aanu j naam prem - 11 books and stories free download online pdf in Gujarati

આનું જ નામ પ્રેમ - ભાગ - 11

આગળના અંકમાં પૂજન અને પારિજાત વચ્ચે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજનને એકબીજાની સામે કેમ કરીને લાવીશું એનું આયોજન થાય છે. પારિજાત એને કવર આપે છે જેમાં એ બધાના ઉદયપુરમાં લીધેલા ફોટા, કાગળિયા અને પેનડ્રાઈવ હોય છે. મિસ્ટર રાજન એમના મિત્ર સુંદરલાલને ફેસબુક રિકવેસ્ટ મોકલે છે. વીડિયોમાં પૂજન અમુક છોકરાઓમાંથી એક છોકરાને જોઈ ઓળખી જાય છે. હવે આગળ...

પૂજન વિડિયો ચાલુ કરે છે. આ તો એજ રાતની પાર્ટીનો વિડિયો છે. એ છોકરાઓમાં એક છોકરાને જોઈને પૂજન બોલી ઉઠે છે. "કવિશ, અચ્છા તો એ રાત્રે તું પણ ત્યાં જ હતો. અને આ બધું તે કરાવેલું છે. "
(કવિશની પ્રાંજલ જોડે સગાઈ થઈ હોય છે. કવિશના પિતા અને પ્રાંજલના પિતા પાર્ટનર હોય છે. )

પૂજન થોડીવાર માટે ભૂતકાળમાં સરી પડ્યો.
પૂજન અને પ્રાંજલ જ્યારે અમદાવાદ ફરવા જાય છે ત્યાં પ્રાંજલ એને અમદાવાદના ઐતિહાસિક સ્થળ જેવા કે સીદી સૈયદની જાળી, હેરિટેજ પોળ, હઠીસિંહના દેરા, ગાંધી આશ્રમ વગેરે સ્થળોની માહિતી સાથે એની વિશેષતા પણ જણાવે છે.

બપોરે જમીને એ બંને અડાલજની વાવ જોવાનુ આયોજન કરે છે. જમતી વખતે જ પ્રાંજલના ફોન પર ઘણા બધા ફોન આવતા હોય છે. પહેલા તો પ્રાંજલ ફોન કટ કરે છે પણ હજી પણ ફોન આવતા હોવાથી પૂજન એને ફોન ઉપાડવાનું કહે છે. પ્રાંજલ ફોન લઈને બહાર જાય છે. થોડીવારે પ્રાંજલ પાછી આવે છે એના ચહેરા પર ગભરામણ દેખાય છે.

પૂજન: " પ્રાંજલ, શું થયું કઈક પરેશાન લાગે છે."

પ્રાંજલ: " કઈ ખાસ નહી. પણ મારે જવું પડશે."

પૂજન: " એવું તો શું થયું? જમવાનું હજી આવે એટલે જમીને નીકળી જાજે."

પ્રાંજલ: "ના, હું હમણાં નીકળું. તું મને મેઈન રોડ સુધી મૂકી જા, હું ત્યાંથી કેબ કરી લઈશ."

પૂજન: "ના, જમવાનું નામ લીધું છે તો જમીને જ જઈશું. સવારથી ફરીએ છીએ તો તને ભૂખ લાગી હશે ને. અને એવું શું થયું અચાનક કે આટલી ગભરાઈ ગઈ."

પ્રાંજલ: "ના, એ વાત પછી કરીશ. અત્યારે મૂકી જા. મારા લીધે તને કોઈ કહી જાય એ મને નહી જોઈએ."

પૂજન: " મને કોઈ કેમ કઈ કહી જાય? વાત શું છે જરા સમજાવ તો ખબર પડે. આપણી દોસ્તી ખાલી કહેવા માટે થોડી છે. બોલ, વાત શું છે?"

પ્રાંજલ: " તને એક વાત મે નથી જણાવી. મારી સગાઈ થઈ ગઈ છે. મારા પિતાજી એ 2 વર્ષ પહેલા જ મારી સગાઈ એમના પાર્ટનરના છોકરા સાથે કરી હતી. અમે નાના હતા ત્યારે એકબીજા જોડે રમતા હતા. ત્યારે અમે રમતા એ ગમતું. પણ હવે તો નાની નાની વાતોમાં એ મારા પર હક કરતો હોય છે. મને આ બધું નથી ગમતું પણ પિતાજી માટે કઈ કહેતી નથી. બાળપણની દોસ્તી અને યુવાનીના પ્રેમમાં ફેર હોય છે. "

પૂજન: "અચ્છા તો સગાઈ એક રીતે બંધન બની ગયું લાગે છે. દોસ્તી અને પ્રેમની વચ્ચે ફેર હોય છે હું માનું છું. પણ બંને ને નિભાવવું પડે છે. એના માટે એકબીજા પર વિશ્વાસ કરવો પડે છે. મને તો લાગે છે, તું મારી જોડે દોસ્તી નિભાવી શકીશ કે નહી?"

પ્રાંજલ: " નિભાવીશ. જરૂરથી નિભાવીશ. એવું નથી કે વિશ્વાસ નથી. પણ તને કોઈ મારા લીધે કહી જાય એ નહી ગમે."

પૂજન: "સારું તો મારા પર વિશ્વાસ છે ને. તો આપણો પ્રોગ્રામ એમ જ રહેશે. તારે ક્યાંય ડરીને જવાનું નથી. હું છું ને, બધું સંભાળી લઈશ. બરાબર?"

પ્રાંજલ: "તું આમાં ના પડીશ. મને સંભાળવામાં એ તને નુકશાન ના પહોંચાડે."

પૂજન: " ચાલ, તો હવે આમાં પડીને જ જોવું રહ્યું. અને હા, તારી સજા પણ નક્કી કરી લીધી છે. સજા સાંભળીને ભાગી નહી જાય ને."

પ્રાંજલ: "પ્રાંજલ પ્રોમિસ કરે એ પૂરું કરે છે. કઈ પણ થાય, હું ભાગીશ નહી. પણ તું બોલ તો ખરી, શું કરવું પડશે મારે? બાકી એનો ફોન આવશે તો મારે ભાગીને જવું પડશે. "

પૂજન: "તારા 18 વર્ષ થઈ ગયા?"

પ્રાંજલ: "ના, થોડા મહિના બાકી છે. કેમ એવું પૂછયું?"

પૂજન: " આ તો મોટું જોખમ થઈ ગયું. પણ તારા માટે આજે લઈ લઈશ."

પ્રાંજલ: "શેનું જોખમ? એનું મારી ઉંમરથી શું મતલબ?"

પૂજન: " તને ભગાડી જવામાં મને કોઈ અંદર ના કરાવી દે." (કહીને હસવા લાગે છે.)

પ્રાંજલ: "મજાક ના કર. શું કરવા માગે છે તું સમજ પડે એમ બોલ. "

પૂજન: "ડરીશ નહીં ને? હવે ફોન આવે તો કહી દે કે અડાલજની વાવ જઈએ છીએ. સજા તો એની સામે જ કહેવાની મજા આવશે. બસ, તું મને ફસાવી તો નહી દે ને?" (પ્રાંજલ પણ આખું આયોજન સાંભળીને હા પાડી દે છે.)

જમીને પ્રાંજલ ફોનમાં કહી દે છે કે હું મારા દોસ્ત જોડે છું અને અમે અડાલજની વાવ પાસે જવાના છીએ. થોડીવારમાં તો 3 બાઈક અને 1 કાર લઇને 10-12 છોકરાઓ અડાલજની વાવ પાસે આવી ગયા. બધાએ એકસાથે અંદર પ્રવેશ કર્યો અને ત્યાં આવીને બધું ફરી વળ્યા પણ કોઈ ત્યાં ના મળ્યું.

કવિશ જોરદાર ગુસ્સે થઈને પ્રાંજલને ફોન કરે છે. ફોન પર પ્રાંજલ જણાવે છે કે એ લોકો આઈસ્ક્રીમ ખાવા અક્ષરધામ આવ્યા છે. થોડીવાર અહી રાઈડની મજા લેશે. ફોન બહાર મૂકવાનો હોવાથી હવે વાત નહી થાય. એટલું કહીને ફોન કટ કરે છે. એટલે આખું ટોળું ગાંધીનગર અક્ષરધામ જવા નીકળે છે. ત્યાં પહોંચીને 2-3 કલાકની જેહમત બાદ પણ કોઈને કોઈ મળતું નથી. થાકીને બધા બહાર નીકળે છે.

બહાર નીકળીને ફોન કરતા પ્રાંજલ અગોરા મોલ કહે છે. કવિશ બધાને ત્યાં જવાનું કહે છે. પણ 2-3 દોસ્ત બહાનું કાઢીને જતા રહે છે. પછી ત્યાંથી સાયન્સ સિટી બોલાવે છે. ત્યાંથી વસ્ત્રાપુર આલ્ફા વન મોલ અને છેલ્લે લો ગાર્ડન ફ્રિઝલેન્ડ રેસ્ટોરન્ટ એમ બધાને આખા અમદાવાદમાં ફેરવે છે. આમ પૂજનના કીધા પ્રમાણે પ્રાંજલ બિન્દાસ થઈને બધાને નચાવે છે. 12 જણનાં ટોળા સાથે આવેલા કવિશ જોડે અત્યારે 2 જ જણા હોય છે.

છેલ્લે ફ્રિઝલેન્ડમાં બંને બેઠા હોય છે ત્યાં કવિશ આવે છે. આખા દિવસમાં પ્રાંજલે ઠેર ઠેર ફેરવેલા હોવાથી ગુસ્સામાં કવિશ પ્રાંજલને બહાર એની જોડે આવવાનું કહે છે.

પ્રાંજલ શાંતિથી એને પૂજનની જોડે ઓળખાણ કરાવે છે. પૂજન સામે આવીને કવિશ એને સીધો જ મુક્કો મારવા જાય છે. પણ ત્યાં તો ઠેસ વાગવાથી કવિશ નીચે પડી જાય છે. પ્રાંજલ ખડખડાટ હસવા લાગે છે.

પૂજન: "અરે કવિશ, ધ્યાનથી જરા. આજે આમ પણ તે બહુ રાહ જોવડાવી અમને બંનેને. તું અડાલજ આવ્યો જ નહી, ના તો અક્ષરધામ, ના તો સાયન્સ સિટી.

કવિશ: "આ બધું તમે બંનેએ ભેગા મળીને કરેલું. પ્રાંજલ તું જાણે છે ને તારા પપ્પા આ જાણીને ગુસ્સો કરશે."

પૂજન: "પ્રાંજલ, આ તો સ્કૂલ બોયની જેમ પપ્પા જોડે ફરિયાદ કરવાની વાતો કરે છે."

પ્રાંજલ: "એનું તો એવું જ છે પૂજન, દરેક વાતમાં એના પપ્પા કા તો મારા પપ્પાને ફરિયાદ કરવાનું કહે છે."(કહીને હસવા લાગે છે.)

એટલામાં કવિશના બે દોસ્તો પૂજનને પકડીને મારવા લાગે છે. આ બધું થતાં ત્યાં મેનેજર આવી જતા બધાને બહાર મોકલી દે છે. આ બધુ જોઈને પ્રાંજલ કવિશનો હાથ પકડીને એને અહીંથી જતા રહેવા કહે છે. ત્યાં જ એને પૂજનના શબ્દો સંભળાય છે.

"તારી સજા એ છે કે જ્યારે પણ હું તને કોફી પીવા બોલાવીશ ત્યારે તારે આવવું પડશે. સમય, સ્થિતિ કે વ્યક્તિ કે બીજું કઈ પણ હોય, પણ હું જ્યારે કોફી માટે બોલવું ત્યારે તું ના નહી પાડી શકે."

અને પાછળ મધુર સ્વરે બોલાયેલા પ્રાંજલના શબ્દો પડઘાય છે.
"હું પ્રોમિસ કરું છું. તું જ્યારે પણ મને કોફી માટે બોલાવીશ. હું બધું મૂકીને આવી જઈશ."

કવિશ પ્રાંજલનો હાથ છોડાવી પૂજનને મારે છે. પૂજનની આંખ પાસે જોરથી વાગતા તે નીચે પડી જાય છે. પ્રાંજલ કવિશને જતા રહેવાનું કહીને પૂજનની સાથે દવાખાને જાય છે. એટલામાં લેપટોપ પર વિડિયો બંધ થઈ જતાં પૂજનને ખ્યાલ આવે છે કે આ વીડિયોમાં જે બધું થયું એના લીધે પ્રાંજલ એને છોડીને જતી રહી હતી.

ઘણીવાર આપણી સામે એવી સ્થિતી આવી જતી હોય છે જેમાં આપણે વિશ્વાસ કરવો કે ના કરવો એવી અસમંજસમા હોઈએ છીએ. ત્યારે જ બીજા લોકોને આપણે આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની પરમિશન આપી દઈએ છીએ. આજ એ સમય હોય છે જ્યારે એકબીજા સાથે રહીને સંબંધોને વધારે મજબૂત બનાવવા જોઈએ.

પારિજાત પ્લાન પ્રમાણે પ્રજ્ઞા મેડમને ફોન કરીને જણાવે છે કે એમની સલાહથી બધું સારું થઈ ગયું છે. એટલા માટે આજે સાંજે એમણે પારિજાતના સાથે ડિનર લેવાનું છે. પારિજાતના આગ્રહથી પ્રજ્ઞા મેડમ હા કહે છે. આ ખુશખબર આપવા પારિજાત પૂજનને ફોન લગાવે છે.

પારિજાત: "પૂજન, મારી પાર્ટી તો ફાઇનલ થઈ ગઈ. પ્રજ્ઞા મેડમ આજે સાંજે ડિનર માટે માની ગયા છે."

પૂજન: " અરે વાહ, પારિજાત તને કામ આપીએ એટલે થઈ જ ગયું હોય. એ તો કહે તે આ કર્યું કેવી રીતે? "

પારિજાત: " કેવી રીતે કર્યું એ તને નહી જોવાનું. તું તો બસ પાર્ટી તૈયાર રાખજે. અને તે સાંજનું ફાઇનલ કર્યું કે નહી?"

પૂજન: " અરે મે પણ નક્કી તો કરી જ રાખ્યું છે. સાંજે 6 વાગે મિસ્ટર રાજન સાથે હું બહાર જઈશ. અને 8:30 વાગે અમે પહોંચી જઈશું. ટેબલ તારા નામે બુક કરાવી લીધું છે."

પારિજાતને પૂજન સાંજે નક્કી કરેલી જગ્યાએ મળવાનું કહીને આગળની યોજના બતાવે છે. પારિજાત પણ આ સાંભળીને ખુશ થઈ જાય છે.

મિત્રો,
આ અંકમાં પૂજન અને પ્રાંજલ વચ્ચેનો સંવાદ જોયો. પ્રાંજલ માટે સગાઈની વાત એક બંધન બની ગયું છે. પ્રાંજલ સગાઈની વાત પૂજનને જણાવે છે. પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે પ્રાંજલ કવિશને આખા શહેરમાં ફેરવે છે. પારિજાત અને પૂજન સાંજે શું પ્લાન બનાવે છે? મિસ્ટર રાજન અને પ્રજ્ઞા મેડમ મળશે કે કેમ? કવરમાં બીજી શું માહિતી હશે? આ બધાનો જવાબ મળશે પણ આગળના અંકમા.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED