અંગત ડાયરી
============
શીર્ષક : ગમ કી કતારે...
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૧, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર
એક મિત્રે કહ્યું : પ્લેઝર અને હેપ્પીનેસ વચ્ચે તફાવત છે. તમે હસો અને હરખાઓ એ બંને જુદી વાત છે. હસતા હો ત્યારે તમારા દાંત દેખાય, મોંની રેખાઓ બદલે એવું બને જયારે હરખાઓ ત્યારે કદાચ હોઠ ભીડાયેલા હોય પણ હૈયું વધુ ધબકતું હોય, આંખો કદાચ વરસતી પણ હોય. પગારમાં થયેલો પાંચ દસ ટકાનો વધારો તમને હસાવે અને સંતાનનું અવ્વલ પરિણામ તમને હરખાવે. જોક સાંભળી તમે હસી પડો, અને પૌત્ર જન્મના સમાચાર સાંભળી તમે હરખાઇ જાઓ. હાસ્ય ખોટું પણ હોય જયારે ભીતરે અનુભવતો હરખ કદી ખોટો ન હોઈ શકે. હાસ્ય મનોરંજનની વાત છે, હરખ કે આનંદ આત્મરંજનની વાત છે.
સચિનની સેન્ચ્યુરીથી તમે જે નાચી ઉઠો છો એ હાસ્ય છે, ખુશી છે જયારે તમે પોતે બેટ ફેરવો અને ચોક્કો લાગે ત્યારે તમારી નસોમાં જે રક્તપ્રવાહની ગતિ વધે છે એ આનંદ છે, હરખ છે. જે પોઝીટીવ ઘટનામાં તમે પોતે કંઈક કર્યું હોય એ ઘટના આનંદ આપે. ખુશીને મન સાથે સંબંધ છે, આનંદને આત્મા સાથે સંબંધ છે. ખુશનું વિરોધી છે નાખુશ. રાજીનું વિરોધી છે નારાજગી. સુખની વિરોધી છે દુઃખ. આનંદનું કોઈ વિરોધી નથી.
ચૂંટણી જીતનાર કેટલાક નેતાના ચહેરા પર કેમ ખુશી કે આનંદ નથી જોવા મળતા? એ હસતો જરૂર હોય છે, વિકટરીની સાઈન પણ દેખાડતો હોય છે પણ એની આંખોમાં કંઈક જુદું જ કેમ દેખાતું હોય છે? અમુક રમતો જ બહુ વિચિત્ર હોય છે નહિ? હાસ્યના કેટલાક પ્રકાર વાંચેલા યાદ આવે છે. સ્મિત એટલે મિત્રતાનું આમંત્રણ આપતી પ્રક્રિયા, હાસ્ય એટલે મનના રાજીપાને વ્યક્ત કરતી પ્રક્રિયા અને અટ્ટહાસ્ય એટલે દુશ્મની નોતરતી પ્રક્રિયા. રાક્ષસો અટ્ટહાસ્ય કરતા. (હી...હી...હા...હા...હા....)
પણ કોઈ અટ્ટહાસ્ય કરતું નથી. તો શું પૃથ્વી પરથી રાક્ષશોનો નાશ થઇ ગયો છે. એક સંતે મીઠી ટકોર કરેલી. આજકાલ રાક્ષસા એટલે (તેના ત્રણ અક્ષર ઉલટાવવાથી બનતો શબ્દ) સાક્ષરા એટલે કે કહેવાતા ભણેલા ગણેલા. એ લોકો બંદુક કે છરી વગર તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય અને તમને ખબરેય ન પડે એવા ચાલક હોય છે. આવા લોકોનું હાસ્ય બ્લેક હાસ્ય હોય છે. જે રાજીપાથી બીજાને નુકસાન હોય એ રાજીપો એટલે બ્લેક રાજીપો. એક વડીલે મસ્ત વાક્ય કહેલું જે મારું ફેવરીટ છે: ઉસ ખુશીસે કભી મત ખેલો જિસકે પીછે ગમ કી કતારે ખડી હો.
જે સત્તા કે સંપત્તિ છળકપટથી મેળવવામાં આવી હોય, જે પદ, પ્રતિષ્ઠા કે પૈસા છેતરપીંડીથી મેળવવામાં આવ્યા હોય એની પાછળ ‘ગમ કી કતારે’ હોય છે. મહાભારત ધૃતરાષ્ટ્રના પાત્ર દ્વારા શું કહેવા માંગે છે? એણે સામ, દામ, દંડ, ભેદથી પદ તો મેળવી લીધું પણ કૃષ્ણ કનૈયાને એ માન્ય નથી. પરિણામ તમે જાણો છો. કેવડી મોટી ગમની કતાર એના જીવનમાં જોવા મળી.
સમાજમાં ઘણા ક્વોલિફાઈડ, નિષ્ઠાવાન સજ્જનો આખી જિંદગી ઢસરડો કરતા જોવા મળે છે, સમાજના સન્માનનીય લોકોના લિસ્ટમાં કદાચ એમનું નામ લખાતું નથી, પણ કૃષ્ણ કનૈયાની અંગત ડાયરીમાં એમનું નામ ટોપ ટેનમાં હોય છે. આવા લોકોના રક્ષણ માટે કૃષ્ણ કનૈયા એ ‘સંભવામિ યુગે યુગે....’ નું પ્રોમિસ આપ્યું છે. કૃષ્ણ કનૈયા પાસે બ્લેક લિસ્ટ પણ છે. અમુક બદમાશો પોતાની બદમાશીઓ દ્વારા એમાં નામ નોંધાવે છે. અહીંની કોર્ટ અને સમાજ એ ચાલકોને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરે છે. પણ કૃષ્ણ કનૈયાની કોર્ટનું શું? નીલી છત્રી વાલેની ઉપલી અદાલતમાં આવા બદમાશોના નસીબમાં સજા તરીકે ‘ગમ કી કતારે’ નો ચુકાદો લખાઈ જાય છે. કારણ કે કાનુડા એ ‘વિનાશાય ચ દુષ્કૃતામ...’ પણ કહી જ રાખ્યું છે. પાછલી જીંદગીમાં જયારે આ સજા શરુ થાય છે, ત્યારે પેલા બ્લેક હાસ્યનો બ્લેક પાર્ટ શરુ થાય છે, જે અસહ્ય છે.
તમે જ્ઞાનથી ગરીબ (એટલે કે અભણ) હશો તો ચાલશે, પૈસાથી કે શરીરથી ગરીબ હશો તો પણ ચાલશે પણ ઇમાનથી, ધર્મથી, ચારિત્ર્યથી ગરીબ હશો તો ‘ગમ કી કતારે’ તમારી રાહ જોઈ રહી છે. વળી જિંદગીની ગેમમાં યુ ટર્ન, એનીટાઈમ પોસિબલ છે. જરાક દિશા બદલો અને મલકાતો કનૈયો હાથ લંબાવી ઉભેલો દેખાશે....
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)