રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૧
રતિલાલનું નામ મોબાઇલના સ્ક્રીન પર ફરતું જોઇ જનાર્દનને અંદાજ આવી ગયો હતો કે તેમણે મારી મદદ માટે જ ફોન કર્યો હશે. જનાર્દનનો અંદાજ સાચો જ હતો. રતિલાલે હાલચાલ પૂછવાનું સૌજન્ય બતાવી પોતાની ચાલ છતી કરતાં હોય પૂછ્યું:"જનાર્દન, મારી સાથે જોડાવા બાબતે શું વિચાર છે?"
જનાર્દનના હાલ એવા હતા કે તે સાથ આપવા બાબતે હા કે ના કહી શકે એમ ન હતો. તેણે બહુ સંભાળીને કહ્યું:"રતિલાલજી, હું તો પક્ષ સાથે જોડાયેલો જ છું..."
"જનાર્દન, તું પાકો રાજકારણી થઇ ગયો છે. પક્ષ સાથે તો આપણે બધાં જ જોડાયેલા છે. પણ એકબીજાના હાથમાં હાથ રાખી સાથે ચાલીશું તો સૌનો વિકાસ થશે ને?"
જનાર્દન પણ જાણતો હતો કે રતિલાલે ઘાટઘાટના પાણી પીધા છે. એમની છાપ એક પાણીદાર નેતાની છે. પણ હવે તેમની ધારાસભ્ય તરીકેની ટર્મ પૂરી થઇ રહી હોવાથી એમના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જનાર્દને પોતાના નિર્ણયને લંબાવવા કહ્યું:"સાહેબ, હું તમને રૂબરૂ મળું એટલે શાંતિથી વાત કરીએ. તમારી અનુકૂળતા જણાવો. હું સમયસર પહોંચી જઇશ...."
રતિલાલે સહેજ વિચારીને કહ્યું:"ભાઇ, સમય ઓછો છે અને મોટું શિખર સર કરવાનું છે. તું આજે સાંજે જ મારી જગન મોલવાળી ઓફિસે આવી જા. હું સાત વાગે તારી રાહ જોઇશ..."
"ચોક્કસ સાહેબ!" કહી જનાર્દને ફોન મૂકી દીધો.
જનાર્દનની વાત સાંભળી હિમાની હસીને બોલી:"પતિ મહાશય! તમારા તો ત્રણ હાથ હોવા જોઇએ. બધા જ હાથમાં લાડુ છે. રવિના, સુજાતાબેન અને હવે રતિલાલજી. જતિનને પછાડ્યા પછી તારી માંગ વધી ગઇ છે...."
"મારી માંગ વધી એ આનંદની વાત લાગે છે પણ ત્રણમાંથી બેને ના પાડવાનું પરિણામ શું આવશે એની ચિંતા પહેલાં કરવી પડશે. આપણે એવી વ્યક્તિ સાથે જ જોડાવું જોઇએ જેને ટિકિટ મળવાની છે. અને એ જાણવાનું સરળ નથી. પક્ષ આ વખતે કોને ટિકિટ આપશે એની જાહેરાત મોડી થવાની છે. ત્યાં સુધી બધાંને અધ્ધર રાખવાનું કામ મુશ્કેલ છે. આપણે મોટો જુગાર રમવો પડશે...."
"રતિલાલનું હમણાં છોડો...મારે સુજાતાબેનને શું જવાબ આપવો એનું નક્કી કરીએ...."
"જ્યાં સુધી હું સુજાતાબેનને સાથ આપવાનું નક્કી ના કરું ત્યાં સુધી તારા વિશે જવાબ કેવી રીતે આપી શકાય? હું રવિના કે રતિલાલ સાથે જોડાઇ જાઉં તો તું સુજાતાબેન સાથે જઇ ના શકે. પતિ-પત્ની એકબીજાથી વિરુધ્ધ પક્ષના લોકો સાથે જોડાયેલા હોય શકે પણ એક જ પક્ષમાં બે ફાડચા હોય એ રીતે જોડાયેલા ના રહી શકાય. હું રવિના સાથે જોડાઉં તો તારે પણ સાથે આવવું પડે...."
"ના, મારે રવિના સાથે જોડાવું નથી. એ હલકી બાઇ છે. હા, રતિલાલની અંજના સાથે જોડાવાનો વિચાર કરી શકું. વધારે ઇચ્છા સુજાતાબેન સાથે છે. પણ તું કહે છે એમ એમની સાથે રહેવાથી કોઇ ચોક્કસ લાભ ના થવાનો હોય તો કોઇ અર્થ નથી..."
"જો, એમ કરીશું કે હું સુજાતાબેન સાથે જોડાયેલો રહેવાનો હોઉં તો તું પણ એમની સાથે જોડાશે. અને રવિના કે અંજનાને મદદ કરવા જઉં તો તું રાજકારણમાં આવશે જ નહીં. આમ પણ એમને ક્યાં ખબર છે કે તને રાજકારણની ઓફર આવી છે. અને એ બંને તારા વિશે કંઇ પૂછવાના જ નથી..."
"જનાર્દન, તારી ગણતરી બરાબર છે! આજે તું રતિલાલને મળીને જાણી લે કે એ શું કહેવા માગે છે. અને કોને ટિકિટ મળવાની છે એની તપાસ કર. પછી આપણે નિર્ણય લઇશું...."
"વાહ! હિમાનીદેવી! તમને પણ રાજકારણ આવડવા લાગ્યું છે!"
"પત્ની કોની છું?"
પતિ-પત્ની મુક્ત મનથી હસી પડ્યા. જાણે બધી ચિંતા ઊડી ગઇ.
***
જનાર્દન રતિલાલની ઓફિસે પહોંચ્યો ત્યારે એ તેની જ રાહ જોતા બેઠા હતા. તેને જોઇ રતિલાલ હર્ષથી બોલ્યા:"આવ, આવ જનાર્દન, મજામાં છે ને? બોલ, શું લઇશ? ચા કે કોફી?"
રતિલાલનો આવકાર કહેતો હતો કે તેમને જનાર્દનની ગરજ છે. એક ધારાસભ્ય પક્ષના સામાન્ય કાર્યકરને કોઇ મોટા માણસ જેટલું માન આપી રહ્યા હતા. જનાર્દનને રતિલાલના વર્તનથી કોઇ નવાઇ ના લાગી. તે રતિલાલ સામે સ્થાન લેતાં બોલ્યો:"આભાર સાહેબ! કોઇ તકલીફ ના લેશો. હું મજામાં છું. તમે કેમ છો?"
"આપણે તો મજામાં જ હોઇએ છીએ. હવે આ ચૂંટણી નજીક આવી રહી છે એટલે થોડી ઉપાધિ છે. પણ તારો સાથ મળી જશે તો બધું સરળ થઇ જશે. જો તને તો ખબર જ છે કે હું ફરી ધારાસભ્ય પદ માટે પ્રયત્ન કરી રહ્યો છું. મેં જતિનને પણ કહ્યું હતું કે તું સાંસદના પદની ટિકિટ માટે પ્રયત્ન કર. મારા રસ્તામાં ના આવતો. પરંતુ નિયતિએ જ એને મારા રસ્તામાંથી હટાવી દીધો છે. વળી એ કારણે જ મારી રાહ મુશ્કેલ બની ગઇ છે!" કહીને હસ્યા.
જનાર્દન કંઇ બોલ્યો નહીં. રતિલાલ સમજી ગયા કે તેમની વાત અધુરી છે એને પૂરી કરવાનો જનાર્દનનો આ ઇશારો છે.
"હા, તો હું કહેતો હતો કે જતિન પછી અચાનક એની પત્ની....સોરી, મારે નામ જ લેવું જોઇએ...સુજાતા વચ્ચે આવી ગઇ છે. અને એ રાહનું રોડું બની રહી છે. એણે ટિકિટ માટે પ્રયત્ન શરૂ કરી દીધા છે. હવે તકલીફ એવી થઇ ગઇ છે કે હાઇકમાન્ડ કોઇ મહિલાને ધારાસભ્ય પદની ટિકિટ આપવાનું મન બનાવી બેઠું છે. એ જાણકારી પછી મારી ફરી ધારાસભ્ય બનવાની ઇચ્છા મનમાં જ રહી જાય એવી સ્થિતિ છે. આ સંજોગોમાં મેં એવું વિચાર્યું છે કે દીકરી અંજનાનું નામ આગળ કરું તો ધારાસભ્ય પદ ઘરમાં જ રહે. આમ પણ અંજના ઘરે બેસીને કંટાળી જાય છે. એના બદલે સેવા તો કરી શકે!" કહી ફરી હસ્યા અને આગળ બોલ્યા:"મારા માટે આ સંજોગોમાં સાંસદની ટિકિટનો વિકલ્પ છે. વળી એમાં સમસ્યા એ છે કે એ દિલ્હીનો મામલો છે અને પિતા-પુત્રી બંનેને ટિકિટ અપાય કે કેમ એ પ્રશ્ન તેમના માટે ઊભો થશે...."
"સાહેબ, મારા પાસે તમે શું અપેક્ષા રાખો છો?" જનાર્દન આ બધું જાણતો હોય અને આગળ કહેવાની જરૂર નથી એવા વિચાર સાથે પ્રશ્ન પૂછી બેઠો. અને મોબાઇલની સ્ક્રિન ખોલી સમય જોવા લાગ્યો.
રતિલાલને આ વાત સહેજ ના ગમી. તે ગમ ખાઇ ગયા અને બોલ્યા:"જનાર્દન, મારી અપેક્ષા એવી છે કે તું પાટનગર અને દિલ્હી બંને જગ્યાએ તારા સંપર્કોનો ઉપયોગ કરીને મને અને અંજનાને ટિકિટ અપાવવામાં મદદ કર. તારી ઓળખાણ સારી છે. મને ખબર છે કે તારા કારણે જતિનને ટિકિટ મળે એમ હતી પણ એણે તક ગુમાવી દીધી. આજના જમાનાની ભાષામાં કહું તો તારે અમારા માટે લોબિંગ કરવાનું છે. બીજાના વિચારને મારા તરફ વાળવાના છે. તને તારા કામની કિંમત મળી જશે. તું પક્ષનો જ માણસ છે એટલે મારા તરફથી લોબિંગ થઇ રહ્યું છે એનો જલદી કોઇને ખ્યાલ આવશે નહીં. લોબિંગના અને તારી મહેનતના તને એક કરોડ રૂપિયા આપવાની ગેરંટી આપું છું..."
રતિલાલ કોઇ મોટી ઓફર કરીને જનાર્દન પર મોટું અહેસાન કરી રહ્યા હોય એવા અંદાજમાં બોલ્યા હોય એવું જનાર્દનને લાગ્યું. તે સહેજ વિચારીને બોલ્યો:"સાહેબ, મારું કામ જ પક્ષ માટે કામ કરવાનું છે. એમાં રૂપિયાની વાત જ ના આવવી જોઇએ..."
"અરે ભાઇ! તું મહેનત કરીશ તો તને લાભ થવો જોઇએ ને? અને હું ક્યાં કંઇ મારા ખિસ્સાના પૈસા આપવાનો છું! રાજકારણમાંથી કમાયો છું એ જ આપીશ. અને આ તો રાજકારણમાં રોકાણ છે. એના અનેકગણા રૂપિયા મેળવી લઇશ. શેરબજારમાં કે મ્યુચ્યલ ફંડમાં ના મળે એટલું વળતર આમાં છે એ મારે તને સમજાવવાની જરૂર નથી!" કહી મોટું જ્ઞાન પીરસ્યું હોય એમ રતિલાલ હસવા લાગ્યા.
જનાર્દનની સ્થિતિ ત્રિભેટે આવીને ઊભેલા કોઇ વટેમાર્ગુ જેવી હતી. સુજાતાબેન કરતાં રતિલાલની અને એમના કરતાં રવિનાની ઓફર મોટી હતી. દરેક જણે પોતાની રીતે મારી કિંમત આંકી હતી. અથવા પોતાની જરૂરિયાત મુજબ ઓફર કરી હતી. જનાર્દનને થયું કે રતિલાલને જવાબ આપવાની ઉતાવળ કરવા જેવી નથી. તે વિચાર કરતો હોય એમ બોલ્યો:"સાહેબ, મારે જવાબ આપવા માટે વિચાર કરવાની જરૂર નથી. પણ હું એ ચકાસી લેવા માગું છું કે મારાથી તમારા માટે લોબિંગ થઇ શકશે કે નહીં..."
"મને તો વિશ્વાસ છે. છતાં તું જોઇ લે. અને હા, વધારે ખર્ચ કરવાની જરૂર જણાતી હોય તો એ પણ કહેજે. આપણી ઇજ્જતનો સવાલ છે..."
જનાર્દનને તેમની 'ઇજ્જત' પર મનમાં જ હસવું પડયું.
જનાર્દન એક-બે રાજકીય કામ પૂરા કરીને ઘરે પહોંચ્યો ત્યારે હિમાની હાજર ન હતી. તે પોતાની પાસેની બીજી ચાવીથી દરવાજાનું તાળું ખોલી અંદર ગયો. જનાર્દનને નવાઇ લાગી. ફોનમાં જોઇને તે વિચારવા લાગ્યો:" ફોન કે મેસેજ પણ નથી. રાત પડવા આવી છે અને હિમાની જણાવ્યા વગર ક્યાં ગઇ હશે?"
જનાર્દને હિમાનીને ફોન લગાવ્યો. હિમાનીએ ફોન કાપી નાખ્યો. તેની ચિંતા વધવા લાગી. થોડી જ વારમાં હિમાનીનો મેસેજ આવ્યો:"હું રવિનાના ઘરે છું. થોડીવારમાં આવું છું." એ વાંચીને જનાર્દન ઊભો થઇ ગયો. "રવિનાએ બોલાવી હશે કે હિમાની જાતે ગઇ છે?" તે વધારે કંઇ વિચારે ત્યાં મોબાઇલની રીંગ વાગી. જોયું તો પાટનગરથી જયેશભાઇનો ફોન હતો. હાલચાલ પૂછી તેમણે કહ્યું:"જનાર્દન, રવિનાએ બાજી મારી લીધી છે. એક રાતમાં એણે ચિત્ર બદલી નાખ્યું છે. પાટનગરમાં એક આખી રાત સમર્પિત કરીને પોતાના આગામી દિવસો સુધારી લીધા છે. હમણાં જ એક વિશ્વાસુનો ફોન હતો કે રવિનાને ટિકિટ આપવાનું લગભગ નક્કી છે. હવે દિલ્હીના સિગ્નલની જ વાર છે. હું તો કહું છું કે તું રવિનાને કહીએ દે કે તમારી ટિકિટનું મેં નક્કી કરાવી આપ્યું છે. થોડો જશ લઇ લે!"
જનાર્દને કંઇક વિચાર કરીને સુજાતાને ફોન લગાવ્યો.
વધુ બાવીસમા પ્રકરણમાં...
***
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. અને હોરરના શોખીનોને 'આત્માની અંતિમ ઇચ્છા' જરૂર પસંદ આવશે.