મારી અદ્દભુત સફર HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી અદ્દભુત સફર

      એક અનોખા સફરની શુભ શરૂઆત. અનોખું એટલા માટે કે મેં ક્યારેય ધારણા ન હતી કરી કે અપેક્ષા પણ નહીં કે આવી ને આટલી દૂર સફર ખેડીશ. મન એકદમ શાંત ને શૂન્યમનસ્ક બધી ચિંતા, ટેન્સન , આનંદ બધું મૂકીને ભૌતિકતા માણવાની અનોખી સફર. આમ તો હાથમાં યુરો આવ્યા ત્યાં જ અનોખી ફિલિંગ થવા લાગી . આનંદ તો  મને ભરપૂર હોય જ છે . આજે પણ છે. સાથે થોડો રોમાંચ ભળી ગયો. અજાણ્યા સફરની શરૂઆત ને અનગીનત વિચારો ને ખખેરી હું નીકળી પડી છું ગિરનાર ની સ્વર્ગ ભૂમિ થી દુનિયાની સ્વર્ગભુમી સ્વિત્ઝર્લેન્ડ ની યાત્રા મા.... 

વાહ શુ અદભુત અમદાવાદ એરપોર્ટ થી શરૂ થતી અમારી યાત્રા. ઇતિહાડ ની ફલાઇટ ને સુંદર એવી હવાઈ પરીઓ જોઈને ખરેખર ફિલ થાય કે સ્વર્ગ હશે તો કંઈક આવું જ નહીં હોય શુ? અપ્સરાઓ ને, શુ એમની નમ્રતા માન થઈ આવે એવી. 

હવામાં ઉડવાનું બાળપણ મા વિચાર્યું હતું પણ આ રીતે ઊડીસ એવી આશા ન હતી. તારીખ : 12/9/2018 05:05ની ફલાઇટ ને હું ઉડી આકાશ મા 6:30 એ બહાર જોયું તો શું નીરભ્ર ગગન. પરમાત્મા અહીં જ સૂરજની લાલિમા મા છવાયેલા જોયા મેં. 

દુબઈની સરજમીન પર 7 વાગ્યે પગ મૂક્યો, વાહ શુ દેશ છે, આપણાથી એકદમ અલગ. રહેણી, કરણી , પ્રથા , વિચારો, વાણી બધામાં અલગ. રણમાં ઉભું કરેલું સ્વર્ગ એટલે દુબઈ એટલે ટેક્નોલોજીને સાહસનો અદ્ભૂત સમન્વય. 

આજકલ પાવ જમી પર નહિ પડતે મેરે, બોલો દેખા હૈ તમને મુઝે ઉડતે હુએ, હા આજે તો વાદળોની વચ્ચે ઉડું છું....રૂ ના પર્વતો જોઈ લો....

રોમ ની ધરતી પર પ્રયાણ, રામ રોમ રોમ મેં બસે હૈ એ રોમ નહિ હો, આ તો ઇટલી નું રોમ. 

વેટિકન સીટી
----------
મેં જોયેલો પહેલો પરદેશ. 

વેટિકન ચર્ચ રોમ મા આવેલું છે.પણ એની એક અલગ દેશ તરીકે માન્યતા અપાઈ છે. યુરોપિયન દેશો નું સૌથી મોટું કેથોલિક ચર્ચ વેટિકન મા આવેલું છે. પૉપ અહીંના મુખ્યા ગણાય. અહીંની વસ્તી   1000ની છે.   

અહીંનું ચર્ચ 120 વર્ષે તૈયાર થયું છે. રોજના 25,000 લોકો અહીં મુલાકાત લે છે.માઈકલ એન્જેલોએ આ સીટી વસાવેલું. વેટિકન સીટી  દુનિયાનો સૌથી નાનો દેશ. ચર્ચ મા મોઝેક એટલે કે નાના સ્ટોન દ્વારા કોતરકામ કરેલું છે. તમને દૂરથી કોઈ ચિત્ર જ લાગે કે જેમાં રંગો પુરેલા હોય પણ નજીક જઈને જોઈએ ત્યારે ખરી સુંદરતા જ્ઞાત થાય. શુ સુંદર નકશીકામ. એક એક ચિત્ર એકદમ દિલથી બનાવેલું છે. 

માઈકલ એન્જેલો ક્યારેય પોતાની કૃતિ પર સહી ન કરતા. અહીં એમની એક કૃતિ પર પોતાની સહી કરેલી છે. How amazing! તેમની આ "પીયેટા"નામની કલાકૃતિ મા એમણે પોતાનો જીવ રેડી દીધો છે. મા મેરીની ગોદમાં ઈશું સુતા છે. એમને સુળી પરથી ઉતારવામાં આવ્યા છે. ને મા ના ચહેરા પર દ્રાવકતા છવાયેલી છે. પથ્થર નહિ જાણે માનવ જ જોઈ લો. શુ કલાકૃતિ છે.

 ઘૂંટણીયાભેર પ્રાર્થના કરતા લોકો તમને અહીં મળી જ જાય. ગમે એટલી આધુનિકતા હોય પણ અહીંની નીરવ શાંતિ તમને આ લોકોની મનમાં રહેલી શ્રધા પ્રત્યે માન અપાવી જ દે. આ એક પ્રકારનો યોગ જ તો છે. ના કોઈ શબ્દો ના કોઈ માંગણી બસ પ્રભુ ઈશું સામે ઘૂંટણીયાભેર થઈ જાઓ એટલે એ તમારી બધી જ જવાબદારીઓ લઈ લે. 

દીવાલ ની એક બાજુ ઇટલી ને બીજી બાજુ વેટિકન. કેટલી રોમાંચક પળો તમે દીવાલની એક બાજુ એક દેશમાં હોવ ને બીજી બાજુ બીજા દેશમાં હોવ.

 વેટિકન સીટી ની હવે ખબર પડી કે બધા એને ધ ગ્રેટ કેમ કહે છે. એવડો આખો દેશ જેને પોતાના નીતિ, નિયમો બધું અલગ.

એક ખાસિયત અહીંના ગાર્ડની જે ચર્ચના ગાર્ડ નો ડ્રેસ છે એ માઈકલ એન્જેલો એ ડિઝાઇન કરેલો છે. જે વર્ષોથી હજી પણ એ જ ચાલતો આવે છે. એકદમ 15મી સદીની ફિલિંગ આવે એવો. ને ગાર્ડની શુ પ્રતિબધ્ધતા નાક નું ટેરવું પણ ન હલે. પ્રથમ નજરે જોતા કોઈ મૂર્તિ હોય એવું જ લાગે.

બેલ ટાવરની બારીમાંથી પૉપ પોતાનું ભાષણ આપે ને ક્રિસમસ વખતે અહીં 10 લાખ લોકો એકઠા થાય. પૉપ ત્યાંના રાજા ગણાય છે, ખ્રિસ્તી લોકો માને છે કે પૉપ ઈશુના દૂત છે એટલે એ કોઈનું પ્રતિનિધિત્વ ન સ્વીકારે માટે વેટિકનને અલગ દેશ જાહેર કર્યો. એકદમ અલગ દેશ ને અદભુત પણ....

2.
ઇટાલી

ઇટાલી ગ્રીક નામ પરથી આવ્યું છે. ઇટાલો એટલે ગાયનું વાછરડું એવો અર્થ થાય.  દક્ષિણી આદિવાસીઓ બળદને પોતાનું પ્રતીક માનતા આથી આવું નામ આવ્યું.

યુરોપ નું સૌથી મોટું દેવળ ઈટાલીના વેટિકનમાં આવેલું છે. દુનિયાના સૌથી નાના દેશ મેરિનો, વેટિકન ઇટાલી નો જ એક ભાગ છે. સૌથી વધુ પ્રવાસી માં ચોથો દેશ ઇટાલી છે. વસ્તી જેટલા જ ટુરિસ્ટ એટલે 40 લાખ લોકો ઇટાલી ની મુલાકાત લે છે.

વિશ્વનો સૌથી ઓછો જન્મ દર ઇટાલી મા છે.ઇટાલીમાં 15 ભાષા બોલાય છે. 2007 ના રિપોર્ટ મુજબ ઇટલી રિચ અને રહેવા માટે બેસ્ટ છે.  પીઝા અને પાસ્તા અહીંનું મુખ્ય ખાણું છે. સંગીતમાં પણ ઇટાલી આગળ છે.

વાયોલિન, પ્યાનો અહીં ની શોધ છે.આ સિવાય બેરોમીટર, ટેલિફોન પણ ઇટાલીમાં શોધાયા હતા.ઇટાલી મા લોકો સૌથી વધુ બિલાડી ઓ પાળે છે  અહીં બિલાડી ને મારે તો દંડ થાય છે. 3 લાખ બિલાડીઓ અહીં વસે છે.

સૌ પહેલો ફિલ્મ ફેસ્ટિવલ ઇટાલીના વેનીસ માં યોજાયો હતો. ખ્રિસ્તીનું સૌથી મોટું ચર્ચ સેન્ટ બેઝલિકા અહીં આવેલું છે. સૌથી વધુ બ્લેક મની યુરોપ માં ઇટાલી મા છે. ફેશન ડિઝાઈનર અહીં વધુ એટલે એમની બ્રાન્ડ બહુ કોસ્ટલી પણ હોય છે. સ્પોર્ટ્સ કાર વધુ ઇટાલીમાં બને છે જેમ કે લીંબોરઝીની, ફરારી વગેરે.વિન્સી,

એન્જેલો, રાફેલ, ગેલેલીઓ આ દેશની દેન છે દુનિયાને.આલ્પ્સ ની ગિરિમાળા ઓ ઇટલી મા આવેલી છે. પ્રાચીન સઁસ્કૃતિ, સાહિત્ય, સ્થાપત્ય નો સુભગ સમન્વય એટલે ઇટાલી. 

રોમ શહેર
---------
મેં જોયેલો બીજા નંબર નો નો દેશ એટલે ઇટલી. એનું શહેર રોમ. ટાઇબર રિવર પર આ રોમ સીટી વસેલું છે.આ રિવર ને 24 બ્રિજ..રોમ ઇટલી નું કેપિટલ છે. ચર્ચનું શહેર એટલે રોમ શુ નિટ એન્ડ ક્લીન શહેર છે. ને લોકો પણ નિયમ પાળવાવાળા.

રામ ખરેખર આવી ચોખ્ખી જગ્યામાં જ વસે. કોઈ જાતનો છોછ નહિ ને બધા એકદમ ફોરવર્ડ કપડાથી અને વિચારોથી પણ..

કોલોસિયમ
--------
અહીં ઇતિહાસ ને સાચવવાની હોડ જામી છે. એવી જ એક ઇતિહાસ સાચવીને બેઠેલી ઇમારત એટલે કોલોસિયમ. આ પ્રાચીન અખાડા જેવી ઇમારત છે. એની કલાકારી તો બેનમૂન છે. પણ ઇતિહાસ પણ એટલો જ રોમાંચક રહ્યો છે. એ સમયે તેમાં 50,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા હતી. કેવી વિશાળ દ્રષ્ટિ. દુનિયાનું સૌથી પ્રાચીન ખેલનું મેદાન આ છે.

રોમ માટે કહેવાય છે કે રોમ એક દિવસ મા નથી વસ્યું. એટલે કે આવું સુંદર સીટી વસાવવા વરસો લાગી ગયા. મહાન કાર્યો કરવા માટે સમય જોઈએ. 

ટ્રેવી ફાઉન્ટન
---------
રોમનું બીજું એક કલાત્મક સ્થળ એટલે આ માનવનિર્મિત ફુવારો. કહેવાય છે કે અહીં કોઈ સિક્કો નાખે તો એની મનોકામના પૂર્ણ થાય છે ને એ વ્યક્તિ પછી રોમ આવે છે. કેવું નહિ ! હવે સાચું ખોટું તો ઈશું જાણે પણ લોકો સિક્કા નાખતા નજરે પડતા હતા. 

ફ્લોરેન્સ શહેેર
-------------------
એવું જ એક બીજું શહેર એટલે ફ્લોરેન્સ. આમ તો શહેરની અંદર તો ન હતા ગયા પણ દૂરથી જ તેની ભવ્યતા જોઈ શકાતી હતી. માઈકલ એન્જેલો અહીં જ વસતા એટલે કઈ નાનું સુનું શહેર તો ન જ હોય. આવા મહાન સર્જકને વાતાવરણ પૂરું પાડનાર શહેરની ભવ્યતાની કલ્પના જ કરી શકાય. હાલ આધુનિકતા આવી ગઈ હશે તો પણ ઇટાલી એનો ઇતિહાસ સાચવવા માટે જાણીતું છે. એટલે ઐતિહાસિક સાનિધ્ય મળી જ રહે અહીં. ફ્લોરેન્સ ને અહીંની ભાષા મા ફીરેંઝે કહે છે.રોમનોએ આ શહેર વસાવેલું.

રોમન રાજ્ય નું નામ ફ્લોરએન્ટીના નામ હતું. પહેલો ગોલ્ડ કોઈન અહીં બન્યો હતો. જૂનો વારસો જાળવી રાખતી સઁસ્કૃતિ સાચવી રહયા છે આ બધા શહેરો.

પિત્સા શહેર
-----------------
ઇટાલી નું અન્ય એક શહેર એટલે પીસા..સાત અજાયબી માંથી એક પિસા નો ઢળતો મીનારો. પિત્સા આરનો રિવર ના કિનારે વસેલું  શહેર છે. ગેલેલીઓ પિત્ઝા મા થઈ ગયા. પિત્સા નો ટાવરનો ઉપયોગ આકાશદર્શન માટે કરતા. તેમણે ગુરુત્વાકર્ષણ ના નિયમનો પ્રયોગ આ ટાવર પરથી જ કરેલો. બેલ ટાવર નો ઉપયોગ ન હોય પણ પિત્ઝા નો ટાવર ખાસ છે. આ ટાવરને સ્ક્વેર ઓફ મિરિકલ કહેવામાં આવે છે. 

પીસાનો ટાવર બનાવવાની શરૂઆત 1174 મા થઈ તેના ત્રણ માળ બન્યા ત્યાંજ સોફ્ટ જમીનને કારણે એ ઢળી ગયો. એટલે નિર્માણ કામ કરી દેવામાં આવ્યું. ફરી 70 વર્ષ પછી ફરી પાંચ માળ બનાવ્યા. તેમાં સાત બેલ લગાવેલા છે, 55 મીટર ઉંચો આ ટાવર છે.

 મુસોલીનો એ ટાવરને સીધો કરવા વિચાર્યું. 200 ટન સિમેન્ટ, લિકવિડ નાઇટ્રોજન નાખ્યો. પારો નાખ્યો. છતાં કઈ ફર્ક ન પડ્યો. લોખંડ ના તાર વડે વિરુદ્ધ દિશામાં બાંધ્યો ને થોડો જ ખસ્યો.
 

દર વર્ષે આ ટાવર થોડો થોડો ઢળે છે.  વિશ્વની સાત અજાયબીમાંથી એક પિત્ઝા નો ઢળતો મિનારો. ખરેખર એ ઢળતો છે એટલે જ અજાયબી બન્યો છે.  આટલી વિશાળ બિલ્ડીંગ દર વર્ષે ઢળે ને એને આબાદ રાખવા લોકો પ્રયત્ન કરે એ અજાયબી જ કહેવાય ને. 

વેનીસ
------
ઇટાલી ની એક સીટી....
ત્રીજો દિવસ વેનિસની સફર તરફ હતો, 
દો લફઝો કી હૈ દિલ કી કહાની ક્યાં હૈ મુહબત કયા હૈ જવાની.....ના હું કઈ સીંગર નથી બની ગઈ પણ વેનીસ આવો ને આ ગીત ન ગણગણો તો ધૂળ પડી. આ ગીત વેનીસ મા જ ફિલ્મવાયું હતું. 

વેનીસ સીટી ઓફ રોમાન્સ.સુંદર  શહેર ને સુંદર વાતાવરણ. વેનીસ એક આયર્લેન્ડ છે. ત્યાં જવા માટે જળમાર્ગનો સહારો લેવો પડે.  ત્યાંની ગન્ડોલા રાઈડ બહુ પ્રખ્યાત. મેં તો ફક્ત ગીત મા જ જોયેલી બેસીને બહુ આંનદ થયો. સામે જ એક ચોક છે જ્યાં રણવીર દીપિકાનું ખુદા જાને....ગીત ફિલ્મવાયું હતું.

ગન્ડોલા રાઈડ હકાવનાર ના ડ્રેશ એક સરખા ને એ એની ભાષા મા ગીત પણ ગાતા હોય. એકદમ સરસ. દરિયામાં વસેલું ગામ ગલીઓ મા દરિયો કેવું લાગે નહિ. બધા બોટ માંથી થઈને જ જાય. કેટલું સુંદર કલ્ચર. તમારી ગલીઓમાં પાણી હોય તો કેવું લાગે. અહીં તો સદીઓથી આ જ રીતભાત. જૂની ઢબના મકાનો ને સાંકળી ગલીઓ વચ્ચેથી તમારી રાઈડ પસાર થાય આખું શહેર મૌન. અંદર જઈએ એટલે ચલાવનારના ગીત કે વાતો સિવાય કાંઈ ન સંભળાઈ. સમજાય તો કશું નહીં તો પણ રોમાંચક લાગે. પુલ ની નીચેથી નાવ પસાર થાય એવા તો કેટલાય પુલ છે વેનીસ મા તમને લાગે કે બે નાવ ભટકાઈ જશે પણ બાહોશ નાવિકો ટચ પણ ન થવા દે. 

આપણે તો આવી અનોખી દુનિયાથી કેટલા અજાણ છીએ. એવા દેશો જ્યા બસ ભૌતિકતા જ છેએવો મને ભ્રમ હતો, પણ ના અહીં શિસ્ત પણ છે, ઈમાનદારી પણ છે, કાબેલ ને કામ કરનાર માણસો પણ છે.

 વેનિસની જર્ની મા લો ઓફ મર્ચન્ટ નો કેસ લડાયો હતો એ કોર્ટ જોઈ. ક્યાંક વાંચેલો હતો આ કેસ.

એક વ્યક્તિ કોઈ પાસેથી ઉધાર લે છે સામેવાળી વ્યક્તિ શરત રાખે છે કે જો એ ચૂકવી ન શકે તો એના શરીરનું બધું માંસ કાઢી લેવામાં આવશે, ને બને પણ છે એવું જ કે એ વ્યક્તિ શરત જીતી જાય છે. કોર્ટ પણ મંજૂરીની મુહર લગાવવા તૈયાર થઈ જાય છે, ત્યારે એ માણસ ની પત્ની કેસ લડે છે કે જો માંસ કાઢતી વેળાએ લોહીનું એક પણ ટીપું પડશે તો સામેવાળી વ્યક્તિ ને સજા થશે. ને આ રીતે તે એક પત્ની કેસ જીતી જાય છે. 

નિઃશાષાની બારી. કેદીને લઈને જાય ત્યારે છેલ્લી વખત આ બારીએથી બહારની દુનિયા જોઈને નિશાશો નાખે છે ને અફસોસ કરે છે કે મેં આ શું કર્યું. 

વેનીસ 160 જેટલા નાના નાના દ્વિપો થી બનેલું છે. એક દ્વીપ થી બીજા દ્વીપ પર નાવ દ્વાર જ જઇ શકાય.

બુરાનો
-----
ઇટલીનું એક ઓર કલાત્મક શહેર એટલે બુરાનો.કાચની બનાવટો માટે આ શહેર પ્રખ્યાત છે. વેનીસથી આ આયર્લેન્ડ પર હોડી દ્વારા આવી શકાય છે. અહીં કારીગરો હાથે કાચની બનાવટો બનાવે છે . કાચની ફેકટરી મા સુંદર રીતે કારીગરો દસ મિનિટ મા નમૂના બનાવે. બધા અલગ અલગ. આવા તો કેટલા કારીગરો અહીં કામ કરે છે. હાથે મોજા પણ ન પહેરે. નહિતર પીગળી જાય,ભઠ્ઠી મા એમનમ કામ કરે. અમે લાઈવ બનાવતા એમની કારીગરી જોઈ. બહુ નાનકડું શહેર દરિયા કિનારે વસેલું પણ અદભુત કલાત્મક શહેર. દરેક કારીગરોના નમૂના અલગ અલગ હોય. એન્જેલોના દેશ મા આવી કારીગરી કઈ નવાઈની વાત નથી. પણ મારા માટે તો આ અનુભવ બહુ સરસ રહ્યો. 

મુરક્કો
------
ઇટાલી ની એક સીટી...આ બધા નાના નાના આયર્લેન્ડ છે જે દરિયાની વચ્ચે વસેલા છે. મુરકકોમાં હાથ વણાટની વસ્તુઓ જોવા મળી. જે ખાલી મહિલાઓ જ બનાવે. કારણ કે પુરુષો તો માછીમારી માટે જાય. દાદી દીકરી ને દીકરી એની દીકરીને એમ વારસામાં આ કળા શીખવે કોઈ પણ જાતના મશીન વગર હાથે જ નમૂના બનાવે ને વેપાર પણ એ જ કરે. બધે જ મહિલાઓ દેખાય તમને ને નવી પેઢી પણ એમાં જોડાઈ જાય. વર્ષોથી આ કળા આમ જ શીખવાતી આવી છે. કોઈ પણ પ્રકારના શિક્ષણ વિના જ. કેટલું મહાન ને ઉમદા કાર્ય પોતાની સઁસ્કૃતિ સાચવવાનું.

નીરવ શાંતિ ને મૌન મા ગણગણાટ કરતી પ્રકૃતિ, પરમાત્મા એ તો પ્રકૃતિ નો અધિકાર છે, નહિ કે આપણી સંસ્કૃતિનો, ડૂબતો સૂરજ, ઉગતો ચાંદ, વરસતો બરફ ને આતુર ઉભેલા વૃક્ષો  આ બધા પરમ ના પગલાં ના નિશાન નથી શુ?? તાલાવેલી ગમે ત્યાં હોય તે બધે અહેસાસ મા હોય છે. મને ઘણી વખત થતું કે વિદેશ મા પરમતત્વ ની વ્યાખ્યા જ નથી, કે અહીંના લોકોને આવો કોઈ અહેસાસ થતો હશે કે નહીં પણ અહીં આવ્યા જોયા પછી થયું કે આટલી નીરવ શાંતિને સુંદરતા મા એનો જ વાસ એ પણ અનુભવતા જ હશે. સત્યમ, શિવમ, સુંદરમ, એટલે આ જ તો છે. આ પ્રકૃતિ ને ગુરુ ધારણ કરીએ તો બીજું કંઈ શીખવાની જરૂર જ ક્યાં છે. રસ્તાઓ જોઈને આવો જ કંઈક અહેસાસ થાય.

મને આપણી સંસ્કૃતિ પ્રત્યે બહુ માન હતું, એ પણ એટલી હદે કે બીજી સંસ્કૃતી મને એની પાસે નાની લાગતી આજે જોયા પછી થયું કે બીજી સંસ્કૃતિ પણ જરાય કમ નથી. લોકોની સમજદારી તો આપણા કરતા પણ વધુ છે. પોતાના દેશ પ્રત્યે કેટલી ઈમાનદારી. ખરેખર એક વખત બીજી સઁસ્કૃતિ ને જાણવાનો માણવાનો અનુભવ કરવો જોઈએ. તમારા વિચારોમાં વિશાળતા આવશે....

શુ સઁસ્કૃતિ. આનંદ આવી ગયો, જોઈને, મળીને, માણીને, નિયમબદ્ધ ને સમયસર બધું જ. હવે સમજાયું આ યુરોપ મા આટલા સારા સર્જનાત્મક લોકો કેમ થઈ ગયા. વાતાવરણ જ એવું છે કે તમને લખવા, ચિત્રો દોરવા વાતાવરણ મળી રહે. આટલી શીતળતા ને જીવંતતા તો ક્યાંય નથી જોઈ. આહલાદક, અદભુત, એ તો બહુ નાના શબ્દો છે....

વેનીસ એટલે કે ઇટલી છોડી ને સવારી ચાલી ઓસ્ટ્રીયા તરફ..

ઑસ્ટ્રીયા
-------
અદભુત દેશ ને અદભુત લોકો. ઓસ્ટ્રીયા ને ઓસ્ટ્રીચ પણ કહેવાય છે. અહીં ઓસ્ટ્રીચ પક્ષી જોવા મળે છે માટે. આ દેશ ની વસ્તી 81 લાખ જેટલી હશે. જન્મદર બહુ ઓછો છે. અહીંની ભાષા જર્મન છે ઓસ્ટ્રીયા લેધર વુડસ માટે જાણીતું છે. ઓસ્ટ્રીયાનું કેપિટલ વિયેના છે.

અહીં 80% રોમન કેથલિક લોકો વસે છે.ઓસ્ટ્રીયાને લેન્ડ ઓફ મ્યુઝિક પણ કહેવામાં આવે છે. હિટલર અહીંનો હતો. અહીં 99% શિક્ષણ છે. સિગમન ફ્રોઇડ મનોવૈજ્ઞાનિક અહીંના હતા. 

આપણે કંઈ કલાસ વન ઓફિસર ની પરીક્ષા નથી આપવી કે આ જનરલ નોલેજ લખું છું પણ જે દેશ મા તમે ફરો છો એને જાણવા, માણવા માટે થોડુંક જનરલ નોલેજ પણ જરૂરી છે. તો જ તેની ભવ્યતા સમજાય. 

સોરોસ્કી સીટી
-----------
ક્રિસ્ટલ વર્લ્ડ. સોરોસ્કી બ્રાન્ડ ક્રિસ્ટલ...ઓસ્ટ્રીયા મા સોરોસ્કીની ક્રિસ્ટલ દુનિયાની મુલાકાત લીધી. સોરોસ્કી પોતાના ક્રિસ્ટલ માટે જાણીતી બ્રાન્ડ છે. અદભુત ક્રિસ્ટલ ને હીરાઓ બનાવે છે અહીં.

આપણે જેમ ગૌમુખી છે એમ અહીં ઘાસમુખી છે તેમાંથી પાણી નીકળે છે ને તેની નીચે છે અદભુત કાચની દુનિયા. કેટલું મોટું મ્યુઝિયમ છે જેમાં ક્રિસ્ટલની દીવાલ, 3 લાખ કેરટ નો એક ડાયમંડ, બીજું તો ઘણું બધું. ને ડાયમંડ જ્વેલરીની તો વાત ન પૂછો, બેનમૂન ડિઝાઇન, મનને રોકી રાખી મજબૂત દિલે મેં શો રૂમમાંથી વિદાય લીધી, બાકી તો ગુજ્જુભાઈના ખિસ્સા ખાલીખમ થઈ જાય એમ હતા.

રાત્રી રોકાણ ઇન્સ્પૃક સિટી મા હતું. બ્રાન્ડેડ શહેર. અવનવી કેટલીય બ્રાન્ડો જોવા મળશે તમને અહીં. ઇન્સ્પૃક જૂનું સીટી છે.500 વર્ષ જૂનું છે. ચોક મા ગોલ્ડન રુફ છે. જે સોનાનો બનેલો છે. જોકે આપણા ગોલ્ડન ટેમ્પલ પાસે તો બહુ નાનું ગણાય આ રુફ. પણ દરેક જગ્યાની પોતાની અહેમિયત હોય છે.

 શહેર રાત્રે ઓર રોનકદાર બની જાય છે. ઓસ્ટ્રીયાની સફર પણ બહુ સરસ રહી. એક અકલ્પ્ય  ને સુંદર વારસો ધરાવનાર દેશ. જેને આધુનિકતા બખૂબી અપનાવી છે.

 લાગશે કે અહીં તો બહુ વિસ્તૃત વર્ણન ન થયું પણ દુનિયાનું સ્વર્ગ ગણાતું સ્વિત્ઝર્લેન્ડ જોવાની તાલાવેલી જ એવી છે કે થોડી ઉતાવળ કરી વર્ણનમાં.  હવે સવારી દુનિયાના સ્વર્ગ તરફ જવાની છે એટલે બહુ રોમાંચક સફર માટે મનને તૈયાર કરું છું.

સ્વિત્ઝર્લેન્ડ પૃથ્વી પરનું સ્વર્ગ. કાફલો એ તરફ પ્રયાણ કરે છે, મનમાં અનેક કલ્પનાઓ ને વિચારો લઈને અમે બધા ચાલી નીકળ્યા in search of heaven....

સ્વિત્ઝર્લેન્ડ
-------
અમે મોટાભાગની મુસાફરી બસ દ્વારા જ કરી અહીંના થોડા નિયમો જણાવી દઉં ત્યાં સુધીમાં સ્વિત્ઝર્લેન્ડ આવી જાય. અહીં દર ચાર કલાક પછી બસ ને અડધો કલાક સ્ટોપ કરવાનો. બસ મા ટેકો મીટર હોય જેમા વાહનનો ટાઈમ, સ્પીડ, સેવ થાય. દરેક ચાલક ના પોઇન્ટ તેની પાસે ના કાર્ડ મા સેવ થાય.  જો કોઈ પણ જાતની મિસ્ટેક કરે તો જ્યારે ચેકીંગ થાય ત્યારે કાર્ડ મા સેવ ડેતા જોઈ શકાય જેના આધારે પોઈન્ટ ઘટે એટલે ચાલકને સસ્પેન્સ કરી નાખવામાં આવે. શુ નિયમ.

તમે અહીં નવ કલાક જ બસ ચલાવી શકે. 12 દિવસ પછી એક દિવસ ની રજા મળે. બસ મા વાઈબ્રેશનની વ્યવસ્થા હોય તમારી બસ થોડી પણ રોડ થી નીચે જાય એટલે વાઈબ્રેશન થાય એટલે ચાલક સચેત બની જાય. પેટ્રોલ પમ્પ પર માણસ નહિ કાર્ડ નાખીને પેટ્રોલ પુરવાનું, ટોલ નાકા પણ મશીન સંચાલિત કાર્ડથી જ બધો વહીવટ કરવાનો. જો નિયમ તોડો તો દંડ જ એવડો હોય કે એના કરતા તો ન તોડ્યો હોત તો એવું થાય. 

અહીં કોઇ બીજા જન્મ ની વ્યાખ્યા પણ નથી તે છતાં લોકો ઈમાનદારીથી કર્મ કરે છે. આપણે તો એવી બીકે કરીએ કે આગલા જન્મ મા ફળ મળશે અહીં તો એવું કંઈ છે જ નહીં તો પણ લોકો ઈમાનદારીથી કામ કરે છે. 

આપણો તો જીવવાનો રસક્સ છુંટી જાય ખબર પડે કે તમે જે કર્મ કરો છો એનું કોઈ ફળ ક્યાંય નથી મળવાનું, આપણા કરતા આ લોકો ઈમાનદાર ને કેટલા કામના રહિત એમને તો બસ કામ કરવું ને એનું મહેનતાણું મેળવવાનું. એ જેમતેમ પણ કરી શકે કારણ કે એ તો પૂર્વ જન્મ મા માનતા જ નથી તો પણ પૂરતી દાનતથી કરે છે.

 સફર સ્વિત્ઝર્લેન્ડ તરફ જેમ આગળ વધે છે તેમ સ્વર્ગીય અહેસાસ થવા લાગ્યો છે. પહાડોનો દેશ. વાહ શુ અહીંનું વાતાવરણ.

વાતાવરણ કલા પર બહુ ઊંડી અસર પાડે છે. યુરોપની સઁસ્કૃતિ આટલી ફળીફૂલી છે એનું એક કારણ અહીંનું સ્વચ્છ, શાંત વાતાવરણ પણ છે. સર્જકોને અહીં પૂરતો અવકાશ મળી રહે છે ખીલતી ચાંદની, ઉગતો સૂર્ય, સાધના માં ડૂબેલા વૃક્ષો, હળવો વરસતો સફેદ ચાંદની જેવો બરફ, આહલાદક શીતળતા...ઓહોહો મન પ્રફુલ્લિત થઈ ગયું.

સ્વિત્ઝર્લેન્ડ વિશે થોડું જાણીએ...સ્વિસ ની વસ્તી 72 લાખ ની છે , બર્ન તેનું કેપિટલ છે.અહીંની ભાષા  ફ્રેન્ચ, જર્મન, ઇટાલી, ત્રણેય બોલાય છે. ચોકલેટ, ટુરિઝમ, વૉચ મેકિંગ, મિલ્ક અહીંના મુખ્ય વ્યવસાયો છે. સ્વિસ ન્યુટ્રય દેશ છે, એટલે કે કોઈ પણ ઇન્ટરનેશનલ સમિતિનો સભ્ય નથી નાટો વગેરે નું પણ નહીં. સ્વીસને 26 કેન્ટોન, એટલે કે રાજ્યો છે. અહીં લોકોની 25 લાખ પર હેડ ઇન્કમ છે. સૌથી વધુ પર હેડ ઇન્કમ ધરાવતો દેશ સ્વિસ છે.

સ્વીસનો ફ્લેગ ચોરસ છે જે અહીં મિલિટરી ટ્રેનિંગ દરેક માટે ફરજીયાત છે. દરેક પુરુષોએ વર્ષ મા 3 વિક ટ્રેનિંગ લેવા જવાનું. દરેકને વેપન આપેલા જ હોય જ્યારે જરૂર પડે ત્યારે બધા યુદ્ધ માટે રેડી થઈ શકે. 3500ની જ  મિલિટરી છે પણ બધા શીખેલા હોય એટલે પળવારમાં 16 લાખ ઉભા થઇ શકે.

અહીં હોટેલ બધા મા બંકર બનાવવું ફરિજિયાત છે. જેથી સંકટ વખતે તેમાં જઇ શકાય કારણ કે સ્વિસ ની બધી બાજુ દુશ્મન દેશો જ છે. સ્વિસ મા 1484 લેક ને 140 ગ્લેશિયર છે. અહીં દરેક માઉન્ટન પર જવા માટે અલગ અલગ વ્યવસ્થા, ક્યાંક ટ્રેન, તો ક્યાંક રોપવે. હેવન ઓફ ચોકલેટ ઇઝ સ્વિસ... અહીંની ચોકલેટ બહુ વખણાય.

અહીં બહુ સરળતાથી કોઈને સ્થાયીત્વ એટલે કે સીટીઝન મળતું નથી પણ ચાર્લી ચેપ્લિન ને અહીંની સરકારે આ માન આપ્યું હતું, પોતાના જીવનના છેલ્લા દિવસો એમણે અહીં ગાળ્યા હતા.

સ્વિત્ઝર્લેન્ડની હસીન વાદીઓ મા આવી ગયા ને પહેલું સીટી છે, ઝયુરિચ...
ઝયુરિચ
-------
ઝયુરિચ સ્વીઝનું આર્થિક હેડક્વાર્ટર છે, અહીં પગપાળા બાનોત્રાસે રોડ પરથી બે ચર્ચ જોયા. ખૂબ જ સુંદર શહેર ને હંમેશની જેમ જ સાંસ્કૃતિક પણ. પહેલા ગોલ્ડ ટ્રેડિંગ માટેનું મુખ્ય મથક ઝયુરિચ રહેતું જોકે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે નથી રહ્યું. આઈન્સ્ટાઈન ઝયુરિચ ની યુનિવર્સિટીમાં ભણેલા. તે યુનિવર્સિટી નું દૂરથી દર્શન કર્યું.

સ્વિસ મા 1500 લેક છે. એરિયા મુજબ લેક ના નામ રાખવામાં આવે છે. 1030 જેટલા ફુવારા છે. એમાંની જ એક લેક એટલે ઝયુરિક લેક...આ લેક પરથી યુરોપનો સૌથી મોટો ફોલ જોઈ શકાય છે રાઈન ફોલ્સ...

આ ફોલમાં બરફનું પાણી પણ ભળે છે એટલે એ સતત ચાલુ જ રહે છે, સુકાતો નથી. રહાઇન ફોલ્સ પર આટલા કલબલાટ વચ્ચે પણ જળ પ્રપાતનો અવાજ સાંભળી શકાય છે. પાણી પણ એકદમ ચોખ્ખું, નાની નાની માછલીઓ તમે એમાં વહેતી જોઈ શકો છો. કેટલી સુંદર કુદરતની કરામત. 

માઉન્ટ ટીટલીસ
-----------
એડલબર્ગ મા રાત રોકાઈને અમે ઉપડયા શિખરો સર કરવા એટલે કે માઉન્ટ ટીટલીસ...સમુદ્ર ની સપાટીથી 4000 મીટરની ઉંચાઈએ આવેલું માઉન્ટન. માણસ ધારે તો શું ન કરી શકે, પ્રકૃતિ ને ટેક્નોલોજીની જુગલબંધી જોવી હોય તો અહીં મળી જશે. ઉપર જવા માટે કેબલ કાર  મા જવાનું ને બુદ્ધિ કામ ન કરે એવી વ્યવસ્થા. આપણે આ ટેકનોલોજી આવતા તો સદીઓ આવી જશે. 

ટીટલીસ સુંદરતા તો બેનમૂન છે જોકે આપણું મનાલી પણ પણ કઈ કમ નથી તે છતાં ઉંચાઈ એ અહીં ની ખાસિયત છે. ને જવાની વ્યવસ્થા એટલે કે રોપ વે પણ ખૂબ જ સુંદર. તમે હવામાં લટકતા હોવ ને નીચેથી ગાયના ગળામા બાંધેલા ઘંટનો અવાજ સંભળાતો હોય શી અદભુત નઝારો. જાણે એમ જ લટકતું રહેવાનું મન થઇ જાય. પણ એ તો શક્ય જ નથી અમે પહોંચ્યા બરફની ચાદર ઓઢીને હમણાં જ ઉભા થયેલા આલ્પ્સ ના શિખરો પર. શુ સફેદી ઓઢી હતી. ને બરફથી રમવાની મજા તો કઈ ઓર જ છે. હાથ ધ્રુજતા હોય તો પણ મનને રોકી ન શકાય. ત્યાં ઝુલતા પુલ પર ક્લીફ વૉક કરવાની પણ મજા ઓર છે. પણ ધ્રુજતા ધ્રુજતા જ થાય હો. ચારે બાજુ ને નીચે જુઓ તો પણ બરફ ને એકદમ ઠંડો પવન.

માઉન્ટન ઉપરથી જ તમને આઇસ ફ્લેયર પર આખો પર્વત બતાવે, આઇસ ફ્લેયર પર બેસવાનો પણ એક અનેરો આંનદ છે. તમારા પગ હવામાં લટકતા હોય. મસ્ત ફિલિંગ આવે થોડી ભયપ્રદ પણ ખરી કે હેમખેમ પાછા પહોંચી જઈએ..જો કે પહોંચી જવાના જ હોઈએ પણ મન રહયુને શંકાશીલ...ફરી કેબલ કાર દ્વારા જ નીચે ઉતર્યા. ફરી પાછા એ જ રોમાંચ, ને ટેકનોલોજી પર તો વારી જઈએ એવી વ્યવસ્થાના અહોભાવ સાથે બસ સુધી આવ્યા.

ત્યાંથી ચાલ્યા એક લાયન મોન્યુમેન્ટ નિહાળવા.

લ્યુશન
------ 
લ્યુશન સીટી મા એક લાયન મોન્યુમેન્ટ છે.લ્યુશન 60000 ની વસ્તી ધરાવતું શહેર છે.  મોંક એટલે પાદરીએ આ શહેર વસાવેલું. સ્વિસ નું સૌથી સુંદર શહેર આ છે. લેક લ્યુશન પર આવેલું છે, શહેર પરથી જ લેકનું નામ પડ્યું છે. અહીં 7 અલગ અલગ લેક મળે છે.  

લાયન મોન્યુમેન્ટ. ફ્રેન્ચ રેવોલ્યુશન માં બધાને અહીં ગિલોટ એટલે કે ફાંસી આપી  હતી. એ સમયે સ્વિસ સરકારે 760 સોલ્જરને લડવા  મોકલેલા.એ બધા જ  શહીદ થઈ ગયા. તેની યાદ મા એક લાઈમ સ્ટોન પર  6 મીટર ઉંચો લાયન મોન્યુમેન્ટ બનાવેલો છે, સિંહના પેટમાં એક ભાલો છે, છતાં એની ખુમારી ઓછી થઈ નથી, મોન્યુમેન્ટ જોઈને એ 760 સૈનિકોની ખુમારી પર માંન થઇ જાય.

અહીં જ આગળ bmw કારની ફેકટરી પણ છે. 

ટીટલીસ પછીનું બીજું શહેર એટલે, ઝુમફ્રો 

ઝૂમફ્રો
-----
ઝુમફ્રો એટલે યંગ લેડી.આ શિખર 3246 મીટર સમુદ્રની સપાટીથી ઊચો. ટ્રેન દ્વારા અહીં જવાની વ્યવસ્થા છે. તમારે બે ટ્રેન બદલવી પડે. આ ટ્રેન 125 વર્ષ જૂની છે, પણ વેલ મેઇન્ટેઇન એક ખરોચ પણ નહીં, કેટલી જાળવણી! ટ્રેન મા તમે આસપાસનો નજારો જોઈ શકો. ને તમારી જાતને ભાગ્યશાળી માનતા રહો કે આવો નઝારો જોવાનો મોકો તમને મળ્યો. બરફની વાદીઓ ને વચ્ચે ડોકિયું કરી જતો સૂર્ય, અકલ્પનિય ને રમણીય દ્રશ્ય. બે કલાકની ટ્રેનની મુસાફરીમાં તમે ખરેખર સ્વર્ગીય અનુભવ કરી શકો, બધું ભૂલીને બસ પ્રકૃતિને માણી શકો.

ઝુમફ્રો મા પહોંચ્યા ત્યારે ખાલી ફ્રીઝરમાં બરફ જોવા ટેવાયેલા અમે બધા ગદગદિત થઈ ગયા. ઝુમફ્રોચમા લગભગ સાત અલગ અલગ જગ્યાએ અકલ્પનિય દ્રશ્યજગત નિહાળવાનું છે.

 ટ્રેન વચ્ચે પાંચ મિનિટ બ્લુઈશ મા થોભે છે જ્યાં તમે બરફની ચાદર એક કાચની વિન્ડો માંથી જોઈ શકો છો. તમને અહેસાસ કરાવવા કે ટ્રેન ની વ્યવસ્થા કઈ રીતે ઉભી થઇ હશે અહીં, બધે સફેદી જ સફેદી. હજુ તો આગળ વધવાનું બાકી છે એવું પણ લાગે કે આગે આગે દેખીએ હોતા હૈ ક્યાં?પહેલું છે ટોપ ઓફ ધ યુરોપ..ખરેખર મને તો દુનિયાનું છપરું હોય એવું લાગ્યું. 

એટલે કે સ્પીનિક ટેરેશ કે જયાંથી તમે બીજા દેશોની સરહદો જોઈ શકો છો. પણ બધું હોય બરફથી ઢંકાયેલું એટલે સરહદોનો ભેદ પાડવો શક્ય ન પણ બને. ને આમ પણ કુદરત ક્યાં આ ભેદ પડે જ છે એ તો બધી માનવ મનની પેદાશ છે ને! પણ ખરેખર ટોપ ઓફ ધ યુરોપ એટલે સ્વર્ગનું દ્વાર જ જોઈ લો જ્યા ફક્ત શ્વેત રંગ જ જોવા મળે. હા ત્યાં તમે કૃષ્ણ કાગડા જોઈ શકશો જે તમારા હાથમાંથી ખાવાનું પણ આરોગે. 

બીજા નંબર પર આવે છે આલ્પાઇન સેન્સેશનલ, ઝુમફ્રૉમા બનેલી રેલ લાઇનના ફોટો તમને અહીં જોવા મળશે જેમ જેમ આગળ વધતા જશો એમ ઠંડીનો અહેસાસ થવા લાગશે ને પછી આવશે આઇસ પેલેસ

વાહ આઇસમાંથી બનાવેલા અદ્ભૂત નમૂનાઓ. જેમાં ઇગલ, બેર, અને પેગ્વીન..ને બીજા પણ ઘણા બધા નમૂનાઓ.