આનું જ નામ પ્રેમ - ભાગ - 12 તેજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આનું જ નામ પ્રેમ - ભાગ - 12

આગળના અંકમાં પ્રાંજલ માટે સગાઈની વાત એક બંધન બની ગયું છે. પ્રાંજલ સગાઈની વાત પૂજનને જણાવે છે. પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે પ્રાંજલ કવિશને આખા શહેરમાં ફેરવે છે. પારિજાત અને પૂજન સાંજે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજન માટે કઈક પ્લાન બનાવે છે. હવે આગળ...

સાંજના 6 વાગ્યે મિસ્ટર રાજન પૂજનના ઘરે આવી જાય છે. પૂજન એમને ઘરે આમંત્રણ આપીને કોફી આપે છે. પછી બંને જણા પૂજનની ગાડી લઈને બહાર નીકળે છે.

પૂજન: "આપણે મળ્યાં એના 3 દિવસ થયા પણ એક વાત છે કે તમે હોવ છો ત્યારે વીતેલો સમય સાથે હોય એવી અનુભૂતિ કરાવે છે."

મિસ્ટર રાજન: "હા, મને પણ અહી આવીને કંઇક એવી જ અનુભૂતિ થાય છે. સમય સમાંતર રેખાઓ જેમ ચાલતો થઈ ગયો છે. એક વાત પૂછું?"

પૂજન: "હા, જરૂર. એક નહી બે વાત પૂછો."

મિસ્ટર રાજન: "આજે આપણે ક્યાં જઈએ છીએ ?"

પૂજન: " આજે અમદાવાદમાં થોડુ ફરીએ. પછી સાંજે ડિનર માટે જઈશું. " (કહીને સ્માઈલ આપે છે.)

એટલામાં પારિજાત ફોન કરે છે. પૂજન અજાણ્યા થવાનો ડોળ કરીને અમે આવી જઈશું એમ જણાવે છે અને એની સાથે એક ખાસ મહેમાન પણ આવશે એવું જણાવે છે.

મિસ્ટર રાજન: " પૂજન, શું થયું? કઈક ભૂલી ગયા હોય એવું લાગે છે."

પૂજન: "હા મિસ્ટર રાજન, આજે ખાસ ફ્રેન્ડ જોડે ડિનર હતું એ ભુલાઈ ગયું. હવે તમારે મને એના માટે ગિફ્ટ લેવામાં મદદ કરવી પડશે. મને તો એ પણ નથી ખબર કે છોકરીઓને ગિફ્ટ શું આપી શકાય?"

મિસ્ટર રાજન: "મારા માટે પણ આ પ્રશ્ન તો સિલેબસ બહારનો છે. મને પણ બહુ અનુભવ નથી."

પૂજન: "રાજનભાઈ એવું વિચારો કે તમે અમદાવાદમાં તમારા ખાસ વ્યક્તિને મળવા જાઓ તો શું ગિફ્ટ લઈને જાઓ. હું પણ એજ વિચારું, બંને નક્કી કરીએ."

મિસ્ટર રાજન: "હા, એવી તો એક વાત યાદ છે. સિલ્કની સાડી - પણ તમને ગમશે આ વિકલ્પ?"

પૂજન: " અરે રાજનભાઈ , શું વાત છે. હું પણ એજ વિચારતો હતો. ચાલો તો આસોપાલવ શોરૂમ અને ફટાફટ ગિફ્ટ લઈએ. "

મિસ્ટર રાજન: " પૂજન, તને એક વાત મે નથી જણાવી. મારી પ્રજ્ઞાને મે કીધું હતું આવીશ ત્યારે લગ્નની સાડી આસોપાલવથી લઈશું. આજે તમે એ યાદ અપાવી દીધી."

પૂજન: "અચ્છા તો આપણે બે સાડી લઈશું. મારી ફ્રેન્ડ માટે અને તમારી પ્રજ્ઞા માટે. (કહીને પૂજન ગાડી આસોપાલવ તરફ લઈ જાય છે.)"

આ તરફ પારિજાત પ્રજ્ઞા મેડમને લેવા એમના ઘરે આવે છે.
બરાબર સાડા સાત વાગે પારિજાત પ્રજ્ઞા મેડમને સાથે લઈને નીકળે છે.

પારિજાત: "પ્રજ્ઞા મેડમ, આજે ઘણા સમયે મને આપણી કૉલેજના દિવસો યાદ આવે છે. નવરાત્રી ઉત્સવ હોય ત્યારે તમે અમને બધાને પ્રેમથી સાથે રહીને સમજાવતા અને દરેક છોકરીઓ પોતાને ઘરે સલામત પહોંચે પછી જ તમે ઘરે જતા હતા. "

પ્રજ્ઞા મેડમ: " પારિજાત તને એક વાત ખબર છે. મુગ્ધાવસ્થામાં જો સાચી સલાહ આપવામાં આવે તો ઘણીવાર જીવન એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની જાય છે. મારું પણ મારા દરેક વિદ્યાર્થીને પોતાનું જીવન બીજા માટે ઉદાહરણ રૂપ બને એ જ પ્રયત્ન રહ્યો છે.

જીવનમાં પોતાના સ્વપ્ના અને પોતાના ફૅમિલી સાથે તાલમેલ કેમ કરીને રાખવો એ શીખવાડવાની આજની પેઢીને જરૂર છે. જે કોઈ પુસ્તક તમને નથી શીખવતું. એટલે જ મારા જેવા શિક્ષકની એ નૈતિક ફરજ બને છે કે વિદ્યાર્થીને જરૂરી પાઠ પણ શીખવવા."

પારિજાત: " તમે જે રીતે પ્રેમ અને ફરજ બંને વચ્ચે કેવી રીતે તાલમેલ જાળવી શકીએ એ શીખવ્યું એવુ તો પોતાના પણ નથી શીખવી શકતા."

પ્રજ્ઞા મેડમ: "હવે મે તને શીખવ્યું તો તારી પણ નૈતિક ફરજ બને છે કે બીજાને તું આ જ. સહેલું જ છે બસ બીજાનું પણ એક વાર વિચારવાનું છે."

પારિજાત: " જરૂરથી સમજાવીશ. તમે તો મારા ફેવરિટ ત્યારે પણ હતા, અત્યારે પણ છો અને હમેશા રહેશો." (કહેતા બંને એકબીજાને જોઈ સ્માઈલ આપે છે.)

રાતના 8 વાગવા આવ્યા હોય છે. રવિવાર હોવાથી શહેરમાં રોજ કરતા ઓછો ટ્રાફિક હોય છે. પારિજાત ગાડી આશ્રમ રોડ તરફ લઈ જાય છે.

પૂજન અને મિસ્ટર રાજન પણ આસોપાલવના શોરૂમ પરથી સાડી ગિફ્ટ પેક કરાવીને નીકળે છે. રસ્તામાં સી. એન. વિદ્યાલય પાસે પૂજન ગાડી રોકીને મિસ્ટર રાજનને બુકે લેવા મોકલે છે. પૂજન જોવે છે તો સવા આઠ વાગી ગયા હોય છે.

પારિજાત બરાબર સવા આઠ વાગે ગાડી અમદાવાદની ફેમસ પતંગ હોટેલના પાર્કિંગમાં વાળે છે. પૂજને પહેલેથી જ પારિજાતના નામે ટેબલ બુક કરાવેલું હોય છે. અંદર જતાં જ કઈક અલગ અનુભવ હોય છે. આજુબાજુ અમદાવાદનો ટમટમતા તારલા જેવો આહલાદક નઝારો દેખાય છે.

પ્રજ્ઞા મેડમ: "એક સમયે અમદાવાદની દરેક વ્યક્તિનું સ્વપ્નું હતું કે પતંગમાં પોતાની પ્રિય વ્યક્તિ સાથે એક સાંજ માણવા મળે."

પારિજાત: " હા મેડમ, મારા મમ્મી પણ કહેતા હતા મારા પપ્પાએ જ્યારે એમને પતંગમાં લાવ્યા ત્યારનો અનુભવ."

પ્રજ્ઞા મેડમ: "અમુક ખાસ પળ અને ખાસ સ્થળની ઘણી સારી વાતો હોય છે જે તમને હંમેશા ખુશી આપી જાય. એવા પળ અને સ્થળને હંમેશા જીવતા રહેવું જોઈએ."

એટલામાં એક મેસેજ આવતા પારિજાતનો ચહેરો ખીલી ઉઠે છે. પ્રજ્ઞા મેડમને ફોનનું બહાનું બતાવી થોડે દૂર ઊભી રહે છે. મિસ્ટર રાજન અને પૂજન ત્યાં આવી ગયા હોય છે.

પૂજન મિસ્ટર રાજનને બૂકે અને ગિફ્ટ આપીને પતંગ હોટેલમાં જવાનું કહે છે. ત્યાં સુધી એ ગાડી પાર્ક કરીને આવે છે. ટેબલ પારિજાતના નામથી બુક કરેલું છે એવું જણાવે છે.

મિસ્ટર રાજન હોટેલમાં આવીને ટેબલ માટે પૂછે છે. એક વેઇટર એમને લિફ્ટમાં લઈ જાય છે અને થોડે દુરથી ટેબલ બતાવે છે.

મિસ્ટર રાજન (હાથમાં ફૂલોના બૂકે સાથે પૂછે છે): "એકસક્યુસ મી."

પ્રજ્ઞા મેડમનું હૃદય અવાજ સાંભળીને એક ધબકારો ચૂકી જાય છે અને હજારો વિચારો એકસાથે મનમાં હલચલ મચાવી રહ્યા હોય છે. અસમંજસ સાથે પ્રજ્ઞા મેડમ ફરે છે.
"સુંદર... શું ખરેખર આ તુ જ છે?"

"પ્રજ્ઞા, તું અહીંયા. મને તો... હું તો અહી.. હું બસ વિચારતો હતો કે... તું મને..." મિસ્ટર રાજન પ્રયત્નો છતાં વાક્ય પૂરું કરી શકતા નથી.

પ્રજ્ઞા: "તું હજી ય એવો જ છે. મારી સામે હજી ય વાક્ય પૂરું નથી કરી શકતો. સારું છે, દેખાવ થોડો બદલાઈ ગયો છે પણ તારી આ આદત નથી બદલાઈ. તો અહી કેવી રીતે?"

મિસ્ટર રાજન: " હું અહી... તારા માટે જ તો અહી આવ્યો છું... એટલે કે... મારો મતલબ હતો કે હું અહી તને... હું અહી મારા એક મિત્ર અને બીઝનેસ પાર્ટનર સાથે આવ્યો છું." (પ્રજ્ઞા રાજનનો હાથ પકડે છે ત્યારે તો રાજન પોતાનું વાક્ય પૂરું કરે છે.)

પ્રજ્ઞા: "સુંદર, તું અને આટલા સુંદર ફૂલો? તું બીઝનેસ પાર્ટનર માટે ફૂલોનો બુકે લઈને આવ્યો છું?"

મિસ્ટર રાજન (અસમંજસ સાથે): "હમમ... હા. ના ના એ તો.."

એટલામાં પાછળથી પૂજન અને પારિજાત આવીને કહે છે: "એ ફૂલો તમારા માટે જ છે પ્રજ્ઞા મેડમ."

હવે પ્રજ્ઞા અને સુંદર શરમાઈ જાય છે. ચારેય ટેબલ પર ડિનર માટે ગોઠવાય છે. પ્રજ્ઞા અને સુંદર નવા પ્રેમીની જેમ એકબીજાને જોતા હોય છે. એટલામાં સ્ટાર્ટર આવી જાય છે. પૂજન બધા સામે જ્યુસનો ગ્લાસ લઈને ટોસ કરે છે.
"To All time friends forever."

પ્રજ્ઞા (સ્માઈલ સાથે): "તો આ તમારો પ્લાન હતો એમ ને?"
કહેતા પૂજનનો કાન ખેંચે છે.

પૂજન: "એકચ્યુલી મેડમ, અમે તો એક લવ સ્ટોરીને પૂર્ણ કરવાનો પ્રયત્ન માત્ર કરતા હતા. બીજું કંઈ નહીં. તમે બંને એકબીજાને આટલો પ્રેમ કરો છો. એકબીજાને આપેલા વચન માટે હજી કુંવારા છો અને હજી પણ રાહ જોવા તૈયાર હતા. આ પ્રેમ એની પૂર્ણતાને પામે એ જ હેતુ હતો. "

(હવેથી પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજનનો પ્રજ્ઞા અને સુંદર તરીકે જ ઉલ્લેખ કરીશું.)

પ્રજ્ઞા: " પ્રેમ? હું આ માણસને પ્રેમ નથી કરતી. હજી એણે મને તો કીધું જ નથી. પ્રેમ છે તો મને તો જણાવે."

સુંદર: "(ગોઠણભેર બેસીને) પ્રજ્ઞા, જે વિશ્વાસ અને શ્રદ્ધા સાથે તે મારી રાહ જોઈ છે. એ તમામ પળોને એક વાર ફરીથી મારી જોડે યાદગાર બનાવવાનો મને એક મોકો આપીશ? શું તું મારી સાથે જીવનની દરેક પળની સાક્ષી બનીશ? મારા પ્રેમનો સ્વીકાર કરીને મારી સાથે લગ્ન કરીશ?"

આખા પતંગ હોટેલમાં આવેલા મહેમાનો તાળીઓથી સુંદર અને પ્રજ્ઞાને વધાવી લે છે. સુંદર પૂજનનો આભાર વ્યક્ત કરતો એને ભેટી પડે છે. પ્રજ્ઞા મેડમ પૂજનને ઠપકો આપતા એના અને પારિજાતના વખાણ કરે છે.

પારિજાત જાણી જોઈને આ સમયે પ્રજ્ઞા-સુંદર સાથે બીજી એક લવ સ્ટોરીને પણ પૂરી કરવાની વાત કરે છે. પ્રજ્ઞા અને સુંદર સમજી જાય છે અને એકમેકની સામે આંખ મીચકારે છે.

મિત્રો,
આ અંકમાં પૂજન અને પારિજાતની જુગલબંધી કેવીરીતે પ્રજ્ઞા ને સુંદરને એકબીજા સામે લાવીને બંનેની લવ સ્ટોરીને પૂર્ણ કરવામાં મદદ કરે છે. પ્રજ્ઞા અને સુંદર આટલા વર્ષે પણ એકબીજાને એટલો જ પ્રેમ અને એનાથી સવિશેષ વિશ્વાસથી નવા જીવન માટે પગલું ભરવાની શરૂઆત કરે છે. સાચું જ કહે છે જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ હમેશા હોય છે. સંબંધોમાં વિશ્વાસ અને શ્રધ્ધા હોય એ સંબંધ હમેશા તાજા ફૂલોની માફક મહેકતો રહે છે.
હજી પૂજન પ્રાંજલની વાર્તા ચાલતી રહેશે પણ આગળના અંકમા.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020