Satkarm books and stories free download online pdf in Gujarati

સતકર્મ

"આ તમને આવી કેવી કમતી સુયઝી, તી ગામનું ભલું કરવા ઉયઠા, કઈ દવ છું, એ ફરેલ રમલીનું ઘર બંધાવા જતા ક્યાંક તમારું જ ઘર ભાંગી ન જાય ઇ જોજો."

તાવડી મા બાજરાનો રોટલો નાખતી નાખતી સમજુ બરાડા પાડી રહી હતી, ભુદર બેઠો બેઠો સાંભળતો હતો. એના મુખ પર કોઈ પણ પ્રકારના ભાવો ન હતા, એ કોઈ યોગી તો ન હતો કે શૂન્યમન્સક બનીને બેઠો રહે, પણ હમણાથી એના મનમાં ચાલતી ગડમથલ સમજવી બહુ અઘરી બની ગઈ હતી.

ભુદર ઉભો થયો એટલે સમજુ વળી પાછી બરાડી,

"આ રોટલો ટીપી નાયખો છે તી ખાતા જાવ વળી પાછો કૂતરાને નાખી દેવો પડશે."

ભુદર રોબોટની જેમ પાછો આવ્યો ને એક રોટલાનો ટુકડો ભરી ઉભો થઇ ગયો. સમજુએ પાછા ફરીને જોયું ત્યાં તો થાળી એમની એમ પડી હતી. ને સમજુનો વાણીપ્રવાહ ચાલુ થયો. ભુદર તો કાંઈ પણ સાંભળ્યા વગર ઘરની બહાર નીકળી ગયો.

આમ તો ભુદર કાંઈ પરિચયની લાયક ન હતો. એના વિસ્તારનો નામચીનમાંનો એક હતો. એ કંઈ વખાણ ને પણ લાયક ન હતો. લાંબી મૂછો ને મેલાં વાળ. આંખો પર તો સદા કેફ ચડેલો જ હોય. ને એને વધુ ભયંકર બનાવતું હતું એ નિશાન જે એની આંખ ઉપરથી છેક ગાલ સુધી લંબાયું હતું. આ નિશાન એની ભયાનકતામાં કલગીરૂપ હતું, કેમ કે તેર વર્ષની ઉંમરે જ એણે આ કાળુની સામે ધીંગાણું કરીને ભેટરૂપે મેળવ્યું હતું.

ભુદરે પોતાના જીવનમાં સારું કહી શકાય એવું એક પણ કામ કર્યું ન હતું. મારામારી, ગાળાગાળી ને નશો કરીને માથાકૂટ કરવી એના મનગમતા કામ હતા. સારા ને પ્રતિષ્ઠિત માણસો તો ભુદરનું નામ લેવામાં પણ પાપ સમજતા.

સમજુ તો નામ પ્રમાણેના ગુણો બાળપણમા ધરાવતી હોય તો ઇશ્વર જાણે. પણ ભુદરનું ઘર માંડયા પછી તો એના નામના ગુણો ખૂણો પકડીને બેસી ગયા હતા. ભુદરથી કંટાળીને એ આવી બની ગઈ કે એનાથી કંટાળી ભુદર, એ તો રામ જાણે, પણ સપ્તપદીના ફેરા આ દંપતીને જોઈને સાતમાંથી ચાર થઈ ગયા હોય તો નવાઈ નહિ.

ઘરના કજિયા કંકાસનું ફલત: પ્રતિબિંબ એટલે 'નરેશ', "ભુદરાનો નરયો"

નખશીખ ચીડથી ભરેલું અતૂટ પાત્ર, કે જેમાં પથ્થર મારો તો એ પણ ખરડાઈ જાય. નરેશની આંખોમાં ખિન્નતાનો સાગર છલકાતો. એની કીકીઓનો રંગ જ એવો કે કોઈ ધારીને એની સામું જોઈ જ ન શકે. ડરની મારી કે પછી ગમે તે કારણ હોય તમારે નજર ફેરવવી જ પડે, કારણ કે નરયો તો પાછો વળે જ નહીં, માણસને પગથી માથા સુધી ધારી ધારીને જોવાની ટેવ સામાને પણ ડરાવી જાય.

શબાનાનો મહમદ તેનો પહેલેથી જ પાકો ભેરુ, એની પાસેથી સુરમો આંજતા શીખ્યો, ઘોર અંધારામાં પણ રાની પશુની આંખો જેમ ચમકે એમ નરેશની આંખો સુરમાંથી ચમકતી. એની આંખો જ એને વધુ બિહામણો બનાવતી.

ભુદર ને સમજુએ ક્યારેય ટકોર તો કરી ન હતી, એટલે નરેશને સારા ખરાબની તો ક્યારેય સાન આવી જ ન હતી. વ્યસનો તો એને વારસામાં મળેલા, સમજુ આખો દિવસ મોઢામાં માવો ચડાવીને જ બેઠી હોય. ને ભુદરે તો એક એવી અખાદ્ય વસ્તુ નહિ હોય જેનો પ્રસાદ ગ્રહણ નહિ કર્યો હોય, જેલની હવા પણ તેને માફક આવી ગઈ હતી. નરેશે પોતાના પિતાને સળિયા પાછળ જ જોયો હતો. એટલે એને કોઈ નવાઈ ન હતી.

રોજની માફક આજે પણ સમજુ ને ભુદરની માથાકૂટ ચાલુ જ હતી. ને આ વખતે માથાકૂટ હર વખત જેવી ન હતી, કે થોડી વારમાં શમી જાય. ભુદર તો ક્યારેય જતું ન હતો કરતો, પણ આ વખતે તો સમજુ પણ મોળું મૂકે તેમ ન હતી.

આજે તો સમજુનો પારો સાતમા આસમાને હતો,

"કઈ દવ સુ હો, આ વખતે તમારી મનમાની નઈ હાલે. મેં તો આખી જિંદગી તમારી હારે માથાકૂટમાં કાઢી, મારા નરયામાં તમારું નહિ હાલે, એક વાતની સો વાત તમે કયો સો એમ તો થાવા જ નઈ દવ."

ભુદર એમ કાંઈ ખાધોલીધો જાય તેમ ન હતો, ને કોઈનુંય માને એ ભુદર કેવાનો. પણ આ વખતે તો એને પણ લાગ્યું કે સમજુ માનવાની નથી.

પણ ભુદરે તો નક્કી જ કરી લીધું હતું,

"તારે કરવું હોય ઇ કરજે, ધાયરૂ તો મારું જ થાવાનું સે, ઉંચી પછડા કે નીચી તારું તો નઈ જ હાલે, ભલેની મારું ઘર ભાંગતું, પણ રમલીનું ઘર તો બંધાહે જ. એના હારુ જેલ મા આખી જંદગી કાઢવી પડે તો ઇમ."

ખરાબ કામ માં જે વ્યક્તિ પોતાનો જીવ રેડી દેતો હોય તે જ્યારે સારું કર્મ કરવા ધારે ને ત્યારે પોતાનો આત્મા રેડી દે છે, પછી એ વ્યક્તિ એવી તો ક્રાંતિકારી બની જાય છે કે એને કોઈનીય પરવા રહેતી નથી. ખરાબ વ્યક્તિ જ્યારે સારી બને છે ને ત્યારે તેનું હૃદય કોમળ હોય છે ને એના જેવી પ્રામાણિકતા તો કોઈ દાખવી શકતું નથી. એને બરાડા પાડીને કહેવાની લાલચ નથી હોતી કે પોતે શુ કરે છે. કારણ કે તેને મુખવટાની આદત નથી હોતી. ભુદર કઈક અંશે એવો જ બની ગયો હતો.

એના મનમાં શુ ચાલી રહ્યું હતું એ તો એનો ભગવાન જાણે, પણ એણે જે ધાર્યું હતું એ કરીને જ રહેશે એવું તો ચોક્કસ લાગતું હતું.

ભુદરે મનોમન નક્કી કરી લીધું હતું કે જીવનભર કોઈ સારું કાર્ય તો કર્યું નથી, પણ એક તો સતકર્મ કરતું જવું છે, ને એના માટે એ સમગ્ર દુનિયા સામે ઉભો રહેવા તૈયાર થયો હતો.

હવે સતકર્મ ને કુકર્મ વચ્ચેનો ભેદ ભુદરને તો ક્યાંયથી ખબર પડે, એણે તો જીવનભર ચોરી, લૂંટ ને મારામારી જ કરી હતી.

જેલમાં એક સારો માણસ મળી ગયો, પ્રશ્ન થાય કે જેલમાં સારી વ્યક્તિ ક્યાંથી? પણ કોઈ પણ વ્યક્તિ આખેઆખી ખરાબ ન હોય તેમાં કાંઈક તો સારું પણ હોય ને! આવા જ કોઈ માણસે સલાહ આપી હતી કે ભુદરભાઈ મર્યા પેલા એકાદ સતકર્મ થઈ જાય ને તો ઉપરવાળા ને કાંઈક તો જવાબ આપી શકાશે. બને તો એકાદ સારું કહેવાય એવું કામ કરજો, જેથી મનને સંતોષ તો થાય.

બસ ત્યારથી ભુદર ને મનમાં ગાંઠ વળી ગઈ હતી કે એકાદ સારું કાર્ય કરતું જવું.

રમલીના લગ્ન કરાવવા એ ભુદર માટે સતકર્મ હતુ, હવે એના મનમાં શુ ગડમથલ ચાલતી હતી તે તો ભગવાન જાણે પણ પોતાના ઘરના સામે બળવો કરવા પણ તે તૈયાર હતો.

રમલી એ ગામ આખાને ચકરાવે ચડાવે એવી છોકરી, આંખના ઉલાળા તો એવા કે બીજી સ્ત્રીઓ ને ચીડ ચડવા મંડે.એની ભરાવદાર દેહાવલી ગામના યુવાન ને વડીલ બધાને નચાવતી. કોઈએ ક્યારેય ટોકી ન હતી એટલે હદથી વધારે બેકાબુ બની ગઈ હતી રમલી.

એવી રમલીના લગ્નની જવાબદારી ભુદરે લીધી હતી. વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. કેવીને કેવી વાતો થતી. પણ ભુદર ને કયા કોઈનીય પડી હતી. બધાની સામે બળવો કરીને પણ તેણે રમલીને પરણાવવાની નેમ લીધી હતી.

ને પરણાવવી હતી પણ કોની સાથે, પોતાના જ નરેશ સાથે. એટલે તો સમજુ સામી થતી હતી પણ કાંઈ થઈ તેમ ન હતું. નરેશની એક જ તમાચો મારવો પડ્યો ને એ પરણવા ચાલતો થઈ ગયો.

ગામ આખામાં હાહાકાર થઈ ગયો. કે આ ભુદર શુ કરવા બેઠો છે. કોકનું પાપ પોતાના ઘરમાં ઘાલે છે.

ભુદર જાણતો હતો કે એ પાપ બીજા કોઈનું નહિ પણ પોતાના જ દીકરાનું હતું. નરેશ એટલે જ તો આંખ મેળવી શકતો ન હતો. ભુદરની અફસોસ તો થયો કે મારું લોહી આવું કપાતર પણ પછી થયું કે મારું લોહી આવું કરે એમાં શી નવાઈ મેં પણ ક્યાં કોઈ સતકર્મ કર્યું છે, ને એટલે જ આખી જિંદગી મા પહેલી વાર સતકર્મ કરવા જઇ રહ્યો હતો, રમલીને એનો હક ને એક નિર્દોષને છત્ર છાયા આપીને......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED