Pattano Mahel - 1 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 1

ગઈકાલની જેમ આજે પણ હું ગુમસૂમ બહાર ખુરશી ઉપર બેઠો બેઠો તારી વર્તણુંકોનું વિશ્લેષણ કરું છું. તિરસ્કારનો એક પહાડ ધીમી ધીમી ગતિથી પીગળતા હિમની જેમ પીગળે છે…. પીગળેલ પ્રવાહી ઘૂંટડે ઘૂંટડે હું વિચારોના માધ્યમથી પીઉં છું. તું શા માટે મને સાચવવા માગે છે…. આપણે છુટા કેમ નથી પડતા..

 

રાતના આઠ વાગ્યા છે.. તું સાવ સાદું ખાવાનું ભાખરી અને શાક બનાવે છે. હું તારી પાસેથી આમેય આનાથી વધુ કંઈ હોવાની અપેક્ષા રાખી શકતો નથી. કારણ કે તું વધુ બનાવે તો મારી ભૂખ વધે અને ભૂખ વધે તો શરીર વધે. અને મારું વધતું શરીર તને કુદરતી રીતે જ ભારરૂપ લાગે ને…. મિસ્ટર બુચ તો કોઠી છે… તેમ કોઈ કહી જાય તો મિસિસ બુચનું અભિમાન તૂટે ને … એટલે નિલુ – તું વધુ ન ખા. ક્યાંક ડાયાબીટીસ થઈ જશે – નો મને ડર બતાવીને … તું તારું કામ બચાવે છે – સમય બચાવે છે … કેમ શર્વુ ?

 

શર્વરી સાંભળતી નથી – ક્યાંથી સાંભળે … એને સાંભળવાનો સમય હોય તો ને… એ ગુલામ અલીની ગઝલો સાંભળે છે. પંડિત રવિશંકરનું સિતારવાદન સાંભળે. .. મારા સાતમા સૂરની તિરસ્કારવાણી કેવી રીતે સંભળાય હેં? એમાં લિજ્જત થોડી હોય છે …? હાયપોક્રસીના જમાનામાં મોટાઈ થોડી મરાય કે… બુચનો સાતમો સૂર ખરેખર સાંભળવા જેવો છે… દંભી…!!

 

‘નિલુ – ચાલ તો ખાવાનું તૈયાર છે’ ‘હં! શર્વુ – થોડીક ચા મળશે’ – હું ઘડિયાળમાં પડતા નવના ટકોરા ગણતો બબડું છું.

 

‘ઓ નિલુ ! છૂંદો છે નહીં ચાલે ? ચા મૂકવામાં પાછી આજે કામવાળી નથી આવવાની… બે વાસણો વધારે…’

 

હું ગુસ્સાને ઉકાળી ઉકાળી તેની ચા બનાવીને સબડકા ભરું છું.

 

એ પણ મારી સાથે ઊકળે છે, ટેબલ ઉપર થાળી વાટકી પછડાય છે. હું ઊભો થઈને ચાલ્યો જાઉં છું… બહાર… કૃદ્ધ થઈને… કંઈક ઉકળાટમાં અથડાતો નીકળી પડું  છું. તે શાંત ચિત્તે પલંગ પર આડી પડે છે.

 

પંદર વર્ષનો આ નિત્યક્રમ છે. મને ગુસ્સો આવે ત્યારે એ ઠંડી હિમ… અને નવાઈની વાત એ છે કે એને ગુસ્સો આવતો જ નથી. નાના બાળકને પટાવતી હોય એમ મને પટાવી લે છે. ગુસ્સે ભરાયેલા મારા તન ઉપર એ હેતની આછેરી હેલ વરસાવી મને પીગળાવી નાખે છે…. એની હેત કરવાની રીત પણ જબરી છે.

 

નિલુ – સોરી… કહીને મીઠડું મધ જેવું હસે છે. અને પછી કાલી કાલી વાતોમાં એક નાનકડો જોક કહેશે … અને પછી જાતે જાતે જ હસશે. અને એને દુખ ન લાગે તે માટે હું પણ હસું… ખેર આજે એવું કંઈક કરશે ને તો હું એની સામે જોઈશ જ નહીં કાન બંધ કરીને આંખ મીંચી દઈશ.

 

એ હીબકે ચઢી છે… નવાઈની વાત કહેવાય… હું તો વિચારતો હતો કે યુદ્ધ ચાલુ રહેશે… પણ આ તો સફેદ ઝંડી – યુદ્ધવિરામની… ‘નિલુ … નિલુ… પંદર વર્ષથી હું તારી સાથે આનંદથી રહેવા મથું છું. પણ કોણ જાણે કેમ તું દિવસે ને દિવસે પથ્થર બનતો જાય છે. .. કહેને મારો વાંક શું છે?’

 

હું કાન બંધ કરું છું – તો વિલાપ વધુ ગતિ પકડે છે. .. ‘મને કેમ પીડે છે … મેં તારું શું બગાડ્યું ?’

 

નાનકડો નિલય … આંખ બંધ કરી દે છે… મોટો નિલય દયા ખાય છે…. ઘરડો નિલય શર્વરીના મગરના આંસુ જોઈને મૂછમાં હસે છે…. શર્વરીનો ભૂતકાળ – શર્વરીનો વર્તમાનકાળ..… શર્વરીનો ભવિષ્યકાળ… ત્રણે ત્રણ નિલયોના રૂપમાં મલકે છે. મોટા નિલયની મૂછો પર લીંબુ લટકે છે – તેથી તે ખોંખારો ખાય છે – ‘જો શર્વરી – નોકરી કરવી હોય તો કર, ન કરવી હોય તો ન કર પણ આ મરદ ભાયડો – તારો ગુલામ કદી નહીં બને . શું સમજી? ’ નાનકડો નિલય તારો પાલવ પકડીને ઊભો છે. એને આગળ રસ્તો કયો છે તે ખબર નથી – પણ તારી છત્રછાયામાં સુરક્ષિત છું એમ માનીને એ નિરાંતે લોલીપોપ ઉપર જીભ ફેરવે છે. ઘરડો નિલય – શર્વરીને સલાહ આપે છે – ‘સંસાર છે ચાલ્યા કરે – આમ જ હોય … કદીક તું રીસાય… આજે એ રિસાયો છે , મનાવી લે … ભાખરી શાકના પારણાં કરાવ – ચા મૂકી દે ને. એમાં શું?

 

તું અકળાય છે. ‘કેમ પણ કારણ વિના રીસાય? એની પત્ની છું તેથી કંઈ ગુલામ તો નથી ને?’

 

યુવાન નિલય અકળાય છે… ‘મારી નોકરી છૂટી ગઈ. એટલે મારા ઉપર રુઆબ જમાવે છે…?’

 

‘કોણ તારી ઉપર રુઆબ જમાવે છે. …?’

 

‘તું જ તો વળી?’

 

‘કેમ તું પણ અતડું નથી બોલતો? આખો દિવસ ઘરે બેઠો રહે છે – કેટલાય કપ ચા પીધી હશે – હવે એકાદ કપ ન પીએ તો ન ચાલે ?’

 

‘ના – ન ચાલે.’

 

‘તોબા તારાથી તો – કોઈ વાતે સમજતો જ નથી.’

 

‘જો હું જેવો છું તેવો આ જ છું. –’

 

‘ખેર – જેવો છું તેવો મને ગમે છે.’

 

‘તો આ મિનિટ પહેલા તોબા કેમ કરી?’

 

‘ભુલ થઈ ગઈ ’ – એ મીઠડું હસશે… તેમ વિચારીને હું ગર્જું છું – ‘જો શર્વરી, હું બેકાર છું એટલે બધું ચલાવી લઈશ તેમ ન માનતી – હા – કહી દઉં છું.’

 

‘પણ મેં ક્યાં કંઈ કહ્યું ?’

 

‘હા, પણ કહેવાની તૈયારી કરે તે પહેલા કહી દઉં… પંદર પંદર વર્ષથી તેં મને રિબાવ્યો છે …. તડપાવ્યો છે… સંતાન માટે તું મને ટોકે છે. હું તને ધિક્કારું છું – તું તો મારા ધિક્કારને પણ પાત્ર હવે નથી રહી ’

 

‘હશે મૌન અપનાવી લેવા સિવાય મારે છૂટકો નથી ..’ શર્વરી મનમાં બબડે છે.

 

‘જો તને કહી દઉં – હું કોર્ટમાં જીતીશ ને ત્યારે બધો પગાર પાછો મળવાનો છે. તે વખતે બધો હિસાબ કરીને મારી પાસેથી વસૂલ કરી લેજે. પણ આ ચાના હિસાબો ન જોઇએ, શું?’

 

‘ભલે – ’

 

‘હા, બેકાર છું તેમાં શંકા નથી. પ્રયત્ન કરું છું તેમાં પણ શંકા નથી – પરંતુ હું ૩૦૦૦ નો પગારદાર મને ૫૦૦ માં કોઈ ખરીદવામાં આવે તે કેમ ચાલે, હેં ?’

 

શર્વરીના મૌનથી નિલયમાં માદા નિલય પ્રગટે છે … ધીમે ધીમે બબડાટ શમે છે. ભાખરી ને શાક ખાઈને નિલય સૂઈ જાય છે.

 

શર્વરી વિચાર કરે છે – આ નિલુ,  ખોટું એની બેકારીનું દુ:ખ ગળે લગાડી લગાડીને દુ:ખી થયા કરે છે. એને પણ જૉબ તો મળે એમ છે પણ એ નથી ઇચ્છતો કે એવી જૉબ કરે … શું કરું? ખેર, કરવાનું પણ શું હોય? એક જમાનો હતો જ્યારે એ મારાથી વધુ કમાતો હતો. ડિપાર્ટમેન્ટલ પૉલિટિક્સમાં માર ખાઈ ગયો. યુનિયનમાં મૅનેજમેન્ટની નજરે ચડી ગયો. બધા ફૂટી ગયા. અને એ હોળીનું નાળિયેર બની ગયો. .. પણ હવે એનો શોક કર્યા કરવાથી થોડું જ બધું સીધુ ઉતરવાનું હતું ?

 

થોડુંક નવા વર્તુળોમાં ઘૂમે – હસતા મોંએ પોતાની ખાસિયતો કહે – શક્ય છે નવા સંબંધોમાં એનું કામ જળવાઈ પણ જાય. અને અત્યારે જ્યારે નવરો છે… ત્યારે ઘરના એક બે કામ જેવા કે ઇસ્ત્રી કરવાનું, કપડાને ગડી વાળવાનું, ચા મૂકવાનું, બજારમાં જવાનું કરે તો ખોટું શું છે હેં? હું પણ કેટલાં ઓવરટાઈમ મેળવવાના ફાંફા નથી મારતી? પણ એમ કંઈ બધું સરળ છે?

 

આ સ્કૂટરની લોનના ૧૦૦ રૂપિયા કપાવાનાં શરૂ થઈ ગયા – અને એની નોકરી જતી રહી. અત્યારે એ આવતા હોય તો કેટલું સરળ ચાલતું હોત, હેં ? સ્કૂટર પર હવે ફરવામાં પાછળના પેટ્રોલના ધુમાડામાં એને મારું માલિકીપણું ખડખડ હસતું લાગે છે… આ એના મગજમાં માલિકીપણાનું ભૂત ક્યાંથી આવ્યું… એ જ નથી સમજાતું. એ કંઈ બજારમાંથી ખરીદી શકાતું સાધન છે કે એના ઉપર માલિકી હક્કનો દાવો કરાય? આજે જો એને સારી નોકરી મળતી હોય ને તો… કાલે હું મારું બધું જ છોડી દઉં… પણ એ શક્ય છે ખરું?

 

હા, કંઈક ધંધો કરે તો શક્ય બને… પણ એના માટે પૈસા જોઇશે ને… પૈસા… પૈસા… જો હું કોઈક વ્યવસ્થા કરી લાવીશ ને તો… કહેશે … તારા પૈસા… ? મૂઓ મારો પાછો અળવીતરો સ્વભાવ – એને એ પૈસાનો વ્યય કરતો જોઈને એને ખડખડાવવા માંડશે …

 

આજે શ્રીપ્રકાશને વાત કરીશ. મદ્રાસથી એમને સાડીઓનું કામ સારું છે. ક્યાંક નિલુને ગોઠવી દેશે. શ્રી પ્રકાશ આજે પેઢીમાં મળશે જ. શ્રી પ્રકાશને કહીશ આમે ય નિલુનો પણ તે મિત્ર છે. તેથી તેને માઠું પણ નહીં લાગે. વળી મેં કર્યું તેવું પણ નહીં લાગે.

 

નિલય તું જરા હસતો રહેજે…. પાર્ટીમાં મારા સોગિયા મોંથી કંટાળીને તું મને કહે છે… અજાણ્યા ચહેરાઓ સાથે અંતરની વાતોનો રસિયો મારો જીવ મિનિટે મિનિટે – ઓહ હાઉ નાઇસ !… ઇઝ ઇટ?… પ્લીઝ ડૉન્ટ માઇન્ડ… થેંક્સ… પ્લીઝ… સોરી… જેવા ટૂંકા ટૂંકા અંગ્રેજોનાં જમાનાના રહી ગયેલા એટીકેટ્સના પાટાઓમાં કોકડાતો હતો.

 

પાર્ટીમાં કોઈની જોડે વાત કરવી નહોતી એટલે પ્લ્રેટ લઈને એક બાજુ પહોંચી જાઉં છું. કોફતા કાચા હતા… પુલાવમાં વટાણા પણ ચડ્યા નહોતા… ફ્રુટસલાડમાં કંજૂસાઈ નહોતી પરંતુ શ્રીમંતાઈની અતિશયોક્તિ તો દેખાતી હતી. બિન મોસમનાં ફળો જેવાં કે  – કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, કાજુ, દાડમ વિગેરે ઢગલાબંધ હતું.

 

શર્વરી મને એકલો જોઈને નજદીક આવી – ‘ઓહ નિલુ ! તું બોર થાય છે? ચાલ મિસ્ટર ગજ્જરની ઓળખાણ કરાવું.’ – ‘શર્વુ! છોડને, કાંટાવાલાને મિસ ગુલાબ સાથે લગાવ છે. જો ને બીચારાનાં રંગમાં ભંગ ક્યાં પડાવવો? ’

 

‘અરે મિસિસ બુચ… પાર્ટીમાં પણ મિસ્ટર બુચને છોડતા નથી … આવો ચાલો.. ચાલો… મૅજિક શો શરુ થાય છે.’ ,

 

શર્વરી મિસ્ટર ભીમ જોડે જતી રહે છે. આ બધાના મૂળ નામો તો જુદા છે. પણ મિસ્ટર કાંટાવાલા જ્યાં ને ત્યાં કાંટો બનીને ત્રાજવે દરેકે દરેક વસ્તુ જોખતા જ હોય છે. તેથી તેમનું આઇડેન્ટિટિ મેં કાંટાવાલા પાડ્યું છે. સ્ટેનો ડેઈઝી તેમનું ગુલાબ છે. જ્યારે ને ત્યારે કાંટાવાલા તેની સાથે જ હોય … મિસ્ટર ભીમ વિશાળકાય અસ્તિત્વ છે. શર્વરીમાં તેમનો રસ કેવો છે ખબર નહીં… પણ કાંટાવાલાનો ગુલાબ જેવો નથી તેવું હું માની લઉં છું. પેલી શાહમૃગ રણમાં માથું છુપાવી દે અને માની લે કે તોફાન જતું રહ્યું તેમ….

 

શર્વરી સાંજે ઘરે મોડી આવે તો હું નાટકીય ઢબે પૂછું. શર્વુ – તબિયત તો સારી છે ને? પછી એ કહે – હા, નિલુ, એક કપ ચા બનાવી આપીશ? આ મુંબઈથી બોરીવલીનો કલાકનો રસ્તો બહુ જ કંટાળાજનક છે. હું ચુપચાપ ચા બનાવું છું. મને કોણજાણે કેમ ખબર નથી પડતી કે મને શું દુ:ખે છે? ડંખે છે? મન મારું વિચારો કરતું અટકી રહ્યું છે. શર્વરી સાથે જિંદગીમાં કેટલાંક ભ્રમો રહ્યાં હોત તો સારી રીતે જાત – પરંતુ હવે હું શર્વરી તને ઓળખી ગયો છું. તું મારી જાતને પ્રેમ તો કરતી જ હતી – પરંતુ તેનામાં રહેલો માલિકીપણાનો ડ્રેગન મને ટુકડે ટુકડે ચાવતો હતો. મને દુ:ખ તો થતું હતું પણ પેલો  ભ્રમનો પડદો એટલો જલદ હતો ને કે … ડ્રેગન જ્યારે બધું ચાવીને મારા હૃદયને ખાવા આવ્યો ત્યારે ખબર પડી કે આ તો થીણઘ્ઘી નિંદ્રા. ચવાઈ ગયા – નિસાસાનાં પોટલા બંધાઈ ગયા. અત્યારે તો ડ્રેગનને મારવા એના મોંમાં ઘુસ્યો છું. શક્ય છે એના તાળવા કોરી નાખી તેને મારી નાખું કે શક્ય છે એના વિકરાળ દાંત મને ચાવી જાય…. શર્વરી અને હું બન્ને નોકરી કરતા રૂમ પાર્ટનર જ વધુ સારા શબ્દ છે. રાતે એક છતની નીચે કદીક પતિપત્ની તો કદીક મિત્રો… પણ મહત્તમ તો ડોરમેટરીમાં સુતેલા અજાણ્યા મુસાફરોની જેમ મોં ફેરવીને સુતા હોઈએ છે.

 

આજે યુદ્ધ શરૂ થયું છે. એણે બેગ બાંધી લીધી છે. મેં વકીલને કહી દીધું છે. મારે છૂટાછેડા જોઈએ છે.

 

એ કહે છે – ‘ મારી મિલકત મને આપ. જિંદગીના … યુવાનીના … એ અતિ ઉત્તમ દિવસો પાછા આપ… નિલય તું તો ક્રૂર છે – જન્મજાત ક્રૂર છે…. પણ મારા એ વીતેલા દિવસોનું શું?’ એ હસે છે. મોહક – સુંદર અને હું થીણઘ્ઘી નિદ્રામાં જઈ પડું છું. ડ્રેગનો મને ચાવે છે… ધીમે ધીમે… હું પૂંછડીની નીચે મારું માદાપણું છુપાવીને… એને કહું છું. ‘તને હું ચાહું છું. મારી સમગ્ર ચેતાઓ તારા નામથી જાગૃત થઈને દોડવા માંડે છે. પણ… તારા વીતેલા દિવસો તો નવી બંધાયેલી કૉલોનીના શરૂઆતનાં ડ્રેનેજ – પાણી – લાઈટ વિનાનાં અંધારા ડીબાંગ – તેને ન લો તો ન ચાલે ?’

 

ડ્રેગન મને ચાવે છે. હવે તો મારે તું કહીશ તેમ જ કરવાનું છે. મારા રુધિરમાં શુદ્ધત્વ બક્ષતું મૂત્રપિંડ તો તેં ઝેરયુક્ત કરી હૃદય સુધી પહોંચાડી દીધું છે ને?

 

ડાયાલીસીસ ઉપર જીવવાની શક્યતા કેટલી? પૈસા હશે ત્યાં સુધી ને? વરસ પછી તો તું એમજ કહેવાની છે ને હવે બેંક બૅલેન્સ ખતમ થયું – ચાલો ઘરે – થોડુંક ભગવાનનું નામ લઈએ.

 

નિલય… નિલય… આ તું શું બોલે છે. તને ખબર છે? તારા ઘરને દરિદ્રતાના દલદલમાંથી કાઢવા મેં નોકરી કરી – તારું કામ કર્યું, મકાન લીધું, સ્કૂટર લીધું, હજી ફર્નિચર માટે લોન લેવી છે. આ બધું મેં તારે માટે તો કર્યું છે ને?

 

પણ મને તો નાનકડું આકાશ જોઇતું હતું નાનકડી ઝૂંપડી જોઇતી હતી… આ મુક્ત ગગનવિહારી અલગારી જીવને તું ક્યાં આ લોન – પેલી લોન – મારા હેડ, તેમના મિસિસ – તેમને ત્યાં મહેમાન આવે અને મને ઘસડીને એમને ત્યાં તું લઈ જાય – ખોટું ખોટું હસતા ન આવડે તો… મિસિસ શર્વરી બુચ – તમારા મિસ્ટરને એટિકેટ નથી… વાળા શબ્દોનો હથોડો તને ન વાગે માટે વારંવાર… નિલય તું જરા હસતો રહેજેની સૂચનાઓના જંગલો ખડા કરી દેતી – હું શું ઇચ્છતો હતો શર્વરી… અને તેં મને શું કરી દીધો?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED