aanu j naam prem - 5 books and stories free download online pdf in Gujarati

આનું જ નામ પ્રેમ - ભાગ - 5

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને પ્રાંજલ જોડે થોડી ચડભડ થાય છે. પૂજન કૉલેજ આવે છે અને ત્યાં એની ફ્રેન્ડ પારિજાત એને પ્રજ્ઞા મેડમ જોડે મળવા લઈ જાય છે. હવે આગળ...

પૂજન અને પારિજાત બંને ગણિતના ડિપાર્ટમેન્ટ તરફ જાય છે. ત્યાં પહોંચતા ખબર મળે છે પ્રજ્ઞા મેડમ આજે રજા પર છે. પૂજન ફરી અફસોસ કરે છે. પણ પારિજાત એને આખી વાત શું છે એ પૂછવાની જીદ કરતા આખરે બીજા કોઈને ખબર ના પડે એ શરતે વાત જણાવવા રાજી થાય છે.

શનિવાર હોવાથી પારિજાત 1 વાગે ફ્રી થવાની હોય છે. ત્યાર બાદ બંને લંચ પર જવાનું નક્કી કરે છે. પણ વચ્ચે એક લેક્ચર હોવાથી પારિજાત પૂજનને કેમ્પસમાં રાહ જોવાનું કહે છે.

પૂજન ઘણા સમયે કૉલેજ આવેલો હોવાથી કેન્ટીન તરફ જાય છે. ત્યાં જઈ પોતે એક કોફી ઓર્ડર કરે છે. આજુબાજુમાં ઘણાબધા સ્ટુડન્ટ્સ મજાક મસ્તી કરતા હોય છે. અમુક ભણેશ્રી બુક લઈને બેઠા હોય છે જ્યારે અમુક લેટ લતિફો છેલ્લી ઘડીએ આપેલી નોટસ પૂરી કરતા હોય છે. પોતે પણ ઘણીવાર નોટ પૂરી કરવા કેન્ટીન આવતો હતો.
ત્યાં કોફી આવી જાય છે અને કોફી સાથે એ શરત પણ યાદ આવે છે.

કોફી માટે પ્રાંજલ પરાણે હા પાડે છે પણ એક શરત પણ મૂકે છે. શરત પ્રમાણે પૂજન જો ફ્રેશર પાર્ટી માં મિસ્ટર ફ્રેશર સ્પર્ધા જીતે તો પ્રાંજલ એની જોડે કોફી પીવા આવે. ફ્રેશર પાર્ટીમાં 3 રાઉન્ડ હોય છે.
પ્રથમ રાઉન્ડ - વેશભૂષા (થીમ આધારિત રેમ્પ વોક)
બીજો રાઉન્ડ - બુદ્ધિપ્રતિભા
ત્રીજો રાઉન્ડ - મનોરંજન અથવા સાહસ.

ફ્રેશર પાર્ટી માટે 5 દિવસની વાર હોય છે. વંદિત અને બીજા દોસ્તોને જ્યારે આ વાત ખબર પડે છે એ લોકો અલગ સૂચનો અને તૈયારી માટે બુક્સ અને મટીરિયલ આપે છે.

અંતે એ દિવસ આવે છે જ્યારે શહેરની બહાર આવેલા ઓપન પાર્ટી પ્લોટમાં સાંજે 7:00 વાગ્યાથી ફ્રેશર પાર્ટી થવાની હોય છે. પ્રાંજલ પૂજનનું મિસ્ટર ફ્રેશેરની સ્પર્ધા પહેલા મનોબળ તોડવા પોતાની ટોળકી સાથે મશ્કરી ઉડાવે છે. પૂજન અચાનક જ 3 વાગ્યાથી કૉલેજમાંથી જતો રહે છે. ક્યાંય પૂજન ના દેખાતા પ્રાંજલ એવું માને છે કે પૂજન શરતને લીધે ડરીને જતો રહ્યો છે.

સાંજે બધા સજીધજીને નિયત કરેલા સ્થળે પહોંચી ગયા હોય છે. પ્રાંજલ ને મૂકવા પેલો બાઈક વાળો છોકરો આવેલો હોય છે પણ એણે આમંત્રણ ન હોવાથી અંદર આવી શકતો નથી. પ્રાંજલ એની ફ્રેન્ડ સાથે અંદર આવીને પૂજનને શોધે છે પણ પૂજન હજી પણ દેખાતો નથી.

થોડીવારમાં સિનિયર સ્ટુડન્ટ્સ ફ્રેશર પાર્ટી શરૂ કરે છે. શરૂઆત થાય છે મજેદાર ગેમ્સ સાથે જેમાં બધા એકબીજા સાથે આનંદ કરતા ભાગ લે છે. હજી સુધી ક્યાંય પૂજન દેખાતો નથી. એના બધા દોસ્તો એક બીજા સાથે ઊભા એની રાહ જોતા હોય છે અને બીજી તરફ પ્રાંજલ પણ. અંતે મિસ્ટર ફ્રેશર સ્પર્ધાની જાહેરાત થાય છે. બધા સ્ટેજ પાસે આવી જાય છે.

બધા સ્પર્ધામાં ઉતરેલા પોતાના મિત્રોને પ્રોત્સાહિત કરતા હોય છે. રેમ્પ વોક શરૂ થાય છે. એક પછી એક 10 સ્પર્ધકો પોતાના અલગ પોશાકો સાથે સ્ટેજ પર આવી પોતાના વિચારો 1 મિનિટમાં રજૂ કરે છે. અંતે પૂજનનું નામ બોલાય છે. પૂજન અચાનક જ ગામઠી ચારણના વેશમાં દેખાતા અમુક લોકો હસવા લાગે છે.

સ્ટેજ પર વચ્ચે આવીને પૂજન ગુજરાતની સંસ્કૃતિ ઓળખાણ કરાવતા પોતાના વિચારો અને પોશાકની વિશેષતા જણાવે છે. બધા પોતાની સંસ્કૃતિની વાત જાણ્યા પછી તાળીઓથી પૂજનને વધાવે છે. અંતે બીજા રાઉન્ડ માટે પૂજનની પસંદગી થાય છે.

બીજા રાઉન્ડમાં 7 લોકો હોય છે જેમાં બધાને 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. આમાં પણ પૂજન 3 માંથી 2 સાચા જવાબો આપીને આગળના રાઉન્ડ માં પ્રવેશ કરે છે.

ત્રીજા રાઉન્ડમાં 3 લોકો પ્રવેશ કરે છે એમણે મનોરંજન અને સાહસમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે. જેમાં પ્રથમ સ્પર્ધક કરાટેના દાવ દેખાડે છે, બીજો સ્પર્ધક સરસ ગીત ગાઈને મનોરંજન કરે છે.

હવે પૂજનની વારી આવે છે. પૂજન સાહસની પસંદગી કરે છે અને બધાને મેદાનમાં જવાનું કહેવામાં આવે છે. ગામઠી વેશ બદલી પૂજન બ્લેક લેધર જેકેટ અને જીન્સ પહેરી ઇમ્પોર્ટેડ સ્પોર્ટ્સ બાઈક સાથે પ્રવેશ કરે છે. બધા લોકો એને જોતાં જ રહી જાય છે. ફિલ્મી ઢબે તૈયાર થઈ મોંઘીદાટ બાઈક પર આવેલા પૂજનને જોઈને કેટલીય છોકરીઓ વિચાર કરતી થઈ જાય છે.

આ બાજુ પ્રાંજલ અને એની ફ્રેન્ડ પણ પૂજનનું આ રૂપ જોઈને આશ્ચર્ય પામે છે. બાજુમાં ઊભેલી ફ્રેન્ડ તો એને કોફી પીવા ના જવું હોય તો પોતે કોફી પીવા જવાની તૈયારી બતાવે છે. પ્રાંજલને આ વાત સાંભળી થોડો ગુસ્સો આવે છે. એને આવી શરત મૂકવા માટે અફસોસ થાય છે.

થોડીવારમાં પૂજન બાઈક સાથે પોતાની કરતબો દેખાડે છે. એક વ્હીલ હવામાં લઈ બાઈક ચલાવી રહ્યો હોય છે. થોડીવારમાં બાઇકને એક જ મધ્યબિંદુ પાસે સ્પિન કરાવે છે. સ્પીડ સાથે બાઇકમાં એક બાજુ નીચે ઉતરી પાછો ચડી જાય છે. બધા લોકો આ કરતબો જોઈને તાળીઓના ગડગડાટ કરે છે.

પ્રાંજલ આ જોઈને હારવાની બીકે ક્લાસના એક છોકરાને બોલાવી કંઇક કહે છે. થોડીવારમાં એ હસતી હસતી પાછી પોતાની જગ્યાએ આવી જાય છે. એની ફ્રેન્ડ હસવાનું કારણ પૂછે છે તો એ "બસ જોયા રાખો" કહીને સ્મિત આપે છે.

હાથ છુટ્ટા રાખી બાઈકનું ચક્કર લગાવતો પૂજન જ્યારે ધ્યાનથી બીજા ચક્કર માટે જાય છે ત્યાંજ અચાનક બાઈકનું ટાયર ધડાકા સાથે ફાટે છે અને પૂજન લપસી જાય છે. બાઈક જોડે થયેલા અકસ્માતથી બધા એની જોડે આવી જાય છે. સદભાગ્યે પૂજન સમયસર કૂદકો લગાવી દે છે. બધું અચાનક બની જાય છે કે કોઈને કંઈ ખબર નથી પડતી.

થોડીવારમાં સિનિયર પૂજન માટે 108 બોલાવે છે. વંદિત એની જોડે હોસ્પિટલ જાય છે. રસ્તામાં વંદિત એના માસાને ફોન કરીને બોલાવી લે છે. અંકિત અને બીજા 2 દોસ્ત એની બાઈક લઈને રિપેર કરવા જાય છે. થોડીવારમાં બધું થાળે પડતાં, બાકીના સ્ટુડન્ટ્સ જમવા જાય છે. જમીને બધા છૂટા પડે છે.

પ્રાંજલને એની ફ્રેન્ડ બહાર નીકળીને તરત ગુસ્સો કરે છે અને પૂછે છે કે તે ક્યાં ગઈ હતી અને એણે શું કરાવ્યું હતું. પ્રાંજલ ગભરાઈને જણાવે છે તેણે થોડી ખીલ્લી રસ્તામાં નાખવા કીધું હતું. પણ એને ખબર નહતી કે આટલો મોટો અકસ્માત થઈ જશે. પૂજનને હોસ્પિટલ લઈ જવો પડશે.
પ્રાંજલ એની ફ્રેન્ડ સામે રોવા લાગે છે અને આની માફી પૂજન જોડે માંગશે એની બાહેધરી આપે છે. બંને કઈ બોલતા નથી અને પોતપોતાના ઘરે જાય છે.

પૂજનને લઈને 108 હોસ્પિટલ પહોંચે છે. પૂજનના માસા સમયસર હોસ્પિટલ આવી ગયા હોય છે. ડોક્ટર અમુક રીપોર્ટસ કરવાનું કહે છે. ખાસ તો પગના ભાગે ઈજા વધારે હોય છે બાકી થોડા ઉઝરડા પડ્યા હોય છે. ડોક્ટર માસા જોડે વાત કરીને બધું બરાબર છે એવી સાંત્વના આપે છે. સદભાગ્યે રીપોર્ટસ બધા નોર્મલ આવે છે.

બાઇકેથી કૂદકો મારવા જતા પગના ભાગે થોડો મચકોડ હોય છે. ડોક્ટર અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામની સલાહ આપે છે અને ત્રીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાની વાત કરે છે.

સોમવારે બધા કૉલેજ આવતા પૂજનની જ વાતો કરતા હોય છે. પ્રાંજલને 2 દિવસથી ઊંઘ નથી આવતી. તે કૉલેજમાં આવીને વંદિત ને મળે છે. વંદિત એને કઈ જણાવતો નથી. પ્રાંજલ પૂજનના બીજા દોસ્તોને મળે છે પણ એટલી ખબર પડે છે કે 2 દિવસથી પૂજન હોસ્પિટલમાં જ છે. અને હજી અઠવાડિયું કૉલેજ નહી આવી શકે.

અઠવાડિયું પ્રાંજલ માટે ઘણું લાંબુ થઈ જાય છે. આ બાજુ પૂજનના માતાપિતા એની ખબર કાઢવા આવે છે. મમ્મી જોડે હોવાથી પૂજનની તબિયત જલ્દી સુધરી જાય છે. ડોક્ટર અઠવાડિયા પછી પૂજનની તપાસ કરી એને હરવા ફરવાની છૂટ આપે છે. બીજા દિવસથી પૂજન કૉલેજ વંદિતની સાથે જવાનું શરૂ કરે છે.

પૂજન જેવો કૉલેજ પહોંચે છે, બધા દોસ્તો અને બીજા ક્લાસના વિદ્યાર્થીઓ ખબર પૂછે છે. અમુક છોકરીઓ તો પૂજનને "ગેટ વેલ સુન" કાર્ડ સાથે નંબર પણ આપે છે. આટલા દિવસની ચર્ચાને લીધે અમુક સિનિયર પણ એને મળવા આવે છે.

અંતે બ્રેક સમયે જ્યારે પૂજન નીચે જાય છે, પ્રાંજલ એની પાછળ જાય છે. થોડેક દૂર જઈને પ્રાંજલ પૂજનને સાદ આપે છે. પૂજન ઊભો રહે છે. વંદિત અને બીજા દોસ્તોને "આવું છું" એવું કહી આગળ મોકલે છે.

પૂજન: "બોલો, કઈ કામ હતું."

પ્રાંજલ: "ના, કામ તો નહોતું, પણ વાત કરવી હતી."

પૂજન: "હા તો કરો વાત. શું વાત કરવી છે."

પ્રાંજલ: "હું તારી સાથે કોફી પીવા આવીશ. બસ જણાવી દે ક્યારે જવું છે?"

પૂજન: "કેમ? મે તો શરત પૂરી કરી નથી. મે તો સ્પર્ધા પણ પુરી નથી કરી. તો આ મહેરબાની શાં માટે?"

પ્રાંજલ: "બસ મારી ઈચ્છા છે, તને પણ એ જ જોઈતું હતું ને. તારી પણ તો એજ ઈચ્છા છે ને."

પૂજન: "ઈચ્છા છે નહી... હતી. હવે નથી. જ્યારથી મને ખબર પડી છે કે મારી બાઈક સાથે એક્સીડન્ટ થયું નહોતું પણ કરાવાયું હતું. તો હવે મારી ઈચ્છા નથી તારી સાથે ક્યાંય જવાની કે તારી જોડે વાત કરવાની. તારા માટે તો ખાલી જીતવું અગત્યનું છે ને. ભલે ને એમાં કોઈનો જીવ જતો રહે."

પ્રાંજલ (આશ્ચર્ય સાથે): " તને કેવીરીતે ખબર પડી કે એ એક્સીડન્ટ કરાવાયું હતું. હું એની જ તો વાત આવી હતી. મને નહોતું ખબર કે આટલું બધું થઈ જશે. મારી વાત તો એક વાર સાંભળી લે."

પૂજન: "આ તો સારું થયું કે વાત મને ખબર પડી અને તારો અસલી ઈરાદો પણ. હજી પણ તું તો મહેરબાની કરતી હોય એમ મારી સામે આવીને વાત કરે છે. હવે મારે કઈ જ સાંભળવું નથી."
આટલું કહી પૂજન ત્યાંથી જતો રહ્યો. પ્રાંજલ ના આંખમાં જળજલિયા આવી ગયા. પણ એ જોવા કોઈ ત્યાં નહોતું.
પ્રાંજલને પૂજનના વર્તનથી દુઃખ તો થયું હતું પણ એણે જે કર્યું એના માટે આટલી સજા તો કઈજ ના કેહવાય. બીજી તરફ એ સમજાતું નહોતું કે પૂજન સુધી વાત કેવીરીતે પહોંચી.

મિત્રો,
આ અંકમાં પૂજન - પ્રાંજલ કોલેજ કાળની વાતો જોઈ. પૂજન પ્રાંજલ વચ્ચે પડેલી આ તિરાડ ની શું અસર પડે છે. હજી આ કોલેજ કાળની વાતો આગળ ચાલુ રહેશે આવતા અંકમા પણ. સાથે થોડુ જાણીશું પ્રજ્ઞા અને પૂજન મળે છે અને શું થાય છે.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED