Pattano Mahel - 15 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 15

પત્તાનો મહેલ

(15)

September 7, 2009

ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા હતો. આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા.

રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી ચાલવા માંડ્યો.

શ્યામલી, રાજીવ, બરખા અને નિલયના નામની ધરપકડ થવાની અફવા ફેલાવા માંડી હતી. ભૂપતની ધરપકડ થઈ ચૂકી હતી. આગોતરા જામીનથી છૂટી તો ગયો… પરંતુ આટલા કારણ પૂરતા હતા, તેના નામને વગોવવા માટે. રાજીવ પોલિટિકલી નિષ્ક્રિય હતો. શ્યામલી અને નિલય આ બાબતોમાં બરખાની જેમ વકીલની સલાહ પ્રમાણે વર્તતા હતા. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની દરેક શાખા ચાલુ હતી, પેમેન્ટ અપાતું હતું, પણ આ બધું ક્યાં સુધી ? એ ચિંતા સૌને કોરી ખાતી હતી.

શર્વરી, શ્યામલી, રાધા અને બરખા આ ક્રાઈસીસના મૂળમાં કોણ છે તેની શોધ કરતા હતા.

બરખાના મતે આ પોલિટિકલ ક્રાઈસીસ હતી, શ્યામલીના મતે પાટીલની ગેરજવાબદાર વર્તણુંકો ઇલેક્શનના પરિણામો માટે જવાબદાર હતી. શર્વરી નિલયના ફાસ્ટ ગ્રોથને કારણભૂત ગણતી હતી. જ્યારે રાધા મૂળ કારણ રિચાર્ડસનને ગણતી હતી. નિલયે વિયેરાને ફોન કરવાનું વિચાર્યું – પણ રાજીવ અને બરખા આ કારણને મોટું માનતા ન હતા. મલ્કાપુરકર, બાજપાઈ, હીરજી, શ્રી નિવાસન તથા સ્ટાફના અન્ય માણસો પણ ચિંતિત હતા, મૌન હતા, સક્રિય હતા, ફિલ્ડ સ્ટાફને જાળવીને પૈસાની લાઈન દોરી જાળવી રાખી કંસ્ટ્રક્શનને ચાલુ રાખતા હતા. અફવાઓને પણ પાંખ હોય છે… પણ કાન નથી હોતા – આંખ નથી હોતી તે ન્યાયે પરિણામ નજીવું જ રહેતું.

આ દિવસો દરમ્યાન નિલય ખાસ્સો ઘડાઈ ગયો હતો. તેના વાળ સંપૂર્ણ રૂપેરી થઈ ગયા હતા. નાનકડી નૌકા આ ફેરફારને સમજી નહોતી શકી. શર્વરી નિલયની તકલીફો સમજતી હતી. વહાલથી તેના માથાને ચુમતી હતી અને ગાતી ‘મેં ક્યા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા…’

નિલયની અંદર પ્રૌઢ નિલય જ હવે જીવતો હતો. યુવાન અને બાળ નિલય અદ્રશ્ય થઈ ગયા હતા. તે આત્મચિંતન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાન જેવી ડાહી ડાહી વાતો કરતો થઈ ગયો હતો. એને આશ્વાસન ફક્ત એક જ પાટિયું આપતું હતું ‘આ દિવસો પણ રહેવાના નથી…’

હવે જે છે તે ટકાવી રાખવું જોઇએ વાળા સંરક્ષણાત્મક વિચારો તેને ઘેરી વળતા હતા. રાજીવ – શ્યામલી આ વસ્તુઓ જોઈ રહ્યા હતા. નિલય પુખ્ત થઈ રહ્યો છે.

******

તે દિવસે હોટેલમાં ભૂપત, પાટીલ, રાજીવ, રિચાર્ડસન તથા વિયેરા બેઠા હતા. રિચાર્ડસન પાટીલને કોઈપણ પ્રકારની મુદ્દત આપવા માગતો નહોતો જ્યારે રાજીવ રિચાર્ડસનને તેની બેંકનાં ઓવરડ્રાફ્ટ માટે જરૂરી ભંડોળ પ્રોપર એસ્યોરન્સ સામે… એટલે કે તેના તાબાની મિલકતો સામે આપવા તૈયારી બતાવતો હતો.

વિયેરાનો દાવો સ્પષ્ટ હતો. ટેન્ડર પાંચ વર્ષ મળવા જોઇતા હતા હવે કાં તો આ ટેન્ડર પાછા ખેંચાવો. ટેક્નિકલ વાંધાઓ સાથે કાં તો જે તે નુકસાન ભરપાઈ કરો. પાટીલ આ સોદા કરવા તૈયારી બતાવતો નહોતો. પોલિટિક્સમાં આવું તો થતું જ રહે… વ્યાજની ગણતરી ન હોય… મૂડી મૂડી નીકળી ગઈ છે. અને મૂડી કરતાં વધારે રકમ ઇલેક્શન પછી મળશે જ …. પરંતુ ઇલેક્શનનું જોખમ તો લેવું જ પડે….

ભૂપત આ ચર્ચા દરમ્યાન સાવ શાંત હતો. એ રિચાર્ડસન અને વિયેરાનાં વર્તનને માપી રહ્યો હતો. રિચાર્ડસન અને વિયેરા બંને લડવાના મૂડમાં હતા. મુળ તેમને નિલયના સેટલમેન્ટ વખતમાં પૈસા ખૂંચતા હતા. ભૂપત આવા તબક્કામાં લડાયક મૂડમાં માણસોને નમવામાં પોતાનું અપમાન સમજતો હતો. તેથી તેણે રિચાર્ડસનને સીધો જ પ્રશ્ન પૂછ્યો.

‘તમને એવું લાગે છે કે પાટીલ આ વખતે ઇલેક્શન નહીં જીતે?’

ડગુમગુ થતા રિચાર્ડસને થોથવાતી જીભે કહ્યું – ‘ભૂપતભાઈ, ઇલેક્શન તો તમે જાણો છો તેમ જુગાર છે. કોઈક જીતે અને કોઈક હારે. પણ આ ઑર્ડર મેળવવો મારે માટે ખૂબ જ અગત્યનો છે. નહીંતર હું નાણાકીય રીતે ખતમ થઈ જાઉં.!’

‘પણ એ બાબતનું એસ્યોરન્સ તો તમને રાજીવ આપે છે. તમને વ્યાજના નાણાં મળી જશે. પછી આ પ્રશ્ન ક્યાં રહે છે?’

‘પણ એ રીતે નાણાં ઊભા કરાય ના.’

‘જો ભાઈ – રીત અને પ્રકારના ઝંઝટમાં પડ્યા વિના કામ નીકળતું હોય તો કાઢી લો ને ભાઈ !’

‘પણ એવું દયા – દાન મારે શા માટે લેવું ?’

‘આમાં દયા – દાન ક્યાં છે?’

‘પણ એવું જ થયું ને ? ટેન્ડર ડીઝોલ્વ કરાવો એટલે સામે નાણાં…’

‘જુઓ મિ. રિચાર્ડસન. પાર્ટીના કામોમાં આ ઘટના બની ગઈ. હવે એ કાર્ય શક્ય નથી તેથી તો આજે ચર્ચા કરવા બેઠા છીએ.’

વિયેરા – જાણે આ તકની જ રાહ જોઈને જ બેઠો હોય તેમ – તરત બોલી ઉઠ્યો – ‘એ કેમ ચાલે? પાંચ વર્ષ સતત કોંટ્રાક્ટ મળશે તેવી તો મિ. પાટીલની બાહેંધરી અમારી પાસે લેખીતમાં છે.’

ભૂપત માટે આ સમાચાર નવા હતા. એણે પાટીલ સમે જોયું પાટીલે આશ્ચ્રર્ય વ્યક્ત કર્યું. ત્યારે ભૂપત વિયેરાની ચાલ સમજી ગયો. એણે વિયેરા પાસે પાટીલના લખાણની કોપી જોવા માંગી.

વિયેરા આ પ્રશ્ન માટે તૈયાર જ હોય તેમ તરત બેગમાંથી ઝેરોક્ષ કોપી કાઢી પત્ર ભૂપતના હાથમાં મૂકી દીધો. ઝેરોક્ષ કોપીને જોયા પછી ભૂપત બોલ્યો ‘આ પત્ર ખોટો છે. ઓરિજિનલ પત્ર આપો.’

અત્યાર સુધી શાંત બેઠેલા પાટીલે હવે મોં ખોલ્યું – ‘ભૂપત પત્ર સાચો છે.’ ભૂપત ગુસ્સે થતા બોલ્યો – ‘સાચો પત્ર આ નથી. સાચો પત્ર જોયા વિના તે લોકોની શરત માન્ય ન રખાય.’

રિચાર્ડસને વિયેરાને ઓરિજિનલ પત્ર આપવા કહ્યું.

ઓરિજિનલ પત્રમાં ભૂપતે બે ફેરફાર નોંધી લીધા. એક શરત પ્રમાણે – જો કંપનીનો માલ ક્વૉલિટિ કંટ્રોલ દ્વારા રિજેક્ટ થાય – અગર કંપનીમાં હડતાલ પડે તે તબક્કામાં કોન્ટ્રાક્ટ ના મળે તે વાત ઝેરોક્ષ પત્રમાં નહોતી.

પાટીલ ઉપર ભૂપત ગુસ્સે થઈને બોલ્યો ‘આ પત્ર વિશે મને વાત તો કરવી જોઇએ.’

રિચાર્ડસન અને વિયેરાના મોં જીતની ખુશીથી મલકાવા માંડ્યા. રાજીવ ટેન્સ હતો. તે ભૂપતની નબળાઈ જાણતો હતો. એ આવા નાજુક મામલામાં નિર્ણય ત્વરિત લઈ લેતો. તેણે ભૂપતને બે મિનિટ રોકાવા અને શ્યામલી જોડે વાત કરી લેવા ભૂપતને સમજાવ્યો.

ભૂપત ગુસ્સામાં હતો કે નહીં તેનું નિદાન પાટીલ ત્વરિત ન કરી શક્યો પણ પહેલી વખત ભૂપતની પાટીલ માટે કડવી ટીકા હતી તેથી તે પણ સ્તબ્ધ હતો

પાંચેક મિનિટનાં મૌન પછી ભૂપતે રાજીવને પૂછ્યું – ‘રાજીવ – રિચાર્ડસનની આ વાત ઉપરથી આપણે વિચારવું પડશે. લોસ કેટલો થાય છે?’

વિયેરા આ તકની રાહ જોતો હતો. લોસનો આંકડો નિલયના આંકડા જેટલો જ હતો.

રાજીવે ભૂપતને નિર્ણય લેતો રોકવા બીજો પ્રયત્ન કર્યો. ‘આ ખોટી વાત છે. લોસનો આંકડો જાણી જોઈને વધારે બતાવીને આ પ્રશ્નનું નિરાકરણ દૂર ઠેલવા માગે છે.’

ભૂપત રાજીવનો ઇશારો સમજી તો ગયો પણ તેને ન ગણકારીને વિયેરાને કહ્યું – લોસનો આંકડો તમારે બ્લેકમાં જોઈએ કે વ્હાઈટમાં?

વિયેરા ભૂપતની વાતમાં આવી ગયો. રિચાર્ડસન સામે જોયું અને બોલ્યો – દસ લાખ રોકડા અને બાકીની જમીન બેરર બૉન્ડ – કે અન્ય સ્થાયી સ્વરૂપે. ભૂપતે ક્ષણની પણ રાહ જોયા વિના રિચાર્ડસનને રકમ મળી જશે કરી મીટિંગ બરખાસ્ત કરી.

પાટીલને રિચાર્ડસનની વર્તણૂક ઠીક લાગી નહોતી, તેથી ભલે તે શાંત હતો પરંતુ અંદરથી તે પ્રત્યાઘાત આપવા તલસી રહ્યો હતો. તે મોકો એને આ મીટિંગ પછી પંદર દિવસે મળી ગયો.

સારા ફાર્માસ્યુટિકલ્સનાં બે યુનિયનો બોનસના પ્રશ્ને હડતાલની ધમકી આપી રહ્યા હતા. રિચાર્ડસનને ભય હતો કે આ નાજુક ક્ષણોનો ફાયદો પાટીલ લઈ જશે. એટલે તેણે બીજા યુનિયનના લીડરને પોતાના હાથમાં લઈ હડતાલ સ્થગિત કરાવવાના બધા જ પ્રયત્નો શરૂ કર્યા. આમ યુનિયનમાં સ્પષ્ટ તિરાડ પાડવાનો પાટીલને ગુસ્સે કરી ગયો. ભૂપતે રકમની વ્યવસ્થા કરી લીધી હતી અને એ રકમ જ્યારે રિચાર્ડસનને પહોંચી ત્યારે સાથે ઇન્કમટેક્સવાળાની, વેલ્થ ટેક્સવાળાની, અને લાંચ રુશ્વત વિરોધી ખાતાની મોટી ફોજ પણ સાથે જ પહોંચી. છાપાવાળાનો પ્રચાર વંટોળ પણ કાંઈ ઓછો નહોતો. અને ત્રણ જ દિવસમાં સારા ફાર્માસ્યુટિકલ્સ બંધ થઈ, હડતાલમાં બોનસ એકલું જ નહીં… પણ બીજા ઘણાં બધાં પરિબળો ઉમેરાયા હતા. જેવાં કે રૉ મટિરિયલ, સ્મગલિંગ અને બેનામી રકમોની મોટાપાયા પર હેરફેર… અને ભળતા માલની સાથે સાથે ડ્રગ વપરાતા હોવાના પુરાવા.

રિચાર્ડસન અને વિયેરા આ સામટા પ્રત્યાઘાતને પહોંચી વળવા અસમર્થ હતા. જમીનો, બેરર બૉન્ડ, રોકડ રકમ વગેરે તો જપ્તીમાં જતા રહ્યા પણ ગાંઠનું કંઈક લેતા જાય તે પરિસ્થિતિ હતી. રોજનું પોલીસકામ અને હિસાબોની તપાસમાં મગજ કામ ના કરે તેવા મુદ્દા ઉમેરાવા માંડ્યા. રાષ્ટ્રીય સ્તરે આવેલ મલ્ટી નૅશનલ કંપનીમાં આટલી મોટી હેરાફેરી તડ અને તપાસથી ખુદ મિનિસ્ટ્રિ હલી ઊઠી.

તમાશાને તેડું ન હોય… છાપાવાળા તો આવું શોધતા જ હોય… રિચાર્ડસને આવેગમાં આવી ગુપ્ત કરાર તથા ભૂપત અને પાટીલની મૈત્રી – તથા લેણદેણના કેટલાય આંકડાઓ પાટીલની હરીફ પાર્ટીને આપ્યા. રૂલિંગ પાર્ટી હોવાથી ફોજ મોટી આવી. ભૂપતની સિલ્ક મિલ્સ, પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન અને દરેક કંપની કે જ્યાં ભૂપતનું નામ હતું તે દરેક જગ્યાઓ ઉપર દરોડા પડ્યા ભૂપતની ધરપકડ થઈ. બીજે દિવસે જામીન પર છુટકારો અને … પછી જે ઘટનાઓનું ચક્ર ચાલ્યું કે જે એ મહિના પૂરતું ક્યાંય અટક્યું નહીં..

પેરેમાઉન્ટ ઉપર ડિપૉઝિટરોની લાઈન ખડકાઈ ગઈ. જેઓને લોન મળી નહોતી તે લૂંટાઈ ગયાની મનોવૃત્તિમાં હતા જેઓ લોન લઈને બેઠા હત તેમના મનમાં લોટરી લાગ્યાની ભાવના હતી અને જેઓની રકમો એફ.ડી.નાં રૂપે જમા થઈ હતી. તેઓ પૈસા માટે ઉંચાનીચા થતાં હતા.

નિલય, રાધા, શ્રીવાસ્તવ, સૌને ધીરજ આપતા હતા. રાજીવ, શ્યામલી પણ મુંઝાયેલા હતા. આવા આઘાતના તબક્કામાં કાનુની સ્ટે પૂરતો ન લાગતા બીજે દિવસે જાહેરાત આપીને પ્રચાર માધ્યમને સક્રિય બનાવી દેવાયું. હપ્તા અન આવકમાં જબરજસ્ત ઘટાડો થઈ ગયો હતો. આ વિવાદમાં સૌને એક જ ખાતરી જોઇતી હતી, – તેમના પૈસા ક્યાં છે? અને જો હોય તો કોઈપણ કિંમતે પરત કરો.

નિલય પોતે રચેલા પોતાના મહેલને વિખરાતો જોઈ રહ્યો હતો. એક પછી એક પત્તા ગોઠવીને મહેલનાં ઝરૂખા, કાંગરા બનાવ્યા હતા. બધું તેની ધારણા પ્રમાણે સીધું ઉતરતું હતું પણ આ મહેલ સામાન્ય પવનના ઝોકાથી ઊડી જાય તેટલો નબળો છે તે હકીકતનું તેને ભાન થયું. ત્યારે તે ખૂબ જ હતાશ અને નાસીપાસ હતો.

અચાનક આવી પડેલ રાજીવની ઑફરથી શરૂ થયેલ મંઝિલ એની કારકિર્દી બની ગઈ હતી. એક પછી એક પાસા તેના સફળ થતા જતા હતા. શ્યામલીની ડીલ, વિયેરાની સાથે ઝડપી પડાપડી, પેરેમાઉન્ટમાં ચેઇન સ્કીમની જાહેરાત… અને ડિપૉઝિટરોની પડાપડીથી તે સ્થિર થઈ ગયા હતા. લાંબા ગાળાની નિષ્ફળતા બાદ સફળતા એના કદમોને ચુમતી હતી.

પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનના હિસાબોમાં શંકા વ્યકત કરતી નોટિસ આવી. છાપામાં વિવાદનો વંટોળ ચડ્યો. પેરેમાઉન્ટમાં નિર્દોષ લોકોના કરોડો સલવાયા. ઉપરા છપરી માણસોના ડેલીગેશનો આવવા માંડ્યા. નિલય મક્કમ બનીને સહન કરતો રહ્યો પણ અંદરથી તૂટતો રહ્યો, ઘડાતો રહ્યો.

Advertisement નો દોર ચાલુ હતો. રોકાણ, પુનર્રોકાણ અને કંપનીની સારી બાજુઓ લખાવી ગઈ. ગેરકાયદેસર નોટિસનો પ્રતિકાર થયો. સ્ટે માગ્યો. સ્ટેથી થોડીક રાહત થઈ. અને ટોળા ઘટતા થયા. આ ધમાલમાં રાધા, શ્યામલી અને શર્વરી ત્રણેય જુદા જુદા ક્ષેત્રે નિલય માટે ખૂબ જ રાહતપૂર્ણ ટેકો બની રહ્યા.

અને એટલું જ રાહતભૂત પેલું પટિયું હતું. – ‘આ દિવસો પણ જતા રહેશે.’ એ પટિયું જોઈને નિલય સક્રિયતા મેળવતો.

કૃષ્ણની ગીતાના કવનો એને યાદ આવતા. હાક મારજે મદદ તૈયાર છે. પણ કામ કરતો રહેજે, નિરાશ ન થઈશ, મફતનું ન લઈશ, કાર્યરત રહેજે…. દરેક કાર્યથી જે કર્મ બંધાય છે. તે કર્મની બેંક હોય જ છે. એ બેંકમાં કર્મનું જમા ઉધાર ખાતું ચાલુ જ છે.

ભૂપતની સિલ્ક મિલ્સનાં શેરોનો ભાવ તૂટી ગયો. આવા સમયે ભૂપત સામાન્ય રીતે ભાવ ટકાવવા શેરો ખરીદતો. પરંતુ આ વખતે તેણે પણ બેંગ્લોર સ્ટોક એક્સચેંજમાં તેના શેરો વેચવા કાઢ્યા. આથી ભાવ વધુ તૂટ્યો…. પણ તેની પરવા ન કરતા… શેરોના બધા જ પૈસા પાટીલના હાથ મજબૂત કરવામાં વાપરવા માંડ્યા. પાટીલની સામે સત્તારૂઢ પાર્ટીએ ખૂબ જ અગ્રણી અને અનુભવી કાર્યકરને ચૂંટણી લડવા મૂક્યો.

ભૂપતની સક્રિયતાથી શ્યામલી ઘણી વખત ડરી જતી. ભૂપત પરફેક્શનીસ્ટ હતો. એ જ્યાં સુધી કામ હાથમાં ન લે ત્યાં સુધી કશું નહીં, પણ એક વખત કામ હાથમાં લીધું પછી તે કોઈપણ ભોગે પૂરું કરીને જ રહેતો હોય છે.

કોઈપણ પ્રકારનું statement આપવાની ઘરમાં બંધી હતી. આ ધમાલ દરમ્યાન સામેના ઉમેદવાર ને બેસાડવા સામેની પાર્ટીમાં તડ પડાવી ક્રોસ વોટિંગ કરાવવામાં ભૂપત સફળ રહ્યો. પાટીલ જીત્યો. પણ મેજોરિટિમાં ન આવ્યો. મિનિસ્ટ્રિ તો બાજુ પર રહી પણ જો ભૂપત ન હોત તો ઇલેક્શનમાં પણ ભૂંડા હાલ થતે વાળી વાત સેંટ્રલમાં છૂટા મોંએ ચર્ચાવા માંડી.

પાટીલે ચૂંટણીમાં મોટાપાયે ગેરનીતિઓનો આક્ષેપ કર્યો. ચૂંટણી વખતે તપાસપંચ રચાયું. અને ભૂપતને પેટ્રોકેમીલકલ સંકુલમાં રસ હોય તો તેના વિશે પૂછવામાં આવ્યું. ભૂપતે પોતાનો રસ જણાવ્યો.

હાઈકૉર્ટમાં પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ઉપરની નોટિસ રાજકીય રીતે કિન્નાખોરીથી અપાઈ હોવાનું જાહેર થવાથી વાત ભૂપતને મળી ગઈ હતી. તેથી તેણે દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને કલકત્તાથી શેરો ખરીદવા માંડ્યા હતા.

પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ઉપરની નોટિસ જે દિવસે ઊડી ગઈ તે દિવસે ભૂપતની સિલ્ક મિલ્સની Board Of Directors અને બોનસની જાહેરાત કરી દીધી. Petrochemical અને ડાઈવર્ઝનનો મોટો ઈશ્યુ જાહેર કર્યો.

ઉપરાછાપરી જુદી જુદી જાહેરાતોથી શેરોના ભાવ કડાકે બંધ વધવા માંડ્યા. એક જ પતવણામાં બધી જ નુકસાની ભૂપતે કાઢી લીધી.

આ રકમો પેરેમાઉન્ટની ઑફિસો ઉપર ખડકાઈ ગઈ ડિપૉઝિટરોને પૈસા પરત મળવા માંડ્યા… અને ઉતાવળે ડિપૉઝિટ પરત લેવા આવનારાઓ વ્યાજ મૂકી ડિપૉઝિટો લેતા ગયા. આ વ્યાજની રકમ ઘણી જ મોટી હતી.

ત્રણ મહિનામાં ઘણી ઊંચી નીચી જોઈ લેનાર બધા જ સભ્યો ઘડાઈ ગયા હતા. આ સમય દરમ્યાન અંગત માણસો, બહારના માણસો તથા મિત્રો દરેકના બીજા સ્વરૂપનું દર્શન થઈ ગયું હતું.

નિલયમાંથી બાળ નિલય, યુવાન નિલય લુપ્ત થઈ ચૂક્યો હતો… એનામાં પ્રૌઢ નિલય જાગૃત હતો… તમાશો જોતો હતો અને કહેતો હતો – નિલય… જોઈ લે આ બીજા દિવસોનો તમાશો… ઘડીમાં ઉપર અને ઘડીમાં નીચે જતા જીવન ચક્રનો તમાશો…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED