aanu j naam prem - 7 books and stories free download online pdf in Gujarati

આનું જ નામ પ્રેમ - ભાગ 7

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. પૂજન પ્રાંજલ જોડે કોફી ની માટે શરત લગાવે છે. મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. પ્રાંજલ પૂજનને એક ચિઠ્ઠી આપે છે. પારિજાત અને પૂજન ની વાત પછી પારિજાત કોઈક ને ફોન લગાડે છે. પૂજન પારિજાતને પ્રજ્ઞા મેડમ ના ઘરે જવાનું કહે છે. હવે આગળ...

પૂજન પારિજાતની સાથે મિસ્ટર રાજન સાથે થયેલી બધી વાતો કરે છે. પારિજાતની મદદથી પૂજન નક્કી કરવા માગે છે કે મિસ્ટર રાજનની પ્રજ્ઞા જે છે એજ એમના પ્રજ્ઞા મેડમ છે. યોજના સાંભળી પારિજાત ખુશ થઈ જાય છે અને સાંજે જ પ્રજ્ઞા મેડમને મળવા ફોન લગાવે છે.

પારિજાત: "હેલ્લો, પ્રજ્ઞા મેડમ."

પ્રજ્ઞા: "હા, પારિજાત બોલ... અત્યારે ફોન કર્યો."

પારિજાત: " હા મેડમ, આજે સવારે તમારા ડિપાર્ટમેન્ટ તરફ ગઈ હતી. તો ખબર પડી કે તમે રજા પર છો."

પ્રજ્ઞા: "હા આજે થોડુ સવારે મોર્નિંગ વોક પછી તબિયત થોડી ભારે લાગતા રજા રાખી છે. કઈ ખાસ કામ હતું કે?"

પારિજાત: "હા મેડમ, કામ હતું પણ ફોન પર વાત થાય એમ નથી. તમે કહો તો સાંજે ઘરે આવીને વાત કરું."

પ્રજ્ઞા: " સારું, સાંજે ઘરે આવી જા. બેસીને વાત કરીએ."

પારિજાત પૂજનની સામે જોઈને ઈશારો કરે છે. પૂજન ખુશ થઈને બીજા ચરણ માટે શું કરવાનું છે એ સમજાવે છે. પૂજન પારિજાતના મદદ માટે આભાર વ્યક્ત કરીને એને ઘરે ડ્રોપ કરે છે.

આ તરફ પૂજન મિસ્ટર સુંદર રાજન અમદાવાદમાં અલગ અલગ સ્થળે ફરીને ગાંધી આશ્રમ આવે છે. ત્યાં શાંતિથી બેસી સાબરમતી રિવરફ્રન્ટ જોતા હોય છે ત્યાં જ મોબાઈલ જોવે છે. ફોનમાં પૂજનના ઘણા બધા મિસ કોલ જોઈને કોલ બેક કરે છે. પૂજન મિસ્ટર રાજન જોડે સાંજે સાથે ગાંધીનગર જવાનું આયોજન કરે છે.

જ્યારે પૂજન ઘરે આવે છે એક ખુશી એના ચહેરા પર જોવા મળે છે. આજે ઘણા વર્ષો પછી પોતે જે દર્દ દબાવી બેઠો હતો એ અચાનક જ ક્યાંક જતું રહ્યું હોય એવું લાગે છે.
દર્દની જગ્યા અત્યારે એક ખુશીનો અનુભવ કરી રહ્યો હોય છે. સાચું જ છે : " તમે જ્યારે બીજાના ખુશી માટે નિસ્વાર્થ કંઇક કરો છો એનો આનંદ બધા દર્દ ભુલાવી દે છે."

પૂજન ફ્રેશ થઈને કોફી બનાવે છે અને ટીવી શરૂ કરે છે. ટીવી પર કઈ ખાસ ના આવતા કોફી લઈને બાલ્કની માં આવે છે. કઈક યાદ આવતા જૂના બોક્સમાંથી એક ચિઠ્ઠી બહાર કાઢે છે. એજ ચિઠ્ઠી જે પ્રાંજલ દ્વારા લખેલી હતી.

જ્યારે ચિઠ્ઠી ખોલે છે ત્યારે એમાંથી એક ફોટોગ્રાફ નીચે પડે છે. એ ફોટોગ્રાફ જોતા જ યાદ આવ્યું કે જ્યારે પહેલી વાર બંને કોફી માટે ગયા હતા.

પ્રાંજલ જ્યારે સેમેસ્ટર એક્ઝામના છેલ્લા દિવસે બહાર આવે છે, પૂજન એને એક વાર વાત કરવા માટે અને મળવા તૈયાર છે એવું જણાવે છે. બીજા દિવસે બંને શહેરના પ્રખ્યાત મોલના 'કાફે કોફી ડે'માં મળે છે.

પૂજન થોડો સમય કરતા વહેલો આવી જાય છે. શહેરના આધુનિકરણથી હજી એટલો ના ટેવાયેલો પૂજન શાંતિથી નિરીક્ષણ કરતો હોય છે. નિયત સમયે મોરપીંછ કલરના ડ્રેસમાં ગુલાબી ઓઢણી સાથે પ્રાંજલ પ્રવેશ કરે છે. થોડીવાર જાણે સમય થંભી ગયો હોય એવી અનુભૂતિ કરાવતી ધીમે પગલે પ્રાંજલ આવીને બેસે છે.

હંમેશા વેસ્ટર્ન અથવા ટીશર્ટ-જીન્સ જ પહેરતી પ્રાંજલને આવા અવતારમાં જોઈને પૂજનનું હૃદય એક ધબકારો ચૂકી જાય છે. પૂજન માંડ માંડ પોતાના હૃદય પર કાબૂ રાખે છે. એને યાદ આવે છે કે એ હજી પ્રાંજલ પર એક્સીડન્ટ ના કારણે ગુસ્સે છે. થોડા બનાવટી ગુસ્સા સાથે પૂજન શરૂઆત કરે છે.

પૂજન: " શું કામ કૉલેજ છોડવી છે તારે?" અચાનક અલગ સવાલ પૂછી લીધો એવું યાદ આવતા નીચું જોઈને બીજો સવાલ પૂછે છે.
"કૉલેજમાં આવી રીતે ચિઠ્ઠી આપવાનો શું અર્થ સમજવો?"

પ્રાંજલ: "તું મારી જોડે વાત ના કરે. હું આવું ત્યારે તું રસ્તો બદલીને જતો રહે. ભૂલમાં સામે આવી જાય તો સીધા મોઢે જોવે નહી. એટલે ચિઠ્ઠી લખવી પડી."

પૂજન: " હા, તો એવું હતું તો એનું કારણ પણ તને ખબર જ હશે ને."

પ્રાંજલ: "ખબર તો છે જ, એટલે જ તો મે નક્કી કર્યું છે કે કૉલેજ છોડી દેવી અને શહેર પણ. એવું કરવાથી ય તું કદાચ મને માફ કરી દે. "

પૂજન: "માફી નહી સજા મળે એવુ કામ તે કર્યું છે. પણ હા જે કર્યુ એની સજા જો તું ભોગવવા તૈયાર હોય તો માફી મળી જશે."

પ્રાંજલ (આંખોમાં ચમક સાથે): "કઈ પણ સજા હશે. હું તૈયાર છું."

પૂજન: "વિચારી લે. પછી આનાકાની તો કરીશ નહી ને. સજા એટલી સહેલી નહી હોય. "

પ્રાંજલ: "હા વિચારી લીધું... પ્રાંજલ એક વાર કીધા પછી સહેલું અઘરું નથી વિચારતી. બસ, તું બોલ સજા શું છે?"

પૂજન ( બનાવટી રોફ બતાવતો): " સારું સારું હવે... એતો કાલે જોઈએ. હું સજા વિશે કાલે કહીશ. પછી જોઈએ. અત્યારે તો કોફી લઈએ. "

કોફી આવે ત્યાં સુધી બંને એકબીજા સાથે ઔપચારિક વાતો કરે છે. પછી અચાનક જ પૂજન ઘર વિશે પૂછે છે અને પ્રાંજલ કઈ કહેતી નથી.

પૂજન: "પ્રાંજલ, જો તું લખીને જણાવી શકે તો વિશ્વાસ રાખ તુ મને સામે પણ બધું જણાવી શકે. હું માત્ર ઔપચારિક મિત્ર નથી બનવા માગતો."

પ્રાંજલ: "મારું બાળપણ તો કીધું એમ જ હુંફ વિહોણું છે. એમાંય સમજણ આવી ત્યારથી સંબંધોને પૈસા માટે બંધાતા અને તૂટતાં જોયેલા છે.

પણ જ્યારે પણ હું આ બધાથી ત્રાસી જાઉં ત્યારે મારા નાનીજી ને ત્યાં જતી રહું. એમની જોડે હું બધી વાત કહી શકું છું બિન્દાસ્ત. એમની સાથે મારું મન હવળું કરી શકું છું અને પોતાની જાતને એકદમ શાંત અનુભવી શકું."

પૂજન: " અચ્છા. તો શું એ તારી સાથે નથી રહેતા?"

પ્રાંજલ: " ના, એ મારા મામાને ઘરે રહે છે. પણ કોઈક વાર મારી જોડે રહેવા આવી જાય. બાકી હું એમની પાસે જતી આવું મન હળવું કરવા."

પૂજન: " ઠીક. તો નાનીજીને તે મારા વિશે કીધું નહી હોય ને."

પ્રાંજલ (ઉછળી પડતાં): " ના, મે કીધું છે. તારા વિશે તો બધું કીધું છે. પ્રથમ દિવસથી તને જોયો ત્યારથી આપણી શર્ત, ગામઠી પોશાકમાં કરેલું વક્તવ્ય અને મારી ભૂલ. તારુ એક્સિડન્ટ એ પછી હું કેટલું રડી હતી. એ પછીનો તારો વ્યવહાર અને આજે આપણે મળવાના છીએ એ પણ કીધું છે. સાચું."

પૂજન: "અચ્છા. તો એ મારા પર ગુસ્સે હશે ને."

પ્રાંજલ: "એ કેમ તારા પર ગુસ્સે હોય? એ તો મારા પર વધારે ગુસ્સે થયા હતા. એમની વાત પણ એજ હતી. મજાક અને લાગણીનો તફાવત તારી અને મારા નાનીજી જોડેથી જ શીખી છું. તું ગુસ્સે ના થાય તો એક વાત કહું."

પૂજન: "વાત કહે પછી જોઈએ ગુસ્સે થવું કે નહી. ગુસ્સે થવા જેવી વાત હશે તો ગુસ્સે પણ થઈશ."

પ્રાંજલ (બાળકની જેમ જીદ કરતા): " ના પ્રોમિસ કર ગુસ્સે નહી થાય."

પૂજન(મુસ્કુરાઈ ને): " સારું, નહી થવું ગુસ્સે. બોલ હવે."

પ્રાંજલ(થોડુ શરમાઈને): " કાલે જ્યારે મે નાનીજી ને કીધું આપણે મળીયે છીએ. એમણે જ મને સલાહ આપી અને આજે પહેલી વાર આવી તૈયાર થઈને આવી છું."

પૂજન(બનાવટી છણકા સાથે): "અચ્છા તો આ બધું એમણે કીધું એટલે. તને તો કોઈ લાગણી નથી ને."

પ્રાંજલ (બાળકની જેમ અધીરાઈ સાથે): "ના. લાગણી છે. પહેલા દિવસથી છે. બસ ખાલી તૈયાર થવામાં એમની સલાહ લીધી. "

પૂજન આ બધું સંભાળી ખુશ થતો હોય છે પણ બહારથી બતાવતો નથી. હવે બંને જણા હળવાશથી એકબીજા જોડે વાતો કરતા હોય છે. પ્રાંજલ પણ પૂજનનું ઘર અને પરિવાર વિશે વાતો કરતી હોય છે. બંનેને આવ્યા ત્રણ કલાક થઈ ગયા પણ હમણાં જ મળ્યા એવી વાતો કરતા હતા. એમના માટે સમય જાણે ઊભો રહી ગયો હતો.

પ્રાંજલ: (થોડુ મસ્તી સાથે) " પૂજન, તને એક દિવસ જોઈશે મારી સજા વિચારતા. હું તો સમજતી હતી કે તું આજે જ સજા નક્કી કરીને આવેલો હોઈશ. કે પછી મને જોઈને સજા બદલવાનો વિચાર આવી ગયો."

પૂજન: "ઓ... બહુ હવામાં ના ઉડીશ. આતો મારી ઉદારતા છે. બાકી છોકરીઓ મારું મન ના બદલી શકે. આતો તારુ કૉલેજ અને ભણવાનું ના બગડે એટલે મળવા આવ્યો." (મનમાં તો એ પણ એ જ વિચારી રહ્યો હતો કે સજા એવી આપુ કે હમેશા તું મારી બનીને રહીશ.)

ત્યાં જ પ્રાંજલ ને મોબાઈલ માં ફોન આવે છે. એ કોઈને હમણાં મળવા આવું છું એવું કહીને ફોન મૂકે છે અને પૂજનને કહે છે કે તેણે હવે જવું પડશે.

મિત્રો,
આ અંકમાં પૂજન પ્રાંજલ વચ્ચે થયેલી વાતચીત જોઈ. પૂજન હવે શું સજા આપે છે? પારિજાત સાંજે પ્રજ્ઞા મેડમ જોડે શું વાત કરે છે? પૂજનની પારિજાત જોડે શું યોજના છે? આ બધાનો જવાબ મળશે પણ આગળના અંકમા.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED