સુંદરી - પ્રકરણ ૪૧ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૪૧

એકતાળીસ

...વરુણની.

મેં તને અગાઉ પણ ઘણી વખત એના વિષે કહ્યું હતું. ખરેખર મને આ એઈજમાં પણ એની મેચ્યોરીટી ખૂબ ગમે તો છે જ પણ ઘણીવાર આશ્ચર્ય પણ પમાડે છે. કૉલેજમાં મને ભલે પાંચ જ મહિના થયા હોય પણ દરેક પ્રકારના સ્ટુડન્ટ્સ અને ખાસકરીને મેઈલ સ્ટુડન્ટ્સ વિષેનો અનુભવ થઇ જ ગયો છે. સોનલે બહુ સાચું કીધું કે અમારી એઈજમાં માંડ સાત-આઠ વર્ષનો જ ફર્ક હશે અને એટલા માટે જ ઘણા મેઈલ સ્ટુડન્ટ્સ મને ક્લાસમાં કે પછી કોલેજના પેસેજમાંથી જ્યારે પણ હું પસાર થતી હોઉં છું ત્યારે ઘૂરી ઘૂરીને જોતાં હોય છે.

પણ વરુણ અલગ છે. એ તો મારી સાથે સરખી નજર મેળવીને પણ વાત નથી કરતો. અને હું જે કહું એ કરવા હંમેશા તૈયાર હોય છે. કાયમ હસતો જ હોય છે. તે દિવસે હું શ્યામભાઈના પીછો કરવાથી અચાનક ડરી ગઈ હતી અને વરુણને મેં જેવું કહ્યું કે એ મારી સાથે ઘરે આવે, તો તરતજ કોઇપણ પ્રશ્ન પૂછ્યા વગર એ તૈયાર થઇ ગયો. મેં એને ખોટા અને લાંબા રસ્તે ડ્રાઈવ કરવાનું કહ્યું ત્યારે પણ એ ચૂપ રહ્યો, કદાચ એને ખબર હતી જ કે મારા ઘર તરફ જવાનો આ રસ્તો નથી. પછી જ્યારે તે પોતાનો મોબાઈલ લેવા પાછો આવ્યો અને પછી જે ઘટના બની અને મને ડર લાગ્યો કે ક્યાંક એ કઈ બીજું ન વિચારી લે તો એણે જ મને કહી દીધું કે જે થયું એ કુદરતી હતું. નાઈસ ના?

અને આજે જે એણે કર્યું એ તો આ તમામથી ઉપર છે. એણે શ્યામભાઈ બાબતે મારી મૂંઝવણ દૂર કરવા ફક્ત સોનલના પપ્પા સાથે મારી મુલાકાત જ ન કરાવી પણ હું આખા દિવસની ભૂખી હોઈશ એનો પણ એણે વિચાર કર્યો અને હું આનાકાની કરું એ પહેલાં જ એણે ફૂડ પાર્સલ ઓર્ડર કરી દીધું. બિચારો! પપ્પાના એક દિવસ વહેલા આવી જવાને કારણે એ તો સમયસર ખાઈ જ ન શક્યો. ખબર નહીં એ ક્યારે જમ્યો હશે?

જીવનમાં જો અરુમા, સોનલ, કિશન અંકલ અને વરુણ જેવા લોકો હોય તો પપ્પા જેવા લોકોનો ત્રાસ આરામથી સહન થઇ શકે. આજે જે બન્યું એના વિષે લખવાને બદલે મેં આ બધાં લોકો વિષે જ લખ્યું, ડીયર ડાયરી, શું તને નથી લાગતું કે મારામાં આ એક હકારાત્મક ચેન્જ આવ્યો છે?

બાકી કાલે, મળીયે.

ગૂડ નાઈટ!

==::==

“બપોરે મારી ગેરહાજરીમાં શું તોફાન કર્યા હતાં?” મોડી સાંજે જમ્યા બાદ જ્યારે સમગ્ર પરિવાર લિવિંગ રૂમમાં બેઠું હતું ત્યારે રસોડામાંથી બહાર આવતા જ રાગીણીબેને પ્રશ્ન કર્યો.

“હું તો સાડાપાંચે તારી હાજરીમાં જ આવી હતી હોં મમ્મી?” ઈશાનીએ જવાબ આપતાં કહ્યું.

“અને હું પણ તારી હાજરીમાં જ સાડાસાતે આવ્યો હતો હોં મમ્મી?” હર્ષદભાઈએ હસતાં હસતાં કહ્યું.

“તમે પણ શું? અને હું તને નહીં ઈશાની, તારા ભાઈને પૂછું છું.” રાગીણીબેને પહેલાં હર્ષદભાઈ પછી ઇશાની અને છેલ્લે વરુણ તરફ જોઇને પૂછ્યું.

“શું તોફાન? મેં કશું નથી કર્યું.” વરુણે આત્મવિશ્વાસથી કહ્યું.

“એમ? તો પેલું નોન-સ્ટીક પેન એની મૂળ જગ્યાએ કેમ નથી?” રાગીણીબેને વરુણની પરીક્ષા લેતાં હોય એમ તરતજ પૂરક પ્રશ્ન પૂછ્યો.

“એ તો મને ભૂખ લાગી હતી એટલે કૃણાલીયાએ મારા માટે એમાં નૂડલ્સ બનાવ્યા હતા.” વરુણે રાગીણીબેનથી આંખ ચોરતાં કહ્યું.

“ભાઈ, ભૂખ તને લાગે અને નૂડલ્સ કૃણાલભાઈ બનાવી આપે? એવું કેવું?” ઈશાની હવે મેદાનમાં આવી.

“અને આજે તારો ભાઈ કોલેજેથી ક્યારે ઘરે આવ્યો હતો એ પણ પૂછને ઈશાની? હું સાડાત્રણે સરીતાબેનને ઘરે ગઈ ત્યાં સુધી તો ભાઈસાહેબ આવ્યા ન હતા.” રાગીણીબેને વરુણને ઘેરી લીધો.

“ઓહો! કોલેજનું છેલ્લું લેક્ચર સાડાબારે પતે, ચાલો માની લઈએ કે કોલેજેથી બસ સ્ટેન્ડ ચાલીને જવું પડે, પછી બસ મળતાં વાર લાગે તો પણ ઘેર આવતા મેક્સીમમ દોઢ કે વધુમાં વધુ બે વાગે, પણ સાડાત્રણ સુધી કોઈ ઘેર ન આવે તો સમજી લેવાનું કે નક્કી કોઈ લફડું છે.” હવે હર્ષદભાઈ પણ જોડાયા.

“અને પપ્પા, એવું નક્કી થોડું છે કે ભાઈ બધાંજ લેક્ચર ભરે? છેલ્લાં બે લેક્ચર્સમાં ગુટલી પણ મારી હોય.” ઈશાનીએ હવે વરુણ ફરતે લગાડવામાં આવેલા સ્ક્રૂ ટાઈટ કર્યા.

“અરે! તમે લોકો પણ... મારે ક્રિકેટ ટીમની મીટીંગ હતી એટલે મોડું થઇ ગયું.” વરુણના અવાજમાં સ્હેજ રોષ હતો પણ નકલી.

“ચાલો ઠીક છે માની લીધું, પણ હું બધું જમવાનું ફ્રિઝમાં મુકીને ગઈ હતી તો એ ગરમ કરીને ન ખાઈ લેવાય? એમાં કૃણાલને તકલીફ આપવાની શી જરૂર હતી?” રાગીણીબેનની પ્રશ્નોત્તરી હજી ચાલુ જ હતી.

“હેં? એ તો હું ભૂલી જ ગયો હતો. અને મમ્મી ત્યારે મને જરાક મસ્ત અને મસાલેદાર ખાવાની ઈચ્છા હતી એટલે બધાં ડબ્બા ફંફોસીને જોયા પણ કશું મળ્યું નહીં એટલે પછી કૃણાલને બોલાવ્યો. તમે લોકો જબરી સ્કીમો વિચારી લ્યો છો.” વરુણે છાશિયું કર્યું.

“બેટા, પણ જમવાનું બગડ્યુંને? ખરાબ કહેવાય, ચલ આગળથી ધ્યાન રાખજે હવે.” આટલું કહીને રાગીણીબેન ઉભા થયા.

“શું યાર ઈશાની? તારા ભાઈએ ફરીથી નિરાશ કર્યા.” આટલું કહીને હર્ષદભાઈ પણ રાગીણીબેન પાછળ દોરવાયા.

“પપ્પા આ તો ભાઈ છે, એની પાસેથી બહુ આશા નહીં રાખવાની.” આટલું કહીને ઈશાની વરુણના માથામાં ટપલી મારીને પોતાના રૂમ તરફ દોડી ગઈ.

વરુણે ઈશાનીનો પીછો કરીને એને ધબ્બો મારવાની કોશિશ કરી પણ ઈશાની વધુ ઝડપી નીકળી અને પોતાના રૂમમાં ઘુસીને એણે તરતજ દરવાજો બંધ કરી દીધો. વરુણ પણ હસીને પોતાના રૂમમાં જતો રહ્યો.

==::==

“આ તો બરોબર છે, પણ કાલે સન્ડે છે અને મારે પ્રેક્ટીસમાં આવવાનું છે. ગયા સન્ડે મેં આખી ટીમને હેલ્ધી નાસ્તો કરાવવાનું પ્રોમિસ આપ્યું હતું તો એનું શું કરીશું?” બીજે દિવસે સવારે રોજની જેમ વરુણ પાસેથી પ્રેક્ટીસનો રિપોર્ટ લેતાં સુંદરીએ પૂછ્યું.

“આપણે વાત તો થઇ હતીને કે, હું તમને ઘરેથી વહેલી સવારે જ પીકઅપ કરી લઈશ?” વરુણે કહ્યું.

“હા, પણ પ્રોમિસ કરતી વખતે હું ભૂલી ગઈ હતી કે પપ્પા ઘરે હશે અને મેં તમને કાલે કહ્યું એમ...” સુંદરીએ ફરીથી પોતાની આદત અનુસાર જ્યારે પણ એ મૂંઝવણમાં હોય ત્યારે પોતાના જમણા હાથની પહેલી આંગળી બંને દાંત વચ્ચે દબાવતી એમ અત્યારે પણ દબાવી.

“તો?” વરુણ પાસે પણ સુંદરીની આ મૂંઝવણનો ઉકેલ ન હતો.

“એક કામ કરીએ તો? હું ઓટોમાં જ નાસ્તો લઈને અહીં કોલેજે આવવા માટે નીકળું તો?” સુંદરીને જાતેજ પોતાની મૂંઝવણનો ઉકેલ મળી ગયો.

“તમને બહુ તકલીફ પડશે. ઓટો છેક તમારા ઘરની ગલી પતે ત્યાં મેઈન રોડ પરથી મળશે, ત્યાં સુધી તમારે બધું ઊંચકીને લાવવું પડશે.” વરુણે સુંદરીને પડી શકનારી તકલીફ તરફ ઈશારો કર્યો.

“કશો વાંધો નહીં, આપણે ગયા રવિવારે જ વાત થઇ હતીને? કે એનીથિંગ ફોર ટીમ?” સુંદરીના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.

“હા એ તો છે જ. ઠીક છે તો એમ જ કરો. પણ તમને ક્યાંય પણ તકલીફ જેવું લાગે તો મને જસ્ટ કૉલ કરી દેજો હું આવી જઈશ.” વરુણને રવિવારે સુંદરી સાથે શક્ય હોય તેટલું વધુ સમય રહેવું હતું એટલે એ માટે એ શક્ય હોય તેટલી કોશિશ કરી રહ્યો હતો.

“ચોક્કસ. તમને જ હેરાન કરીશ.” સુંદરી હસી પડી.

“અરે! ચોક્કસ, ગમે ત્યારે!” વરુણ કન્ફર્મ કરવા માંગતો હતો કે સુંદરીને જ્યારે પણ તેની જરૂર પડે ત્યારે તે એને જ કહે.

“લ્યો, બેલ પણ વાગી ગયો. કાલે મળીએ. આવજો!” આટલું કહીને સુંદરી ચાલવા લાગી.

“એક મિનીટ.” વરુણ સુંદરી પાછળ દોડ્યો.

“હા બોલોને?” સુંદરીએ ચાલવાનું બંધ ન કર્યું.

“તમે કહ્યું હતું કે આજે તમે શ્યામભાઈને રોકીને વાત કરવાના છો, તો હું આવું જોડે? જો તમને વાંધો ન હોય તો?” વરુણે કહ્યું.

“ના, હવે મને જરાય ડર નથી વરુણ. એ મારો ભાઈ છે એને ફક્ત મારી ચિંતા છે એટલે મારો પીછો કરે છે. એને જાણવું છે કે હું ઠીક તો છું ને? કદાચ મારી સાથે એક વખત વાત કરી લેશે પછી એ આપોઆપ મારો પીછો કરવાનું છોડી દેશે. ડોન્ટ વરી!” સુંદરીએ હસીને કહ્યું અને કૉલેજના હોલમાંથી પ્રોફેસર્સ રૂમ તરફ વળી ગઈ.

વરુણ એકીટશે સુંદરીને જતાં જોઈ રહ્યો એના મનમાં હજી પણ સુંદરીએ જે રીતે એનું નામ લીધું હતું એ લહેકાનો પડઘો પડી રહ્યો હતો.

==::==

“ધાર્યાં કરતાં વહેલા આવી ગયા તમે.” ઓટોમાંથી બે મોટાં થેલાઓ ઉતારતા વરુણે સુંદરીને કહ્યું.

“હા, રિક્ષાવાળા ભાઈ મારી સોસાયટીમાં જ કોઈને ઉતારવા આવ્યા હતા એટલે મારે બહાર સુધી ન જવું પડ્યું.” સુંદરીએ રિક્ષામાંથી ઉતરતાં કહ્યું.

રિક્ષામાંથી ઉતરીને સુંદરીએ રિક્ષાવાળાને પૈસા ચૂકવ્યા.

“ચાલો!” વરુણે કૉલેજના ગ્રાઉન્ડનો દરવાજો ખોલ્યો અને અંદર ચાલવા લાગ્યો.

“અરે! એક થેલો તો મને આપો? બહુ ભારે છે.” સુંદરી વરુણ પાછળ થેલો લેવા દોડી.

“ના-ના એટલો ભારે પણ નથી. ચાલો.” વરુણે સુંદરી સામે જોઇને કહ્યું.

ત્યારે વરુણને ખ્યાલ આવ્યો કે સુંદરીએ આજે લખનવી ચીકનવાળો આછો ગુલાબી કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો જેના પર કુર્તાના રંગ જેવો જ આછો ગુલાબી દુપટ્ટો હતો. રવિવાર હોવાથી સુંદરીએ વાળ પણ શેમ્પુ કર્યા હતા જે હવાની ધીમી લહેરખી આવવાને કારણે થોડા થોડા ઉડી રહ્યા હતા. વરુણને સુંદરીની એ સુંદરતા પરથી નજર હટાવવી ન હતી પણ તેની લાચારી હતી.

“વરુણ, તારી બેટિંગ છે!” વરુણ હજી તો નાસ્તાના બંને થેલાઓ બાંકડા પર મુકે એ પહેલાંજ પ્રોફેસર શિંગાળાએ કહ્યું.

“ઓકે સર આવ્યો!” વરુણે તરતજ બાજુમાં પડેલું પોતાનું બેટ લીધું અને પીચ તરફ ચાલવા લાગ્યો.

સુંદરી નાસ્તાના બંને થેલાઓને સહેજ બાજુમાં ખસેડીને બાંકડા પર બેઠી.

“નેલ્સન, વરુણ અપને આપ કો હોસીયાર સમજ કર આજ પૈડ નહી પહના હૈ, સીધા ઉસકે પૈર કે નલ્લે પર મારો, તાકી દેઢ દો મહિના કા પ્લાસ્ટર આયે ઔર હમ કપ્તાન બન જાયે, સમજે કા?” નિર્મલ પાંડેએ કોલેજની ટીમના ફાસ્ટ બોલર નેલ્સન મકવાણાને કહ્યું.

“આપ તો કપ્તાન બન જાયેંગે, ફિર હમારા ક્યા?” નેલ્સને નિર્મલને પૂછ્યું.

“ચલો, ચલો, શું વાતો કરી રહ્યા છો બંને? બોલિંગ કર નેલ્સન?” પ્રોફેસર શિંગાળા જે અમ્પાયર બન્યા હતા તેમણે પાછળ વળીને કહ્યું.

“યસ સર!” નેલ્સને જવાબ આપ્યો.

“અરે! હમ કપ્તાન તો તુમ ઉપ-કપ્તાન. પર સરત યે હૈ કી વરુનવા કે પૈર કા નલ્લા તૂટના ચાહિયે ઓકે?” આટલું કહીને નિર્મલ પોતાની પોઝીશન પર ફિલ્ડીંગ કરવા જતો રહ્યો.

નેલ્સન પોતાના રનઅપની શરૂઆત માટે કરેલા માર્કિંગ પર પહોંચ્યો અને એણે તેજગતિથી પીચ તરફ દોડવાનું શરુ કર્યું. પીચ પર પહોંચીને નેલ્સને બોલ નાખ્યો અને બીજી જ સેકન્ડે વરુણ બેટ ફેંકી અને પોતાનો જમણો પગ પકડીને પીચ પર જ સપાટ પડી ગયો.

બાંકડા પર બેસેલી સુંદરીએ આ દ્રશ્ય જોયું અને તે આપોઆપ તેના પરથી ઉભી થઇ અને વરુણ તરફ દોડી પડી!

==:: પ્રકરણ ૪૧ સમાપ્ત ::==