હિમાલય જવું છે...!! "

એ સાથે જ ત્રણેય બોલ્યાં, " અમે તમને ક્યાંય નથી જવાં દેવાનાં સમજ્યાં ?? "

કાજલ પોતે પણ જાણે પરિવાર પ્રત્યે એક આકર્ષણ અનુભવવા લાગી. પણ બીજી જ ક્ષણે એને મયુરની લગ્ન પછી મળેલી આઘાતજનક આદતો જાણે હજું પણ દાઝતી હોય એમ પોતાની જાતને લગ્નજીવનની દૂર ભગાવવા લાગી.

પછી રાત્રે મોડાં બધાં એકબીજાથી છૂટાં પડ્યાં. શશાંકભાઈ ઘરે આવીને જાણે બહું ખુશ લાગતાં એમનાં પત્નીએ એમને પૂછ્યું, " આજે બહું ખુશ લાગો છો ભાગ્યેશભાઈનાં ઘરેથી આવ્યાં પછી ?? કંઈ ખાસ કારણ ?? "

શશાંકભાઈ સીધું જ બોલ્યાં, " આપણી કાજલ માટે મિકિન કેવો રહે ?? "

શશાંકભાઈનાં પત્ની કામિનીબેન બોલ્યો, " આ શું કહો છો ?? કાજલનાં એકવાર લગ્ન થઈ ગયાં છે અને એનાં ડિવોર્સ પણ ....અને મિકિન તો હજું ભણી રહ્યો છે‌ અને કુંવારો પણ છે તો શું એ હા પાડશે ?? "

શશાંકભાઈ : " કાજલના લગ્ન વહેલાં સમયસર કરી દીધાં હતાં એટલે બાકી એ હજું મિકિન જેટલી જ છે ભાગ્યેશભાઈએ કહ્યું એ મુજબ...બાકી કાજલમાં ક્યાં કંઈ કમી છે ?? "

કામિનીબેન : "છતાં પણ લગ્ન એક દિવસનાં હોય કે એક વર્ષનાં લગ્ન એ લગ્ન જ કહેવાય ને ?? પહેલાં કાજલને પૂછો પછી આગળ વાત...એ તૈયાર છે કે નહીં..."

શશાંકભાઈ : " હું મારી દીકરીને સારી રીતે ઓળખું છું. અને દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકીને પીવે એમ એ પહેલાં તો ના જ કહેશે... બધાં થોડાં સરખાં હોય ?? જીવન કંઈ આખું એમનેમ થોડું જાય ?? એ હજું નાની છે એટલે એવું કહે છે પણ આપણે તો આ દુનિયાને જીવી ચુક્યાં છીએ...આપણે એને ના ગમે તો કોઈ ફોર્સ નથી કરવાનો પણ એને બીજાં લગ્ન માટે તૈયાર તો કરવી જ પડશે ને...!! "

કામિનીબેન : " સારું કાલે આપણે એ સારાં મૂડમાં હોય ત્યારે વાત કરીએ‌.."

બીજાં દિવસે સાંજે જમીને બધાં બેસે છે એ દરમિયાન શશાંકભાઈ બોલ્યાં, " ભાગ્યેશભાઈનું ફેમિલી પણ એક ફેન્ટાસ્ટિક છે નહીં...અને એમનાં ત્રણેય દીકરાઓ પણ જોરદાર છે નહીં ?? "

કાજલ થોડીવાર કંઈ બોલી નહીં મમ્મી પપ્પાની વાતચીત સાંભળી રહી.

શશાંકભાઈ : " આવો પરિવાર હોય ત્યાં જેની પણ દીકરી જશે એ નસીબદાર હશે..."

કાજલ : " એ તો છે જ ને પપ્પા... એમનાં સંસ્કાર મુજબ એવું લાગ્યું કે કોઈની દીકરી ત્યાં દુઃખી નહીં થાય...!! "

કર્તવ્ય હસીને બોલ્યો, " વળી પાછું સાસુ વિનાનું સાસરું...આજની છોકરીને એ જ તો જોઈએ છે..."

કાજલ : " એવું ન હોય. હું તો નથી માનતી. એ તો નસીબ નસીબની વાત છે. બાકી એ લોકો જ્યારે બધાને પોતાનાં માતા-પિતા સાથે જોતાં હશે ત્યારે એમની મનોવ્યથા શું હશે એ તો કદાચ કોઈ ન સમજી શકે !! "

કર્તવ્ય અને કાજલ હંમેશાં એકબીજાં સાથે મજાક કરતાં હોય. કર્તવ્યને એની દીદીની મજાક ઉડાવવામાં મજા આવે એટલે એ બોલ્યો, " આ દીદી તું એકવાર જઈને બધાંનાં માઈન્ડનું રિસર્ચ કરી આવ...!! "

કાજલ : " એ બબૂચક હું શું કામ જાઉં ત્યાં ?? મારે શું સંબંધ છે એમનાથી ?? "

વાતનો દોર સાંધતા જ શશાંકભાઈ તરત જ બોલ્યાં, " સંબંધ બાંધી દઈએ તો ?? "

કાજલ : " પપ્પા આ શું વાત કરો છો ?? ખબર છે ને મારો નિર્ણય ?? તો પછી..." કહીને કાજલ પોતાનાં રૂમમાં જતી રહી.

કામિનીબેનને ઈશારો કર્યો ત્યાં જ એ કાજલના રૂમમાં પહોંચ્યાં. એમણે રૂમ બંધ કરીને આવીને કાજલની પાસે બેસીને શાંતિથી વાતચીત શરું કરી. એમણે મિકિન સાથે સંબંધ માટે વાત કરવાનો પ્રસ્તાવ રજું કર્યો.

કાજલે પહેલાં તો ના જ કહી પછી એણે કાલ સુધી વિચારવાનો સમય માગ્યો. કામિનીબેને એને સહમતિ પણ આપી.

*************

બીજાં દિવસે કાજલને પુછતાં એણે કહ્યું," મમ્મી પપ્પા તમે કહ્યું એ તો બરાબર પણ તમને ખબર છે ને મારાં એકવાર ડિવોર્સ થયાં છે તો શું આ શક્ય છે ?? "

શશાંકભાઈ : " બેટા આપણે એમનો મત પૂછીએ પછી નક્કી કરવાનું છે...પણ પહેલાં તું માનસિક રીતે તૈયાર હોવી જોઈએ. અને દરેક વ્યક્તિ સરખાં નથી હોતાં માટે ભૂતકાળની ઘટનાઓને વર્તમાન સાથે ક્યારેય મુલવતી નહીં નહીં તો તું ક્યારેય કોઈ નિર્ણય નહીં કરી શકે...!! "

કાજલ : " હમમમ...તમને જે રીતે યોગ્ય લાગે તે...બાકી તો તે લલાટે લખાયું હશે એ થઈને જ રહેશે....!! " કહીને જોબ પર જવા નીકળી ગઈ.

કામિની કાજલના ગયાં બાદ બોલ્યાં, " તમને ત્રણેયમાં મિકિન જ કેમ ગમ્યો ?? કોઈ ખાસ કારણ ?? "

શશાંકભાઈ : " ત્રણેય એકદમ વ્યવસ્થિત અને દેખાવડા પણ છે. પણ કોણ જાણે મિકિન પર મારી નજર ઠરી ગઈ છે. મને એમ થાય છે કે એનાં વિચારો તથા બધું જાણે આપણી કાજલને અનૂરૂપ થઈ રહ્યો છે. એનામાં મને મારી પ્રતિકૃતિ દેખાય છે અને કદાચ કોઈ પણ છોકરી જાણે અજાણે પોતાનાં પતિ તરીકે પિતાની પ્રતિકૃતિ ઝંખતી હોય છે. મને એવું લાગે છે કે એ બંનેનું ગોઠવાશે તો બંને સાથે બહું ખુશ રહેશે...બસ પણ પહેલાં એકવાર ભાગ્યેશભાઈ સાથે વાત કરું પછી વાત...!! "

બીજાં જ દિવસે શશાંકભાઈએ ભાગ્યેશભાઈએ સાથે મળવાનું ગોઠવ્યું. વાતવાતમાં એમણે ભાગ્યેશભાઈને પૂછ્યું, " તમારાં ત્રણેય દીકરાઓ મોટાં થઈ ગયાં છે હવે ઘર સંભાળનાર લાવી દો એટલે તમને ય નિરાંત..."

ભાગ્યેશભાઈ : " સાચું કહું તો હજું ત્રણેય ભણે છે એટલે અમે કંઈ વિચાર્યું નથી. વળી આ લગ્નનો સવાલ આવશે તો પહેલાં એમનાં બેકગ્રાઉન્ડ વિશે ઘણાં સવાલો થશે આથી જ જાણે કદાચ મારી સાથે એ લોકો પણ આ વિશે વિચારતાં અચકાઈ રહ્યાં છે. આથી એ લોકો પોતે આત્મનિર્ભર બને પછી કંઈ વિચારી શકાય...!! રહી વાત ઘર સંભાળવાની તો એવું તો કંઈ વહુઓ આવશે તો પણ નહીં રહે. બધાં જ પોતાની રહી પણ શકશે , જોબ કે મનપસંદ કરી પણ શકશે. આથી એમની સ્વતંત્રતાનો કોઇ સવાલ નહીં રહે...!! "

શશાંકભાઈ : " હમમમ...તમને ખરાબ ન લાગે તો એક વાત કહું ?? "

પછી ભાગ્યેશભાઈએ હા કહેતાં એમણે કાજલની મિકિન માટે વાત કરી. સાથે જ કાજલના ડિવોર્સની પણ...!!

થોડીવાર ભાગ્યેશભાઈ ચૂપ રહ્યાં એટલે શશાંકભાઈ બોલ્યાં, " શું થયું ?? મેં ફક્ત તમને મારાં મનની વાત કરી છે હા કે ના કહેશો એમાં આપણાં સંબંધો પર કોઈ ફેર નહીં પડે."

ભાગ્યેશભાઈ : " ના એવું કંઈ નથી. પણ એ લોકોની કંઈ જ ખબર નથી ભૂતકાળની. સાથે જ તમે લોકો આટલાં શ્રીમંત અને સમાજમાં મોભાદાર કહેવાઓ છો તો આ રીતે જ તમે અમને બધાંને સ્વીકારી શકો તો આગળ વિચારીએ. મને તો આ સંબંધ થાય તો કંઈ વાંધો નથી પણ મિકિન છે કહે એ ફાઈનલ... હું એનાં પર કોઈ જ દબાણ કરીશ નહીં..એને મંજુર હશે...તો ચોક્કસ થશે...!! "

ને પછી બંને જણાં કંઈક સારું થશે એની આશાથી છૂટાં પડ્યાં...!!

શું મિકિન કાજલ માટે પહેલીવારમાં હા પાડી દેશે ?? સ્મિતનું પરીક્ષણ સફળ થશે ?? વિકાસ હવે શું કરશે બધાનું સત્ય બહાર લાવવા ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....