સુંદરી - પ્રકરણ ૩૪ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૩૪

ચોત્રીસ

“શું?” સોનલબાના ચહેરા પરની ઉત્કંઠા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“એક જ વ્યક્તિ તમારો અને એમનો પીછો કરી રહ્યો છે બરોબર?” વરુણે પ્રશ્ન ઉઠાવ્યો.

“એકની એક વાર કેટલી વખત કરું ભઈલા?” સોનલબા વરુણ પાસેથી કોઈ આઈડિયાની અપેક્ષા કરી રહ્યા હતા એટલે એમનો રોષ બહાર આવી ગયો.

“એટલે... મારો કહેવાનો મતલબ એવો છે કે એમણે તો તમને કારણ નથી આપ્યું કે એ વ્યક્તિ એમનો પીછો કેમ કરી રહ્યો છે અને તમને ખબર નથી કે એ તમારો પીછો કેમ કરી રહ્યો છે...” વરુણે પાણી પીવા વાક્ય અધૂરું મુક્યું.

“તારે શું કહેવું છે એ જરા કહીશ હવે? આ ઉખાણાં બંધ કર હવે.” સોનલબા કંટાળ્યા હવે.

“સિમ્પલ થિંગ એ જ છે કે આપણે એમને મળીએ. કદાચ કોઈ ક્લુ મળી જાય. અને જો આપણી મીટીંગમાં કોઈ રિઝલ્ટ ન આવે તો પછી આપણે અંકલને વાત કરીએ.” વરુણે હવે તેનો આઈડિયા પૂરેપૂરો જણાવ્યો.

“હમમ... તારી વાત તો સાચી છે, પણ મેડમને મળીશું ક્યાં? અહીં કોલેજમાં તો વાત ન થાય?” સોનલબાએ મુશ્કેલી જણાવી.

“ન જ થાય. ઇવન કેન્ટીનનું રિસ્ક પણ ન લેવાય. તમે એક કામ કરો, એમને કહો કે તમારે એમને મળવું છે તો એ જ કહે તમને કે ક્યાં મળી શકાય. તમે તમારે બિન્ધાસ્ત કહી દેજો કે તમારે એમને પેલા વ્યક્તિ વિષે જ વાત કરવી છે અને તમારી પાસે એક આઈડિયા છે.” વરુણ અસ્ખલિત બોલ્યો.

“આઈડિયા તો સારો છે. હું આજે કોલેજ પતે પછી જ એમને પૂછું તો?” સોનલબાનું મગજ હવે દોડવા લાગ્યું.

“હા એમ જ કરો. અને બીજું. એ તમને જ્યાં પણ બોલાવે હું તમારી જોડે આવીશ. પણ હું તમારી જોડે આવવાનો છું એ વાત એમને બિલકુલ એટલે બિલકુલ ન કરતાં.” વરુણે વિનંતીના સૂરમાં કહ્યું.

“હમમ...” સોનલબા ટેબલ સામે જોઈ રહ્યા હતા, કદાચ કશુંક વિચારી રહ્યા હતા.

“જો એમને ખબર પડશે કે હું તમારી જોડે આવીશ તો એ કદાચ તમને મળવાની પણ ના પાડી દેશે. એ ઓલરેડી રવિવારના બનાવથી મારાથી શરમ અનુભવે છે.” વરુણે મુદ્દાની વાત કરી.

“એ તો હું સમજી ગઈ ભઈલા. પણ મને એક વાત કે’ કે હું એમને નહીં કહું કે તું મારી જોડે આવીશ પણ જ્યારે તું મારી જોડે હોઈશ ત્યારે? જો ત્યારે એ તારી હાજરીમાં વાત કરવાની ના પાડી દેશે તો?” સોનલબાએ શંકા વ્યક્ત કરતાં કહ્યું.

“એનો તોડ મેં અત્યારેજ વિચારી લીધો છે. તમે ફક્ત એમને મળવા માટે મનાવી લ્યો.” વરુણે સોનલબાની આંખમાં આંખ નાખીને કહ્યું.

“એ તો હું મનાવી જ લઈશ ભઈલા.” સોનલબાના ચહેરા પર સ્મિત હતું.

“બેનબા, મારા માટે તમે સ્પેશિયલ છો અને એ મારા માટે શું છે એ તમારા સિવાય બીજું કોણ જાણે છે? હવે જ્યારે મારા માટે બે સ્પેશિયલ વ્યક્તિઓ કોઈ એક જ ભયનો સામનો કરી રહ્યા હોય તો હું શાંતિથી કેમ બેસી રહું?” વરુણે સોનલબાને કહ્યું.

“હું બરોબર સમજી શકું છું ભાઈ!” સોનલબાએ સ્મિત સાથે જવાબ આપ્યો.

“ક્યારેક આમ ભાઈ કહીને બોલાવતા જાવ. બહુ મીઠું લાગે છે.” વરુણ હસતાં હસતાં બોલ્યો.

જવાબમાં સોનલબાએ પણ હસીને પોતાનો અંગૂઠો ઉંચો કર્યો.

==::==

“મેડમ...” લેક્ચર પત્યા બાદ જ્યારે સુંદરી લેક્ચર રૂમ છોડીને બહાર જ નીકળી હતી કે સોનલબાએ પાછળથી એને બોલાવી.

“હા, બોલોને સોનલ!” સુંદરીએ પાછળ વળીને સ્મિત આપતાં કહ્યું.

વરુણે આ દ્રશ્ય પોતાની બેંચ પર બેઠાબેઠા જ જોયું પણ એણે તરતજ પોતાની નજર ફેરવી લીધી કારણકે એ સમયે સુંદરીનું મોઢું એની તરફ હતું અને જો એ જોઈ જાય કે સોનલબા સાથે એ વાત કરે છે એના પર પોતે ધ્યાન આપી રહ્યો છે તો કદાચ એને શંકા જાય અને મળવાની ના પાડી શકે.

“મારે તમારી સાથે વાત કરવી છે પેલા વ્યક્તિ વિષે.” સોનલબા સીધા જ મુદ્દા પર આવ્યા.

“કેમ?” સુંદરીના ચહેરા પર કોયડો છવાઈ ગયો.

“અહીં નહીં થઇ શકે એટલેજ નથી કહેતી. તમે કહો ત્યાં મળીએ? આજે? કાલે? પણ બહુ વાર નથી કરવી મળવામાં.” સોનલબાએ મક્કમ સૂરમાં કહ્યું.

“હમમ.. કેમ્પસમાં તો ક્યાંય મળી ન શકાય કારણકે સબ્જેક્ટ જ એવો છે. કાલે નહીં કારણકે કાલે મારા પપ્પા મુંબઈથી આવી જશે. તો આજે જ આવો મારે ઘેર. ત્યાં આપણે સાથે વાત કરીએ. પણ તમે તો ગાંધીનગર રહો છો ને? તો મોડું નહીં થાય?” સુંદરીએ મળવાની તો હા પાડી પણ તેને એ પણ ખ્યાલ હતો કે સોનલબાને તકલીફ પડી શકે એમ છે.

“ના, ના હું મારા પપ્પાને ઘેર જતી રહીશ.” સોનલબાએ સ્મિત સાથે કહ્યું.

“ઠીક છે તો કોલેજ પતે એટલે તમે પાર્કિંગમાં આવી જજો આપણે જોડે જઈએ મારે ઘેર, મારા હોન્ડા પર.” સુંદરીએ ફરીથી સ્મિત ફરકાવ્યું.

“ના મેડમ, તમે એકલાં જ જજો. જો એ વ્યક્તિ હજી પણ તમારો કે મારો પીછો કરતો હશે તો એને શક થઇ જશે કે આપણને ખ્યાલ આવી ગયો છે કે એ આપણા બંનેનો પીછો કરી રહ્યો છે. હું જાતેજ તમારે ઘરે આવી જઈશ.” સોનલબાએ મુદ્દાની વાત કરી.

“વાત તો તમારી સાચી છે. ઠીક છે. મને તમારો નંબર આપો હું મારું એડ્રેસ તમને વોટ્સએપ કરી દઉં.” સુંદરી સોનલબાની વાત બરોબર સમજી ગઈ.

“ઠીક છે. તમે ઘરે જવા નીકળો ત્યારે મને મેસેજ કરી દેજો હું તરતજ ત્યાં આવવા નીકળીશ.” આટલું કહીને સોનલબાએ સુંદરીને પોતાની ફૂલસ્કેપ બૂકમાંથી કાગળનો એક ટૂકડો વ્યવસ્થિત ફાડી અને તેમાં પોતાનો મોબાઈલ નંબર લખી અને એને આપ્યો.

“થેન્કસ. વેઇટ ફોર માય મેસેજ.” આટલું કહીને સુંદરી દાદરો ઉતરવા લાગી.

“કશું કહ્યું? ડાઉટ તો નથી ગયોને એમને?” સુંદરી દાદરો ઉતરી કે બીજી જ મીનીટે વરુણ પણ કલાસરૂમમાંથી બહાર આવ્યો અને સોનલબાને એણે પૂછ્યું.

“ના, એમ આ નણંદ પર શંકા કરે એવી નથી હોં મારી ભાભી?” સોનલબા ખડખડાટ હસી પડ્યા.

“કમાલ છો! આટલા ટેન્શનમાં પણ તમે હસી શકો છો?” વરુણને આશ્ચર્ય તો થયું પણ એ હસી રહ્યો હતો.

“મારો ભઈલો છે મારી જોડે પછી મને શેનું ટેન્શન હેં?” સોનલબાએ વરુણના માથે ટપલી મારી.

==::==

“આવો... તમે?” ઘરનો દરવાજો ખોલતાં સુંદરીએ પહેલાં સોનલબાને જોયા એટલે એને આવકાર આપ્યો પણ તરતજ પાછળ વરુણને પણ જોયો એટલે એના તીણા ચહેરા પર પ્રશ્નાર્થ છવાઈ ગયો.

“અંદર આવીને બધીજ વાત કરું છું મેડમ.” સોનલબાએ સુંદરીને કહ્યું.

“ઓકે...” સુંદરીએ ફિક્કું સ્મિત આપતાં કહ્યું.

ઘરમાં પ્રવેશતાંની સાથેજ વરુણ અને સોનલબા એક સોફા પર એકબીજાથી થોડાં દૂર પણ સાથે બેઠાં. સુંદરી રસોડામાં ગઈ અને બંને માટે એક ટ્રે માં પાણી લેતી આવી. વરુણ અને સોનલબા બંને એ પાણીના ગ્લાસ ખાલી કર્યા. ત્યાં સુધીમાં સુંદરી સામેના સોફે બેસી ગઈ.

“વરૂણભાઈને લઇ આવવા પાછળનું કારણ...” સોનલબાએ હજી વાત શરુ જ કરી ત્યાં...

“એક મિનીટ.” સુંદરીએ એમને રોક્યા અને એ ઉભી થઇ અને વરુણ અને સોનલબા જે સોફા પર બેઠા હતા તેની પાછળનું ઘરનું મુખ્ય બારણું બંધ કર્યું અને પાછી તરતજ પોતાના સોફા પર બેસી ગઈ.

“વરૂણભાઈને અહીં લઇ આવવા પાછળનું કારણ એ છે કે એક તો એ મારો ભાઈ છે અને એનાથી હું કશું પણ છુપાવતી નથી. બીજું...” સોનલબાની વાત ફરીથી અધુરી રહી કારણકે આ વખતે વરુણે વાત અડધે અટકાવી.

“બીજું કારણ હું કહું છું બેનબા. રવિવારની ઘટનાથી હું હવે અજાણ નથી. હું મોબાઈલ લેવા પાછો આવ્યો ત્યારે તમારું જે કોઇપણ રીએક્શન હતું એ નેચરલ હતું, પણ મને તેની પાછળનું કારણ ખબર ન હતી કારણકે અરુણા મેડમના આવ્યા પછી એમણે મને અહીંથી જતા રહેવાનું કહ્યું હતું. પણ જ્યારે મને બેનબાએ મોલવાળી વાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે તમારા બંનેની તકલીફ એક જ વ્યક્તિ છે. આથી જો આ પ્રોબ્લેમ જો મારા બેનબાનો છે તો તમારો પણ છે અને જો એનું કોઈ સોલ્યુશન લાવવું હશે તો મારે ઇન્વોલ્વ થવું જ પડશે. અને હા, રવિવારવાળી વાત હવે આપણે ભૂલી જઈએ એમાં જ આપણા બંનેનો લાભ છે.” વરુણ સતત સુંદરી સામે જોઇને બોલ્યો.

“હમમ...” વરુણના આટલા લાંબા ખુલાસા બાદ સુંદરી ફક્ત આટલુંજ બોલી.

“તમે બેફિકર રહેજો. અત્યારના ડિસ્કશનમાં મારા ઇન્વોલ્વમેન્ટ પછી પણ મેં તમને સોમવારે આપેલું વચન અકબંધ જ રહેશે. મારી બેનને મારે જો બચાવવી હશે તો મારે તમારી સાઈડ પણ સમજવી પડશે. ઉંમરમાં અમે બંને તમારાથી એટલા નાના પણ નથી. હા આપણો સબંધ...” હવે વરુણને સોનલબાએ અધવચ્ચે રોક્યો.

“આપણો સબંધ ભલે પ્રોફેસર અને સ્ટુડન્ટનો હોય પણ આપણા વચ્ચેનો એઈજગેપ માંડ છ કે સાત વર્ષનો જ છે. એટલે અત્યારે કોલેજની બહાર મિત્રો તરીકે ખુલીને વાત કરવામાં વાંધો ન આવે તો આપણા બધાં માટે સારું છે મેડમ. ઘણીવાર તકલીફ ઉભી થાય ત્યારેજ એને ડામવી જોઈએ નહીં તો તકલીફ ક્યારે વધી જાય અને આપણા કન્ટ્રોલની બહાર નીકળી જાય એનો ખ્યાલ ન આવે અને પછી કદાચ આપણે એમાંથી બહાર પણ ન નીકળી શકીએ એવું બની શકેને?” સોનલબાએ પણ સુંદરીને સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.

“એક્ઝેક્ટલી.” વરુણે સોનલબાના સૂરમાં સૂર પૂરાવ્યો.

“એ તો હું સમજી ગઈ અને મને તમારા લોકો સાથે વાત શેર કરવાનો પણ વાંધો નથી. જો કે આ વાતમાં સિરિયસનેસ એટલીજ છે કે એ અજાણ્યો વ્યક્તિ મારો પીછો કરે છે. મારા સારા નસીબે મને અત્યારસુધી હાર્મ પહોંચાડવાનો એણે પ્રયાસ પણ નથી કર્યો. રવિવારે હું સખત ડરી ગઈ હતી એ પણ હકીકત છે, પણ હવે નહીં. આજે પણ એ મારી પાછળ પાછળ છેક સોસાયટીના નાકા સુધી આવ્યો જ હતો. પણ આજે મેં ન તો રસ્તો બદલ્યો કે ન તો મારું વેહિકલ ફાસ્ટ ચલાવ્યું અને આરામથી મારે ઘેર આવી ગઈ.

મને ગમ્યું કે મારા ક્લાસમાં તમારા બંને જેવા મેચ્યોર સ્ટુડન્ટ્સ છે જે પોતાના પ્રોફેસરની કેયર લે છે, એની ચિંતા કરે છે. તમે બંને ભાઈ-બહેનનું રિલેશન શેયર કરો છો એ આજે જાણીને મને ખૂબ આનંદ થયો, બિલીવ મી. તમારા જેવા મેચ્યોર સ્ટુડન્ટ્સ સાથે મને આ વાતનું સોલ્યુશન લાવવું ગમશે. હા સોનલ તમે એમાં ઇન્વોલ્વ છો એટલે નહીં તો મેં કોઈને પણ અલાઉ ન જ કર્યા હોત કે એ મારી પર્સનલ બાબતોમાં ઇન્ટરફીયર કરે. પણ મને એક વાતનો ખ્યાલ ન આવ્યો.” સુંદરીએ પોતાની વાત સોનલબા સામે જોઇને પૂરી કરી, એની આંખો જાણેકે સોનલબાને કોઈ પ્રશ્ન કરવા માટે તત્પર હતી.

==:: પ્રકરણ ૩૪ સમાપ્ત ::==