આહવાન - 13 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 13

મિકિનને ખબર છે કે એને પોતાનાં રિપોર્ટ માટે ફોન કરવાની જરૂર નહીં પડે એ પહેલાં જ ન્યુઝચેનલમાં ખબર પડી જશે. લોકોને આ બધામાં જ અત્યારે વધારે રસ‌ છે‌.

કાજલ ફટાફટ આવીને બોલી, " મિકિન તું ફોન તો કર... ત્યાં તારાં રિપોર્ટ માટે...મને ચિંતા થાય છે."

મિકિન : " અત્યારે તને ખબર છે ને કે જે પણ હશે એ મિડિયામાં પહેલાં આવશે... અને કંઈ પણ હશે તો આપણને ફોન આવી જ જશે‌...!! "

એટલામાં જ વાતો ચાલું છે ત્યાં જ બ્રેકિંગ ન્યુઝ સાથે આવ્યું કે એક મોટી ખબર આવી છે કે, " મંત્રી મિકિન ઉપાધ્યાયનો કોરાનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે..‌.એ અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે... પરંતું મિડીયામાં મળી રહેલાં સમાચાર મુજબ હવે એ પોતાની જગ્યા પાછી સંભાળશે કે પછી...શું થશે ?? એ માટે બહું મોટી સંભાવનાઓ વર્તાઈ રહી છે. એનો રિપોર્ટ થોડાં સમયમાં આવશે...!!"

કાજલ : " આ શેનું પ્રશ્નાર્થ આવ્યું મને કંઈ સમજાયું નહીં...તારો રિપોર્ટ નેગેટિવ છે એ બહું સારું છે...પણ આ શું ?? તારી જગ્યા છે તો તને જ મળશે ને !! એ જગ્યા તો તારી જ હોય ને ?? ધારો કે કોઈને કોરોના થાય તો કંઈ એની નોકરી,જગ્યા થોડી જતી રહે ?? આ પોલિટિક્સ શું રમાઈ રહ્યું છે સમજાતું નથી. "

મિકિન : " હા તું ધીરજ રાખ.. મિડિયામાં તો કંઈ પણ આવે..કાલે તો ત્યાંથી ફોન આવ્યો જ હતો ને ...એમણે કહ્યું જ હતું ને રિપોર્ટ નેગેટિવ આવે તો તમારે આવી જ જવાનું છે. તો પછી હમણાં એ તો આવશે જ ફોન ફરીથી હાજર થવા માટે આવતી કાલથી.... તું ખોટી ચિંતા કરે છે."

કાજલ : " પણ મિડિયા એ એવું છે કે સહેજ કંઈ એવું હોય તો જ એ લોકો જાહેર કરે...બાકી કોઈ પણ અફવા એમ જ ફેલાવે તો એમની ચેનલને પણ નુકસાન થાય..."

મિકિન : " તું બહું વિચાર નહીં....જે થશે તે સારું જ થશે...!!"

એટલામાં જે શૈલી આવીને કુદીને બોલી, " પપ્પાને હવે કંઈ નહીં થાય‌ ને ?? આ ટીવીવાળાં બતાવે છે ને...મને તો બીક લાગતી હતી ક્યારની. " કહીને મિકિનને ભેટી પડી.

કાજલ : " હા બેટા કંઈ નહીં થાય એમને કે આપણને કોઈને કંઈ થશે નહીં.."

કાજલે એને પ્રેમથી સમજાવતાં એ ફરી રૂમમાં જતી રહી.

મિકિન થોડીવાર પછી બોલ્યો, " કાજલ હવે તો રિપોર્ટ પણ નોર્મલ છે તો હું બહાર જઈ શકું ને ?? હું મારી ઑફિસ જઈ આવું તો ?? "

કાજલ : " પણ કાલે જજે ને. ત્યાંથી ફોન તો આવશે ને ?? "

મિકિન : " હવે મારી તો ઑફિસ છે કે એમાં શું પુછવાનું મિસ્ટર અરોરાએ કહ્યું તો છે કે તમે તમારી જગ્યા સંભાળી લો...અને આવાં કટોકટીના સમયમાં આજને કાલ ન જોવાનું હોય...દેશ માટે આપણી ફરજ હોય છે."

કાજલ : " તું જાય એનાં માટે મને વાંધો નથી પણ મને એવું લાગી રહ્યું છે કે તું તારાં કામ માટે વધારે ઉતાવળો બની રહ્યો છે. આપણાં માટે સમય અત્યારે કપરો છે આથી જ કહું છું બાકી તને જેમ ઠીક લાગે તેમ...."

ઘણું સમજાવ્યાં છતાં મિકિન કચેરી પર જવાં તૈયાર થઈ ગયો‌. એ તૈયાર થયો એટલે કાજલ કશું બોલી નહીં એણે મિકિનને પ્રેમથી જવાં દીધો. એણે ફક્ત એટલું જ કહ્યું, " ધ્યાન રાખીને જજે...બાય લવ યુ..."

સામાન્ય રીતે બાળકોની સામે મિકિન કંઈ ન કહે પણ આજે મિકિને કાજલ અને બાળકોને પ્રેમથી ચુમીને બાય... જય શ્રીકૃષ્ણ..." કહીને એ નીકળી ગયો.

**************

વિકાસ આજે સવારથી ઉઠ્યો ત્યારથી એનું મન જાણે એક ભાર અનુભવી રહ્યું છે‌ જાણે કંઈ બનવાનું હોય એવું એને લાગી રહ્યું છે‌.

વિકાસને થયું કે કોણ જાણે હવે શું નવું થશે ?? અત્યારે તો ડ્યુટી પર જવાનું નથી કે કંઈ થાય પણ અત્યારે એને સૌથી વધારે ચિંતા અર્થની છે. એણે સારામાં સારાં ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ પિડીયાટ્રીશીયનને ત્યાં એણે એડમિટ કર્યો છે‌. એ પોતે જાણે છે કે દિવસે ને દિવસે અર્થનો કેસ બહું વધારે ક્રિટીકલ બની રહ્યો એ નાનકડું બે મહિનાનું બચ્ચું હવે કદાચ એ બધું સહન કરવાં માટે પણ અસમર્થ બની રહ્યું છે. એને મનમાં એ જ ડર છે કે એ પોતાનાં દીકરાને જોઈ પણ નહીં શકે ?? પછી એણે વિચાર્યું કે એણે હજું સુધી કોઈ માટે ખરાબ કર્યું કે વિચાર્યું પણ નથી તો ભગવાન ચોક્કસ એને મદદ કરશે. આજ સુધી એ પોતાનાં પરિવારથી દૂર રહીને એ લોકોને મોતનાં મુખમાંથી બચાવી રહ્યો છે. એણે આ કટોકટીનાં સમયે પોતાનાં પરિવાર માટે પણ વિચાર્યું નથી.

એટલે અંજલિ સાથે ફોન પર વાત કરી. અંજલિની તબિયત તો સારી છે એટલે એની ચિંતા એટલી નથી પણ અંજલિએ કહ્યું કે હમણાં થોડીવાર પહેલાં જ ડૉ.કચ્છી સાથે વાત થઈ અર્થની સ્થિતિ હાલ તો એમ જ છે. કોઈ સુધારો વધારો નથી.

થોડી વાતચીત બાદ ફોન તો મૂકાઈ ગયો.‌ એને ખબર પડી કે અંજલિને તો હાલ કોઈ તફલીક નથી પણ જાણે અર્થ માટે એ વધારે ચિંતાતુર બની ગયો છે. કોઈ પોતાનાં માણસો સાથે પણ ફોન સિવાય વાત પણ કરી શકાય એમ નથી. બધાં સાથે હોવાં છતાં કોઈ કોઈની મદદ કરી શકે એમ નથી.

આજની આ એસીવાળી આલિશાન હોટેલમાં પણ એને જાણે પરસેવો થઈ રહ્યો છે. એ પોતાની જાતને નિઃસહાય માની રહ્યો છે કે એ પોતે આટલો મોટો ડૉક્ટર હોવાં છતાં પોતાનાં દીકરા માટે કંઈ કરી શકતો નથી. આખરે એ થોડીવાર બધું ભૂલીને મોબાઈલમાં સોન્ગ સાંભળતો સૂવાની મથામણ કરવાં લાગ્યો.

**************

સાંજ પડતાં જ વિકાસે પોતાનાં રિપોર્ટ માટે ફોન કર્યો. ને એ રિપોર્ટ આવે એ પહેલાં જ એનાં નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

વિકાસે તરત જ ફોન ઉપાડ્યો. એને જાણે ફોન ઉપાડતાં જ કંઈ થવાં લાગ્યું. કોઈ વ્યક્તિ હાંફળો ફાંફળો

થઈને બોલ્યો, " સાહેબ ડૉ.કચ્છીના ત્યાંથી વાત કરું છું તમારો દીકરો અર્થ એકાએક બેભાન થઈ ગયો છે. એની સ્થિતિ બહું ખરાબ છે. તમારાં પત્નીનો ફોન નથી લાગી રહ્યો. ક્યારનો તો તમને ફોન કર્યો."

વિકાસની સવારથી થઈ રહેલી આશંકા સાચી પડી. એણે ફક્ત કહ્યું, " હું હમણાં જ આવું છું..." કહીએ ફોન મૂકી દીધો. એ પોતે રિપોર્ટની પણ રાહ જોયાં વિના ફટાફટ પોતાની ગાડી લઈને નીકળી ગયો...!!

**************

વિકાસ હોસ્પિટલ ફટાફટ પહોંચી ગયો. એનો જીવ અત્યારે અધ્ધરતાલ છે‌. એણે પહોંચીને પહેલાં તો આગળ વાત કરી. પહેલાં તો સીધાં અંદર પ્રવેશવાની જ ના પાડી. પછી તરત ડૉ.કચ્છી સાથે વાત થતાં એમણે વિકાસને સીધો એન.આઈ.સી.યુ માં બોલાવ્યો. એને પીપીઈ કીટ આપીને સીધો અર્થનાં એ કોટ પાસે બોલાવ્યો.

વિકાસને ત્યાં પહોંચીને ઠેર ઠેર સોય અને બોટલોથી ઘેરાયેલો અર્થ દેખાયો. જન્મ સમયે તંદુરસ્ત લાગતો અર્થ જાણે દૂબળો બની ગયો છે. એક પિતા તરીકે સંતાનને આવી સ્થિતિમાં જોઈને એનું દિલ ધ્રુજી ઉઠ્યું. નિશ્ચેતન થયેલો એ અર્થ જોઈને તો જાણે હમણાં જ ઉંઘમાંથી ઉઠશે એવું લાગી રહ્યું છે.

વિકાસે સૌ પ્રથમ એની પાસે જઈને એનું બધું તપાસી જોયું. પછી એણે તરત જ એની સારવાર માટેનું બધું તપાસ્યું. ડૉ.કચ્છી એની સાથે જ બધું એને કહી રહ્યાં છે.

ડૉ.કચ્છી : " સાચું કહું ડૉ.વિકાસ પણ હવે જાણે મારું મગજ શૂન્યમનસ્ક બની ગયું છે. અર્થને અચાનક બપોરે સારું હતું થોડું સુધારા પર પણ લાગ્યું પણ અચાનક બપોરે એ ઉછાળા મારવાં લાગ્યો ને પછી એકદમ જ બેભાન થઈ ગયો.

એને મેં બધી જ મારાં નોલેજ પ્રમાણેની સારવાર આપી જોઈ પણ એનામાં કોઈ સુધારો નથી આવી રહ્યું. વેન્ટિલેટર પર મેં એને એની ક્ષમતા પ્રમાણે આપી શકાય એ રીતે બધું જ શરું કરાવ્યું છે સાથે જ ઇન્જેક્શનોની ડ્રીપ પણ એટલી જ શરું છે.

વિકાસ : " તમારાં નોલેજમાં મને કોઈ શક નથી. આખું શહેર તમારાં વખાણ કરે છે‌. તમે મને ઇન્જેક્શન માટેની વિગત ફરી એકવાર બતાવી શકશો ?? "

ડૉ.કચ્છીએ ટ્રીટમેન્ટ શીટ ફરી એકવાર બતાવી ત્યાં જ વિકાસનું ધ્યાન એક ઇન્જેક્શન પર પડ્યું. એ તરત બોલ્યો, " આ ઇન્જેક્શન અર્થને ક્યારે અને કેટલાં પ્રમાણમાં આપવામાં આવ્યું છે ?? આ આપ્યાં પછી પરિસ્થિતિ વણસી હોય એવું લાગે છે તમને ?? "

ડૉ કચ્છીએ બધી ડિટેઈલ આપી. વિકાસ થોડો ચિંતામાં આવી ગયો. એ ગભરાયેલો લાગ્યો.

ડૉ.કચ્છી : " કદાચ...પણ કેમ ?? શું થયું ?? એની પ્રોબ્લેમ ?? આ બ્રાન્ડના ઇન્જેક્શન તો ક્રિટીકલ કેરમાં વપરાય જ છે ને ?? "

વિકાસ : " હા...પણ..તમે આ ઇન્જેક્શન આપ્યું છે એનાં ઓપ્શનમાં ઇન્જેક્શન બીજું અવેઈલેબલ નહોતું ?? "

ડૉ.કચ્છી : " મતલબ ?? અમે બહું તપાસ કરાવી પણ સ્ટૉક ન મળ્યો. આખરે એક સંજીવની સ્વરુપ છેલ્લા પ્રયાસરૂપે આ ઇન્જેક્શન મારે આપવું પડ્યું..."

વિકાસ : " આ ઇન્જેક્શન આપ્યાં પછી મેં મારી નજર સામે ત્રણ પેશન્ટને જીવ ગુમાવતાં જોયાં છે. એની સારી ઈફેક્ટ કરતાં સાઈડ ઈફેક્ટ બહું વધારે છે... કદાચ હવે અર્થનું સારા થવું અશક્ય છે.‌..." કહેતાં વિકાસ ભાંગી પડ્યો ને એ ત્યાં રહેલાં ટેબલ પર ફસડાઈ પડ્યો...!!

શું થશે હવે ?? ડૉ.કચ્છીની આ સાંભળીને શું સ્થિતિ થશે ?? વિકાસ હવે અર્થને બચાવી શકશે ?? મિકિન સાથે કોઈ અજુગતી ઘટના બનશે ખરી કે એ માત્ર એક સ્વપ્ન જ હશે ?? સ્મિતની નવી સફર કેવી હશે ?? જાણવાં માટે વાંચતા રહો, સંગાથ - ૧૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....