Mrutyunjay books and stories free download online pdf in Gujarati

મૃત્યુંજય

“ઝટ કરો હવે, મળસકુ થવા આવ્યું છે. આજે તો ઘણું મોડું થઈ ગયું. ગામ જાગે ઇ પેલા પૂજા પતી જવાનો નિયમ ક્યાંક તૂટી ન જાય.”

પરભુ ગોર ગોરણીને ઉતાવળા થવાનું કહેતા હતા. ગોરણી પૂજાનો સામાન લઈને આવ્યા. પૂજાની થાળી રોજ એવી તો સજાવેલી હોય કે ગોર મહારાજને ઘડીક તો  મહાદેવને ભૂલીને ગોરાણીની સ્તુતિ આદરવાનું મન થઇ આવે. પણ પછી એ બધું ખંખેરી પૂજા ચાલુ કરી દે.


“ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिम्पुष्टि वर्धनम।......

પછીનું તો મહાદેવ જાણે ને ગોર જાણે પણ પછીના બધા શ્લોકો તો ; કોઈનેય સાંભળવા મળતા નથી. જોકે સવારની આરતીમાં તો ભાગ્યે જ કોઈ આવતું હોય છે, પણ હા સંધ્યા આરતી મા તો મંદિરનું ચોગાન લગભગ ભરાઈ જ જાય. પણ હિંમત છે કોઈની કે કહી શકે કે આ શ્લોકો તો અધૂરા કે મિશ્રણવાળા છે. લોકોની આસ્થા હોય કે પરભુ ગોર પ્રત્યેનું માન પણ કોઈ એ તરફ ધ્યાનસુધા આપતું જ નહીં.

પરભુ ગોરની પાની સુધીની ધોતી ને સફેદ બગલા જેવું કેડીયું એમને સાત્વિક સાબિત કરવામાં પૂરતા હતા. એક તો નાનું ગામ ને વળી પાછું આસ્થામાં ડૂબેલું એટલે મંદિરે આવનારાની કમી ન હતી. સંધ્યા સુધીમાં તો ઘણા મહાદેવના દર્શન કરી જાય. ને પરભુગોર સતસંગ પણ એવો કરે કે ભલભલાને બેસવાની ઈચ્છા થઈ આવે.

એક દિવસ સતસંગ કરતા કરતા એક રાજાની વાર્તા કરી કે,

જન્મેજય નામનો એક રાજા હતો, ખૂબ પ્રતાપી ને દાનવીર. એકવખત એનાથી કોઈ સાધુને મનદુઃખ થયું ને સાધુ એ શ્રાપ આપ્યો કે તું રાજામાંથી રંક બની જઈશ. રાજા હતા બહુ સમજદાર એને શ્રાપ માથે ચડાવ્યો ને મહેલે આવ્યા. રાણીને રાજાની ચિંતા થઈ એટલે એ સાધુ પાસે ગઈ. કરગરીને માફી માગી. સાધુએ નિવારણ બતાવ્યું કે જો રાજા પોતાની સૌથી પ્રિય વસ્તુ દાન કરે તો શ્રાપ નિવારણ થાય. રાણી તો મહેલે આવ્યા ને કહે કે હું ઉપાય શોધી આવી છું. હવે બોલો આપને સૌથી વધુ પ્રિય વસ્તુ શુ છે? એટલે એનું દાન કરી દઈએ.

રાજા ખૂબ વિચાર કર્યો ને પછી પોતાનો નિર્ણય જાહેર કર્યો કે મને મારી જાત સૌથી વધુ પ્રિય છે તો હું મારી જાતને દાનમાં આપું છું. ને અત્યારથી આ સંસારને ત્યજી વૈરાગ ધારણ કરું છું. પછી રાજા પોતે મહાન દયાળુ સંત તરીકે વિહાર્યા....

પરભુ ગોર આવી આવી તો કેટલીયે કથાઓ કરતા જે આબાલવૃદ્ધ બધાને બહુ પસંદ આવતી. કથા કરે એટલે વચ્ચે રમુજી ટુચકા પણ મૂકી દે એટલે જુવાનિયાઓ પણ મોજમાં આવી જાય. કોઈકે તો પૂછી પણ નાખ્યું કે ગોર મહારાજ તમારો દાન આપવાનો વારો આવે તો તમે તો મહાદેવ ને દાન મા આપી દેજો એ જ તમને તો બહુ પ્રિય છે કે નહીં. ને બધા ખડખડાટ હસી પડયા ગોર મહારાજ પણ.

શ્રાવણ માસ આવ્યો ને ગામ હિલ્લોળે ચડ્યું. ગોર મહારાજનો સતસંગ ને ગોરાણી નો ભાવ જોઈ બધાને મંદિરમાં જવાનું મન થતું. મંદિર ની ચોખાઈ પણ એવી કે બધાને બેસવું ગમે. ગોરાણી વહેલા ઉઠીને બધું સાફ કરે. ફૂલોને જતનથી સાચવે, છોડને પાણી પીવડાવે.

સીધા સામાન મા લોકો ઘણું આપી જાય એમાંથી ખપ પૂરતું રાખીને બીજા જરૂરિયાતમંદ ને આપી દે. ગોર મહારાજ જ કહે સંગ્રહ કર્યે લાલચ જાગે ને લાલચ ને ને ભક્તિને આડવેર એટલે ગોરાણી સંગ્રહ ક્યારેય ન કરવો.
જરૂર હોય એમને આપી દેજો. ગોરાણી ને તો સ્વામીની આજ્ઞા શિરોમાન્ય જે એ કહે તે કરે.

મંદિરના ટ્રસ્ટી વર્ષે એકાદ બે વખત આવી જાય ને હિસાબ કરી જાય. દાનપેટી ટ્રસ્ટી આવે ત્યારે જ મહારાજ તેમની સામે ખોલે. ને પોતે એમાંથી એક કોડી પણ ન લે. ટ્રસ્ટી મહારાજને અડધું દાન બળજબરીથી આપે ને પછી જતા રહે.

દિવસો વીતતા ચાલ્યા ને લોકોની આસ્થા વધતી ચાલી. કોણ જાણે માણસ ને કોણે કહી નાખ્યું છે કે જેમ ઊંચું દાન એમ તમારી શ્રદ્ધા મોટી. માણસ મંદિરોને શુ વિચારીને દાન આપે છે ખબર નથી પડતી. દાન આપીને પોતે તો પાછો ભીખ માંગે છે ઈશ્વર પાસે. એ દાન ઇશ્વરને આપે છે કે પોતાના ડરને સાંત્વના આપે છે એ જ સમજાતું નથી. જેટલો ડર વધુ એટલું દાન વધુ આપે છે.
અહીં પણ દાન વધતું ચાલ્યું. પણ ગોર મહારાજ તો નિર્લેપી જીવ એટલે કાંઈ અડકે પણ નહીં.

જુના ટ્રસ્ટી બદલાયા ને નવા યુવાન ચહેરાઓ આવ્યા. આજના યુવાનો તો રહયા પાછા જોશીલા એટલે કહે કે મંદિરનો કાયાકલ્પ કરી નાખીએ. દાન આવે છે એમાંથી આ કરીએ ને પેલું કરીએ. ગોર મહારાજ બેઠા બેઠા બધું જોયા રાખે. મહિનામાં બે વખત ટ્રસ્ટીઓ આવે ને હિસાબ કરીને જતા રહે.

આના જેવો પ્રોફિટેબલ બીજો કોઈ વ્યવસાય નથી. એટલે બધાને રસ જાગે એ સ્વાભાવિક છે. બધું નવું  થવા લાગ્યું, મહારાજને પણ સરસ મકાન નો પ્રસ્તાવ આપ્યો. પણ મહારાજ માન્યા નહિ. કહે કે મારે તો મારો ભોળો સામે રહે એ જ સુવિધા મોટી, મારે કાંઈ જોતું નથી.

ગોર મહારાજ હવે મુંઝાવા લાગ્યા. એમને આ બધું ખૂંચવા લાગ્યું. પોતે એક તો નિર્લેપી જીવ ને વળી અહીં તો આવે તે લાલચમાં લેપાઈને જ આવે. શ્રદ્ધા કરતા હવે શંકા વધવા લાગી. જે આવે તે સંદેહ લઈને આવે. જ્યારે તમારા પરના વિશ્વાસ મા સંદેહ થવા લાગે ત્યારે તમારું મનોબળ તૂટવા લાગે. ગોર મહારાજનું પણ આવું થયું. શ્રદ્ધાળુઓની સંખ્યા તો વધી પણ શ્રદ્ધા ઘટવા લાગી.
સમય નામના ભાલા માણસને લોહીલુહાણ કરતા પણ અચકાતા નથી. સમય ફૂલોની સેજ બિછાવે છે તો કાંટા પણ એટલા જ ધારદાર સંગ્રહી રાખે છે. તમે ફૂલો પર સુતા હોય ત્યારે ખ્યાલ પણ નથી આવતો કે કાંટા વડે ઘવાશો ત્યારે દર્દ પણ એટલું જ થશે. પરિસ્થિતિનો ગુલામ માણસ ભવિષ્યને સુધારવા ચ્હે તો પણ સુધારી શકતો નથી. ગોર મહારાજ પરિસ્થિતિને હાથે મજબુર થવા લાગ્યા.

પરભુગોર ને ગોરાણી ભૌતિક સુવિધાઓ ને ઝાકમઝોળ ભરેલી દુનિયાના આદિ ન હતા. એમને તો બસ ભક્તિ ને સાદું જીવન સિવાય કોઈ મહેચ્છા ન હતી. ગોરાણી તો સવારે ઉઠીને ફૂલો ને વૃક્ષો સાથે વાર્તાલાપ કરતા. જાણે એમને જવાબ આપતા હોય એમ. ફૂલોની સુરાવલીઓ તેમને વધુ તાત્વિક બનાવતી. સમય મળે ત્યારે દિવાની દિવેટ બનાવતા એ ત્યાં જ બેસતા. પ્રકૃતિ તમારા મનને વિશુદ્ધ બનાવે છે કારણ કે એમાં કોઈ જાતનો વિકાર નથી. આ નિર્વિકારી જીવો પણ ભોળાનાથ મા જ લીન થઈને જીવતા હતા. ન કોઈ ફૂડ કે ન કોઈ કપટ. બસ નિઃસ્વાર્થ ભક્તિ.

ટ્રસ્ટીઓ આ દંપતિની આહલેક્ સમજી ન હતા શકતા. એમને થતું કે આટલી સગવડ આપવા છતાં આ કેમ સ્વીકારતા નથી. કેમ ખોટી જીદ પકડીને બેઠા છે. એ ન હતા જાણતા કે એમને સગવડ નહિ શાંતિ જોઈતી હતી.

જે એક આધ્યાત્મિક ને સકારાત્મક વાતાવરણ ઉભું થયું હતું એ ધીમે ઓસરવા લાગ્યું. ગામમાં પણ ફાંટા પડવા લાગ્યા. એક સમુદાયનો મત હતો કે ટ્રસ્ટીઓએ અહીં રસ ન લેવો ને બીજા નો મત હતો કે ભૌતિક સુવિધાઓ વધવી જોઈએ, આધુનિકતા આવવી જોઈએ.

મતભેદ થાય એટલે વિવાદ સર્જાવાનો જ છે. વિવાદો ઉભા થયા. ફરી શ્રાવણ મહિનો આવ્યો ત્યા તો વાતાવરણ ઘણું બદલાઈ ગયું. મંદિરનો કાયાકલ્પ થઈ ગયો. શ્રદ્ધાળુઓ વધ્યા પણ ગોર મહારાજ પહેલા જેવા ખીલતા નથી. ગોરાણી આ વાત પામી ગયા કે ગોર મહારાજ ને હવે આ બધું ખૂંચે છે. એક દિવસ લાગ જોઈને ગોરાણીએ વાત કરી કી આપણે અહીંથી ક્યાંક બીજે જતા રહીએ. હવે આ બધું જોઈને મન દુભાય છે.

ગોર મહારાજ હવે મુંઝાયા કે હવે શું કરવું , કારણ કે મન તો એમનું પણ હવે ભરાઈ ગયું હતું પણ મહાદેવ મા એમની શ્રધા પણ એટલી જ અચળ હતી. એ મહાદેવ ને છોડીને મૃત્યુ સિવાય બીજે ક્યાંય જવા માંગતા ન હતા. એ તો કહેતા પણ ખરા કે મારા ભોળાને તો લાંબી જાત્રાનું નોતરું આવશે ને ત્યારે જ છોડીશ , મૃત્યુ સિવાય મને અહીંથી કોઈ લઈ જઈ નહિ શકે. આ વાત ગોરાણી બરાબર જાણતા હતા. પણ સ્ત્રીનો જીવ ખરો ને એટલે પતિનો સંતાપ સહી ન શક્યા. એટલે તે અહીથી જવા માંગતા હતા. પછી ભલેને બીજા કોઈ પણ મંદિર મા પૂજા કરવાની હોય એ એમને મંજુર હતું.

ગોર મહારાજ ગોરાણી નો દયનિય ચહેરો જોઈ દ્રવીત થયા, ને કહે કે જેવી આપની ઈચ્છા. કાલે જ નીકળી જઈશું બસ. સામાન તો કાંઈ લેવાનો હતો નહિ મરણમૂળી એવી મહાદેવ પ્રત્યેની શ્રદ્ધાની ગાંઠ વાડીને મહારાજ પોતાનો નિર્ણય ટ્રસ્ટીઓ ને કહેવા ગયા.

ભૌતિકતા મા અંધ બનેલા ટ્રસ્ટીઓ કહે કાંઈ વાંધો નહિ જેવી તમારી ઈચ્છા. રાતમાં ગામમાં વાત ફેલાઈ હવે ગામ જાગ્યું કે આ તો અનર્થ થઈ રહ્યું છે. ગોર મહારાજ થકી જ મંદિરનું પરિસર માણવા યોગ્ય બન્યું છે, એ જશે તો મંદિરનું નૂર પણ જતું રહેશે. બધાએ મળીને વિચાર કર્યો કે ગોર મહારાજ ને જવા ન દેવા.

સવાર થયું ને ગામ ભેગું થયું ગોર મહારાજ ને ગોરાણી ને મનાવવા. બધાને એક વાતનું આશ્ચર્ય થતું હતું કે આજે મંદિર ના પરિસર મા ઉડીને આંખે વળગે એવી રધી કેમ નથી લાગતી. દરવાજો ખોલીને જોયું ત્યાંતો મંદિરનું નૂર મૃત્યુ ને ભેટયું હતું. ને મંદિરનું ગર્ભગૃહ પણ નિષ્પ્રાણ લાગતું હતું.

ગોર ને ગોરાણી ભોળાને મળવા મૃત્યુને માર્ગે નીકળી ગયા હતા, ભોળાએ તેમને સ્વયં બોલાવ્યા હતા. મૃત્યુંજય બની ગયા હતા આ શ્રદ્ધાવાન મૂર્તિઓ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED