Aahvan - 11 books and stories free download online pdf in Gujarati

આહવાન - 11

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૧

મિકિન રાત્રે સૂઈ ગયો પણ આજે ફરી ફરી એનાં મનમાં એ દિવસનાં સપનાની વાત ઘુમરાવા લાગી. આજે એને સરકારે બહાર પડેલા ન્યુઝ મુજબ એને ચૌદ દિવસ પૂર્ણ થતાં આવતી કાલે એનો કોરોના ટેસ્ટ કરવાનો છે...એને પોતાને તો ખબર જ છે કે એને પોતાને એવું કોઈ લક્ષણ હજું સુધી નથી અનુભવાયું...!!

જો ટેસ્ટ નેગેટિવ આવે તો એણે બીજાં દિવસથી પોતાની જગ્યા પર જવાનું છે...એણે આટલાં દિવસમાં વધુમાં વધુ લોકોને કંઈ રીતે મદદ કરી શકાશે એની આખી રૂપરેખા બનાવી દીધી છે...એ રોજ ન્યુઝમાં ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિથી ચિંતિત બની ગયો છે. પણ કોણ જાણે આજે એનું મન ફરીથી એક જાણે એક ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યું હોય એમ એને લાગી રહ્યું છે.

એટલામાં કાજલ આવી.એણે કહ્યું, " મિકિન તું સાંજનો કોઈ ચિંતામાં હોય એવું કેમ મને લાગી રહ્યું છે ?? "

મિકિન : " કંઈની...બસ એમ જ..."

કાજલ : " તું ખોટું બોલે છે તો પકડાઈ જ જાય છે ખબર છે ને ?? તો બોલ સાચું..."

મિકિન : " સાચું કહું તો અઠવાડિયા પહેલાં મને જે સ્વપ્ન આવ્યું હતું એ મને ગઈકાલ રાતથી મનમાં ગુમરાઈ રહ્યું છે પાછું... સમજાતું નથી કે આખરે શું છે..."

કાજલ : " આવું ન બોલ તું. કંઈ જ નહીં થાય. પણ તને કોઈ પર શંકા છે કે કોઈ આવું કરી શકે ?? "

મિકિન : " બહારથી તો ક્યાં ચહેરાઓ જાણી શકાય છે...?? માનવીનાં મનની કટુતા કેમ પરખી શકાય ?? એમ તો મને કાલે ટેસ્ટ માટે ફોન પણ આવી ગયો અને એ ટેમ્પરરી કમિશનરે ફોન કરીને કહી પણ દીધું કે તમે બસ ટેસ્ટ કરાવીને આવી જાવ....અને ભગવાન કરે નેગેટિવ જ રિપોર્ટ આવે એટલે તમે આવીને તમારી ખુરશી ફરીથી સંભાળી લો...મને તો માણસ વિશે જે સમાચાર મળ્યાં હતાં એનાં કરતાં એ વ્યક્તિ બહું સારો નીકળ્યો. મારાં સમાચાર પૂછવા માટે પણ હજું સુધી એનાં ત્રણવાર ફોન આવી ચુક્યાં છે. "

કાજલ : " હમમ... કંઈ નહીં...પણ બહારથી દેખાય એવાં બધાં હોતાં નથી. જે હોય તે સાવચેતી સાથે જ જવાનું. બીજું તો બાકી કુદરત આગળ કોઈનું ચાલવાનું નથી... તું ચિંતા ન કર આમ પણ તને ખબર છે કે તું કોઈ એવાં વ્યક્તિનાં સંપર્કમાં આવ્યો નથી કે કોઈ પણ લક્ષણો પણ નથી તને તો રિપોર્ટ નેગેટિવ જ આવશે..!! "

મિકિન : " હમમમ...એ તો જોઈએ હવે... શું થાય છે..."

એટલામાં જ કાજલનાં મોબાઈલમાં રીંગ વાગી. અજાણ્યો નંબર હોવાથી ખબર ના પડી કોણ છે. કાજલે ફોન ઉપાડ્યો તો અંજલિના મમ્મી ફોનમાં રડી રહ્યાં છે જોરજોરથી...

કાજલ : " તમે તો અંજલિભાભીનાં મમ્મી બોલોને ?? આન્ટી શું થયું ?? કેમ રડો છો આમ ?? "

અંજલિના મમ્મી પરાણે પોતાનાં આંસુ રોકતાં બોલ્યાં, " બેટા અંજલિ અને ભાણિયા બંનેનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. એમને બંનેને હોસ્પિટલ લઈ ગયાં છે સવારે..."

કાજલ તો પરસેવે રેબઝેબ થઈ ગઈ. એ બોલી, " આન્ટી શું તફલીક થતી હતી એમને ?? "

કલ્પનાબેન : " અંજલિની તબિયત તો સારી જ હતી પણ અર્થને બે દિવસથી તાવ આવતો હતો. ગઈ કાલે થોડી તબિયત ખરાબ થતાં ટેસ્ટ કરાવ્યો હતો. સાથે અંજલિએ પણ પ્રાઈવેટમાં રિપોર્ટ કરાવ્યો. તો બંનેનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાં.

કાજલ : " તો કઈ જગ્યાએ છે બંને જણાં ?? "

કલ્પનાબેન : " બંને અલગ-અલગ હોસ્પિટલમાં છે...પણ અર્થની તબિયત એટલી સારી નથી...અશ્વી પછી પાંચ વર્ષે આ ભાણિયો આવ્યો છે ને આજે...." કહેતાં કલ્પનાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

કાજલને હવે શું કરવું કે શું કહેવું એ સમજાતું નથી...એ બોલી, " વિકાસભાઈ ત્યાં જ છે એમની સાથે કે સિવીલ ?? એ લોકોને સિવિલ શિફ્ટ કરી દીધાં હોત તો ?? "

કલ્પનાબેન : " બેટા વિકાસકુમાર અત્યારે એમની ડ્યુટી બાદ એક હોટેલમાં ક્વોરેન્ટાઈનમાં છે...ખબર નહીં પણ એમણે કહ્યું કે સિવિલ માટે ના કહી. અને એમણે જે એડ્રેસ આપ્યું ત્યાં પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયાં છે..."

કાજલ : " આન્ટી તમે એકલાં જ હશો ને ઘરે...??"

કલ્પનાબેન : " હા મને ક્વોરેન્ટાઈનમાં રહેવા કહ્યું છે...જો કોઈ લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરશે...એટલે ઘરે તો હું જઈ શકું એમ નથી..!! "

કાજલ : " ના એ જ સારું છે.. તમારાં ઘરે જાવ તો ઉપરથી બીજાં બધાંને પણ જોખમ વધી જાય એનાં કરતાં તો સારું.. "

કલ્પનાબેન : " બેટા બધાંને સારું તો થઈ જશે ને ?? "

કાજલ : " હા ચિંતા ન કરો... એવું હોય તો હોસ્પિટલનું નામ અને નંબર આપો એટલે એવું હોય તો હું સમાચાર લેતી રહીશ...!! "

કલ્પનાબેને આપેલા નંબરોને નોંધી લીધું. ને પછી કાજલે ફોન મૂકી દીધો...!!

ફોન તો મૂકાઈ ગયો પણ કાજલનુ મન ફરી ચકડોળે ચઢી ગયું. એનો ચહેરો જાણે ઉતરી ગયો. એ જોઈને મિકિન બોલ્યો, " શું થયું કાજલ ?? કેમ આમ ઉભી છે ?? અને બહાર જઈને વાત કરતી હતી કોણ હતું ?? "

કાજલ : " આજે આપણા બંને સાથે કેમ આવું બની રહ્યું છે ?? મને આવેલું સ્વપ્ન આજે સાચું પડી ગયું છે..."

મિકિન : " મતલબ ?? વિકાસનો છોકરો અર્થ...?? "

કાજલ : " હા મિકિન...અર્થની તબિયત બહું ખરાબ છે...સાથે અંજલિભાભીને પણ પોઝિટિવ છે...અને વિકાસભાઈ એમની ડ્યુટી બાદ અત્યારે ક્વોરેન્ટાઈનમાં છે..."

મિકિન : " તો એમને સિવિલ લઈ ગયાં હશે ને ?? વિકાસ ત્યાં હોય તો ?? "

કાજલ : " ખબર નહીં પણ એમણે ના કહી. એ પોતે તો આવી શકે એમ નથી‌. પણ એમનાં કોન્ટેક્ટ દ્વારા એમણે બંનેને અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યાં છે..."

મિકિન : " કુદરતે કેવી સ્થિતિમાં આપણને લાવીને મુકી દીધાં છે... પોતાના પોતાનાંને કામ નથી લાગી શકતાં... અંજલિભાભીની તબિયત સારી હોય તો વાંધો નથી પણ પેલું બે મહિનાનું બચ્ચું ?? "

કાજલ : " મને કેમ આવું સ્વપ્ન આવ્યું હશે ?? એ છોકરો બિચારો આવી સ્થિતિમાં મુકાઈ ગયો છે..."

મિકિન : " નાનાં બાળક જેવી વાત ન કર... તારાં સ્વપ્ન આપવાથી થોડું થયું છે...અમૂક વસ્તુઓ વિધિએ નિયત કરેલી હોય છે...પણ ક્યારેક આપણાં અર્ધજાગ્રત મન દ્વારા એની આપણને આગોતરી જાણ કરીને કુદરત ક્યારેક સંકેત આપતો હોય છે...‌"

કાજલ : " પણ એ સંકેત શું કામનો ?? જેમાં આપણે કોઈને જાણ હોવાં છતાં મદદ ન કરી શકીએ...!! "

મિકિન : " એ જ તો કુદરત છે કે એની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી...આજે માનવી ગમે તેટલું અભિમાન કરે પણ એ વિધિના લેખ મીટાવી શકતો નથી..."

કાજલ : " સાચી વાત છે...પણ હમણાં તું તારી ડ્યુટી જોઈન કરવાનું ના કહી દે...."

મિકિન : " કેમ પાછું શું થયું ?? "

કાજલ : " બસ તને આવેલું સ્વપ્ન પણ કદાચ સાચું પડે તો ?? "

મિકિન : " તો શું ?? જે નિયતિ છે એ થઈને જ રહેશે..‌ એનાં માટે પોતાની ડ્યુટી થોડી છોડાય..?? આજ તો આપણું કર્તવ્ય છે માનવજાત પ્રત્યે...આપણી ફરજ ચુકીએ તો શું કામનું ?? "

કાજલ : " પણ પોતાનાં માણસોને કંઈ થાય તો ?? "

મિકિન : " તું વિકાસને એક વાર નજર સામે લાવી જો...

બે મહિનાથી એ કોરોનાનાં અને પણ ક્રિટીકલ પેશન્ટો વચ્ચે ઝઝુમી રહ્યો છે. એની સાથેનાં જ બે ડૉક્ટરે આ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. એણે પોતાનાં બે મહિનાનાં દીકરાનું હજું પ્રત્યક્ષ રીતે મોઢું પણ જોયું નથી...અને આજે એ બાળક જીવનભરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું છે...એ એને કદાચ જોઈ શકશે કે નહીં એ પણ અત્યારની સ્થિતિ મુજબ કહેવું અશક્ય છે...એની સ્થિતિ શું હશે અત્યારે ?? એની મનોદશા અત્યારે વિચારી જો..."

કાજલ : " સાચી વાત છે તારી... હું થોડી તારાં મોહમાં આ બધું વિચારવા લાગી... તું મક્કમ બનીને જજે... હું તારી પત્ની થઈને આવું મારું મનોબળ કેવી રીતે નબળું કરી શકું ?? ચાલ હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને કોઈને કંઈ જ ન થાય...!!"

પછી બધાં પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં.

***************

બીજાં દિવસે સવારે ઉઠતાં જ મિકિનને ટેસ્ટ કરવાં માટે લઈ જવાં માટે ગવર્નમેન્ટ ગાડી આવી ગઈ. કાજલ અને બંને બાળકો ચિંતામાં દેખાય છે. કારણ કે આજની પરિસ્થિતિ મુજબ કોઈને પણ ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે અને ફરીથી એ વ્યક્તિ પાછું આપણને જોવાં મળશે કે નહીં એની પણ ગેરંટી નથી હોતી. છતાં એક બાહય કવચ બનાવીને હિંમત એકઠી કરીને કાજલ છોકરાઓને સમજાવીને બોલી, " પપ્પાને જય શ્રીકૃષ્ણ કહો... સાંજે વહેલાં આવી જાય રોજની જેમ જ...!! " ને એ સાથે જ પરિવારને એક સ્મિત આપીને મિકિન મક્કમ નિર્ધાર સાથે નીકળી ગયો....!!

શું આવશે મિકિનનો રિપોર્ટ ?? અર્થ પોતાની જિંદગી સાથે ઝઝુમી શકશે ?? એ પોતાનાં પિતાને મળી શકશે ખરાં ?? સ્મિતની નવી સફર કેવી સાબિત થશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED