પ્રકરણ – ૧૭ વિચારોની ગડમથલ
અંતે વૈદેહીના સીમંતનો દિવસ આવી પહોંચ્યો. બધી વિધિઓ યોગ્ય રીતે થઇ રહી હતી. પરંતુ વૈદેહી અને રેવાંશ બંને ખુશ નહોતા. કારણ કે, રેવાંશની માનસિક સ્થિતિ સારી નહોતી અને વૈદેહી રેવાંશની ચિંતામાં હતી. એના મનમાં અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી હતી. એ વિચારી રહી હતી કે, “શું મારા ગયા પછી રેવાંશ મને લેવા આવશે? આ આવનાર બાળક અમારું શું ભવિષ્ય લાવશે? શું એ અમને જોડશે કે અમને અલગ કરશે?” આવા અનેક પ્રકારના વિચારો વૈદેહીના મનમાં ચાલી રહ્યા હતા. પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ ક્યાં કોઈ જાણતું જ હતું?
સમય વીતી રહ્યો હતો. વૈદેહીની સીમંતની બધી વિધિઓ પૂરી થઇ ગઈ હતી. અંતે એ દિવસ આવી જ ગયો જયારે વૈદેહી રેવાંશને છોડીને ડીલીવરી માટે પિયર જવાની હતી. વૈદેહી એના માતા પિતા સાથે જઈ રહી હતી. વૈદેહીને જતી જોઇને રેવાંશ એને બાય પણ કહેવા ન આવ્યો. વૈદેહીએ જતા જતાં રેવાંશને બાય કહ્યું. પણ રેવાંશ તો અત્યારે એવી સ્થિતિમાં નહોતો કે એ વૈદેહીને સારી રીતે વિદાય પણ આપી શકે. એ મનમાં તો વૈદેહી પર ભડકેલો જ હતો. એનું વર્તન તો એવું જ હતું કે, જાણે એને વૈદેહીની કઈ પડી જ ન હોય. પણ મનમાં તો એને વૈદેહી માટે લાગણી હતી જ પણ વૈદેહીને એણે પોતાના મુખેથી ક્યારેય જણાવ્યું નહોતું. એ માત્ર વૈદેહીને જતી જોવા માંગતો નહોતો એટલે એ મહેકના સાસરીપક્ષના લોકોની આગતાસ્વાગતા માં જ પડ્યો હતો અને એણે વૈદેહીને સરખી રીતે બાય પણ ન કહ્યું.
રેવાંશનું આવું વર્તન જોઇને વૈદેહી ખુબ દુઃખ પામી રહી હતી પણ એ પોતાના હ્રદય પર પત્થર રાખીને બસમાં બેઠી. એ બસ ઉપડી ત્યાં સુધી અને જ્યાં સુધી એને રેવાંશ નો ચેહરો દેખાતો બંધ ન થયો ત્યાં સુધી એ એને જોતી જ રહી અને મનમાં એના માટે દુઆ માંગતી રહી. અને પોતાનું આવનાર બાળક એના જીવનમાં ખુશીઓ લઈને આવશે એવી આશા સાથે પોતાના પિતાના ઘર તરફ એણે પ્રયાણ કર્યું.
વૈદેહી હવે પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. હવે એણે આવીને રેવાંશનો ફોન લગાડ્યો. પણ રેવાંશ તો એનો ફોન જ ઉપાડી રહ્યો નહોતો. વૈદેહી એ આશા સાથે રેવાંશ ને ફોન કરતી રહી કે, એ ક્યારેક તો મારો ફોન ઉપાડશે. પણ વૈદેહીની આશા સદા નિષ્ફળ જ જઈ રહી હતી. એના કારણે વૈદેહી હમેશા દુઃખી જ રહેતી હતી.
અત્યાર સુધી વૈદેહીના માતાપિતા આ બધી જ વાતથી અજાણ હતા. કારણ કે, વૈદેહી એ હજુ કોઈને કશું જ કહ્યું નહોતું. એને લાગ્યું હતું કે, સમય સાથે બધું ઠીક થઇ જશે પરંતુ એમાનું કશું જ બની રહ્યું નહોતું. વૈદેહીનું આવું વર્તન માનસી બહેનથી છાનું ન રહ્યું. એમણે તરત વૈદેહી ને પૂછ્યું, “શું થયું છે બેટા, તારા અને રેવાંશ વચ્ચે? સાચું બોલ.” માતાનો આવો પ્રશ્ન સાંભળી વૈદેહી એ અત્યાર સુધી ખાળી રાખેલા બધાં જ આંસુ એની આંખોમાંથી ચોધાર વરસવા લાગ્યા. માનસી બહેને એને રડી લેવા દીધી. વૈદેહી શાંત પડી એટલે ફરી માનસી બહેને એને કહ્યું, “હવે શાંતિથી બોલ બેટા, શું થયું છે?”
વૈદેહીએ હવે જે કઈ પણ ઘટના બની ગઈ હતી એ બધી જ પોતાની માતા ને જણાવી. સાંભળીને એની માતા એ એને માત્ર એટલું જ કહ્યું, “બેટા, તું ચિંતા ન કર. બાળક આવશે એટલે બધું ઠીક થઇ જશે.” પણ મનમાં તો એમને પણ એક ફડક પેસી જ ગઈ હતી કે, “શું ખરેખર બધું સરખું થશે?”
હવે રજતકુમાર થી પણ બધી વાત છુપી ન હતી. એમનો સ્વભાવ તો પહેલેથી જ ખુબ ચિંતાવાળો હતો એટલે એમને હવે વૈદેહીની ખુબ ચિંતા રહ્યા કરતી હતી. એમને અનેક વિચારો આવતા રહેતા કે, “આ વૈદેહીની માનસિક સ્થિતિની બાળકના ભવિષ્ય પર ખરાબ અસર તો નહિ થાય ને?” આવા અનેક ચિંતાકારક વિચારો એમને આવ્યા કરતા. પણ માનસીબહેન એમને હિમત આપતાં. આખા ઘરમાં માત્ર માનસીબહેન જ બધાને હિમત આપી રહ્યા હતા.
ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો. અને અંતે એ દિવસ આવી જ પહોંચ્યો. વૈદેહીની ડીલીવરીનો દિવસ. એ દિવસે વૈદેહીને સવારથી પેટમાં દુ:ખાવો ચાલુ થઇ ગયો હતો. બધાં વૈદેહીને હોસ્પિટલ લઇ ગયા. ડોક્ટર એ તપાસીને કહ્યું, “સિઝેરિયન કરવું પડશે. બાળક નીચે નથી આવી રહ્યું. તમે સંમતિપત્રકમાં સહી કરી આપો એટલે આપણે ઓપરેશનની તૈયારી કરીએ.”
વૈદેહીના પિતા એ સહી કરી આપી. વૈદેહીને હવે ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવી. ડોકટરે વૈદેહીના પેટમાંથી બાળક બહાર કાઢ્યું અને કહ્યું, “લક્ષ્મી આવી છે.” આ સાંભળી વૈદેહી ખુબ ખુશ થઈ ગઈ હતી. એમણે બાળકીનો ચેહરો વૈદેહીને બતાવ્યો. બાળકી ખુબ સુંદર અને રમતિયાળ હતી. વૈદેહી એ એના માથે ચુંબન કર્યું અને પછી એણે ઉપરની તરફ જોયું તો ત્યાં એને રેવાંશનો ચેહરો દેખાયો. એ માત્ર એટલું જ બોલી, “આવી ગયા તમે?” અને રેવાંશએ હા કહ્યું.
આખા ઓપરેશન દરમિયાન રેવાંશ વૈદેહીની જોડે ઓપરેશન થીયેટરમાં જ હતો. અને વૈદેહી આ વાતથી બિલકુલ અજાણ હતી પણ રેવાંશને જોયા પછી એના મનમાં હવે આશાનું એક કિરણ ઉગ્યું હતું.
કેવી રીતે પહોંચ્યો રેવાંશ વૈદેહી સુધી? શું આવનાર બાળકી વૈદેહી અને રેવાંશને જોડશે? શું હશે વૈદેહી, રેવાંશ અને એની બાળકીનું ભવિષ્ય? એની વાત આવતા અંકે.....