દમયંતીબહેન રાત્રે આમતેમ પડખાં ફેરવીને સૂવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , પરંતુ ઊંઘ તો કોશો દૂર જતી રહી હતી.
" હું શું કહું છું ? જાગો છો તમે ? " દમયંતીબહેને ભરતભાઈ સાથે વાત કરવા એમના પર હાથ મૂકતાં કહ્યું.
" હા ! શું થયું બોલ ! " ભરતભાઈએ દમયંતીબહેન તરફ પડખુ ફેરવ્યા વગર પૂછ્યું.
" આપણે અમોલ સાથે વાત કરીએ , એને સમજાવી જોઈએ ને ? આપણી નજર સામે આપણો છોકરો એની જિંદગી બરબાદ કરી રહ્યો છે અને આપણે આમ ચુપ રહીએ ! એનાં નિર્ણયો સ્વીકારતા રહીએ ! એમ કેમ ચાલે ? " દમયંતીબહેને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
" તારા થી જે થાય એ તે કર્યું અને મારાથી જે થાય એ મેં કર્યું ! છતાંય એના મનમાં શું આવી ગયું એજ હજી સમજાતું નથી. તારી વાત સાચી છે એકવાર એની જોડે વાત કરવી જોઈએ. " બોલતાં બોલતાં ભરતભાઈથી નિઃસાસો નખાઈ ગયો.
" ચોક્કસ! મારા ઉછેર માંજ કોઈ ખામી રહી ગઈ છે. આખી જિંદગી ઘર કરવામાં ગુજરી ગયી અને પળભરમાં આમ વિખરાતુ ઘર નથી જોવાતું મારાથી ! " દમયંતીબહેને આંસુ લુછતા કહ્યું.
" એના ગુના તારા માથે ના લે. હશે ! આપણા નસીબ જ ખોટા હશે ! શું નથી કર્યું આ ઘર માટે ? કોઈ કમી નહોતી રાખી. એમ વિચાર્યું હતું કે પાછલી જિંદગી શાંતિથી ગુજારીશુ, પણ હવે તો શાંતિ દૂર સુધીય દેખાતી નથી. આકાંક્ષાને જોઈનેય જીવ બળે છે. આપણે એ છોકરીને આપણા ઘરમાં સુખી કરવા લાવ્યા હતા. એની જગ્યાએ છોકરીની શું જિંદગી થઈ ગઈ ? પતિ હોવા છતાં પતિ વગર જીવી રહી છે એ ! એનાથી મોટું દુઃખ શું હોય શકે? " ભરતભાઈએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું.
" સાચી વાત છે . એ ચૂપચાપ જિંદગી જીવી રહી છે . કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર. એના મા-બાપ પણ ભગવાનનાં માણસો છે. નહીં તો બીજા કોઈ હોત તો આપણી ઇજ્જત ઉતારી હોત. આપણી વગોવાઈ કરી હોત.પણ એ લોકોનાં સહકારથી આપણે ઉજળા રહ્યા. હવે આપણો વારો છે. આકાંક્ષા સાથે અન્યાય નહીં થવા દઈએ. જો અમોલ એની જીદ પર અટલ રહ્યો અને છૂટાછેડા લીધા તો હું મારા હાથે આકાંક્ષાનું કન્યાદાન કરીશ. એની જ્યાં ઈચ્છા હશે ત્યાં એનું લગ્ન કરાવીશ. બાળકોને આપણી જોડે રાખીશું. " દમયંતીબહેનનાં મનમાં વિચારોનાં વમળ ઉઠી રહ્યા હતા.
" એટલે લાંબે સુધી ક્યાં વિચારવા લાગી ? આપણાંથી જે બનશે એ બધું કરીશું. હવે આકાંક્ષા સાથે અન્યાય નહીં થવા દઈએ. બસ ! " ભરતભાઈએ દમયંતીબહેનને આશ્વાસન આપતાં કહ્યું.
અને વાતો કરતાં- કરતાં ભરતભાઈ અને દમયંતીબહેન સૂવાનો પ્રયાસ કર્યો. આમતેમ કરતાં સવાર પડી. વહેલી સવારની ટ્રેન થી ગૌતમ આવ્યો. ચા- નાસ્તો કર્યા પછી ભરતભાઈએ ગૌતમને માંડીને સઘળી વાત કરી અને અમોલને સમજાવવા માટે વિનંતી કરી. ગૌતમે પણ એમને આશ્વાસન આપ્યુંકે એ અમોલ અને આકાંક્ષા બંને સાથે વાત કરી સુલેહ કરાવાનો પ્રયત્ન કરશે.
ગૌતમ અને અમોલ બન્ને એક રેસ્ટોરાંમાં મળ્યા. સૌ પ્રથમ ઓર્ડર આપ્યો જેથી પછી વિના કોઈ અડચણ વાત કરી શકાય. વેઈટર ને પણ સૂચના આપી કે હવે એમને એકલા છોડી દેવા.
" ફોઈ અને ફૂઆ એ મને વાત કરી કે તું ડિવોર્સ નું વિચારુ છું." ગૌતમે વાતની શરૂઆત કરી.
" હા ! મારે તન્વી સાથે લગ્ન કરવા છે. પહેલા એમ હતું કે લીવ ઇનમાં રહી લઈશ પણ તન્વીને લગ્ન કરવા છે. તેથીજ આકાંક્ષા સાથે છૂટાછેડાની વાત કરી. " અમોલે સહજતાથી કહ્યું.
" બરાબર !!! પરંતુ ઘણુ મોડુ કર્યું વિચારવામાં. હું તો આકાંક્ષાને કયારનો સમજાવતો હતો તને ડિવોર્સ આપવા માટે , પણ એ માનતી જ નહોતી . " ગૌતમે કટાક્ષમાં વાત કરી.
" પરંતુ હવે માની ગઈ. મને મળવા આવી હતી. છૂટાછેડા માટેની રકમ ની ચોખવટ કરતી હતી. આટલી મક્કમતાથી વાત કરતાં મેં એને ક્યારેય નથી જોઈ. તારી સાથે એની કોઈ વાત થઈ છે ?" અમોલે પૂછ્યું.
" ના! મેં વિચાર્યું , પહેલા તારી સાથે વાત કરી લઉં. છૂટાછેડાની રકમ માંગી , બરાબર તો છે . એ ભણેલી ગણેલી છે ! એણે પોતાની કરિયર થી વધારે તારા પરિવારનો વિચાર કર્યો. આજે એ કમાતી હોત તો એની પોતાની પાસે એટલી મૂડી હોત ! પરંતુ તારા મા બાપ , તારા બાળકો એ બધાં માટે એની જિંદગી ગુજરી રહી છે. એનો ગુનો એકજ છે કે એ તારા જેવી સ્વાર્થી ના થઇ શકી. " ગૌતમનાં શબ્દોમાં આકાંક્ષા માટે ભારોભાર લાગણી દેખાઈ રહી હતી.
"બસ ! આજ સાંભળવાનું બાકી હતું હવે ! પહેલા એણે સંભળાવ્યું હવે તું સંભળાવ !" અમોલ મોઢું વાંકું કરતાં કહ્યું.
" તું નસીબદાર છું ! બાકી કેટલીય સ્ત્રીઓ આ વાતને લઈને કેટકેટલા ત્રાગા કરે , આતંક મચાવે. એણે ચૂપચાપ તારા અનૈતિક સંબંધને પણ સ્વીકાર્યું. પણ હંમેશાની માફક આજેય તું એની કદર કરવાનું ચૂક્યો છું. " ગૌતમૈ કહ્યું.
" મેં પણ એને એની જિંદગી જીવવાની છૂટ આપી છે !" અમોલે પોતાનો બચાવ કરતાં કહ્યું.
" મહાન કામ કર્યું ભાઈ તમે ! બાકી તો એણે તારી ગુલામ થવા માટે જનમ લીધો હતો , નહીં ?" ગૌતમે કટાક્ષ કરતાં કહ્યું.
" મને એ નથી સમજાતું કે તું મારો ભાઈ થઈ ને એની તરફ થી કેમ બોલે છે હંમેશા ? " અમોલે આશંકા વ્યક્ત કરતાં કહ્યું.
" એ તું ભૂલ કરું છું. હું એનો પક્ષ ફક્ત એટલા માટે નથી લેતો કે મારી ભાભી છે. પરંતુ દરેક એ સ્ત્રી પ્રત્યે મારું હ્યદય કૂણું વલણ રાખે છે, જેમને વગર કારણસર અન્યાય સહન કરવો પડે છે. એમનો ગુનો ફકત એકજ હોય છે કે એ સ્ત્રી તરીકે જન્મી છે! " ગૌતમ નાં મુખ પર આક્રોશ ની લાગણીઓ તરી આવતી હતી.
" તન્વી માટે કોઈ લાગણી નથી ?" અમોલે પૂછ્યું.
" સારુ કર્યું પૂછી લીધું. તો સાંભળ ! મને તન્વી પ્રત્યે કોઈ લાગણી નથી. એટલે નહીં કે એ તારી સાથે અનૈતિક સંબંધ ધરાવે છે પણ એટલે કે એ તારો ફક્ત અને ફક્ત ઉપયોગ કરી રહી છે. મુંબઈમાં રહેવા, પોતાનું મોડેલ તરીકે સ્ટેટ્સ જાળવવા એને તારા જેવી વ્યક્તિની જરૂર છે. જે દિવસે એની ડિમાન્ડ તું પૂરી કરવા માટે સક્ષમ નહીં હોઉં, એની તારા પ્રત્યે લાગણી બદલાઈ જશે. " ગૌતમે અમોલને ચેતવતા કહ્યું.
" આ વાત તે થોડા વર્ષો પહેલા પણ કહી હતી. પરંતુ અમે આજે પણ સાથે છીએ. અમારી અલગ કેમેસ્ટ્રી છે. તારી સમજમાં નહીં આવે. મને તો ક્યારેક લાગે છે કે તને મારી ઈર્ષા થાય છે. " અમોલે ગૌતમ પર આરોપ લગાવતાં કહ્યું.
" હું તો ઈચ્છું છું કે તું હંમેશા ખુશ રહું , સુખી રહું. પણ તને ખોટા રસ્તે જતા જોઈ નથી શકતો. ભાઈની લાગણી ઊભરાઈ આવે છે. પણ કદાચ તારી સમજ માં નહીં આવે . કેમકે તારી આંખો અંજાઈ ગઈ છે. "
" પણ અત્યારે તો તું ભાઈ ઓછો અને આકાંક્ષાનો વકીલ વધારે લાગે છે. " કહી અમોલ હસવા લાગ્યો.
" મારી વાત જવા દે તે કોઈ વકીલ સાથે વાત કરી ? " ગૌતમે પૂછ્યું.
" તન્વીનો ઓળખીતો વકીલ છે એની સાથે વાત તો કરી છે . " અમોલે કહ્યું.
" એવી ભૂલ ના કરીશ. બીજો કોઈ વકીલ હોય તો !- " ગૌતમ આગળ બોલવા જ જતો હતો કે અમોલે રોક્યો અને કહ્યું ,
" થઈ ગયું છે નક્કી હવે ડિવોર્સ માટે શું એટલું વિચારવા નું ? આ કોઈ બિઝનેસ રીલેટેડ થોડી છે ?"
" તારા માટે નથી પણ તન્વી માટે હોય., બિઝનેસ રીલેટેડ ! " ગૌતમે ફરી અમોલને ચેતવતા કહ્યું.
( ક્રમશઃ )