પ્રકરણ 4
તે દિવસે પોસ્ટમાં એક પત્ર આવ્યો. રાજીવ મહેતાનો હતો. બેંગ્લોર બોલાવ્યો હતો, શા માટે? કશું જ નહી. તારો પ્રૉબ્લેમ સોલ્વ કરવો છે . આવી જા દોસ્ત – જેવા ટૂંકા ચાર અક્ષરોના પાંચ વાક્યોમાં એણે પત્ર પૂરો કરી દીધો હતો.
રાજીવ… સ્કૂલનો પ્રતિસ્પર્ધી – શ્યામલીનો ત્રિકોણ… જો કે છેલ્લે એ ત્રિકોણ ખૂલી ગયો હતો… મારી જેમ એ પણ તરછોડાઈ ગયો… જાણે કેટલો બધો ગાળો વીતી ગયો. બોમ્બેથી ૨૦૦ કિ.મી. દૂર બેલગાંવની હોસ્ટેલમાં સાથે લડતા … ઝગડતા… શરાબનો કટ્ટર દુશ્મન રાજીવ…તે દિવસે હું ધમ્મ દઈને પછડાયો… જો કે તે એકલો જ હતો… રૂમ આખો શરાબની બદબૂથી તરબતર હતો મને કોઈપણ પ્રકારનો હોશ ન હતો. લવારી ચાલુ હતી… અને લવારીમાં એટલી જ ખબર હતી કે રાજીવને દારુ પસંદ નથી… અને તેથી આંતરીક નિલય બબડતો હતો… રાજીવ દોસ્ત..! માફ કર, માફ કર… ચઢી ગઈ છે… અને રાજીવ – નિલયના ઘુમ્મ ચહેરાને જોતો રહ્યો હતો. નાક દાબીને ધૂપસળીઓ સળગાવીને બેસી રહ્યો.
બીજા દિવસે રાજીવે ન વાત કરી કે ન કોઈ પ્રકારનો ગુસ્સો કર્યો. નિલય તેથી વધુ ગિલ્ટ અનુભવતો હતો. એનાથીયે વધુ એને એમ થતું હતું કે રાજીવ શ્યામલીને વાત કરશે… શ્યામલીને પામવાના એના પ્રયત્નોમાં આ પ્રસંગ વિઘ્નરૂપ બનશે અને રાજીવ એનો મહત્તમ લાભ ઉઠાવશે. તેથી અકળાઈને તે બોલ્યો – ‘રાજીવ – આમ મૌન રહેવાને બદલે ઓકી નાખ તારો ગુસ્સો યાર !’ રાજીવ ન બોલ્યો, ન હસ્યો, ન વાત કરી. સાંજે વાત વાતમાં તે બોલ્યો – ‘નિલય, તુ નશામાં હતો છતાં તારું અંતરમન મારી માફી માગતું હતું. તારા બડબડાટમાં મારા પ્રત્યે તારાથી થઈ ગયેલી ભૂલનો અહેસાસ હતો. પછી તારા પર શું ગુસ્સો કરવાનો યાર, એ વસ્તુ પ્રત્યે મારી ઘૃણા આ જ કારણે છે.તારી એક ગેરસમજ દૂર કરવાનો આ જ સમય છે. તેથી આ વાત કરું છું – તું મને તારો પ્રતિસ્પર્ધી માને છે . તે શ્યામલી ને માટે હું અને તું બંને એક સામાન્ય મિત્રોથી વધુ કાંઈ જ નથી, હું તો આ વાત ઘણા સમય પહેલા પામી ગયો હતો પરંતુ તને આ વાત હું કેવી રીતે કહું? કદાચ તું એને મારી ચાલ સમજે.’
નિલય આ વાત મન પર ન ગણકારી અને કહ્યું – ‘છોડ શ્યામલીની વાત . પણ તું મારાથી ગુસ્સે છે?’
‘ના અને હા…’
‘એટલે શું? ’ નિલય બોલ્યો.
‘ખાસ કંઈ નહીં. તું મનથી માફી માગતો હોય તો ગુસ્સે નથી. પરંતુ શ્યામલીને વાત હું કહીશ અને એ ભયથી અકારણ ગુસ્સે થતો હોય તો હા, – કારણ કે આ ભય તારો અસ્થાને છે.’
‘રાજીવ, જો હું ખૂબ જ possessive છું અને મનથી એવું માનું છું કે શ્યામલી મારી છે અને એ તારી સાથે વાત કરે તે વાત મારાથી સહન થતી નથી – અને શ્યામલીએ ખુદ કહ્યું હતું ‘તું નિલય,’ સ્પોર્ટી નથી – રાજીવ તારા કરતા સારો મિત્ર છે તેથી જ તો તારી દરેક વાતમાં મને પૉલિટિક્સ ગંધાય છે…!’
રાજીવ મૌન હતો એ નિલયની સામે જોઇ રહ્યો. એની નજર નિલયથી જીરવાય તેવી નહોતી. નિલયને મનમાં ઊંડે ઊંડે ઉંડે રાજીવની ઈર્ષ્યા થતી હતી – રાજીવ નિખાલસ અને સ્પષ્ટવક્તા હતો તે વાત શ્યામલીને જચતી હતી – પરંતુ નિલયને તેમાં politics ગંધાતુ હતું… પછીની વાત તો બહુ જ ટૂંકી હતી. કૉલેજના છેલ્લા વર્ષમાં જ શ્યામલી તેની જ્ઞાતિના છોકરા સાથે વિવાહ બંધનમાં ગોઠવાઈ ગઈ. નિલયે એને ફોન ઉપર અભિનંદન આપ્યા ત્યારે શ્યામલી ટૂંકું ને ટચ થૅંક યૂ કહીને પતાવવા જતી હતી ત્યાં રાજીવે ફોન હાથમાં લીધો – ‘શ્યામલી – this is not fair , તારા મિસ્ટરની ઓળખાણ તો કરાવ.’ શ્યામલીનો શ્રીમાન ભૂપત ઝવેરી કાપડ બજારની એક મોટી હસ્તી હતી. રાજીવે ફોન પર જ પૂછ્યું – ‘ભૂપતભાઈ, તમે વિનયમંદિરમાં ભણ્યા હતા ને?
‘હા’
‘અચ્છા તમારી સાથે રાજીવ મહેતા કરીને ધમાલિયો દીપ્તિને છેડતો દિવાનો છોકરો હતો?’
‘હા, પણ તમે એને કેવી રીતે ઓળખો? ’
‘હું એ જ રાજીવ છું…’
રાજીવનો એ મિત્ર હતો. ‘એ નિલય… શ્યામલી એક જિંદાદિલને પરણે છે… ખેર… ખુશ થા. સાંજે આપણે મળીએ છીએ.’
‘આ દીપ્તિ કોણ છે?’ નિલયે પૂછ્યું.
‘દીપ્તિ…. !’
એ ભૂતકાળમાં ગરકતો જતો હતો બે પાંચ ક્ષણ પછી બોલ્યો – ‘નિલય, શ્યામલીને તું કેટલું ચાહે છે?’
‘કેમ? એ મને મળી હોત તો હું ધન્ય થાત.’
‘દીપ્તિ અને શ્યામલી – એક સિક્કાની બે બાજુ જ સમજને… કોઈક કારણોસર હું એને ન પામી શક્યો. શ્યામલીમાં મને દીપ્તિ દેખાતી હતી. તેથી જ તો અમે મિત્રો બન્યા હતા. શ્યામલી માટે હું મિત્ર જ હતો, તેથી વધુ કાંઈ નહીં. પરંતુ તું આ ઘટનાને ગંભીર રીતે લે છે એ જ્યારથી શ્યામલી જાણી ગઈ ત્યારથી તને ચીડવવા જણી જોઈને મારા તારી પાસે વખાણ કરતી – An innoscent tease..thats all, now be sporty and let’s go in her engagement party.’
ત્યાર પછી એના લગ્ન… અને નિલય રહી ગયો… ભણતરના કળણમાં… અને રાજીવ બેંગ્લોર પહોંચી ગયો.
છાપાની વૉન્ટેડમાં ફરી એક વાર ડોકિયું કરીને નિલય વાસ્તવિકતાની જિંદગીમાં આવી ગયો.
શર્વરી સાંજે આવી ત્યારે નિલય બહાર ગયો હતો. રાજીવ મહેતાનો કાગળ તેણે વાંચ્યો. એના ચહેરા પર આનંદની એક લહેર દોડી ગઈ. રાજીવનો પરિચય તો હતો જ. બેંગ્લોર કંઈક devlop થશે તો હાલની તંગ પરિસ્થિતિમાં થોડી રાહત થશે એમ વિચારીને એ ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. બેલ વાગ્યો. નિલય આવી ગયો હતો. ન્હાઈને એ બહાર આવી ત્યારે રસોડામાંથી ગરમ ચાની સોડમ આવી રહી હતી.
શર્વરીની આ સુખની ક્ષણ હતી – કે જિંદગી જીવવી જ હોય તો આજમાં રહીને જીવવી જોઇએ. આજ એટલે – હમણાં વહેતી દરેકે દરેક ક્ષણ – ગઈકાલ અને આવતીકાલની વચ્ચે – જે હાથમાં છે તે આજમાં જીવવું જોઇએ – તેથી તો તે નિલયની જેમ હતાશ કે નિરાશ થતી નહીં. ગઈકાલે તે દુ:ખી હતી પરંતુ તે આજમાં દુ:ખનું પોટલું લઈને આવતી નહીં. આજ એ આજ છે. તેને કાલ સાથે શું સંબંધ.
અને એથી જ ચાની સોડમ એના મગજને તરબતર કરી ગઈ.
ચા ગાળતા નિલયને પાછળથી જઈને ભેટી પડી. અચાનક આ રીતે શર્વરીને આવેલી જોઇ નિલય એકદમ ચમકી ગયો. થોડીક ચા ઢોળાઈ પણ… પછી સમજનું સ્મિત તેના હોઠ પર ઉપર રમી ગયું અને બોલ્યો.
‘કેમ શર્વુ, આજે બહુ આનંદમાં છે? ’
‘રાજીવભાઈનો કાગળ આવ્યો છે?’
‘હા, પણ બેંગ્લોર આપણાથી જવાશે? અને પાછો મારો ગોડફાધર હોય એમ તારો પ્રૉબ્લેમ સૉલ્વ કરવો છે તેમ લખે છે.’
‘બસ, હવે આગળના શબ્દો મારે નથી સાંભળવા.’
‘શર્વુ ! ચાની સાથે કંઈક ગરમ ગરમ બનાવશે?’
‘શું ?’
‘તારી ફેવરિટ ઉપમા.’
‘ભલે પણ પહેલા ચા પી લઈએ.’
‘શર્વુ – હેં બેંગ્લોર તને ફાવશે?’
‘કેમ? એમ પૂછે છે ? નિલુ – જો તને એમ લાગે કે ત્યાં આપણે સ્થિર થઈ શકીશું તો transfer માંગી લઈશ.’
‘ઉફ્! ત્યાં પણ તમારી branch છે?’
‘હા’
‘please no more jobs!, મારા નાના junior ને mom જોઇએ ને?’
‘છોડ એ વાત ! હજી તો ભેંસ ભાગોળે છે અને આપણે ધમાધમ કરીએ છીએ. બેંગ્લોર ક્યારે જાય છે?’
‘પરમ દિવસે, આજે તાર કરી દીધો છે.’
‘બોલ ઉપમામાં શું નાંખું?’
‘તારા હેતનું ઘી અને વહાલનો વઘાર…’
‘અરે કવિ જેવું બોલે છે ને તું તો?’
‘તું આનંદમાં હોય એટલે હું કમળની જેમ ખીલી જાઉં’
‘જુઠ્ઠો’
‘શર્વુ – કેવું વિચિત્ર આપણું મન છે નહીં?’
‘કેમ અઠવાડિયા પહેલા બે છેડા હતા અને આજે એક બિંદુ !’
‘તું ઘણી વખત કહે છે ને કે – મને તું કેમ સહે છે? એનું કારણ આ જ છે. તું જ્યારે છેડા ઉપર હોય છે ત્યારે બિંદુ બનવાનું જ છે – અને એ મિલન – એ બિંદુ હોવાનું એકાકારપણું મારી જિંદગીની શ્રેષ્ઠ ક્ષણો હોય છે. આ ક્ષણોને સહારે કડવીમાં કડવી તારી વાતો સહી લઉં છું – નિલુ’
‘જો, મને ન ગમતું તું કરે છે તેથી હું ગુસ્સે થાઉં છું – એવું તું ન કરતી હોય તો? ’
‘નિલુ, ક્યારેક તું એકદમ નાના બાળકો જેવું વર્તન કરતો હોય છે. તને ના પાડી હોય તે કામ તું ચાહીને કરે ત્યારે હું તને ન ગમતું ન કહું તો બીજું શું કરું?’
‘એવું હું શું કરું છું?’
‘કેમ હમણાં જ બોલ્યો ને “no jobs for junior“ પણ એ વિચાર્યું કે where is junior? અને આ ફ્લૅટની લોન મારી જોબ ન હોય તો તરત ભરવી પડે તે વાત પણ તારા ધ્યાનમાં ન આવી.’
નિલય એકદમ સ્તબ્ધ થઈ ગયો.
‘શર્વુ – where is junior એટલે? અને કેસ મને જીતવા દે – આ લોન તો એક જ ઝાટકે ઉડાડી દઈશ શું ?’
‘નિલુ – પાછો ભવિષ્યકાળમાં તું દોડવા માંડ્યો… હજી મને ટાઈમ તો મીસ થવા દે તે પહેલા તું તો બાપના સ્વપ્ના સેવવા માંડ્યો… અને એક વાત નિશ્ચિત માની લે કે મને તું જે ક્ષણે સ્થિર થયેલો દેખાશે તે જ ક્ષણે હું નોકરી છોડી દઈશ મને ક્યાં નોકરી ગમે છે? પણ… મજબૂરી છે ’
‘પપ્પાને ના કહેવાતી ન હોય તો હું ના પાડી દઈશ. એવા બની બેઠેલા ગોડફાધરોથી હું ગભરાતો નથી.’
નિલયની અંદર પેલો અજગર જાગવા માંડ્યો હતો – લોહી સિવાયના કોઈપણ સંબંધોને તે સ્વાર્થહીન હોય તેમ તે માનવા તૈયાર ન હતો. શર્વરી એના મનને પારખીને બોલી.
‘નિલુ, હેતના ઘીમાં વહાલથી વઘારેલી ઉપમા તૈયાર છે.’
પેલો અજગર સળવળ થવા મથતો હતો અને અચાનક ચારે બાજુથી ભાલા ઊગી નીકળે અને સળવળાટને જડબેસલાક રીતે રોકી નાખવો પડે અને જે વેદના થાય તે વેદના – એણે ભોગવી – પણ તરત સામાન્ય થઈને નિલય બોલ્યો.
….बा मुलाहिजा- अपने गुसलखाने की ओर पधार रहे है।
શર્વરી મલકી પડી. અને ના માનતું છોકરું અચાનક પોતાની વાતનો યોગ્ય રીતે પ્રતિભાવ આપતું જોઈને માતાને જે હાશ થાય તે હાશ અનુભવતી તે બે ડિશ લઈ ડાઈનીંગ ટેબલ તરફ વળી.
ઉદયન એક્સપ્રેસ દાદરનું પ્લેટફૉર્મ છોડ્યું ત્યારે નિલય વિચારતો હતો કેવી અર્થહીન જિંદગી છે… એની. શું કરવા ધારતો હતો અને શું બની ગયો… મલ્ટીનેશનલ કંપનીમાં તે સરળતાથી ઘુસી તો ગયો… પણ Over sincerity અને honesty એનું દૂષણ બની ગયા હતા.
શેવડે એનો ઉપરી હતો. ગુરુ હતો. એ કહેતો – મિ. બુચ – तुम आदमी अच्छा हो..लेकिन practical नही हो इस लिये हमे कभी कभि आपको recommand करनेमे डर सा ल्गता है।
એ માનતા કે કંપની પગાર આપીને વધુ રકમ તમારી ટેક્ષમાં ન કપાય તે હેતુથી T.A., D.A. અને insentive આપે છે. પણ નિલય જે ખર્ચ થતો તે જ લખતો… અને લેતો. અને આ વાત વર્ષને અંતે બધા સેલ્સ એક્ઝિક્યુટિવમાં ચર્ચાનું પાત્ર બની ગઈ હતી. કારણ કે બીજા બધાની સરખામણીમાં ખર્ચ ઓછો અને કામ વધુ. region level પર highest performance, All over indiaમાં best probable sales figure અને distributersના openionમાં સર્વશ્રેષ્ઠ રહેતો નિલય એના colleagues અને juniorsમાં ચર્ચાનું સ્થાન બની ગયો હતો.
શેવડેની ઉપર મિ. વીયેરા – અને છેલ્લે રીચાર્ડસન ડેવિડ પણ એના કામથી પ્રભાવિત હતા. – Sales conferance મા હંમેશા નિલય બુચ is genious કહીને વખાણતા.
વીયેરાનો કઝીન ખંભાતા આ વાતોને સાંભળતો … મૂછમાં હસતો અને બોલતો પણ ખરો – નવો નવો મુલ્લો છે નવ વખત નમાઝ પઢશે. પઢવા દો. લાગ આવશે ત્યારે એ પણ ચુકવાનો નથી – બહુ જ ઊંચી ચીજ છે મિ. બુચ.
ટ્રેન થાણે પહોંચી હશે ત્યાં નિલયની તંદ્રા તૂટી. મહારાષ્ટ્રની ધરતી પર દૂર દૂર સુધી સૂકું ઘાસ વેરાયેલું પડ્યું હતું. અને એ ઘાસ ઉપર સૂરજનો તડકો એમાં રહેલી પીળાશને રાતો પીળો રંગ આપી આવનારા સૂકારાને ઝગમગાવતી હતી. થાણાની બહાર પણ બહુમાળી મકાનો અને નીચે દુકાનોમાં ચહલપહલ થતી હતી જાણે મુંબઈ મહાનગર હજી આગળ વધવા ન મથતું હોય?… પેલા વિશાળ સમુદ્રની દરેક લહર આગળ આવી આખીને પાછી વળી જાય તેમ વિકસતા આ મહાનગરની હરેક દિશા વિસ્તરવા વધુને વધુ મથતી હતી
બાજુમાં બેઠેલ એક કાકાને માથે સફેદ ટોપી અને ગુજરાતી પહેરણમાં ચમકતા સોનાના લાલ દોરીથી બંધાયેલા બટનનો ઝળહળાટ પેલા ઘાસના ઝબકાર જેવા લાગતા નિલય મૂછમાં હસ્યો. એના હાસ્યને જોઈ કાકાની બાજુમાં બાનુ મોં ફેરવી ગયા … નિલયને ફરીથી હસવું આવી ગયું… કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું થયું… પેલા બહેન સમજ્યા કે નિલય એમની સામે જોઈને હસ્યો…
ઉપર પંખો હતો. સ્વિચ ચાલુ કરવા છતાં ચાલુ ન થયો. ઉપર બેઠેલા ભાઈને વિનંતી કરી કે જરા ચાલુ કરો ને – ત્યારે એમણે પંખાને જોરથી ઠપકાર્યો. ચાલુ ન થયો. પેલા ભાઈએ રેલ્વેતંત્ર – અને એ તંત્ર ચલાવતા મિનિસ્ટરને શુદ્ધ મરાઠીમાં ગાળ દીધી અને બૂટ જોરથી ઠપકારવા જતા હતા ત્યાં નિલયે ગજવામાંથી કાંસકો કાઢીને જરા પંખાને તેની જાળીમાંથી હલાવ્યો… તો પંખો સડસડાટ ચાલવા માંડ્યો… પેલા ભાઈ મોં ફેરવીને સૂઈ ગયા…
નિલય શાંત મનથી વિચારતો હતો – આવી ટાઢક જો તે દિવસે ખંભાતા સાથેની ચર્ચામાં રાખી હોત તો આવી કઠણાઈ વેઠવાનો વારો ન આવ્યો હોત… પણ ખેર… થવા કાળ થનાર જે હતું તે થઈ ગયું… હવે એનો પસ્તાવો કરવાથી શું વળે?