Pattano Mahel - 14 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 14

પત્તાનો મહેલ

(14)

September 6, 2009

શર્વરીએ ખુલાસો આપવા માંડ્યો. જેની નજરમાં કમળો હોય તેને બધું જ પીળું દેખાય… અને આવું જ કંઈક તમારા સ્કૂપ શોધનારા પત્રકારો માટે છે.. તમારા મતે સ્ત્રી – પુરુષોનાં સંબંધો ફક્ત એક જ પ્રકારના હોય છે. અને એમાં મીઠું – મરચું ઉમેરીને ચગાવવામાં તમને શું મળતું હોય છે. તે તો ખબર નથી પણ એનાથી એ ઘરોમાં કેવી હોળી સળગી શકે છે, તેનો તમને સ્ત્રી તરીકે સહેજ પણ અંદાજ નથી થતો તે જોઈને દુ:ખ થાય છે.

મારા નિલયને હું જેટલો ઓળખું છું તેટલું તેને કોઈ ઓળખતું નહીં હોય. શ્યામલી તેમની મિત્ર છે. બિઝનેસ પાર્ટનર છે અને તેનાથી વધુ કંઈ જ વિચારીને એમના જીવનમાં પણ શંકાના થોર ના વાવશો. રાધા નાની બહેન છે મારી નણંદ છે. તેમના સંબંધોને બેહૂદી રીતે જોતા પહેલા એટલું વિચારી લેજો કે તમને તમારા મોટાભાઈ પાસે બેસેલા જોઈને તમારા પતિને કોઈ ખરાબ વિચાર આવે છે?

રાધાબહેન નિલયની સફળતાનું એક અંગ છે. આથી વધુ કોઈપણ જાતનું વિચારવું તે ફક્ત સમાજને વિકૃતિ તરફ દોરવા બરાબર છે. ત્રિકોણનો ચોથો ખૂણો શોધવા માટેનો તમારો પ્રયત્ન વાંઝણો છે.

પત્રકારો સ્તબ્ધ થઈને શર્વરીને સાંભળી રહ્યાં હતા. રાધા અને નિલય બંનેની આંખમાં શર્વરી માટેનો અહોભાવ ડોકાતો હતો.

પત્રકારો છૂટા પડ્યા ત્યારે ચિત્રરંગની ફોટોગ્રાફર નૌકા સાથે શર્વરીનો એક ફોટો પાડવા આવી. શર્વરીએ શાંતિથી કહ્યું , ‘જુઓ બહેન, આવી વાતો ન ઊપજે તો સૌથી સારું પણ તેનો રદિયો ન અપાય તો વધુ ચગે તેથી આ ખુલાસો કર્યો. તમને નીચા પાડવાનો આમાં કોઈ જ પ્રયાસ નહોતો.’

‘બહેન ! તમે સાચા છો. પણ હું આ વાતને વિકૃત રીતે નથી જોતી. મને ભૂતકાળમાં થયેલા મારા અનુભવોથી ભવિષ્યની એમની થનાર સિદ્ધિઓને મૂલવવામાં રસ છે. વળી દરેક પત્રકારની એક પોતાની આગવી પધ્ધતિ છે. હું મારી પધ્ધતિથી શોધખોળ કરવા મથું છું.’

‘હશે ! તમે સાચા હશો. પરંતુ નિલય ખૂબ જ સફળ માણસ છે. કદાપિ નિષ્ફળતા એને સ્પર્શી નથી . હા કદાચ તે જે સફળતા માટે ઝઝૂમતો હોય તે થોડીક વિલંબથી મળી હશે પરંતુ એ જે વસ્તુને લે છે તેને સંપૂર્ણપણે પૂરી કરે છે. નહીંતર તે હાથમાં જ લેતો નથી. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો તે સફળ સુકાની છે. આ વસ્તુને યોગ્ય જ રીતે લખશો. કૌટુંબિક કે કૉલેજ જીવનને યાદ કરવાથી તમને રોમાચ મળતો લાગશે – પરંતુ તેનાથી અમારી સંવાદિતામાં વિઘ્ન પડશે.’

નિલય શર્વરીને મુગ્ધતાથી સાંભળી રહ્યો હતો. ઘરે જઈને શર્વરીને પહેલા જ પ્રશ્ન પૂછ્યો – ‘શર્વુ , શ્યામલી અને મારા અફેરની વાત જાણી તને આશ્ચર્ય ન થયું? ’ ‘ના રે મારા ભોળા રાજ, આવું તો દરેકની જિંદગીમાં બનતું જ હોય છે. … ચુપાચુપી જિંદગીમાં ન ખેલાય એવું બને જ નહીં. પણ વીસ વર્ષમાં તારા હોઠે કદી શ્યામલીનું નામ કે રાધાનું નામ આવ્યું નથી તો પછી મારે તારા (મારા અણહકના) ભૂતકાળમાં ડોકિયા કરી મારા વર્તમાનને ડહોળવો નથી. શ્યામલીનું વર્તન કે રાધાનું વર્તન તારી સાથે કે તારું વર્તન એમની સાથે જરાપણ અજુગતું હોય તો મને ચિંતા કે આશ્ચર્ય થાય. દરેક જણ પોતપોતાની રીતે સ્વસ્થ છો સ્વચ્છ છો ત્યાં મારું આવું વલણ જ તેમને શાંત પાડી શકે. નિલય તું મારા સિવાય કોઈનો નહોતો… નથી અને નહીં હોય….’

નિલયને આ શબ્દો અત્યંત રાહત આપનારા હતા એને થોડુંક ટીખળ કરવાની ઇચ્છા થઈ અને તે બોલ્યો ‘ મારા ઉપર બહુ વધુ પડતો વિશ્વાસ નહીં રાખવાનો હં !’

‘જેના પર વિશ્વાસ રાખીને આખી જિંદગી સોંપી છે તેના પર અવિશ્વાસ કેમ થાય? ’

બીજા દિવસે ચિત્રરંગનો રિપૉર્ટ જોવાની તાલાવેલી શર્વરી રોકી ન શકી… ચિત્રરંગની રિપૉર્ટરે નિલયની સફળતાનો યશ નિલયને તો આપ્યો જ … સાથે સાથે સ્ત્રી મૂર્તિ શ્યામલી, રાધા અને શર્વરીને પણ આપ્યો. ખૂબ જ તટસ્થ અને સુયોગ્ય લખાણ હતું.

તેણે ચિત્રરંગના રિપૉર્ટરને અભિનંદન આપવા ફોન કર્યો. ફોન પર આવી શર્વરીના અભિનંદન સ્વીકારી કૃતજ્ઞતા અનુભવી. છેલ્લે તે બોલી ‘હીરલના તમે દીદી – તેથી મારા પણ દીદી. તમને સાંભળવા મને ગમતું હતું તમે મારા વિચારોને બદલ્યા છે તે બદલ તમારો પણ આભાર.’

******

ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા હતો. આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા.

રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી ચાલવા માંડ્યો.

પાટીલ આ વાતોનો વિરોધ કરવાને બદલે સારા ફાર્માસ્યુટિકલ્સના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટમાં યુનિયનોને વટે ચડાવી હડતાલ પડાવવામાં સફળ થયો … તેથી સામો પ્રત્યાઘાત ભૂપતની સિલ્ક મિલ્સ પર આવ્યો. તેના રૉ મટિરિયલ ઉપરની જકાતમાં ૫૦ ટકા વધારો, કસ્ટમ ચોરીના કેસો અને કંઈક નવા ગતકડા રોજ આવવા માંડ્યા. એની સિલ્ક મીલ્સના શેરોના ભાવો ઘટવા માંડ્યા.

ભૂપતે તેના દલાલ મારફતે શેરો ખરીદવાને બદલે પોતાના શેરો વેચવા માંડ્યો આ કારણે પાટીલ અને ભૂપત વચ્ચે તિરાડ પડી હોવાની અફવાને જોર મળ્યું…

ભૂપતે શેરો વેચીને તે પૈસા પાછળ જ ખર્ચ્યા ઇલેક્શનમાં પાટીલની સામેના ઉમેદવારને ખરીદી લીધો. રાજકીય રીતે ખૂબ જ સક્રિયતા ભૂપતે બતાવી. ઇલેક્શનને અંતે પાટીલ તો જીત્યો પણ તેની પાર્ટી સત્તામાં ન આવી.

અને પછી જે આફતોની વણઝાર ચાલુ થઈ તે ભૂપત સુધી સિમિત ન રહેતા – રાજીવ – શ્યામલી અને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનને પણ ઘેરી વળી.

બેંગ્લોરની રજિસ્ટર્ડ ઑફિસ ઉપર નોટિસ આવી તેઓનું કાર્ય, હિસાબ પધ્ધતિ વગેરે ગેરકાનૂની તથા શંકાસ્પદ છે. આ નોટિસના પ્રશ્ને પ્રત્યુત્તરરૂપે કૉર્ટમાંથી સ્ટે તો મળ્યો… પણ તટસ્થ છાપાઓએ પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા. કરોડો રુપિયા સલવાયા. પેરેમાઉન્ટમાં ડીપોઝીટરોની ડીપોઝીટો પરત લેવા પડાપડી . Company Advertisement ના માધ્યમને સક્રિય કરી પોતાની કેફિયત સમજાવતી રહી.

ફિલ્ડમાં એકદમ સન્નાટો છવાયો હતો.

નિલય પોતે રચેલા પત્તાના મહેલને પવનનાં એક જ સપાટે ધરાશાયી થતો જોઈ રહ્યો…

જેમને મકાનો માટે લોન મળી ગઈ હતી. તેઓ ખુશમિજાજમાં હતા. જેમના નામ લોન મળવાની યાદીમાં હતા પરંતુ મળી નહોતી તેઓ ઉતાવળા થઈ રહ્યા હતા. અને આવકમાં બહુ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો હતો. જાહેરાતો અને લોકોને સમજાવવા માટે સ્ટે પૂરતો નહોતો. આ વિવાદમાં સપડાયેલા સૌને એક જ વાતની ખાતરી જોઇતી હતી. તેમના પૈસા સલામત છે તો ક્યાં છે અને પાછા મળે તેમ છે તો ક્યારે મળે તેમ છે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED