અંગત ડાયરી - ચશ્માં Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - ચશ્માં

અંગત ડાયરી
============
શીર્ષક : ચશ્માં
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૪, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર

તમે પહેલી વાર ચશ્માં ક્યારે પહેરેલાં? બાળપણમાં કદાચ મેળામાં રમકડાંના ચશ્માં તમને યાદ આવે. પોપટી કે પીળી ફ્રેમવાળા એ પ્લાસ્ટીકના ચશ્માં તમે પહેર્યા હશે ત્યારે કદાચ બાળ સહજ કુતુહલ અને ગમ્મત સિવાય કશો વિશેષ ભાવ કે અનુભુતિ તમને નહીં થયા હોય. પછી યુવાનીમાં કોલેજ કાળ દરમ્યાન ગોગલ્સ પહેરી થોડા હૅન્ડ્સમ, ફૅશનેબલ લાગવા અને થોડું આંખોને લાગતા પવન, ઉડતી ધૂળ કે સૂર્યના પ્રકાશથી બચવાનો તમારો અભિગમ કદાચ હશે. નંબરવાળા ચશ્માં તમને દૂરનું કે નજીકનું જે આછું કે ઓછું દેખાતું હોય એ સ્પષ્ટ દેખાડવાની મસ્ત હેલ્પ કે ફેસિલીટી આપતા હોય ત્યારે તમને એની ઉપયોગિતાથી આનંદ આવ્યો હશે. પણ મને તો નંબર વાળા ચશ્માંનો વિચાર એક નવી જ ફિલોસોફી તરફ ખેંચી ગયો.. સાંભળો...

નંબરવાળા ચશ્માં અસ્પષ્ટને સ્પષ્ટ કરવા માટે ઉપયોગી છે. આપણી આસપાસ, નજીકમાં કે દુર, ઘણું એવું છે, જે અસ્પષ્ટ છે. ક્યારેક કોઈ સંબંધ અસ્પષ્ટ છે, તો ક્યારેક કોઈ પરિસ્થિતિ ધૂંધળી હોય છે, ક્યારેક કોઈ વ્યક્તિ કળાતો નથી તો ક્યારેક કોઈ ઘટના સમજાતી નથી. આવું શાને થાય છે?

‘હવે પહેલા જેવી મજા નથી આવતી’ એવું વડીલોના મોંએ તમે વારંવાર સાંભળ્યું હશે. શા માટે માણસ દૌલત, શોહરત ઇવન યુવાની આપીને પણ પોતાનું બચપણ માંગતો હશે? શું બચપણની દ્રષ્ટિ, સમજ, નિર્દોષતા અને સહજતાની આંખોએ દુનિયા વધુ હસીન, સ્પષ્ટ, મસ્ત અને મધુર હતી? દુનિયાએ સમજદારી અને જવાબદારીના જે ચશ્માં આપણને અત્યારે પહેરાવ્યા છે એને લીધે દુનિયા બદસૂરત બની ગઈ છે? અંતિમ પ્રશ્ન: શું મોટા થયા પછી, અંગતો, સ્વજનો અને સ્નેહીઓથી છલકતી આ દુનિયાને બાળકની જેમ જ ચાહી શકાય, માણી શકાય એવા કોઈ ચશ્માં બજારમાં મળે છે ખરા?

એક ઘટનાએ જવાબ આપ્યો એ તમારી સમક્ષ રજૂ કરું છે. એક વાર કાર ડ્રાઇવિંગ કરતો હતો. બપોરે નીકળ્યા તે છેક સાંજ પડી ગઈ. મને ચોતરફ અંધકાર વર્તાવા લાગ્યો. મેં કારની હેડ લાઈટ ચાલુ કરી. મારા ભાણીયાએ મને કહ્યું ‘મામા અત્યારમાં કેમ હેડ લાઈટ ચાલુ કરી?’ મેં કહ્યું ‘અંધારું ઘેરાઈ ગયું એટલે’ એક કહે ‘મામા ચશ્માં કાઢી નાખો, હજી તો અજવાળું છે...’ મેં ચશ્માં કાઢ્યા. ‘હા, હજુ તો અજવાળું હતું.’ મને સ્પાર્ક થયો. કેટલીકવાર ચશ્માં કાઢી નાખવાથી પણ દૃશ્ય વધુ સ્પષ્ટ દેખાતું હોય છે.

આપણે કેટકેટલાં ચશ્માં પહેર્યા છે: પૈસાના, સત્તાના, સંપત્તિના. એક નવોદિત લેખકનો લેખ જાણીતા અખબારમાં છપાયો. એણે મિત્રને આ ખુશખબર આપ્યા. મિત્ર કહે ‘કેટલા પૈસા મળશે આ આર્ટિકલના?’ નવોદિત લેખકનો રાજીપો ગાયબ થઈ ગયો. ઘણી વાર તમારા શેઠની મૂર્ખતા ભરી સલાહ પણ તમારે એટલા માટે વખાણવી પડી હોય કે એની પાસે સત્તા અને સંપત્તિ છે. પૈસાદાર એટલે સમજદાર, આબરૂદાર, ઈમાનદાર એવી ગેરસમજ કરાવતા ચશ્માં આજે સમાજના મોટાં ભાગનાં વ્યક્તિઓએ પહેર્યાં છે. બાળકને પાંચસોની નોટ અને નાનકડી ચોકલેટમાં ચોકલેટ વધુ મૂલ્યવાન લાગે છે, પાંચસોની નોટ નહીં. આપણને પાંચસોની નોટ ક્યારેક આપણી ઈમાનદારી, સ્વાભિમાન કે પ્રમાણિકતાથી એ મોટી લાગે છે. કદાચ એટલે જ ‘સો મેં સે નબ્બે, બેઈમાન’ કહેવાયું હશે ને? પૈસાને પરમેશ્વર દેખાડતા ચશ્માં જો આ બેઈમાનો કાઢી શકે તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી ન શકે.

એક ગીતની પંક્તિ છે ‘ચશ્માં ઉતાર કે ફિર દેખો બાબુ....’. પૈસા, સત્તા, સંપત્તિના ચશ્માં ઉતારી જોવામાં આવે તો ‘વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની’ આજેય તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. બાળક એક જ પ્રેરણા આપે છે : જે જેવું છે એવું એને સ્વીકારો. તમારા ચશ્માંથી સામેનાનું દૃશ્ય ધૂંધળું બને છે, બસ ચશ્માં કાઢી નાખો. તમારો દ્રષ્ટિકોણ, તમારી જીદ, તમારો પોઈન્ટ ઓફ વ્યુ ફગાવી જે જેવું છે એવું જુઓ, બધું બદલાઈ જશે.

કહ્યું છેને : નઝર ક્યા બદલી, નઝારે હી બદલ ગયે, કશ્તી કા રુખ મોડ દિયા, કિનારે હી બદલ ગયે.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)