પત્તાનો મહેલ - 16 - છેલ્લો ભાગ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્તાનો મહેલ - 16 - છેલ્લો ભાગ

પત્તાનો મહેલ

(16)

September 7, 2009

સ્વામી હરનંદદાસજીનો સંપર્ક આકસ્મિક હતો. તે એક સમયે તેના જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરી સંસારથી ત્રાસીને ગંગાના કિનારે ગયા હતા. ત્યાં બાર વર્ષને અંતે ગુરુ કંઠી પહેરીને હિંદુ સંસ્કૃતિના મઠના મઠપતિ થયા હતા.

નિલય, રાજીવ, ભૂપત, શ્યામલી, શર્વરી અને બરખા તે વખતે વેકેશન ગાળવા બનારસથી હરદ્વાર જતા હતા ત્યારે રસ્તામાં મેળાપ થયો. સાચી ઓળખાણ આપ્યા વિના થોડીક વાતચીત કરતા ખબર પડી કે તેઓ નિષ્કામ નિર્મોહી અને પવિત્ર જીવન વિતાવવા સૌને સમજાવી રહ્યા હતા.

તેમની એક વાત સાવ સહજ હતી જે કોઈના ગળે ઊતરતી નહોતી. “જે કાંઈ દરેકના જીવનમાં બને છે તે પૂર્વનિર્ધારીત છે… પાછલા કર્મોના હિસાબોથી બને છે… અને તેથી કદીક ચમત્કારો થતા દેખાય છે. કોઈક તેને પોતાની શક્તિ માને છે… કોઈક મહેનત તો કોઈક ભાગ્ય. પરંતુ હકીકતમાં તે કર્મ તણી ગતિ ન્યારી છે….”

ભૂપત, રાજીવ, શ્યામલી , શર્વરી, બરખા, નિલય સૌ તેને સાંભળતા… અને ભૂલી જતા … રાધા બહુ જ આદરભાવથી તે સત્યોને સ્વીકારતી હતી. વાત તો સહજ હતી પણ વિખરાતા જતા પત્તાનાં મહેલને ખાળનારું આ સનાતન સત્ય હતું.

આમ તો રાધાનું ટ્રસ્ટ કરોડો રૂપિયાનું હતું પણ તે એક પાઈ પણ લેતી નહોતી. તેના સસરાએ દીકરાના નામ ઉપર કેટલીય સખાવતો કરી. પાંજરાપોળ ખોલી, ભોજનશાળા, હોસ્પિટલો અને કંઈ કેટલુંય કર્યું પણ રાધાની જેટલી નિસ્પૃહતા તે દાખવી શકતા નહોતા.

સ્વામી હરનંદદાસજીથી રાધા પ્રભાવિત હતી તે વાત કોઈ જાણતું નહોતું રાધા પણ એ અંગે મૌન જ રહેવા માંગતી હતી.

ટ્રિપ દરમ્યાન ભૂપત અને શ્યામલીને વહેલું જવું પડ્યું બાકીની ટોળકી શાંતિથી નિયત પ્રોગ્રામ પ્રમાણે જતી હતી. વાતોમાં ને વાતોમાં રાધાએ નિલયને પૂછ્યું – ‘નિલયભાઈ, આ ઊતર ચઢને અંતે કોનું મહત્વ વધુ આંકો છો? પૈસાનું, સંબંધનું કે મનની શાંતિનું?’

નિલય પહેલે જ ધડાકે બોલ્યો ‘ત્રણેયનું’, શર્વરી બોલી, ‘સંબંધનું’, અને રાજીવ બોલ્યો, ‘પૈસાનું’. રાધાનો અભિપ્રાય હતો કે, ‘મનની શાંતિનું’

ચર્ચા આકર્ષક હતી. નિલય બોલ્યો, ‘ત્રણેય વસ્તુ સાંકળ જેવી છે. પૈસા હોય તો સંબંધો વધે અને સંબંધો વધે એટલે મનની શાંતિ આવે જ દાખલા તરીકે આ ટ્રિપનો પ્રોગ્રામ ટેલિફોન ઉપર ફક્ત એક જ કલાકના ટૂંકા ગાળામાં રિઝર્વેશન, ટ્રેનના, હોટેલના, મેટાડોરનો વગેરે શક્ય બની ગયું, કારણ પેરેમાઉન્ટ તથા સિલ્ક મિલ્સના પૈસા છે… તેથી ટ્રાવેલિંગ એજન્ટો સાથે સંબંધો થયા અને આ જ કારણે આ સમગ્ર પ્રવાસ આપણે મનની શાંતિથી, વિના વિચારે કરી રહ્યા છીએ.

શર્વરી પૈસાનું મહત્વ ઓછું આંકતા બોલી જે છે તે સંબંધોનું મહત્વ છે. નિલય એમની કિંમત ક્યારેય ઓછી આંકવા તૈયાર નહોતો. ક્યાંય સમાધાન નહીં. અને એવા સમયે રાજીવભાઈ અને શ્યામલીએ કૉલેજના સંબંધોને… મૈત્રીભાવે બોલાવ્યા… અને જે કારકિર્દી બની છે… તે તમારી સૌની નજર સામે જ છે… પહેલાની ગુંચવણો તો ઉકલી જ અને નવું સેટલમેન્ટ પણ આવ્યું.

રાજીવનું મંતવ્ય હતું પૈસા વિના માણસ સાવ અધૂરો. ભૂપત આપણા સૌમાં આગળ રહ્યો તેનું કારણ ફૅમિલિ ઇન્કમ, ફૅમિલિ ફંડને લીધે તેની દોડ હંમેશા આપણા કરતા આગળ રહી. જ્યારે આપણે કોઈક સાહસ શરુ કરતાં હોઈએ તેની શરૂઆત આપણા બજેટ પ્રમાણે પચીસ હજાર હોય તો એનો એ એકડો પાંચ લાખથી શરુ થતો હોય… અને એ જ કારણે નફાનું ધોરણ જ્યાં આપણું દસ હજાર હોય ત્યાં તેનું લાખ રૂપિયાનું હોય… પૈસા પછી… સંબંધો… પછી મનની શાંતિ વગેરે… બધું આવે છે…’

રાધા બધાને શાંતિથી સાંભળતી હતી. તે ધીમે રહીને બોલી તે જ પ્રમાણે ભૂખનું જોખમ પણ વધુ છે. સંબંધોમાં દોસ્તો છે તો દુશ્મનો પણ છે. તે પણ તે માત્રામાં વધુ છે. શ્યામલીબેનને બરખાબેન કે શર્વરીબેન જેટલી ધંધાની અભિપ્રાય કે સૂચન આપવાની છૂટ છે? કાયમ ઘરમાં બેઠા બેઠા પતિના સાફલ્ય અને ક્ષેમ કુશળતા માટે મુંગા મોંએ ભગવાનને પ્રાર્થના કરવાની કે બીજું કંઈ? જ્યારે વાતાવરણ ટેન્સ હોય ત્યારે ઊંઘ કેવી વેરણ બને છે તેનો તમારો અનુભવ મહિનાઓમાં જ્યારે એમનો અનુભવ વર્ષોનો… કારણ કે પૈસા વધુ રોકાયેલા છે. ભરત જ્યારે કાટમાળની નીચે દટાયેલો હતો ત્યારે કાટમાળ જે ઝડપથી હસતો હતો અને એની જીવવા માટેની જિજીવિષાની તડપન હતી તે બે વચ્ચેની ઝોલા ખાતી માનસિક સ્થિતિને અંતે જ્યારે તેણે મને મારી નાખો મારાથી આ ભાર સહન થતો નથી… ની જ બૂમાબૂમ કરી હતી. તે વખતની મારી તથા મારા સસરાની પરિસ્થિતિ વખતે જે લોકોની દયાનું પાત્ર અમે બન્યા હતા તેને જે શઈ શકે તે જ સહી શકે. પૈસો અઢળક હોવા છતાં કંઈ જ કરી શકાયું નહોતું. અમારા અને ભરતના માઠા કાર્યોનો એવો ભારે ઉદય હતો કે જેમાં હાય હાય કરી મરી ગયા છતાં કંઈ ન વધ્યું.

એ જ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છતાં કર્મની સમજ ન આવી ત્યાં સુધી આમ હોય, આમ જ હોય ની સરળ રીતે સ્વીકારાયું નહોતું. સ્વામી હરનંદદાસજીની સરળ વાત મગજમાં બેસી ગયા પછી જે મનની શાંતિ અનુભવાય છે તે તો ભરતના વીમાની રકમ, શેરોની આવક તથા ભાગના કરોડો રૂપિયાનું ટ્રસ્ટ કરી દીધા પછી પણ અનુભવી નહોતી.

દરેક જણ શાંતિથી રાધાની વાત સાંભળી રહ્યા હતા. અંદરથી સ્વીકારી પણ રહ્યા હતા કે રાધાની વાતમાં તથ્ય છે… વજૂદ છે… છતાં પણ રાધાનો કેસ જુદો છે. આપણી સાથે એવું કશું થવાનું નથી, હોય… દરેકની કહાણી જુદી હોય… જેવી માન્યતાથી રાધાની વાતને સાંભળી ન સાંભળી કરી દેવાની વૃત્તિમાં હતા ત્યાં નૌકાનો રડતો અવાજ સંભળાયો, શર્વરી તે તરફ દોડી… ચર્ચામાં ભંગ પડ્યો.

વર્ષો વહી ગયા… નૌકાના લગ્ન લેવાના થયા ત્યારે સ્વામી હરનંદદાસજી મુંબઈ આવ્યા હતા. રાધા તે સમયે નિલેશને વંદન કરાવવા ગઈ હતી. તેઓ જેવા હતા તેવા જ નિસ્પૃહી હતા. નિલય ઘણા જ ઉતાર ચડાવ જોઈને હવે ઉતાર ચડાવ થી ટેવાઈ ગયો હતો હવે તેની તેને પહેલાં જેટલી અસર થતી નહોતી. તે સમયે હરનંદદાસજીના કથનોનું સત્ય સમજાઈ ગયું હતું.

હરનંદદાસજી સાથે થોડીક ઔપચારિક વાતો સાધી મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો. સંસારમાં આવેલ દરેક જીવ જે સુખોને ઝંખે છે તે સુખ મળ્યા પછી તે ભોગવતો કેમ નથી? તે મળ્યા બાદ તેને વધુ મેળવવાની ઝંખના રહે છે તે ક્યારે મટે?

પ્રશ્ન સાંભળીને હરનંદદાસજી ખડખડાટ હસ્યા… એમનું હાસ્ય ક્યાંય સુધી ન શમ્યું પછી ધીમે રહીને બોલ્યા… એનું નામ જ સંસાર… તેમાં પ્રવેશો એટલે તેનો રંગ તો લાગે જ… તમે આખી જિંદગી પૈસા પાછળ ભાગ્યા… પૈસા હાથમાં આવ્યા તો પૈસા પછી કિર્તીની ભૂખ જાગી કિર્તી મળી તો તેને સાચવવાની રઢ લાગી… જેમની સુખાકારી માટે…. તમે તનમન તોડી ધન લાવ્યા તે તમારા સંતાનોને મન તમારા પૈસા હક્ક અને કાવાદાવાનું નિમિત્ત બન્યું. કાં તો તમારા પૈસા મને ન ખપે જેવી વિચિત્ર વાતો કરીને તમારી જેમ જ પૈસાની દોડમાં ખૂંપ્યા… આ બધું જ પૂર્વનિર્ધારિત છે એવું જ્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું ત્યારે અર્જુનથી તે સત્ય સ્વીકારાતું નહોતું. શ્રી કૃષ્ણ તે સમયે બોલ્યા

अशोच्यानन्व शोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे

गतासूनगतासूनश्च नानुशोचन्ति पण्डिता:

અર્થાત્ તું શોક નહીં કરવા યોગ્ય શોક કરે છે, પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો તો મરેલા કે જીવતાનો કદી શોક કરતા નથી કારણ કે,

देहिनोस्मिन्यथादेहे कौमारं यौवनं जरा

तथा देहान्तरा- प्राप्तिर धिरस तत्र न मुह्यति।

જેમ દેહ ધારીને આ દેહમાં બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય જ છે. તેથી ધીરજ વાળા દેહમાં મોહ પામતા નથી.

સંસાર છે આમાં આમ જ ચાલે છે. તે જે સમજે છે તેને ભય નથી, રાગ નથી, મોહ નથી, દ્વેષ નથી તેને આ બધી વસ્તુઓથી પીડાતી દરેક વ્યક્તિ ઉપર દયા આવે છે, કરુણા થાય છે અને તેથી તેમને તે ભયો, મોહો અને રાગ દ્વેષથી દૂર થવા સમજાવે છે. આ સમજાવનારનો તબક્કો દરેકના જીવનમાં જુદે જુદે તબક્કે આવે છે. કેટલાકને વહેલો તો કેટલાકને મોડો… અને આ જ કારણે તમારા પ્રશ્નથી ખડખડાટ હસવું આવ્યું હતું. હું આ તબક્કો બહુ વહેલા મેળવી ચૂક્યો હતો. તમે આટલી ઘટમાળ જોયા પછી તે તબક્કામાં પ્રવેશ્યા… કેટલાક ને તો હજી કેટલાય ભવો જોવાના છે. સંસાર સંસાર છે તેવું ભગવાન કહી ગયા… પણ એ અસારપણું સંસારમાં નથી મનમાં છે, મન ચંચળ છે…. તેની ગતિ જ એવી છે. જે નથી મળ્યું તેની પાછળ જ ભાગે છે… રોડ ઉપર બેઠેલો ગરીબ સાઈકલને ઝંખે છે કે ચાલવું ન પડે… સાઈકલ ચલાવનારો સ્કૂટર ઝંખે છે કે પેડલ ન મારવા પડે… સ્કૂટરવાળો કાર ઝંખે છે કે વરસાદમાં પલળવું ન પડે. અને કારવાળો હેલિકૉપ્ટર… આ ઝંખનાઓનું મૂળ ફક્ત મન છે, અને જો તેને સંતોષાઈ જવાની ટેવ પડે તો વિકાસ રુંધાઈ જાય છે. પણ તમે વિકાસ કોને કહો છો? ઉન્નતિ કોને કહો છો? કદાચ ભૌતિક ઉન્નતિને ઉન્નતિ કહેવાની ભૂલ દરેક સંસારી કરે છે.

જો ઉન્નતિમાં ઉતાર ચડાવ હોય તો ઉન્નતિ કહેવાય?

નિલય મુગ્ધતાથી સાંભળી રહ્યો હતો. તેને શર્વરી સાથેના સહજીવનના ત્રાસદાયક એકાંતો… પછીની તેની સતત ચડતી દશા… તેમાં આવતા માનસિક તણાવો… મુક્તિ… બધું જ યાદ આવતું હતું. સ્વામી હરનંદદાસજીએ ટકોર કર્યો ત્યારે તે પાછો વિચારધારામાંથી આવ્યો.

પત્તાના મહેલો રચીને અંતે શું? તેને તૂટતા જોવાના? આવા મહેલો જો સામાન્ય પવનના ઝોકાથી તૂટી જવાના હોય તો શીદને રચવા તકલાદી મહેલો… તેણે સ્વામીને ફરી પૂછ્યું, આ સંસારની આ વિટંબણા કેવી રીતે જીવવી?

બહુ જ સરળ રસ્તો છે કાં તો સંસારનો ત્યાગ કરો… તેમ જો શક્ય ન હોય તો આવેગમાં ન આવો… અધીર ન થાવ… અપેક્ષા ન રાખો… સતોષી બની નિઃસ્પૃહતાથી… આ બધો રંગમંચનો ભાગ છે. જે નાટક ભજવાય છે તે હું નથી ભજવતો. મારા શરીર માટે નિર્માયેલ નિર્ધારીત ભાગ છે. જે મારે ભજવવાનો છે તે ભજવીને આ દેહરૂપી ખોળિયાને બીજું ખોળિયું મળવાનું જ છે ત્યાં સુધી શક્ય હોય તેટલું આત્માનું ભલું કરી લઉં કે જેથી કષ્ટદાયક ભાવો ભજવવાના ઓછા આવે. “ઓમ શાંતિ” કહી તેમણે તેમનું વક્તવ્ય પૂરું કર્યું.

નૌકાના લગ્નની કંકોતરી આપી નિલય પાછો જ્યારે ઘરે આવ્યો ત્યારે સ્વામીજીના શબ્દે શબ્દ તેના મનમાં ગુંજતા હતા.

એની પાસે શું નહોતું? હવે તેને વધુ કામ કરવાની શું જરૂર હતી? અધ્યાત્મ તરફ વળવાની નવી દિશા તરફ તેના પગે પ્રયાણ કર્યું ત્યારે શર્વરી બોલી…. નિલય … આટલા વર્ષો સાથે રહ્યા અને હવે આમ કઈ દિશા તરફ પ્રયાણ શરુ કર્યું?

ભગવદ્ ગીતાના ઉંડા અધ્યયનોને અંતે તેના મગજમાં શ્રીકૃષ્ણનો ઉપદેશ ગુંજતો હતો.

कर्मण्ये वाधिका रस्ते मा फलेषु कदाचन ।

मा कर्म फल हेतुरभुह, माँ ते संगोत्स्व कर्मण्ये।

કામ કરવું તે તારો ધર્મ છે ફળ તેના સમયે ફળ એના સમય મળશે જ ફળની અપેક્ષામાં કર્મ કરવાનું ભુલાવું ન જોઇએ…

જે ફળની અપેક્ષાથી કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવી શકતો નથી.

નૌકાને ત્યાં બાબો આવ્યો તે નાના બન્યો… જીવન જળ વહેતું રહ્યું… વહેતું રહ્યું… શર્વરીની દેહાંત પછી એક સંતની જેમ નિલયે દેહ ત્યાગ્યો.

રાજીવ – ભૂપત સૌ પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા. તેઓ નિલયમાં આવેલ પરિવર્તનને સમજી શક્યા જ નહોતા.

રાધા એક માત્ર નાની બહેનની જેમ એને સાચવી ગઈ હતી…. જીરવી ગઈ હતી. એનાં મૃત્યુ પછી પણ એ પાટિયું એ જ કહેતું હતું કે…. ‘આ દિવસો પણ જશે …. આ દિવસો પણ જશે.