Pattano Mahel - 6 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 6

પત્તાનો મહેલ

પ્રકરણ 6

બેંગ્લોર રાજીવ લેવા આવ્યો હતો. નિલયને પહેલી જ નજરે ઓળખી ગયો – પ્રેમથી ભેટી પડ્યો – વેલકમ દોસ્ત! આફ્ટર અ લોંગ લોંગ ટાઈમ… નિલય પણ હેતથી ભેટ્યો. ખબરઅંતર પૂછીને બોલ્યો – ક્યાં છે જુનિયર અને બરખાભાભી?

 

‘ગાડીમાં તારી જોડે જ આવ્યા છે but unfortunately હું તને intimate નહોતો કરી શક્યો. – she is there.’

 

બરખા –એ જ ટ્રેનમાં બીજા ડબ્બામાં હતી સિલ્કની બારીક ડીઝાઈનોવાળી સાડીમાં ગર્વીલી ચાલે પાછળથી આવતી દેખાઈ. છએક વર્ષનો તેનો બાબો પણ તેની સાથે જ હતો. પૉર્ટર મોંઘી અને મોટી બે સુટકેસ લઈને પાછળ આવતો હતો.

 

રાજીવને જોઈને એ મલકી – ‘ચિંતુ , જો પપ્પા… ’ ચિંતન – રાજીવની જ કોપી હતો. પપ્પા પપ્પા કરતો તે દોડી આવ્યો અને ભેટી પડ્યો. રાજીવના ગજવામાંથી મોંઘી ચોકલેટ લઈને ઓર ખુશ થઈ ગયો.

 

  ‘બરખા – આ નિલય બુચ – my friend – room partner’, ‘ નિલય – આ બરખા, my wife, life partner – my sedative.’

 

નિલયે બરખા સામે હાથ જોડીને કહ્યું – ‘ભાભી – આપણી પહેલી મુલાકાત છે – મને આ તમારા રાજીવે જણાવ્યું નહીં – નહીંતર આ જ ટ્રેનમાં હું આવ્યો!’

 

’સમય જ નહીં મળ્યો હોય’ બરખાએ ટહૂકો કર્યો.  રાજીવ હસ્યો.

 

રાજીવની ફીયાટમાં બધા તેના ઘરે પહોંચ્યા.

 

કેમ્પાગોવાડા સર્કલમાં આવેલ રાજીવનું નાનું ઘર સ્વચ્છ અને આધુનિક દરેક સુવિધાથી સજ્જ હતું. ઘરમાંના ફર્નીચરમાં એક વિશિષ્ટ પ્રકારની સ્પષ્ટ કલ્ચરલ અસર જણાતી હતી. સાગના સોફા સેટ ઉપત ડાર્કબ્રાઉન કલરનું જાડા ફોમ ઉપરનું રેક્ઝીન – આછી પીળી દિવાલમાં મેચીંગ થઈ જતું હતું. એ જ કલરની નીચે જાજમ અને દિવાનખંડની મધ્યમાં ગોળ વર્તુળોનાં જુદા જુદા રંગોના પાટાની વચ્ચે ઘર – રાજીવ અને બરખાનું નામ વાળું બોર્ડ ઘરનાં માણસોમાં રહેલ કલાસુઝની વાત જણાવતું હતું.

 

નિલય ફર્નિચર અને દીવાનખંડ બારીકાઈથી જુએ છે એ જોઈને બરખા બોલી – ‘નિલયભાઈ – interior decorators નું ભણી છું – તેનો રાજીવ ઉપયોગ બહાર કરવા દેતા નથી તો હું તેનો ઘરે ઉપયોગ કરું છું.

 

‘ Wonderful’ – નિલય બોલ્યો. ઘણું સરસ ઘર સજાવ્યું છે. રાજીવ મૂછમાં હસતો બોલ્યો – ‘ચાલ તું તૈયાર થઈ જા આજે ૯.૦૦ વાગે તારો Interview છે. ડીટેઈલ બધી આપી દઉં.’

 

‘હા, મને શું વેચવાનું છે – મને શું મળે છે તે કરતાં કંપની જે ગ્રાહકોને વેચવાની છે તે કેવું આપે છે – તેમાંથી કેટલું કમાય છે – શું છે બધી વિગતે વાત કર – અને જો તને વાંધો ન હોય તો interview માં જતા પહેલાં બધું એક વખત જોઈ લેવા માગું છું.’ નિલય બોલ્યો. ‘તમે ઝટ ઝટ નહાઈ લો અને ડાઈનીંગ ટેબલ પર બેઠા ગપ્પા મારજો’ બરખાએ કહ્યું. ટેલિફોનની ઘંટડી વાગી – રાજીવ કનારી ભાષા સારી બોલતો હતો એના ઉન્નડ ગુન્નડમાં નિલયને સમજ પડતી નહોતી તેથી તે નહાવા ગયો.

 

ગરમ ગરમ ઉપમાનો નાસ્તો અને કીટલી ભરીને ચા સાથે બંને મિત્રો ડાઈનીંગ ટેબલ ઉપર ગપ્પા મારવા બેઠા. રાજીવ એક Financial કંપનીમાં sales executive હતો. મકાનો બનાવતી કંપનીમાં તે મેમ્બર્સ બનાવી આપતો હતો. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન કંપની – દરેકનું ઘરનું ઘર બનાવી આપતી હતી. અને તે માટે તેમની નાની બચતોનો ઉપયોગ કરતી હતી. ટીપે ટીપે એકઠી થતી આ બચતોની તે જમીન ખરીદી તેના ઉપર ઘરો બાંધતી હતી.

 

તેમના ડાયવર્ઝન પ્રોગ્રામમાં મહારાષ્ટ્ર એક અગત્યનો ભાગ હતો. અને નિલયનો તે માટે Interview લેવાવાનો હતો. પગાર આકર્ષક હતો – સ્પર્ધાત્મક વલણમાં આગલી નોકરીમાં થયેલી તકલીફો તથા કોર્ટમાં જવું પડ્યું  – તો તેના પરિણામ પછી શું કરશો જેવા પ્રશ્નોનો જવાબ તૈયાર રાખવાનો હતો.

 

વાતો વાતોમાં ડાઈનીંગ ટેબલ પર ૯ ક્યાં વાગી ગયા તે ખબર ન પડી.

 

Interview ચેમ્બર પાસે દસેક જણ ઊભા હતા – નિલય પોતાની દશા વિચારતો હતો. ફરીથી એકડો ઘૂંટવો કેટલો અઘરો હોય છે. નાનું બાળક જ્યાં સુધી એકડો લખતા શીખ્યું ન હોય ત્યાં સુધી તેને લખવાની એક આદત પડી હોય – પણ જ્યારે શીખી લીધા પછી ફરી એકડો ઘૂંટવાનો કંટાળો આવતો હોય તેના જેવી તેની દશા હતી.

 

સિદ્ધિના એક શિખરને તે આંબી ચૂક્યો હતો – પરંતુ તે શિખર પર પહોંચ્યા પછી બીજા શિખર ઉપર ચઢવામાં આવતો આ ઢોળાવ તેનાથી સહ્યો જતો નહોતો – તે તો પોતાની જાતને સતત ને સતત ઊંચે ને ઊંચે ચઢતા જોવાનું શીખ્યો હતો. આ ઉતાર તેને ડંખતો હતો. તેને માટે તે તૈયાર નહોતો. તેને ફેંકી દેવામાં આવ્યો હતો – એ પડતો હતો ત્યાં સુધી તેને તે પડ્યા પછી થનાર પછડાટનો અહેસાસ નહોતો. અને તે અનિશ્ચિતતાઓ તેની ધારણા કરતા વધુ લાંબી વધુ ગૂંગળાવનારી નીકળતી હતી તેથી તે પછડાટને ખાળવા પાટેનું નાનકડું બફર એક્શન જેવું જ કંઈક હતું. – ખરેખર તો એ લોકોના Interview  લેતો હતો – અને હવે આજે એ Interview આપનારાઓની લાઈનમાં ઊભો હતો. તેનું ગર્વિષ્ઠ મન ઘવાતું હતું.

 

Interview માટે તેનું નામ છેક છેલ્લે આવ્યું. કેબીનમાં Interview માટે તે દાખલ થયો ત્યારે જ તેને ખ્યાલ આવ્યો… કોઈક જાણીતો ચહેરો ચેમ્બરમાં તેની રાહ જોઇ રહ્યો હતો.

 

હા… તે શ્યામલી હતી.

 

નિલયનું હૃદય એક ધડકન ચૂકી ગયું.  

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED