2020 નો નોબેલ પ્રાઈઝ જાહેર થઈ ચૂક્યો છે. નારીશક્તિનું વર્ષ ઉજવી લીધું આપણે, હવે નારીશક્તિ સદીની શરૂઆત થઈ હોય એવું લાગે છે. આ લેખ લખવા પાછળ એક કારણ છે. થોડા સમય પહેલા ગુજરાતના કોઈ પુરસ્કારનું લિસ્ટ આવ્યું હતું મેં એક પ્રશ્ન કર્યો હતો કે આટલા વર્ષોમાં કોઈ સ્ત્રીલેખક પુરસ્કારને લાયક નહિ હોય ? એક નામી લેખકે મને જવાબ આપ્યો હતો કે "હીનાબેન ! નહીં જ હોય ને યોગ્યતા, તો જ નહીં મળ્યો હોય ને !" મને એ લેખકની માનસિકતા પર દયા આવી હતી. આ વર્ષનો નોબેલ એવા લોકો માટે તમાચો છે.
આ વર્ષે ચાર મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો. પહેલા એન્ડ્રીયા ગેઝ જેમને ફિઝિક્સનો નોબેલ પ્રાઈઝ મળ્યો. એન્ડ્રીયા ગેઝ અને એમના સાથી મિત્રોને બ્લેક હૉલના સંબંધી શોધ માટે આ પુરસ્કાર મળ્યો. એમણે આકાશગંગાના કેન્દ્રમાં રહેલ વિશાળ દ્રવ્યમાનના કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ કરી. એટલે કે આપણા બ્રહ્માંડના કેન્દ્રમાં એક જડ વસ્તુ છે જેને બ્લેકહોલ કહે છે અત્યાર સુધી આ બધી વાતો સાબિત નહોતી થઈ. હવે એન્ડ્રીયા ગેઝ અને તેના સાથી મિત્ર રેનહાર્ડ એ આ વાત સંશોધન દ્વારા સાબિત કરી આપી. ભૌતિકવિજ્ઞાનમાં નોબેલ પ્રાઈઝ જીતનાર આ ચોથી મહિલા છે. મહિલાઓની બુદ્ધિમતા પર શંકા કરનાર માટે આ મહિલાઓ પ્રેરણારૂપ છે.
બીજી મહિલા છે લુઈસ ગ્લુક કે જેને લિટરેચર માટે નોબેલ મળ્યો છે. અમેરિકાના આ લેખિકાની બહુ ચર્ચિત કવિતા snowdrop ખૂબ જ પ્રેરણાત્મક છે. એક snowdrop દ્વારા જીવનની નિરાશા ધકેલવાનો પ્રયાસ એમણે કર્યો...
Snowdrop કહે છે,
તમે જાણો છો હું શું હતો,
હું કઈ રીતે જીવ્યો ?
તમને ખબર નિરાશા શું છે ?
તો ઠંડી પાસે એનો જવાબ હોવો જોઈએ..
મને જીવવાની આશા નહતી,
બધાનું પોષણ કરનાર પૃથ્વી મારું દમન કરતી હતી,
ફરી ઉઠવાની અપેક્ષા મેં છોડી દીધી હતી,
મેં આશા છોડી દીધી હતી પુનઃજીવનની કે
ભીની ધરતીને મારું શરીર અનુભવી શકશે..
પણ, યાદ રહે,
સમયાંતરે વસંતની ઠંડી હવા ખીલે જ છે..
ભયભીત છતાં પણ,
આ બધા વચ્ચે તમે ફરી રડવાનો જોખમી આનંદ લેવા,
નવી દુનિયાનો નવો પવન અનુભવવા ઉભા થાઓ છો..
સાહિત્યનો નોબેલ જીતનાર આ લેખિકાની કલમની ગહનતા, કસબ અને તાકાત પર આ પુરસ્કાર મળ્યો છે.
એ પછી બે મહિલાઓ ઇમેન્યુલ અને જેનિફર ડૉના આ બંનેના નામો ઘોષિત થયા. આનુવંશિક રોગો તથા કેન્સર જેવા રોગોના ઉપચાર માટે જિનોમ એડિટિંગ પદ્ધતિ વિકસાવવા માટે રસાયણ ક્ષેત્રે આ બંને મહિલાઓને આ પુરસ્કાર મળ્યો. એમણે વિકસાવેલી ટેકનોલોજી દ્વારા જાનવર, છોડ અને સૂક્ષ્મ જીવોના DNA ફેરફાર કરી શકાય છે. આ શોધ દ્વારા ઘણા રોગોનો ઉપચાર હવે સરળ બનશે. ભવિષ્યમાં ઘણા રોગોનું નિદાન શક્ય બનશે.
મલાલા યુસુફઝઈને કેમ ભૂલી શકાય જેને શાંતિ માટે 2014નો નોબેલ મળ્યો. દમન ને વેદના વચ્ચે ઉભી રહેલી એક છોકરી. હિંમતના દમ પર એણે પોતા તરફી એક આખો વર્ગ ઉભો કર્યો...
સમાન તક મળે તો મહિલાઓ પણ ઘણું કરી શકે છે એ વાતની આ મહિલાઓ પ્રતીતિ કરાવે છે. Y ક્રોમોઝોનને અલગ ઓળખાવનાર એરિકશને કહ્યું હતું કે જો શક્ય હોય તો હું ઓપરેશન કરાવી સ્ત્રી થઈ જઉં, કારણ કે હવે સમય છોકરીઓનો આવવાનો છે, એ પુરુષોને દરેક ક્ષેત્રમાં પછાળવા મક્કમ પગલાં ભરી રહી છે. કહેવાય છે કે જેટલું દમન વધારે એટલો સામનો કરવાની તાકાત બમણી થઈ જાય છે. હવે પછીની સદીઓ સ્ત્રીઓને નામ થવાની છે એ વાત નકારી ન શકાય. મનમાં જ ખાંડ ખાઈ રહેલા લોકો વિચારતા હશે કે સ્વીડનમાં પુરસ્કાર મળે તો અહીં સ્ત્રીઓને ઉછળવાની શી જરૂર છે ? પણ યાદ રહે સૂર્ય ઉગે તો દૂર આકાશમાં છે પણ ઉજાસ ઘણે દૂર સુધી પહોંચાડે છે.....Now it's time for rising & shining...
© હિના એમ. દાસા