પ્રકરણ 2
‘ શું ઇચ્છતો હતો નિલય… મહેમાન બનવાને ’
‘ હા, અને તે બની ગયો. મારા ઘરમાં હું મહેમાન છું. મારા ઘરના મહેમાનો મને મારા ઘરમાં મને નીકળતો જોઈને આવજો કહે છે. ચીસો પાડે છે . હસી હસીને બેવડ વળી જાય છે. જો પેલો જાય બાયલો. બૈરી નોકરીએથી આવે ત્યારે ચાનો કપ તૈયાર કરે – અને જો ન કરે તો સાંજનો ચા બંધ.’
‘પણ નિલુ, – તે તો અડ્જસ્ટમેન્ટ છે. –’
‘ધૂળમાં જાય તારું અડ્જસ્ટમેન્ટ – મારા ઘરમાં મારા કામમાં માથું મારી મારીને તું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છે. તને બાળક નથી જોઇતું, તને ટીપ ટાપ જોઇએ છે, તને એટિકેટ જોઈએ છે, તને રસોડું તો ખાવા ધાય છે , તને ફિગર મેન્ટેન.કરવાની ચિંતા છે.’
‘ ખબર છે, આપણી જિંદગીના પંદર વર્ષમાં પંદર મહિના પણ સળંગ ઝઘડ્યા વિના ગયા છે?’
‘નિલય – દોષ મને ન દે… મને ન દે…’
‘હા દોષ વાંક વિના તો ઝઘડો ન જ થાય ને… પણ… જરા વિચાર કર.. ઘરમાં નાનું બાળક ન હોય તો તે ઘર કહેવાય?… નાનકડી શર્વરી… નાનકડા હાથ… નાનકડું નાક, ગુંદર ગૌરવર્ણું શરીર … થાનકો શોધતું ડીંટડી મળતા ચસ ચસ બુચકારા બોલાવતું અને રડતું અટકી જતા બાળકની કલ્પના કરીને તું ખુશ નથી થતી?’
‘મારા ગર્ભમાં બાળક ક્યાં છે… એના સાત સાત પડખા તેને ઝંખે છે. પણ તું ક્યાં માણસ છે? પુરુષપણું તારું ફક્ત મારા દોષો જ શોધવામાં છે. બાકી બાળકની ઝંખના તો મને અનહદ છે. મારા નબળા મુદ્દાઓમાં તો તે એક જ છે. મારા ગર્ભના પોલાણોમાં પડઘાતું પડઘાતું બાળક રુધિર રૂપે દર મહિને વહી જાય છે… પણ તેને રોકવા હું અસમર્થ છું.’
‘ભલે, તો તારી અસમર્થતા તને મુબારક, હું તો ઝેર ખાઈ જઈશ – મારામાં રહેલા માલિકીપણાના ડ્રેગનથી બચાવી જઈશ.’ ‘તેં તો બેગો બાંધી છે. એટલે તું જઈશ નક્કી… પણ હું પણ અહીં નહીં રહું. કારણ અહીંયા તો કબર ખોદાવાની છે… આપણા પંદર પંદર વરસોની પોકળ … ભ્રામક અને ઠાલી દંભી દામ્પત્યજીવનની લાશ અહીં દાટવાની છે. ઉપર ફૂલોની ચાદર બિછાવવાની છે અને લોબાનનો ધૂપ કરવાનો છે.તારા અને મારા સાસરાવાળા અહીં આવીને ઠાલું ઠાલું રડશે. અને એમના એ ઠાલાપણાને જોઇ આપણી પંદર વરસની જિંદગીની લાશનો આત્મા હસશે… ખડખડાટ… ’
વહેલી સવારે આદત મુજબ તે મારી પથારીમાંથી ચાદર ખંખેરવા જતી હશે – અને હું એની ચાદરમાંથી કાયમ માટે ખંખેરાઈ જાઉં તે માટે એના કરતાં પણ વહેલા ઊઠીને બાથરૂમમાં જતો રહું છું.
‘નિલય – ક્યાં જવાનો છે? ’
એ જાગે છે – કદાચ આખી રાત સૂતી જ નથી… બેગો બંધાયેલી છે… યુદ્ધની માઠી અસરો જેવી ખરાબ દુર્ગંધ વાતાવરણમાં ફેલાતી હોય તેમ લાગે છે. હું શાંત છું તે ઊંઘની ટીકડીઓની બોટલ ખાલી જોઇ એકદમ બોલે છે.
‘નિલય… તેં ઝેર કેમ ખાધું? ’ એ મને પ્રશ્ન પૂછશે. એની આખી રાત રડી રડીને ગઈ છે.
‘બેકાર પરિણીતો જિંદગીના કંકાસમાં હારીને ઝેર જ ખાય છે સ્વાભાવિક છે… પણ – મેં ઝેર ખાધું હતું તને રડાવવા… તને ત્રસવા… તને રિબાવવા… હું તને નહીં છોડું, મારી આંખોમાંથી નીંગળતું ઝેર તું નહીં પચાવી શકે શર્વરી… રડીરડીને તું આંખો ફાડી નાખીશ તો પણ મને તારા પર રહેમ નથી આવવાની… તું તો પેલા ભાંગી ગયેલા અરીસા ઉપર પણ આટલું રડી શકે છે. તું તારી માલિકીની કોઈપણ વસ્તુ જતી રહે એટલે રડે છે. ખરું ને?’
તું ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને મને મનાવે છે. મારી માફી માગે છે… પણ હું તો જડ અને ક્ષુબ્ધ… હસતો નથી. ત્રીજા માળની અમારી બારીમાંથી સૂર્યનો તડકો આવું આવું કરે છે. પડદો ખોલીને તે અમારી વચ્ચે પ્રવેશે છે. પંખો ચાલુ કર્યો છે. ત્યાં ઊડતી ઊડતી એક ચકલી પંખામાં ભરાઈ પડે છે. કપાઈને પાંખો ફફડાવતી તે નીચે પડે છે. અને એના રુધિરથી મારું શર્ટ બગડે છે… પાંખોમાંથી છુટા પડેલા પીંછા ચારે બાજુ ઉડાઉડ કરે છે… બસ તેમ જ આગળ પાછળ થતા ડહોળાતા મારા મનને કપાઈ ગયેલ ચકલીની આ ચીસો ઝંકૃત કરી જાય છે.
ઊંડી ઊંઘમાંથી ઊઠતો હોઉં તેમ હું ઊભો થાઉં છું. શર્વરીને કહું છું… શર્વરીને કહું છું… ‘શર્વુ, કોર્ટમાં જઈને કેસ જીતીશ… મૅનેજમેન્ટ મને બધા પગાર સાથે માનભેર પાછો લેશે… મારે કશું જ કરવાની જરૂર નહીં પડે…’
‘પણ નિલુ ! તારે ઝેર ખાવાની કેમ જરૂર પડી ?’ શર્વુને કેમ કરી સમજાવું કે બેકારી, પૈસો, ઘર ચલાવવાની તકલીફ… બધી ચિંતાઓના પથારાઓએ ભેગા થઈને મને દાટી દીધો છે. મારી લાશ ઉપર આટલા પથરા ઓછા છે ત્યાં તું વધુ પૂછી પૂછીને ચિંતાનો બોજ મારા માથા પર ખડકે છે?
એક વિમાન રોજ નિશ્ચિત સમયે મારા ઘરની બારીમાંથી દૂર જતું દેખાય છે. એમની જેમ રોજ ટપાલી એક ટપાલ લાવશેની આશામાં હું બેસી રહું છું. ટપાલી આવીને જતો રહે છે. નકામી ટપાલો લાવીને ચિંતા વધારી જય છે. લેણદારોના સ્મૃતિપત્રો… બિલના થોકડા… ધંધાની નવી આંટીઘુંટીઓ… અભિમન્યુની જેમ છ વર્ષ કોઠામાંથી બહાર કાઢવા કાઢ્યા તો ખરા – પણ હવે સાતમો કોઠો – મૂડી ઘસડી ગયો – દેવું માથા પર ઠોકી ગયો.
શર્વરી નોકરીએ જતી નથી. પોલીસકેસ નથી થયો તેથી સારું છે. એમ માનીને મારો હાથ પકડીને બેસી રહી છે. એનો પ્રિય પંખો જે દિવસે ચાલુ નહોતો થયો તે દિવસે પણ આમ જ પંખાને પંપાળતા જેમ વિચારતી હતી – તેમજ એની માલિકીનો હું … આજે શું કરી બેઠો…?
‘નિલુ – તારી તબિયત સારી નથી. તું પેલા બબૂચક નેપોલિયન હીલની માઠી અસરોમાંથી બહાર આવ… બેકારી નિવારવા કદીક વ્યવહારુ બનવું પડે. યુ નીડ ઍન ઍક્ટિવિટી….’
‘‘શેર ભૂખા મર જાતા હૈ, ઘાસ નહીં ખાતા હૈ’ – ‘એવી ખુમારી હતી તો ઝેર કેમ પીધું?’ … આલંબન પામતા વડના પ્રકાંડો… આલંબન મૂળના ટેકે આગળ વધે છે – નહીં કે એક જ મૂળ વડે, આગળ વધવું હશે તો ટેકો તો જોઇશે જ … જે મળે છે તે લઈ લે … પરંતુ આ બધું બહુ થોડા દિવસો માટે છે શર્વુ !’ ‘ભલે – પણ ત્યારે આ છોડી દેતા વાર શું લાગશે…?’
મનમાં શૂન્ય પર શૂન્યનાં થપ્પા ગોઠવાતા જાય છે. શૂન્યોનાં થપ્પા – ખાલી ખાલી વાસણોના ખડખડાટની જેમ ખખડતા ખખડતા બગડેલી રેકર્ડના વિચિત્ર અવાજોની જેમ રણકે છે. આ અગણિત શૂન્યોની આગળ મારે એકડો જોઇએ છે. બિચારો નિલયમાંથી – નિલયકુમાર બુચ એકડાવાળા મીંડાઓ થવા માંગે છે. હિંમત નથી હારવી – મથવું છે. કેવી રીતે? ક્યાં? શું કરવાથી એ બનશે… ખબર નથી નિલય બુચ ‘મિસિસ બુચના મિસ્ટર’માંથી મિસ્ટર બુચ થવા માંગે છે… એમની મિસિસ શર્વરી બુચ છે તેમ આખા સંસારને ડંકાની ચોટ ઉપર કહેવા માંગે છે… પણ એ શક્ય ત્યારે જ બને જ્યારે … એ અગણિત શૂન્યોનાં થપ્પાઓની એ આગળ એકડો આવે તો… એ એકડો… કોણ જાણે કેમ મને લાગે છે કે પેલા કલર ટીવી ઉપર આવતા પ્રોગ્રામોની પોલી પોલી સલાહોની જેમ… મારા જીવનમાંથી પોલો પોલો થઈને માઈક્રોનની જાડાઈમાં જતો રહ્યો છે… ઝાંખી ઝાંખી આશાઓના અને ગાઢી નિરાશાઓનાં વાદળોમાં ખોવાઈ ગયેલા શુક્રના તારાની જેમ… દૂર ને દૂર જતો જાય છે.
‘શર્વરી, એટલા માટે મેં ઝેર ખાધું હતું… કે આ શરીરને છોડી દઈને શુક્રની તરફ દોડતો મારો એકડો પાછો લાવી તારા ગર્ભના સાતે પડળોમાં ઝણકાર ભરી દઉં.’
‘પણ નિલુ ! તું નથી તો પછી તારા એ ગર્ભને હું શું કરીશ ?’
‘એટલે?’
‘સીધી વાત છે – તારા અસ્તિત્વની જરૂરિયાત વધુ છે. હું હોઉં કે ન હોઉં શરીરની દુનિયામાં કોઈ જ ફેર પડતો નથી – હું માનવ તરીકે અસ્તિત્વ ધરાવું કે નહીં પણ તારી જિંદગીમાં હું મિસ્ટર બુચ નામનું સાધન છું. કોમ્પ્યુટર રોબોટની તને જરૂર છે – જે તારા અવાજે ચાલે દોડે… કામ કરે… તને મિસ્ટર બુચની જરૂર નથી – એના અસ્તિત્વની જરૂર નથી એટલે આઝાદ કરવા મેં ઝેર ખાધું હતું, હું તો પ્રેમ ભૂખ્યો છું. તું પ્રેમ નામની કોઈ વસ્તુ સમજી છે?’
‘નિલુ આ તારો ધિક્કાર છે કે અસ્વીકાર – એ મને સમજાતું નથી – પણ તારું અતિરેકપણું મને તકલીફ કરે છે… તને ઊભરો આવે છે ત્યારે તું મને ગૂંગળાવી નાખે એટલો પ્રેમ કરે છે… અને જ્યારે ધિક્કારે છે ત્યારે પણ અનહદ ધિક્કારે છે, હું બંને વચ્ચે જીવવા ટેવાયેલી છું. મને જ્યારે તારો અતિરેક પ્રેમ મળે છે ત્યારે બીક લાગે છે… આ બધું હું ગુમાવી દઈશ. જ્યારે આવું ગાંડપણ કરે છે ત્યારે પણ મને લાગે છે કે હું તને ગુમાવી દઈશ…’
‘હું તારું પ્રાપ્ત કરેલું સાધન છું. જે ગુમાવાઈ જવાનું કલ્પન પણ તને દુ:ખદ લાગે છે… શર્વુ – મને પ્રેમ કર નિલુ તરીકે … તારા પ્રેમી તરીકે… તારા આધિપત્યના એક સાધન તરીકે નહીં. તેં મારી સાથેના સહજીવનને એક સમજાવટ બનાવી છે. એને ગાંડો પ્રેમ નથી બનાવ્યો જ્યાં તૂટી જવાનો – ડૂબી જવાનો ભય સુધ્ધાં ન હોય… લેવાની તો વાત જ શું હોય? બસ આપ આપ અને આપવાની જ વાત હોય…’
‘તું આવેશમાં ન આવ… હું વાંકમાં હોઇશ… મારી લાગણીઓને તારી જેમ બેફામ ઉડ્ડયન કરાવતા મને ક્યાંક આપણો સંસાર ખરાબે ચડી જાય તેવી બીક લાગે છે… તેથી… સો ગરણે ગાળીને ધીમે ધીમે હું આગળ વધું છું. તું તો મારા મંદિરનો ભગવાન છે. ભલે ને જડ હોય પણ પૂજારીને મન તેની સાચવણી જેટલી ઉત્કૃષ્ટ હોય તેવી મારી મોંઘી મૂડી તું છે. પણ કોણ જાણે કેમ તને એમ જ લાગે છે કે… એમ જ લાગે છે કે… હું તને મારા આધિપત્યનો એક સ્ક્રુ સમજું છું. નિલુ હું તને કેમ સમજાવું…’
‘નિલુ તરીકે હું એને સમજવા માંગતો પણ નથી… એ વહેંચાયેલી રહે… ઑફિસના કામોમાં… ઘરના કામોમાં… રસોઈમાં… અને હું ક્યાંય કશુંય નહીં… કેમ ચાલે… એણે તો બસ મારી પાસે જ… શર્વુ બનીને જ રહેવું રહ્યું…’
‘નિલુ , તારી ઉંમર કેટલી થઈ?’
‘કેમ?’
‘બસ, એમ જ પૂછું છું’
‘તને ચશ્મા આવ્યા ને?’
‘એ તો બેતાલાં છે.’
‘બેંતાલા એટલે શું?’
‘નજીકનું વાંચવામાં થોડીક તકલીફ પડે છે તે…’
‘અને દૂરનું સ્પષ્ટ દેખાય ને?’
‘હા’
‘તો તને બેતાલાં આવ્યા જ નથી … બેતાલાં મને આવ્યા છે… ’ હું ખડખડાટ હસું છું…
‘શર્વરી, તું તો જોક કરે છે… તું તો હજી આડત્રીસની છે… તને બેતાલાં ક્યાં આવ્યા જ છે? અને મારા બેતાલાં તો આ રહ્યા’ …
‘પણ તને દૂરનું દેખાતું નથી… એટલે જ તો કહું છું કે બેતાલા તને નથી આવ્યા… તને તો નજીકનું બધું જ સ્પષ્ટ દેખાય છે… મારી આજની વર્તણુંકો… આજના વલણો… પણ એ વર્તણુંકો અને વલણોનું પરિણામ બે પાંચ વર્ષે શું આવવાનું છે એ તને નથી દેખાતું… મને દેખાય છે… માટે તો કહું છું કે તને બેતાલા નથી આવ્યા… બેતાલા તો મને આવ્યા છે… ’
‘શર્વુ, તું કહેવા શું માગે છે હેં ?’
‘નિલુ, આજે પણ આપણે તારા હાઈસ્ટૅટસ પ્રમાણે રહી શકીએ છીએ… પણ એમાં આપણી બચતો કપાય છે. તું ક્યાંક પાર્ટટાઈમ સેલ્સ કન્સલ્ટન્ટ બને છે… તો એ લોકો અઠવાડીયે ૧ વખત ૨ વખત બે કલાકના તને ૫૦૦ આપે તો તે ફુલટાઈમ કરતા વધુ સૅલરી છે… એ સીધી વાત તારા ગળે કેમ નથી ઉતરતી? … અને પછી વધુ જરૂરિયાતો ઊભી કરીને એમને ત્યાં આપણી જ્ગ્યા કેમ ન બનાવી શકાય?’
હું ચુપચાપ એને સાંભળું છું… એ સાચી છે… મને ખરેખર નજીકનું જ દેખાય છે… મારી કારકીર્દીને ૫૦૦ માં ખરીદવા માગતા શાહ સોદાગરો… માટે હું બહુ મોંઘો છું એ લોકોની જરૂરિયાત ઓછી છે તેથી ઓછા સમય માટે મને રાખે છે… જેથી એમને એમનું કામ સરે… અને હું પણ ફ્રી નો ફ્રી… જ્યારે જરૂર પડી ત્યારે ના કહીને નીકળી જતાં વાર શું?
થોડોક પ્રસ્તુત બનીશ તો નિવૃત્તિનું ભુત નીકળી જશે… નેપોલિયન હીલ ફરી ગૂંજે છે… યુ કેન ડુ ઇટ ઇફ યુ બીલીવ યુ કેન…
‘કેમ નિલય ચુપ છે? ’
‘ભલે શ્રીપ્રકાશની વાત સમજી લઈશ.’
‘નિલુ!’એ આવેશમાં આવીને મને ભેટી પડે છે… મારા ગાલ… મારા હોઠ… મારા માથાનાં વાળ ઉપર એક મીઠા ઝનૂનથી એના હાથ ફેરવી લે છે… અને જોરથી બાઝી પડે છે… ’
શર્વરીનો આ પ્રેમ… આ પ્રેમ જ મને બાંધી રાખે છે… છૂટાછેડાની વાત ઉપરથી અમે પાછા એક થઈ ગયા… હું એના વહાલને માણું છું… એના શરીરની મીઠી મહેકમાં મને ડ્રેગનની વાસ આવતી હતી…. તે વાત વિચારીને મને હસવું આવ્યું… એને મેં ખેંચી… ચૂમી… અને વહાલથી એના શરીરને પંપાળતો રહ્યો…
‘શર્વુ, મેં તને બહુ દુભાવી નહીં?’ હું એને પૂછું છું… એ કહે છે… ‘ખેર… તું મને મોડી મોડી પણ સમજ્યો… એ જ આનંદ નથી શું?’
‘ શર્વુ, … થોડોક મારો વાંક… થોડોક તારો વાંક… ’ ‘હા… અને હવે થોડોક તારો પ્યાર.. અને થોડોક મારો પ્યાર… ’
‘થોડોક તારો વાન અને થોડોક મારો વાન’ હા… તારા જેવા ઝુલ્ફા અને… મારું નાક… અને તારી કાયા અને આપણું મન…’
‘ચાલ નિલુ, આપણે એક થઈએ… એવી ગાંઠથી કે … જેનો અંત… આ નાનકડું બાળક..’ ‘તારા જેવું…’ ‘ના… તારા જેવું’ – ‘આપણા જેવું….’
અને યુગલને એકાંત આપવા પારેવડા ઉપરથી ઊડી ગયા.