આહવાન
( સત્ય અને પ્રમાણિકતાની કથા )
પ્રકરણ – ૮
સંજયભાઈ : " શું લાગે છે અંકલ ?? આ સ્મિત પાટિલ હા કહેશે ખરાં ?? "
ચન્દ્રકાન્તભાઈ : " ખબર નહીં...એ ગમે તે કહે પણ હવે આપણે એને આપણાંથી દૂર નથી કરવાનો....એક તીરને બે નિશાના તાકવાના છે...."
પ્રશાંત : " કેમ એ તો એમની મરજી હોય ને આપણે શું કરવાનું છે ?? "
ચન્દ્રકાન્તભાઈ : " અરે કોઈ પણ રીતે એને મનાવવાનો છે. તમને ખબર છે જો આપણે વેક્સિન માટે પ્રથમ તબક્કા સુધી પણ નહીં પહોંચી શકીએ તો ખબર છે ને ડૉ. ચટ્ટોપાધ્યાય ?? એ આપણને નોકરી પર નહીં રહેવા દે..."
પ્રશાંત : " હા એમની સાથે મળીને કામ કરવામાં કંઈ જ વાંધો નથી પણ આ રીતે મનમાં ખરાબ નીતિ રાખીને નહીં... મતલબ કામ સાથે કરીએ અને એ પાર પડી જાય એટલે આપણે એમનું નામ નીકાળી દઈએ એ કેવી રીતે શક્ય બને ?? "
સંજયભાઈ : " એટલે તું એમ કહે છે કે આપણે ચટ્ટોપાધ્યાયને એમ કહીએ કે અમે સાથે મળીને અને એ પણ બીજાં એમનાં વિરોધી પ્લાન્ટનાં સ્મિત પાટીલ સાથે મળીને આ કામ પૂરું પાડી શક્યાં છીએ... સ્વતંત્ર રીતે કંઈ ઉખાડી શક્યાં નથી..."
પ્રશાંત : " હા તો જે હોય એ જ કહેવાનું ને એમાં શું છે...એમને કામથી મતલબ ને કોણ કરે એનાંથી શું ફરક પડે...?? "
ચન્દ્રકાન્તભાઈ : " આ મોટાં લોકોને જે ફરક પડે એટલે દૂર સુધી તો આપણે લોકો વિચારી પણ ના શકીએ..."
પ્રશાંત : " તો શું આ જ રસ્તો છે આપણી પાસે ?? "
સંજયભાઈ : " જો ભાઇ અમે તો ઘર પરિવારની જવાબદારીવાળાં માણસો છીએ... અમારી જોબ જાય એ અમને ના પોસાય જરાં પણ....!! તું ભાઈ એકલો છે ને કોઈ જવાબદારી નથી એટલે તારે તો ના પાડે તો પણ ચાલે..."
પ્રશાંત : " મારો મતલબ એવો નથી જરૂર હોય કે ના હોય પૈસા કમાવા તો દરેક માટે જરૂરી હોય છે...પણ મારું કહેવું એટલું જ છે કે હું કદાચ નવો છું અનુભવમાં પણ તમે લોકો તો આ ફિલ્ડમાં વર્ષોથી કામ કરો છો...તમે લોકો પણ આ વસ્તુને શોધી જ શકો ને ?? "
ચન્દ્રકાન્તભાઈ : " પણ સ્મિતનું એનિમલ પૃવિન્ગ ઓલરેડી સફળ થઈ ગયું છે...અને આપણી તો હજું શરૂઆત પણ નથી થઈ આપણે શોધીએ ને બધું કરીએ ત્યાં સુધીમાં તો એ બધું રેડી કરી દેશે...પછી આપણી મહેનતનો શું મતલબ રહેશે..."
પ્રશાંત : " એવું થોડું છે કે જૂ એનિમલ પરીક્ષણ સફળ થયું છે હ્યુમન પરીક્ષણ પણ સફળ થશે જ... એનિમલ અને માનવીમાં પણ ફેર તો હોય જ છે ને..."
સંજયભાઈ : " તો શું કરીશું ?? શું કરવાનું ?? "
પ્રશાંત : " આપણે સાથે વ્યવસ્થિત રીતે કરવું હોય તો બરાબર છે.બાકી આ રીતે કરવું એનાં કરતાં પણ સરખી રીતે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે સ્ટડી કરીને નવું જ શરું કરી શકીએ...આ બધું તો બધાં માટે નવું જ છે...બની શકે કે એમનાં કરતાં પણ પહેલાં સફળ પરીક્ષણ કરી શકીએ....અને દરેક જણ સફળ બને એવું થોડું જરૂરી છે ?? "
ચન્દ્રકાન્તભાઈ : " તો ભાઈ તું કર એ બધું...તને બધું કરવાની બહું તાલાવેલી છે ને...બાકી હવે આ વખતે તો કંઈ કરવાની મને કંઈ ઈચ્છા નથી આપણે તો સ્મિત પાટીલને જ સાથે રાખવાનો છે..."
સંજયભાઈ : " સારું તો એ આવે એટલે ડબ્બીમાં ઉતારવાની તૈયારી કરી દો... બીજું શું !!
પ્રશાંત : " સોરી પણ હું આ નહીં કરી શકું... હું મારી રીતે પ્રયત્ન કરીશ થાય તો ઠીક છે નહીં તો કંઈ નહીં. પણ આ રીતે તો નહીં જ. જે થાય તે..."
સ્મિતે બધું સાંભળ્યું શાંતિથી પણ એણે ત્યાંથી બીજી કંપનીમાંથી ફોન આવે પછી જ કંઈ નિર્ણય કરવાનું વિચાર્યું અને એ પોતાની રૂમ તરફ જતો રહ્યો...!!
***************
સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડના જનરલ વૉર્ડની બહાર કંઈ માથાકૂટ ચાલી રહી છે એ એકબીજાં સાથે જોરથી વાતચીત કરવાનો અવાજ સાંભળીને આપણી રંગીલી પ્રજા પોતાનો કોરોના ભૂલીને આ જોવાં લોકો બહાર નીકળી ગયાં.
એટલામાં જ બે સિનિયર ડૉક્ટરો ડૉ. જોશી અને અંતાણીને આ વાત ખબર પડતાં એમને ઝડપથી એમની કેબિનમાં આવવાં કહ્યું. અને દર્દીઓને ફટાફટ પોતાનાં બેડ પર જવાં કહ્યું. લોકો તો જાણે એક ઘણાં દિવસે વાતો કરવાનો મોકો મળ્યો હોય એમ અજાણ્યા લોકો પણ એકબીજાં સાથે આ વસ્તુની જાણે વર્ષોથી ઓળખતાં હોય એમ આત્મીયતાથી ચર્ચા કરવા લાગ્યાં...તો ઘણાં મરી મસાલા ઉમેરીને વાતો લોકોને પીરસીને જાણે લોકોનું મનોરંજન કરી રહ્યાં છે.
કેબિનમાં પહોંચતાં જ ડૉ. અંતાણી બોલ્યાં, " ડૉ. વિકાસ અને ડૉ. આલોક આ બધું શું છે ?? અને એ પણ દર્દીઓ સામે ?? મને આ બધું યોગ્ય ન લાગ્યું. અને એમાં પણ સારું થયું કે મિડીયા વાળા બધું ઉછાળે એ પહેલાં તમારું ધ્યાન ગયું નહીંતર વાત ક્યાં પહોચત...નાની અમથી કોઈ વાતનું વતેસર થઈ જાત...!! "
ડૉ. જોશી : " શું વાત છે એ અમને કહો તો ખબર પડે..."
ડૉ. આલોક તો કંઈ બોલ્યાં નહીં પણ ડૉ. વિકાસે વાત શરું કરી.
સર મારી માથાકુટ એટલાં માટે છે કે અમૂક જરૂરી ઇન્જેક્શન અત્યારે જરૂરી હોવા છતાં સ્ટૉકમાં ઉપલબ્ધ નથી. કેટલાંય લોકો પોતાનાં જીવ ગુમાવી રહ્યાં છે. એક ઇન્જેક્શન છે જે પેશન્ટમાં લાસ્ટ સમયે આપવાં માટે કેટલાં દિવસથી વાત થાય છે. પણ એમાં કોઈ રિઝલ્ટ નથી મળી રહ્યું. મંગાવેલો સ્ટૉક આવ્યો નથી આજે મને ખબર પડી કે એની ડૉ. આલોક દ્વારા જરૂર નથી એમ કહીને ના પાડવામાં આવી છે.
મેં ડૉ. આલોકને કહ્યું કે એનાં અલ્ટરનેટિવ ઇન્જેક્શન છે ને એ વાપરી લેવાનાં એમાં શું વાંધો છે...?? પણ એ આપ્યાં બાદ ચારેય એ પેશન્ટે પોતાનો જીવ ગુમાવ્યો છે...!! મતલબ કે રામબાણ તરીકે વપરાતાં આ ઇન્જેક્શનની કોઈ અસર નથી તો પછી આમ જ એ વાપરવાનો કોઈ મતલબ નથી.
કેન્દ્ર સરકાર સારવાર માટે અત્યારે કરોડોનાં પેકેજ જાહેર કરી રહી છે. તો શું ઇન્જેક્શન માટે રૂપિયા નહીં ફાળવી શકે ??
ડૉ. આલોક : " પણ વિકાસ તને ખબર છે આપણી બુકમાં પણ લખેલું છે એ ઇન્જેક્શનની વિકલ્પમાં આ ઇન્જેક્શન આપી જ શકાય છે..."
ડૉ. વિકાસ : " પણ એવી જ રીતે બધામાં પ્રેક્ટિકલી આપણે બધું જ વસ્તુ ફોલો કરીએ છીએ ખરાં ?? અમૂક વસ્તુઓ બુકમાં પણ નથી હોતી પણ સમય અનુસાર બધી જ સારવાર થાય છે ને...આ કોરોના વાયરસને આપણે ક્યાંય આપણી પેથોલોજીની બુકમાં એક ખૂણામાં નાનકડા ટોપિકને ઓપ્શનમાં કાઢી દીધો હતો હવે એ આખી દુનિયા પર રાજ કરે છે ને ?? તો હવે અત્યારે આપણે પ્રેક્ટિકલી જ બધી સારવાર આપીએ છીએ ને ?? તો બધું એ જ મુજબ જ થાય છે ને ??
કેવી રીતે આપણે એક એક વ્યક્તિ કરતાં હજારો લોકોને આમ જીવ ગુમાવવા દઈ શકીએ ?? કોઈ પણ માણસ ગરીબ હોય કે અમીર બધાં માટે એ વ્યક્તિ પોતાનાં પરિવાર માટે એટલી જ મહત્વની હોય છે...
આપણે જ્યાં સુધી આમ જ ચલાવ્યાં રાખીશું તો એ નોનમેડિકલ સ્ટાફને થોડી ખબર પડશે કે તમારે આ વસ્તુની જરૂર છે. અને કોઈ એક વ્યક્તિ ચલાવી લેશે અને બીજું ડિમાન્ડ કરશે ત્યારે એ સવાલ પહેલાં જ ઉભો થશે કે એમને તો ચાલી જાય છે તમને જ શા માટે જરૂર પડે છે....અને આપણે આમ કહ્યાં વિના જ જે થશે તે એમ વિચારીને સારવાર કર્યાં કરશું એ જે બચશે એ બધું વચ્ચેવાળા લોકો જ ખિસ્સા ભરશે...એ રૂપિયા બચાવીને આપણને કંઈ મેડલ નથી મળી જવાનો.
હવે જ્યારે આપણે આપણાં પરિવારથી દૂર રહીને, લોકોને બચાવવા માટે અહીં ઝઝુમીએ છીએ તો પછી શું કામ એ કામમાં જરાં પણ ચલાવી લેવું જોઈએ ?? સરકારી વસ્તુને સરકારી જેવી આપણે બનાવીએ છીએ...બાકી તો એ લોકો જે શ્રેષ્ઠ વસ્તુઓ પૂરી પાડે છે જે પ્રાઈવેટમાં પણ નથી હોતું...!! કદાચ આપણી વિચારસરણી બદલાઈ જાય છે કે સરકારી છે એમાં કરો ના કરો શું ફેર પડવાનો છે....પણ કદાચ મારી માતાએ મને કંઈ અલગ પરવરિશ કરી છે કે હું બધાંની જેમ આમ ખોટા કામમાં એકરૂપ નથી થઈ શકતો...
ડૉ. આલોક એક રાજકારણીનો દીકરો છે અને વળી પહેલેથી કદાચ અમીરીમા જ ઉછરેલા હશે એટલે એમને આ દર્દીઓને જોઈને કોઈ એવું નહીં લાગતું હોય પણ હું પોતે એક એવાં કઠિન સંજોગો સામે લડીને અહીં આવ્યો છું આથી હું આ દર્દીઓની વેદનાને સરળતાથી મહેસૂસ કરી શકું છું.... હું એવું નથી કહેતો કે ડૉ. આલોકનું કામ નથી બરાબર...એ મારાથી પણ સારું કામ કરી રહ્યાં છે અને વધારે બુદ્ધિશાળી પણ છે તો પછી આવી બાબતોમાં શું કામ ચલાવી લેવું જોઈએ એ મને સમજાતું નથી... આશા રાખું કે તમે લોકો કંઈ હેલ્પ કરી શકો....!!
શું ડૉ. આલોક સાચાં હશે ?? સાચે જ કોઈ રમત રમાઈ રહી છે ને દર્દીઓનાં જીવ જોખમમાં મુકાઈ રહ્યાં છે ?? સ્મિત હવે શું નિર્ણય કરશે ?? મિકિન કે કાજલને આવેલું સ્વપ્ન સાચું પડશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૯
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......