આહવાન
( સત્ય અને પ્રમાણિકતાની કથા )
પ્રકરણ – ૨૪
ભાગ્યેશભાઈ શશાંકભાઈને કહેવા લાગ્યાં, " એ વખતે ત્રણેય નાનાં બાળકોને જોઈને મારી સ્થિતિ બહું જ ખરાબ થઈ ગઈ હતી. મેં માંડ માંડ પોતાની જાતને સંભાળીને એમની પાસેથી એ ચીઠ્ઠી માંગી. ને વાંચવા માંડી. " માતાની મજબુરીને કારણે ફૂલ જેવાં બાળકો તરછોડાયા છે. બસ એ જીવિત રહે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ મારી કામના છે....પૈસો સર્વસ્વ નથી હોતો...માણસાઈ પણ જરૂરી છે...!! "
બસ આટલાં જ શબ્દો એ પણ તુટક તુટક ચાલતી પેનથી લખાયેલાંને છેલ્લે કદાચ એ મજબૂર માતાનાં આંસુ રેલાયેલા દેખાયાં. આમાં આ ચીઠ્ઠી એક જ બાળકને લગાડેલી મળી. બાકીની જે ચીઠ્ઠી છે એમાં ફક્ત કોઈ જુદાં અક્ષરમાં ફક્ત લખાયેલું પણ અલગ અલગ અક્ષરમાં લખેલું... હવે એ કોઈ કોઈ એક વ્યક્તિએ લખેલું હશે કે અલગ માણસોએ એ તો ખબર નથી. એમાં દરેકની નીચે એક વસ્તુ લખેલી હતી. કદાચ એમની અટક સૂચવતી હોઈ શકે. એમાં વીરાણી, ઉપાધ્યાય, પાટિલ આવું લખાયેલું હતું. પણ મને કંઈ સમજાયું નહીં.
થોડીવાર મેં મનને શાંત કરીને વિચાર્યું. જાણે મેં નક્કી કરેલાં સંકલ્પની આજે જ ભગવાને કસોટી પણ લઈ લીધી એવું મેં વિચાર્યું.
મેં બહાર જઈને પછી મારાં એક વકીલ મિત્રને ફોન કર્યો. એમને આ બધી વાત કરી. એમણે મને કહ્યું કે તું એમને અમદાવાદ લઈ આવ. પછી આપણે એને અનાથાશ્રમમાં મુકી આવવાં કંઈ વ્યવસ્થા કરીએ.
મેં એ લોકોનો આભાર માનીને પછી એક જણાંની મદદ લઈને અમદાવાદ આવવાં એક સ્પેશિયલ ગાડી કરાવી. એ લોકોને તો રીતસરનાં રડી પડ્યાં. અમને તો ઈશ્વરે ચાર દિવસ માટે જાણે એક નહીં પણ ત્રણ ત્રણ બાળકોનાં માતાપિતા બનાવી દીધાં. અમને બહું દુઃખ થાય છે એ તો અમને ન ઓળખે પણ અમને તો એમનાંથી પોતીકી લાગણી બંધાઈ ગઈ છે....પણ સાહેબ તમે એમને લઈ જાઓ છો એ બહું સારું છે એમનું જીવન સુધરી જાશે..બાકી અમે તો એમને જીવાડત...પણ આવાં મોટાં માણસ તમારાં જેવાં તો કેમ બનાવત...??
એ સમયે હું પણ લાગણીઓથી ભીંજાઈ ગયો હતો કારણ કે મને બાળકને ગુમાવવાનું દુઃખ બહું સારી રીતે ખબર હતી. પછી હું ત્રણેયને લઈને અમદાવાદ આવી ગયો. મારાં માતાપિતા તો આ બાળકોને બહું સાચવવાં લાગ્યાં. આ કામ અઘરૂં હતું પણ આટલાં ત્રણ નાનાં બાળકોને કેમ સાચવવાં ?? એમની પણ ઉંમર થઈ હતી. મેં બીજાં જ દિવસે મારાં મિત્ર સાથે મળીને બધું નક્કી કર્યું. કેટલાક અનાથાશ્રમમાં તપાસ કરી. પણ અંદરખાને બધું જોતાં થયું બાળકો અહીં બરાબર સચવાશે નહીં એમની જિંદગી બગડી જશે. અમે ત્રણ વાર બધાં જ ન્યુઝપેપરમાં બાળકોનાં ફોટાં સાથે ખબર આપી પણ કોઈનો સામેથી ફોન ન આવ્યો. પણ ત્રણેય બાળકો અમારાં ઘરે આવીને સરસ ગલગોટા જેવાં થઈ ગયાં. અમે ત્રણેયનાં પાડ્યાં મિકિન, સ્મિત, અને વિકાસ.... ચીઠ્ઠી અનુસાર એમની અટક અમે એ જ રાખી.
મેં મારા મિત્રને કહ્યું, " જો હું ત્રણેયને બાળકોને હું જ રાખી લઉં તો ?? હું જ એને મોટાં કરીશ..."
મારો મિત્ર કહેવા લાગ્યો કે શું તું પાગલ જેવી વાતો કરે છે ?? તને ખબર છે આ ત્રણેય સરખાં નાના બાળકોને સંભાળવા ખાવાના ખેલ થોડાં નથી. એક સ્ત્રીનો સાથ હોય તો જ આ શક્ય બને. અને તારે બીજાં લગ્ન કરવાં નથી. કદાચ લગ્ન કરવાં હશે તો પણ આવાં ત્રણ બાળકોને સાચવવાં કોણ આવશે ?? તારું ભાવિ જોખમાશે.
પણ મારે એવું કંઈ હવે કરવું નહોતું. વળી મારી ઉંમર પાંત્રીસેક વર્ષની જ હતી. પણ મારો વિચાર મક્કમ રહ્યો. પણ ઈન્ડિયામાં મારે નહોતું રહેવું થોડો સમય માટે તો ખાસ... મેં એની સાથે વાત કરી. આખરે એણે મારી વાત માનીને મને છોકરાઓને દતક લેવાની પ્રોસિજર સમજાવી. મેં કેટલાંક પૈસા એ ત્રણેયના નામે કર્યાં. પછી લગભગ બધી પ્રોસિજર કરતાં લગભગ છ મહિના થઈ ગયાં. પણ આ વખતે હું એકલો નહીં પણ ત્રણ નાનાં બાળકો સાથે મારાં માતા-પિતા પણ હતાં. ત્યાંનું ગ્રીન કાર્ડ હોવાથી એ બધાંને લઈ જવામાં બહું તફલીક ન પડી.
શશાંકભાઈ : " મતલબ તમને ઈન્ડિયા કરતાં કેનેડા સાથે વધું લગાવ છે એમને ?? "
ભાગ્યેશભાઈ : " નહીં...પણ મારે એ બાળકોને ઈન્ડિયામાં એમનાં અસ્તિત્વ સાથે ઝઝુમતા જોવાં નહોતાં એટલે...કેનેડામાં એવો કોઈ પ્રોબ્લેમ નહોતો. ધીમે ધીમે એ લોકો મોટાં થવાં લાગ્યાં. એમનું ભૂતકાળ તો હજું સુધી મને જાણ નથી થઈ પણ વર્તમાન હવે હું જ હતો એ મને સમજાઈ ગયું. " આ બધામાં મેં ક્યારેય બીજાં લગ્ન વિશે વિચાર્યું જ નહીં. પણ ત્રણેય છોકરાં બધી જ રીતે હોશિયાર થયાં. ભણવામાં રમતગમત કે કોઈ પણ એક્ટિવિટી બધામાં જ અવ્વલ નંબરે હોય...એ ત્રણ ભાઈઓની જેમ મોટાં થયાં ને હું જ એમનો પિતા અને મારાં માતાપિતા એમનાં દાદા દાદી.
ત્રણેય મોટાં થવાં લાગ્યાં. મેં એમને પૈસા હોવાં છતાં એક સામાન્ય લોકોની જેમ જ ઉછેર્યાં જેથી ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિમાં એમને તફલીક પણ ન પડે અને એ નાનાં માણસોની મનસ્થિતિ સમજી શકે. આટલાં વર્ષો દરમિયાન અમે એ બાળકો ગુજરાતમાં કદી આવ્યાં ન હતાં હું વચ્ચે વચ્ચે આવી જતો. પણ એમનું સંસ્કારોનું સિંચન સંપૂર્ણ ગુજરાતી હતું. ધીમેધીમે મારી બાની તબિયત થોડી લથડીને બે જ વર્ષમાં એ ભગવાનને પ્યારી થઈ ગઈ. બીજાં એક વર્ષમાં જ પિતાજી પણ...!! ત્રણેય મોટાં થતાં એમનો મનમાં રહેલો વર્ષો જુનો વારંવાર પૂછાયેલો અને મારાં દ્રારા સમજાવટ કરીને ટાળવામાં આવેલો સવાલ એમણે એક દિવસ મારી પાસે માંગ્યો.
હવે એ લોકો પણ સમજું બની ગયાં હોવાથી મેં એમને બધી જ વાતની જાણ કરી. મને એ લોકો મારાથી દૂર થશે એની બીક હતી પણ એ પછી તો એ લોકો મને વધારે માનવાં લાગ્યાં કે હું ના હોત તો એમની જિંદગી શું હોત !! ને પછી એ લોકોની ઈચ્છા મુજબ અમે ચારેય ગુજરાતમાં પાછાં ફર્યાં. એ વખતે એ લોકોએ ત્યાંની સિસ્ટમ મુજબ બારમું પાસ કર્યું હતું. ત્રણેયનાં રસ અલગ અલગ હોવાથી મિકિને કોમર્સ સાથે કોલેજ શરું કરી બધી ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારીઓ શરું કરી દીધી.
સ્મિત પહેલેથી ખટપટિયો...એને હંમેશાં કંઈ નવું કરવું હોય...તોડે ફોડે ને કંઈ નવું કરીને પણ જોડે ખરો. આથી જ એણે સાયન્સ લઈને પછી રિસર્ચ માટે આગળ વધવા માટે PhD કરવાની દિશામાં તૈયારી શરું કરી દીધી.
વિકાસનું દિમાગ જ અલગ પ્રકારનું...જે વાંચે એ યાદ રહી જાય. એ હંમેશાં ભણવામાં અવ્વલ નંબરે હોય.એણે એક મોટાં ડૉક્ટર બનવું હતું. પણ કેનેડાથી આવ્યાં બાદ સીધું અહીં એડમિશન લેવામાં થોડી તફલીક પડી પણ મેં મહેનત કરીને એને ગવર્નમેન્ટની રિઝર્વ સીટમાં એડમિશન કરાવી દીધું. આમ ત્રણેયની નવી સફર શરું થઈ. ત્રણેય વચ્ચે સગાં ભાઈઓ કરતાં પણ વધારે મેળ છે...મને કંઈ થાય તો એ લોકો જાણે હચમચી ઉઠે છે. બસ હવે મારે એમને એક સ્વતંત્ર રીતે પણ જીવી શકે એક એવી ટ્રેનીંગ આપવી છે. બસ આ વર્તમાનથી શરું થતી સફર જ હવે એમનું ભવિષ્ય બનશે... એમાં એમનો ભૂતકાળ ક્યાંય આડે ન આવે એજ મારી અભ્યર્થના છે પ્રભુને હંમેશા માટે...!! બસ આજ હવે મારો પરિવાર છે...!! " ને પાછી ભાગ્યેશભાઈ જાણે મનનો ઉભાર ખાલી થયો હોય એમ પોતાની આંખોનાં ખૂણા ધીમેથી સાફ કરવાં લાગ્યાં.
શશાંકભાઈ પોતે ભાગ્યેશભાઈની વાત સાંભળીને આશ્ચર્ય પામી ગયાં કે કોઈ આવું પણ કરી શકે આ જમાનામાં. નાની ઉંમરમાં પોતાનાં સુખોની કુરબાની આપીને...?? અને એ પણ એક પુરુષ... સાવ અજાણ્યા બાળકો કે જેમનું સાચું કુળ, કુટુંબ, ખાનદાન , જ્ઞાતિ પણ કોઈને ખબર નથી.
શશાંકભાઈ : " ખરેખર તમારી મહાનતા કયા ત્રાજવે તોલી એ સમજાતું નથી. એ બાળકો ખરેખર નસીબદાર હશે કે એમને આવાં પાલકપિતા મળ્યાં. એનાં માવતરને તો આપણને કંઈ ખબર વિના દોષ ન દઈ શકીએ પણ જે પણ ભગવાન કરે એ સારું થયું..."
ભાગ્યેશભાઈ : " હવે તમે મારાં ઘરે ડીનર માટે આવી શકો છો...બેજીજક...!! "
શશાંકભાઈ : " હમમમ... ચોક્કસ..હવે તો એ લોકોનું ભણવાનું પૂરું થઈ ગયું હશે ને ?? "
ભાગ્યેશ : " હા બસ...મિકિને ઘણી ગવર્નમેન્ટ એક્ઝામ પાસ કરી છે. એ ત્યારે ગવર્નમેન્ટ જોબ જ કરે છે પણ...IAS ઓફિસર બનવાનું એનું સ્વપ્ન છે. એનાં માટે એ તૈયારી કરી રહ્યો છે. જો એમાં પાસ થઈ જશે તો બધું બરાબર થઈ જશે... સ્મિતનું PhD નું લાસ્ટ યર છે. અને વિકાસ MBBS પછી એમ.ડી. કરીને ક્રિટીકલ કેરનું સ્ટડી કરી રહ્યો છે..."
શશાંકભાઈ : " મતલબ હવે ત્રણેય દીકરા હવે તૈયાર થઈ ગયાં છે પિતાની જવાબદારી દૂર કરી દેવા માટે...!! "
ભાગ્યેશભાઈ : " હમમમ...એ તો છે. પણ હવે તમારાં પરિવાર સાથે કાલે જ મારાં ઘરે ડીનર માટે આવો..."
શશાંકભાઈ ના ના કરતાં રહ્યાં પણ ભાગ્યેશભાઈ એમને પ્રેમભર્યું આમંત્રણ આપીને જતાં રહ્યાં...!!
કેવો સંબંધ સર્જાશે શશાંક ભાઈ અને ભાગ્યેશભાઈ વચ્ચે ?? કાજલ હવે મિકિનને શોધવાં માટે શું કરશે ?? સ્મિતનું વેક્સિન પરીક્ષણ સફળ થશે ખરાં ?? વિકાસ દંભી જુઠાણાંઓનો પર્દાફાશ કેવી રીતે કરશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૨૫
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....